હોમપેજસ્પેશ્યલઅનેકવાર આક્રાંતાઓના નિશાને ચડ્યું હતું શ્રીજગન્નાથ મંદિર: વારંવારનાં ઇસ્લામી આક્રમણો વચ્ચે પણ...

અનેકવાર આક્રાંતાઓના નિશાને ચડ્યું હતું શ્રીજગન્નાથ મંદિર: વારંવારનાં ઇસ્લામી આક્રમણો વચ્ચે પણ જીવંત રહી સનાતન પરંપરા

ચાર સદીઓ સુધી ઇસ્લામી આક્રાંતાઓ શ્રીજગન્નાથને શોધતા રહ્યા. પરંતુ ઇતિહાસનો અંતિમ નિર્ણય અલગ હતો. આક્રમણકારો ઇતિહાસનાં પાનાંમાં સમાઈ ગયા પણ શ્રીજગન્નાથ આજે પણ પોતાના શ્રીક્ષેત્રમાં બિરાજમાન છે.

- Advertisement -

રાત્રિનો છેલ્લો પ્રહર ચાલતો હતો. પુરીના શ્રીમંદિરમાં સામાન્ય દિવસો જેવી કોઈ ચહલપહલ નહોતી. ઘંટારવ બંધ હતો. શંખનાદ બંધ હતો. મહાપ્રસાદની રસોઈમાંથી નીકળતો સુગંધિત ધુમાડો પણ જાણે થંભી ગયો હતો. મંદિરના ઊંચા શિખર પર ફરકતી પતાકા સિવાય બધું જ અસામાન્ય લાગતું હતું. પરંતુ સૌથી વધુ અસામાન્ય વાત મંદિરની અંદર બની રહી હતી.

ગર્ભગૃહની બહાર દૈતા સેવકો એકઠા થયા હતા. તેમના ચહેરા પર ભય નહોતો, પરંતુ ઉતાવળ જરૂર હતી. થોડા સમય પહેલાં જ રાજદરબારમાંથી દૂત દોડી આવ્યો હતો. ઉત્તર તરફથી એક વિશાળ ઇસ્લામી સેના ઓડિશાની સરહદો પાર કરી ચૂકી હતી. રસ્તામાં આવતાં ગામો લૂંટાઈ રહ્યાં હતાં, મંદિરો તોડી પાડવામાં આવી રહ્યાં હતાં અને જે કોઈ પ્રતિકાર કરતું તેના માટે તલવાર જ જવાબ બની રહી હતી. હવે એ સૈન્યનું આગળનું લક્ષ્ય શું હશે એ સમજવા માટે કોઈ જ્યોતિષીની જરૂર નહોતી. સદીઓથી ઓડિશાની આસ્થા, રાજસત્તા અને ઓળખનું કેન્દ્ર રહેલું શ્રીજગન્નાથ મંદિર હવે તેમના માર્ગમાં હતું.

એ રાત્રે શ્રીમંદિરમાં કોઈ ઉત્સવની તૈયારી નહોતી થઈ રહી. ભગવાનને બચાવવાની તૈયારી થઈ રહી હતી. થોડી જ ક્ષણોમાં ગર્ભગૃહના દ્વાર ખુલ્યા. ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના વિગ્રહોને અત્યંત આદરપૂર્વક તેમના સિંહાસન પરથી ઉતારવામાં આવ્યા. રોજ લાખો ભક્તો જે વિગ્રહોના દર્શન માટે આતુર રહેતા હતા એ જ વિગ્રહોને હવે કોઈ ધામધૂમ વિના, કોઈ વૈભવ વિના અને કોઈ જાહેર જાણ વિના મંદિરની બહાર લઈ જવામાં આવી રહ્યા હતા. દૈતા સેવકો માટે આ માત્ર એક ધાર્મિક વિધિ નહોતી. આ તેમના જીવનનું સૌથી મોટું કર્તવ્ય હતું. જો ભગવાન બચી જશે તો મંદિર ફરી ઊભું થઈ જશે. જો ભગવાનના વિગ્રહો અને તેમની પરંપરા જ ન બચી શકે તો પથ્થરની ભવ્ય ઇમારતનો કોઈ અર્થ રહેવાનો નહોતો.

- Advertisement -

તે રાત્રે શ્રીમંદિરમાંથી રથયાત્રા નીકળી નહોતી. ભગવાનને બચાવવાની એક ગુપ્ત યાત્રા નીકળી હતી. ઘનઘોર અંધકારમાં થોડાક સેવકો ભગવાનના વિગ્રહોને લઈને જંગલ તરફ આગળ વધી રહ્યા હતા. તેમની પાછળ આખું પુરી સૂતું હતું. કોઈને ખબર નહોતી કે સવાર થાય ત્યાં સુધી શ્રીમંદિર ખાલી થઈ ચૂક્યું હશે. પરંતુ દૈતા સેવકો જાણતા હતા કે સવાર સુધી રાહ જોવાનો અર્થ ભગવાનને આક્રાંતાઓના હાથમાં સોંપી દેવાનો હતો.

આ દૃશ્ય શ્રીજગન્નાથના ઇતિહાસમાં માત્ર એક જ વખત બન્યું નહોતું. આવી રાતો વારંવાર આવી હતી. સદીઓ સુધી જ્યારે-જ્યારે ઇસ્લામી આક્રાંતાઓએ શ્રીજગન્નાથ મંદિરને નિશાન બનાવ્યું, ત્યારે-ત્યારે ભગવાનને ચિલિકા સરોવરના ટાપુઓમાં સંતાડવામાં આવ્યા, જંગલોમાં લઈ જવામાં આવ્યા, પહાડીઓ પર આવેલાં નાનાં મંદિરોમાં સ્થાપિત કરવામાં આવ્યા, ક્યારેક ખુરદા તો ક્યારેક કોડાલા સુધી પહોંચાડવામાં આવ્યા. આક્રમણકારો દર વખતે શ્રીમંદિર સુધી પહોંચ્યા, પરંતુ ભગવાન સુધી બહુ ઓછી વખત પહોંચી શક્યા અને જ્યાં પહોંચ્યા પણ ત્યાં પણ તેઓ શ્રીજગન્નાથની પરંપરાને નષ્ટ કરી શક્યા નહીં.

આજે કરોડો ભક્તો જે ભવ્ય રથયાત્રા જુએ છે તેની પાછળ માત્ર ભક્તિનો ઇતિહાસ નથી. તેની પાછળ ચાર સદીઓ સુધી ચાલેલી એવી સંઘર્ષગાથા છે, જેમાં દૈતા સેવકોએ પોતાના પ્રાણની પરવા કર્યા વિના ભગવાનને બચાવ્યા, ગજપતિ રાજાઓએ યુદ્ધો લડ્યા, ભક્તોએ અગ્નિમાંથી પણ ભગવાનના બ્રહ્મ તત્ત્વને બચાવી રાખ્યું અને એક પછી એક ઇસ્લામી આક્રમણો છતાં શ્રીજગન્નાથની પરંપરાને જીવંત રાખી.

ભારતના ઇતિહાસમાં મંદિરોએ અનેક આક્રમણો સહન કર્યાં છે. સોમનાથથી લઈને કાશી વિશ્વનાથ સુધી અનેક મંદિરોના ધ્વંસની વાતો જાણીતી છે. પરંતુ શ્રીજગન્નાથ મંદિરનો ઇતિહાસ એક બાબતમાં સૌથી અલગ છે. અહીં પ્રશ્ન માત્ર મંદિર તૂટવાનો નહોતો. અહીં પ્રશ્ન હતો ભગવાનને કેવી રીતે બચાવવા? અને કદાચ એટલા માટે જ શ્રીજગન્નાથનો ઇતિહાસ માત્ર પથ્થરની ઇમારતનો ઇતિહાસ નથી. તે ભગવાનને જીવંત રાખવા માટે લડાયેલા એક અવિરત યુદ્ધનો ઇતિહાસ છે.

આખરે શ્રીજગન્નાથ મંદિર જ વારંવાર નિશાન કેમ બન્યું?

જો કોઈ આક્રમણકાર માત્ર સંપત્તિ લૂંટવા માંગતો હોત તો પૂર્વ ભારતમાં તેની સામે અનેક સમૃદ્ધ નગરો હતાં. જો માત્ર રાજકીય વિજય હાંસલ કરવાનો હેતુ હોત તો કિલ્લાઓ અને રાજધાની પર કબજો મેળવવો પૂરતો હતો. પરંતુ શ્રીજગન્નાથ મંદિર પર થયેલાં વારંવારનાં આક્રમણો દર્શાવે છે કે તેનું મહત્ત્વ માત્ર એક સમૃદ્ધ મંદિર જેટલું નહોતું. તે આખા ભારતનો આત્મા હતો.

બારમી સદીમાં ગંગ વંશના મહાન શાસક અનંગભીમદેવ ત્રીજાએ એક એવો નિર્ણય લીધો જેણે શ્રીજગન્નાથ મંદિરને માત્ર ધાર્મિક કેન્દ્રમાંથી રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્રમાં પરિવર્તિત કરી દીધું. તેમણે જાહેર કર્યું કે ઓડિશાના સાચા રાજા તેઓ નથી. રાજ્યના સર્વોચ્ચ શાસક તો સ્વયં ભગવાન જગન્નાથ છે અને ગજપતિ રાજા માત્ર તેમના પ્રતિનિધિ તરીકે રાજ્ય ચલાવે છે. આ નિર્ણય પછી શ્રીજગન્નાથ માત્ર પૂજનીય દેવ રહ્યા નહીં. તેઓ રાજ્યસત્તાનું પ્રતીક બની ગયા. પ્રજાની આસ્થા, રાજાની સત્તા અને સમગ્ર ઓડિશાની ઓળખ એક જ કેન્દ્રમાં આવીને જોડાઈ ગઈ– શ્રીજગન્નાથ.

આ જ કારણ હતું કે ઇસ્લામી આક્રાંતાઓ માટે શ્રીજગન્નાથ મંદિર પર હુમલો માત્ર લૂંટનો વિષય નહોતો. મંદિરને તોડી પાડવું, તેની સંપત્તિ લૂંટવી કે વિગ્રહોને નષ્ટ કરવાનો પ્રયાસ કરવો એ હિંદુ સમાજના મનોબળને તોડવાનો પ્રયાસ પણ હતો. કારણ કે તેઓ જાણતા હતા કે શ્રીજગન્નાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, તે ઓડિશાની રાજકીય અને સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર છે. મંદિર પર પ્રહાર એટલે આખા પ્રદેશની આત્મા પર પ્રહાર.

પરંતુ કદાચ તેઓ એક વાત સમજી શક્યા નહીં. શ્રીજગન્નાથ માત્ર શ્રીમંદિરના ગર્ભગૃહમાં બિરાજતા ભગવાન નહોતા. તેઓ પોતાના ભક્તોના હૃદયમાં બિરાજતા હતા અને આ જ કારણ છે કે ચારસો વર્ષ સુધી ચાલેલાં એક પછી એક ઇસ્લામી આક્રમણો છતાં શ્રીજગન્નાથની પરંપરા જીવંત રહી. મંદિર પર પ્રહાર થયા, વિગ્રહોને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થયા, ભક્તોની હત્યા થઈ, સંપત્તિ લૂંટાઈ, પરંતુ દરેક વખતે દૈતા સેવકો ભગવાનને લઈને પહેલાં જ નીકળી પડ્યા.

ક્યારેક તેઓ જીત્યા. ક્યારેક તેઓ ભગવાન સુધી પહોંચી પણ ગયા. પરંતુ તેઓ ક્યારેય શ્રીજગન્નાથને હરાવી શક્યા નહીં.

ચૌદમી સદી સુધી શ્રીજગન્નાથ મંદિરનું જીવન લગભગ અવિરત રીતે આગળ વધતું રહ્યું. ગંગ વંશના રાજાઓએ મંદિરને ભવ્યતા આપી હતી. પુરી ધીમે-ધીમે સમગ્ર ભારતના મુખ્ય તીર્થોમાં સ્થાન પામી રહ્યું હતું. દર વર્ષે હજારો યાત્રાળુઓ શ્રીજગન્નાથના દર્શન માટે આવતા, મહાપ્રસાદની સુગંધ આખા શ્રીક્ષેત્રમાં ફેલાતી અને રથયાત્રા માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ આખા રાજ્યની ઓળખ બની ગઈ હતી. કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે થોડાં જ વર્ષોમાં આ જ શ્રીમંદિરને વારંવાર પોતાના ભગવાનને છુપાવવાની ફરજ પડશે. સદીઓથી જ્યાં શંખનાદ ગૂંજતો હતો, ત્યાં હવે ઘોડાઓની ટાપ સંભળાવાની હતી. જ્યાં ભક્તિનું સંગીત વહેતું હતું, ત્યાં હવે તલવારોના ઘર્ષણનો અવાજ આવવાનો હતો.

પૂર્વ ભારતમાં એ સમય સુધી રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી હતી. બંગાળમાં ઇસ્લામી સલ્તનત મજબૂત બની ચૂકી હતી. એક પછી એક સૈન્ય અભિયાનો દ્વારા પૂર્વ ભારતના વિસ્તારો પર પ્રભુત્વ સ્થાપિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. ઓડિશા માત્ર એક રાજ્ય નહોતું. તે હજુ પણ હિંદુ શાસન હેઠળનો સમૃદ્ધ અને સાંસ્કૃતિક રીતે સશક્ત પ્રદેશ હતો. શ્રીજગન્નાથ મંદિર તેની આત્મા હતું. જે કોઈ ઓડિશાને ઝુકાવા માંગતો તો તેની નજર અંતે શ્રીજગન્નાથ પર જ જતી. કારણ કે મંદિર પર પ્રહાર માત્ર પથ્થરની ઇમારત પરનો હુમલો નહોતો, તે આખા પ્રદેશના આત્મવિશ્વાસને તોડવાનો પ્રયાસ હતો.

બંગાળ સલ્તનથી શરૂ થયા ઇસ્લામી હુમલા

આ જ પરિસ્થિતિમાં બંગાળ સલ્તનતના સ્થાપક શમ્સુદ્દીન ઇલિયાસ શાહે ઓડિશા તરફ કૂચ કરી. ઐતિહાસિક સ્રોતો જણાવે છે કે તેના અભિયાન દરમિયાન માર્ગમાં આવેલા અનેક વિસ્તારોમાં લૂંટફાટ અને વિનાશ થયો. જ્યારે તેની સેના શ્રીક્ષેત્ર તરફ આગળ વધી રહી હતી ત્યારે પુરીમાં ભયનું મોજું ફરી વળ્યું. યાત્રાળુઓના સ્થાને હવે દૂત દોડી રહ્યા હતા. દરેક સમાચાર વધુ ભયંકર હતા. ગામો સળગી રહ્યાં હતાં. મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. રસ્તામાં વિરોધ કરનારાઓને તલવારથી ચૂપ કરવામાં આવી રહ્યા હતા. હવે પ્રશ્ન એ નહોતો કે આક્રમણકારો આવશે કે નહીં. પ્રશ્ન માત્ર એટલો જ હતો કે તેઓ શ્રીમંદિર સુધી પહોંચે તે પહેલાં ભગવાનને સુરક્ષિત સ્થળે લઈ જઈ શકાશે કે નહીં.

દૈતા સેવકો માટે આ નિર્ણય લેવામાં સમય લાગ્યો નહીં. તેમણે કદાચ એ દિવસ સુધી ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે ભગવાનને પોતાના જ ધામમાંથી બહાર લઈ જવાનો દિવસ આવશે. પરંતુ તેમની પરંપરા કહેતી હતી કે ભગવાનની સેવા જ સર્વોચ્ચ છે. મંદિર પછી પણ ઊભું થઈ શકે, પરંતુ ભગવાનના વિગ્રહો અને તેમની સેવા બચવી જોઈએ. તેથી શ્રીમંદિરના દ્વાર અંદરથી બંધ થયા, ગર્ભગૃહમાં જરૂરી વિધિઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવી અને ભગવાન જગન્નાથ, બળભદ્ર તથા સુભદ્રાના વિગ્રહોને ગુપ્ત રીતે બહાર લઈ જવામાં આવ્યા. આક્રમણકારો જ્યારે શ્રીમંદિર સુધી પહોંચ્યા, ત્યારે તેમને મંદિર મળ્યું, સંપત્તિ મળી, પરંતુ ભગવાન મળ્યા નહીં. ઇતિહાસમાં કદાચ આ પ્રથમ પ્રસંગ હતો જ્યારે શ્રીજગન્નાથને પોતાના જ ધામમાંથી સુરક્ષા માટે બહાર લઈ જવા પડ્યા.

ઇલિયાસ શાહનું સૈન્ય પાછું ફર્યું, પરંતુ પુરીમાં કોઈ ઉત્સવ મનાવવામાં આવ્યો નહીં. કારણ કે લોકો સમજી ગયા હતા કે આ માત્ર શરૂઆત હતી. જે એક વાર બન્યું છે તે ફરી પણ બની શકે છે. શ્રીમંદિરના સેવકો માટે આ માત્ર એક ઘટનાનો અંત નહોતો. આ એક નવી જવાબદારીની શરૂઆત હતી– દર વખતે ભગવાનને બચાવવાની જવાબદારી.

સમય થોડો આગળ વધ્યો. ઘા રૂઝાવા લાગ્યા. મંદિરમાં ફરી સેવા શરૂ થઈ. યાત્રાળુઓ ફરી આવવા લાગ્યા. એવું લાગતું હતું કે શ્રીક્ષેત્ર ધીમે-ધીમે સામાન્ય જીવન તરફ પાછું ફરી રહ્યું છે. પરંતુ ઇતિહાસે ફરી એકવાર કરવટ લીધી.

દિલ્હી સલ્તનતનો શાસક ફિરોઝ શાહ તુઘલક પૂર્વ તરફ આગળ વધ્યો. તેના અભિયાનના સંદર્ભમાં વિવિધ ઐતિહાસિક સ્રોતો શ્રીજગન્નાથ મંદિર પર હુમલો અને વિનાશનો ઉલ્લેખ કરે છે. કેટલાંક પરંપરાગત વર્ણનોમાં તો એવો દાવો પણ કરવામાં આવે છે કે ભગવાનના વિગ્રહોને સમુદ્રમાં ફેંકવાનો પ્રયાસ થયો હતો, જોકે આ ચોક્કસ ઘટનાને લઈને ઇતિહાસકારોમાં મતભેદ છે. પરંતુ એક વાત નિર્વિવાદ છે કે શ્રીજગન્નાથ મંદિર ફરી નિશાન બન્યું.

ફરી એ જ દૃશ્ય. ફરી ગર્ભગૃહમાં ઉતાવળ. ફરી ભગવાનને બહાર લઈ જવાની તૈયારી. ફરી જંગલોના માર્ગ. ફરી ગુપ્ત પૂજા. ફરી એવી પ્રાર્થનાઓ, જેમાં ભક્તો ભગવાન પાસે પોતાના માટે નહીં, પરંતુ ભગવાનની જ રક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. કદાચ આ દુનિયાની સૌથી અનોખી પરિસ્થિતિ હશે, જ્યાં ભક્તો પોતાના આરાધ્યને બચાવવા માટે પોતાના પ્રાણ જોખમમાં મૂકી રહ્યા હતા. જોકે, તુઘલક મંદિર સુધી પહોંચ્યો, પણ તેને મૂર્તિઓ ન મળી શકી. તેણે મંદિરને નાબૂદ કરી નાખ્યું અને તમામ ખજાનો લૂંટીને આગળ વધ્યો.

સમય ફરી આગળ વધ્યો. ગજપતિ શાસન મજબૂત બન્યું. રાજા પ્રતાપરુદ્ર દેવના સમયમાં ઓડિશા ફરી એકવાર શક્તિશાળી રાજ્ય તરીકે ઉભર્યું. પરંતુ ઉત્તર સરહદો પરનું દબાણ ક્યારેય સંપૂર્ણપણે ઘટ્યું નહીં. બંગાળ સલ્તનતના સેનાપતિ ઇસ્માઇલ ગાઝીએ જ્યારે ઓડિશા તરફ કૂચ કરી ત્યારે શ્રીમંદિરમાં કોઈ ગભરાટ જોવા મળ્યો નહીં. આ વખત સુધી દૈતા સેવકો જાણે આવી પરિસ્થિતિ માટે તૈયાર થઈ ચૂક્યા હતા. તેઓ જાણતા હતા કે શું કરવાનું છે.

આ વખતે ભગવાનના વિગ્રહોને ચિલિકા સરોવર તરફ લઈ જવામાં આવ્યા. ચિલિકા માત્ર એક સરોવર નહોતું. થોડાં જ વર્ષોમાં તે શ્રીજગન્નાથ પરંપરાના ઇતિહાસમાં એક પવિત્ર આશ્રયસ્થાન બની જવાનું હતું. તેના ટાપુઓ, તેની આસપાસનાં જંગલો અને દુર્ગમ વિસ્તારો અનેક વખત ભગવાનને આક્રમણકારોથી બચાવવાના સાક્ષી બનવાનાં હતાં. ઇસ્માઇલ ગાઝી પુરી સુધી પહોંચ્યો. મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું. પરંતુ જ્યારે તે ગર્ભગૃહ સુધી પહોંચ્યો ત્યારે ત્યાં ફરી એકવાર ભગવાન નહોતા.

આ હવે સંયોગ નહોતો. આ શ્રીજગન્નાથ પરંપરાની જીવંત વ્યૂહરચના બની ગઈ હતી. આક્રમણકારો મંદિર સુધી પહોંચે, તે પહેલાં ભગવાન જંગલોમાં પહોંચી જતા. આક્રમણકારો ગર્ભગૃહ સુધી પહોંચે, તે પહેલાં ભગવાન ચિલિકાના ટાપુઓમાં બિરાજમાન થઈ જતા અને જ્યારે સંકટ ટળી જાય ત્યારે તેઓ ફરી પોતાના શ્રીમંદિરમાં પરત ફરતા.

પરંતુ થોડા દાયકાઓ પછી એવો આક્રમણકારી આવવાનો હતો, જેણે માત્ર મંદિરને લૂંટવાનો પ્રયાસ કર્યો નહોતો. તેણે શ્રીજગન્નાથની પરંપરાને જ સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેનું નામ આજે પણ ઓડિશામાં ભય, વેદના અને વિનાશના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે. કલાપાહાડ. તેના આગમન સાથે શ્રીજગન્નાથના ઇતિહાસનો સૌથી અંધકારમય અધ્યાય શરૂ થવાનો હતો.

અફઘાની આક્રાંતા કલાપાહાડનો સૌથી ક્રૂર હુમલો

અફઘાની જનરલ કલાપાહાડનું નામ આજે પણ ઓડિશામાં માત્ર એક આક્રમણકારી તરીકે લેવામાં આવતું નથી. તે એક એવી યાદ છે, જે સદીઓ પછી પણ લોકોના મનમાં પીડા જગાવે છે. જો ઇલિયાસ શાહ, ફિરોઝ શાહ તુઘલક અને ઇસ્માઇલ ગાઝીના આક્રમણોએ શ્રીજગન્નાથ મંદિરને વારંવાર ઘાયલ કર્યું હતું તો કલાપાહાડે શ્રીજગન્નાથની પરંપરાના હૃદય પર જ પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. કદાચ એટલા માટે જ ઓડિશાની લોકસ્મૃતિમાં તે માત્ર એક સેનાપતિ નથી, પરંતુ વિનાશનું પ્રતીક બની ગયો.

ઈ.સ. 1568. ઓડિશાના ઇતિહાસમાં આ વર્ષ માત્ર એક તારીખ નથી. આ એ વર્ષ છે, જ્યારે રાજ્યનું રાજકીય ભાગ્ય પણ બદલાયું અને શ્રીજગન્નાથ મંદિરનો ઇતિહાસ પણ. તે સમયે ગજપતિ સામ્રાજ્યનું તેજ ધીમે-ધીમે ઝાંખું પડી રહ્યું હતું. રાજ્ય પર રાજા મુકુન્દદેવનું શાસન હતું. તેઓ જાણતા હતા કે બંગાળના અફઘાન શાસક સુલેમાન કરરાનીનું સૈન્ય માત્ર સરહદો જીતવા માટે આગળ વધી રહ્યું નથી. જો આ યુદ્ધ હરાશે તો શ્રીજગન્નાથ મંદિર પણ સીધું જ સંકટમાં આવી જશે.

મુકુન્દદેવે પ્રતિકાર કર્યો. યુદ્ધ થયું. પરંતુ યુદ્ધનું પરિણામ ઓડિશા માટે વિનાશક સાબિત થયું. રાજા મુકુન્દદેવ યુદ્ધમાં વીરગતિ પામ્યા. તેમના મૃત્યુ સાથે ઓડિશાના સ્વતંત્ર હિંદુ શાસનનો એક મહત્વપૂર્ણ અધ્યાય સમાપ્ત થયો. રાજા પડી ગયા હતા, પરંતુ પુરીમાં બેઠેલા દૈતા સેવકો સમજી ગયા હતા કે હવે તેમનું યુદ્ધ શરૂ થવાનું છે. રાજા રાજ્યને બચાવી શક્યા નહોતા. હવે ભગવાનને બચાવવાની જવાબદારી તેમની હતી.

પુરીમાં એ દિવસોમાં કોઈ ઉત્સવનું વાતાવરણ નહોતું. દરેક દિશામાંથી એક જ સમાચાર આવતા હતા કે ઇસ્લામી આક્રમણકારી આગળ વધી રહ્યો છે. જે ગામો રસ્તામાં આવતાં હતાં ત્યાંથી લોકો જીવ બચાવીને ભાગી રહ્યા હતા. માર્ગમાં આવેલાં મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. જે હિંદુ શાસન સદીઓથી ઓડિશાની ઓળખ હતું, તે હવે ધરાશાયી થઈ રહ્યું હતું.

દૈતા સેવકો ફરી એકવાર ગર્ભગૃહમાં પ્રવેશ્યા. પરંતુ આ વખતની ઉતાવળ અગાઉ કરતાં વધુ હતી. કારણ કે તેઓ જાણતા હતા કે સામે સામાન્ય સૈન્ય નથી, સામે કલાપાહાડ છે. ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના વિગ્રહોને ગુપ્ત રીતે શ્રીમંદિરમાંથી બહાર લઈ જવામાં આવ્યા. પરંપરાગત વર્ણનો અનુસાર તેઓને ચિલિકા સરોવરના દુર્ગમ વિસ્તારો તરફ લઈ જવામાં આવ્યા. અગાઉ પણ ચિલિકા ભગવાનનું આશ્રયસ્થાન બની ચૂક્યું હતું. સેવકોને આશા હતી કે આ વખતે ભગવાન સુરક્ષિત રહી જશે.

પરંતુ આ વખતે ઇતિહાસે બીજી જ દિશા લીધી. કલાપાહાડ ન માત્ર પુરી સુધી પહોંચ્યો. તે ભગવાનને શોધવા પણ નીકળ્યો. મદળા પાંજી અને અન્ય વર્ણનો અનુસાર આખરે તેને ભગવાનના વિગ્રહો જ્યાં સંતાડવામાં આવ્યા હતા તે સ્થળની જાણ થઈ ગઈ. સદીઓથી કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહેલા એ વિગ્રહો હવે આક્રાંતાના હાથમાં હતા.

આગળ જે બન્યું તે વાંચતી વખતે આજે પણ હૃદય ભારે થઈ જાય છે. કલાપાહાડે ભગવાનના કાષ્ઠ વિગ્રહોને પોતાના કબજામાં લઈને ઉત્તર તરફ લઈ જવાનું શરૂ કર્યું. માર્ગમાં તેણે એ વિગ્રહોને અગ્નિમાં સમર્પિત કરી દીધા. કેટલાક ઐતિહાસિક દસ્તાવેજોમાં ગંગાના કિનારાનો ઉલ્લેખ મળે છે તો કેટલાકમાં અન્ય સ્થળોનો. પરંતુ એક બાબત લગભગ તમામ પરંપરાઓમાં સમાન છે કે ભગવાનના વિગ્રહોને બાળી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

આ માત્ર લૂંટ નહોતી. આ માત્ર યુદ્ધ પણ નહોતું. આ એક એવી માનસિકતા હતી, જે માત્ર રાજ્ય જીતવાથી સંતોષ માનતી નહોતી, જે હિંદુઓની આસ્થા અને તેમના આરાધ્યને પણ નષ્ટ કરવા માંગતી હતી. મંદિરની સંપત્તિ લઈ જવાથી વધારે મહત્વનું તેમને મૂર્તિભંજન લાગતું હતું. કારણ કે તેઓ જાણતા હતા કે જ્યાં સુધી આરાધ્ય જીવંત રહેશે, ત્યાં સુધી સમાજ ફરી ઊભો થઈ જશે.

કલ્પના કરો… જે ભગવાન માટે રાજાઓએ ભવ્ય મંદિર ઊભું કર્યું, જે ભગવાન માટે લાખો ભક્તો દર વર્ષે રથયાત્રામાં ઉમટી પડતા, જે ભગવાનને દરરોજ છપ્પન ભોગ ધરાવવામાં આવતો, એ જ ભગવાનના વિગ્રહો હવે અગ્નિની જ્વાળાઓમાં હતા. પુરીથી દૂર બેઠેલા ભક્તોને કદાચ આ સમાચાર મળ્યા હશે. કેટલાંકની આંખોમાંથી આંસુ વહ્યાં હશે. કેટલાંકને લાગ્યું હશે કે હવે બધું સમાપ્ત થઈ ગયું. પરંતુ શ્રીજગન્નાથની ગાથા અહીં સમાપ્ત થવાની નહોતી.

કારણ કે જે લોકો ભગવાનને બચાવવા નીકળ્યા હતા, તેઓ માત્ર વિગ્રહોને બચાવવા નીકળ્યા નહોતા. તેઓ પરંપરાને બચાવવા નીકળ્યા હતા. શ્રીજગન્નાથ પરંપરામાં એક પવિત્ર માન્યતા છે બ્રહ્મ પદાર્થની. નવકલેબર દરમિયાન આજે પણ ભગવાનના નવા દારુ વિગ્રહોમાં જે દિવ્ય તત્ત્વની સ્થાપના થાય છે, તેને બ્રહ્મ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. પરંપરાગત કથા કહે છે કે જ્યારે કલાપાહાડે વિગ્રહોને બાળી નાખ્યા, ત્યારે બિશર મોહંતી નામના એક અનન્ય ભક્તે એ બ્રહ્મ પદાર્થને બચાવી લીધો. તેમણે તેને ગુપ્ત રીતે સુરક્ષિત રાખ્યો અને વર્ષો સુધી તેની સેવા ચાલુ રાખી. જગન્નાથ પરંપરામાં આ કથા આજે પણ અત્યંત આદર સાથે સંભળાવવામાં આવે છે.

કદાચ એ જ ક્ષણે આક્રમણકારો હારી ગયા હતા. કારણ કે તેઓ લાકડાના વિગ્રહોને બાળી શક્યા, પરંતુ શ્રીજગન્નાથને નહીં. ઈ.સ. 1575માં ખુરદાના રાજા રામચંદ્ર દેવ પ્રથમના સમયમાં નવા દારુ વિગ્રહોની પ્રતિષ્ઠા કરવામાં આવી. બચાવવામાં આવેલા બ્રહ્મ પદાર્થને નવા વિગ્રહોમાં સ્થાપિત કરવામાં આવ્યો અને ભગવાન ફરી શ્રીમંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થયા.

વિચાર કરો… જે આક્રમણકારીને લાગ્યું હતું કે તેણે શ્રીજગન્નાથનો અંત કરી દીધો છે, તેના થોડાં જ વર્ષો પછી ફરી રથયાત્રા નીકળી રહી હતી. ફરી મહાપ્રસાદ બની રહ્યો હતો. ફરી શંખનાદ ગુંજી રહ્યો હતો. ફરી ભગવાન પોતાના ભક્તો વચ્ચે હતા. કલાપાહાડ શ્રીજગન્નાથને હરાવી શક્યો નહોતો.

પરંતુ, દુર્ભાગ્યે તે છેલ્લો ઇસ્લામી આક્રમણકારી પણ સાબિત થયો નહોતો. કલાપાહાડ ગયો, પરંતુ શ્રીજગન્નાથ પરનું સંકટ ગયું નહીં. હવે એક પછી એક મુઘલ આક્રાંતાઓ શ્રીક્ષેત્ર તરફ વધવાના હતા અને દૈતા સેવકોને ફરી-ફરી એ જ પ્રશ્નનો સામનો કરવાનો હતો.

મુઘલ સલ્તનત દરમ્યાન પણ થયા હુમલા

કલાપાહાડના આક્રમણ પછી જો કોઈને એવું લાગ્યું હોય કે હવે શ્રીજગન્નાથ મંદિરના સૌથી ખરાબ દિવસો વીતી ગયા તો ઇતિહાસે થોડાં જ વર્ષોમાં એ ભ્રમ તોડી નાખ્યો. કલાપાહાડે જે ઘા માર્યો હતો તેમાંથી શ્રીક્ષેત્ર હજી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું હતું. નવા દારુ વિગ્રહોની પ્રતિષ્ઠા થઈ ચૂકી હતી. ગર્ભગૃહમાં ફરી ભગવાન બિરાજમાન થયા હતા. મહાપ્રસાદની રસોઈમાંથી ફરી સુગંધ આવવા લાગી હતી. રથયાત્રા ફરી નીકળવા લાગી હતી. બહારથી જોનારને કદાચ બધું પહેલાં જેવું જ લાગતું હશે. પરંતુ શ્રીમંદિરના દૈતા સેવકો જાણતા હતા કે હવે કંઈ પણ પહેલાં જેવું રહ્યું નથી. હવે દરેક અજાણ્યા ઘોડેસવાર સાથે એક આશંકા જોડાઈ ગઈ હતી. દરેક રાજકીય ઉથલપાથલ સાથે એક જ પ્રશ્ન ઊભો થતો હતો કે આ વખતે ભગવાનને ક્યાં લઈ જવા?

કલાપાહાડે માત્ર મંદિરને નુકસાન પહોંચાડ્યું નહોતું, તેણે શ્રીજગન્નાથ પરંપરાને એક નવી જીવનપદ્ધતિ જીવવા મજબૂર કરી હતી. હવે દૈતા સેવકો પાસે માત્ર પૂજાની પરંપરા જ નહોતી, પરંતુ ભગવાનને સુરક્ષિત સ્થળે લઈ જવાની પણ એક સંપૂર્ણ વ્યવસ્થા હતી. કયા માર્ગે નીકળવું, કયા જંગલમાંથી પસાર થવું, ચિલિકાના કયા ટાપુ પર થોડા દિવસ રોકાવું, કયા ગામના લોકો પર વિશ્વાસ કરી શકાય અને કઈ જગ્યાએ ભગવાનની નિત્ય સેવા ચાલુ રાખી શકાય. આ બધું જાણે શ્રીમંદિરની જીવંત સ્મૃતિનો ભાગ બની ગયું હતું. આક્રમણો વધતાં ગયાં તેમ દૈતા સેવકો પણ વધુ સજ્જ થતા ગયા.

ઈ.સ. 1592માં ફરી એકવાર શ્રીજગન્નાથ મંદિર પર સંકટ તૂટી પડ્યું. આ હુમલો સુલેમાન નામના એક ઇસ્લામી આક્રાંતાએ કર્યો હતો. પુરીમાં ફરી લૂંટફાટ થઈ. અનેક લોકોનાં મૃત્યુના ઉલ્લેખ પણ મળે છે. પરંતુ હવે દૈતા સેવકો કલાપાહાડના સમય જેવી ભૂલ કરવા તૈયાર નહોતા. સમાચાર મળતાં જ ભગવાનના વિગ્રહોને શ્રીમંદિરમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા. આક્રમણકારો જ્યારે પુરીમાં પ્રવેશ્યા ત્યારે તેમની સામે ભવ્ય મંદિર હતું, પરંતુ મંદિરનો આત્મા ત્યાંથી દૂર જઈ ચૂક્યો હતો. તેઓ પથ્થરોને ઘાયલ કરી શક્યા, ભગવાનને નહીં.

થોડા સમય માટે પરિસ્થિતિ બદલાઈ. મુઘલ બાદશાહ અકબરે રાજા માનસિંહને ઓડિશામાં મોકલ્યા. રાજકીય સ્થિરતા આવી. ખુરદાના રાજા રામચંદ્ર દેવને ફરી શ્રીજગન્નાથ મંદિરના સંચાલનની જવાબદારી મળી. એવું લાગતું હતું કે હવે કદાચ શ્રીમંદિરને લાંબી શાંતિ મળશે, પરંતુ અકબરનાં મૃત્યુ પછી ફરી સત્તાનાં સમીકરણો બદલાયાં. મુઘલ સલ્તનતના નવા અધિકારીઓ માટે શ્રીજગન્નાથ મંદિર માત્ર એક મંદિર નહોતું. તે એક સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત હિંદુ કેન્દ્ર હતું અને તેથી ફરી એકવાર તેની તરફ તલવારો ઊંચી થઈ.

ઈ.સ. 1607માં મિર્ઝા ખુર્રમનું સૈન્ય આગળ વધ્યું. દૈતા સેવકોને સમાચાર મળતાં જ ભગવાનના વિગ્રહોને પુરીથી દૂર કપિલેશ્વર લઈ જવામાં આવ્યા. લગભગ એક વર્ષ સુધી શ્રીજગન્નાથ ત્યાં બિરાજમાન રહ્યા. કલ્પના કરો કે પુરીનું ભવ્ય શ્રીમંદિર પોતાના આરાધ્ય વિના ઊભું છે. ગર્ભગૃહ ખાલી છે. પરંતુ થોડાં અંતરે આવેલા એક નાના સ્થળે એ જ ભગવાનની મંગળ આરતી થઈ રહી છે, એ જ ભોગ ધરાવવામાં આવી રહ્યો છે અને એ જ પ્રેમથી તેમની સેવા થઈ રહી છે. મંદિર કદાચ ખાલી થઈ શકે, પરંતુ પરંપરા ખાલી થતી નથી, આ વાત દૈતા સેવકોએ ફરી એકવાર સાબિત કરી. મિર્ઝા ખુર્રમ પણ અન્ય આક્રાંતાઓની જેમ નિમાણા મોઢા સાથે પરત ફરી ગયો.

પરંતુ ભગવાનને પાછા શ્રીમંદિરમાં લાવ્યાને બહુ સમય થયો નહોતો કે ફરી એક નવું સંકટ આવી પહોંચ્યું. જહાંગીરના સમયમાં ઓડિશાના સૂબેદાર કાસિમ ખાને શ્રીજગન્નાથ મંદિર પર ચઢાઈ કરી. અનેક ઐતિહાસિક સ્રોતો જણાવે છે કે મંદિરની સંપત્તિ લૂંટવામાં આવી, પુરીને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું. પરંતુ આક્રમણકારો જ્યારે ગર્ભગૃહ સુધી પહોંચ્યા, ત્યારે ત્યાં ભગવાન નહોતા. આ વખતે તેમને ખુરદાના ગોપાલ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. ભગવાન ફરી એકવાર પોતાના ભક્તો સાથે શ્રીમંદિર છોડીને આગળ વધી ગયા હતા.

પરંતુ આ સમયગાળાની સૌથી હૃદયદ્રાવક ઘટના હજુ આવવાની હતી. ઈ.સ. 1610. રથયાત્રાનો સમય હતો. શ્રીજગન્નાથ, બળભદ્ર અને સુભદ્રા ગુંડીચા મંદિરમાં બિરાજમાન હતા. આખું પુરી ભક્તિના રંગમાં રંગાયું હતું. હજારો લોકો ભગવાનના દર્શન કરી રહ્યા હતા. કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ભક્તિના આ ઉત્સવ પર પણ આક્રમણ થઈ શકે.

પરંતુ થયું. મુઘલ સત્તા સાથે સંકળાયેલા કેશોદાસે હુમલો કર્યો. તેણે માત્ર મંદિર પર જ નહીં, પરંતુ રથયાત્રાની પવિત્ર પરંપરા પર પણ ઘા કર્યો. શ્રીજગન્નાથના રથોને આગ ચાંપી દેવામાં આવી. આ ઘટના માત્ર ભૌતિક નુકસાન નહોતી. રથયાત્રા શ્રીજગન્નાથની સૌથી પવિત્ર પરંપરાઓમાંની એક છે. લાખો ભક્તો જેને ભગવાનના દર્શનનો સૌથી નજીકનો અવસર માને છે, એ જ રથોને અગ્નિમાં સોંપવાનો પ્રયાસ થયો. જાણે સંદેશ સ્પષ્ટ હતો કે માત્ર મંદિર જ નહીં, તેની પરંપરાઓને પણ નષ્ટ કરવાની કોશિશ થઈ રહી હતી.

પણ ફરી એ જ બન્યું, જે છેલ્લા બે સદીઓથી બનતું આવ્યું હતું. રથો ફરી બન્યા. રથયાત્રા ફરી નીકળી. ભગવાન ફરી ભક્તો વચ્ચે આવ્યા. આક્રાંતાઓ દર વખતે વિનાશ છોડીને જતા રહ્યા. પરંતુ દરેક વિનાશ પછી શ્રીજગન્નાથ પરંપરા ફરી ઊભી થઈ જતી.

કલ્યાણ મલ્લના સમયમાં પણ આક્રમણો અટક્યાં નહીં. એક વખત નહીં, બે વખત શ્રીમંદિર પર હુમલો થયો. ભગવાનને ફરી ચિલિકા વિસ્તાર તરફ લઈ જવામાં આવ્યા. દૈતા સેવકો માટે હવે આ જાણે જીવનનો ભાગ બની ગયો હતો. તેઓ ક્યારેય ખાતરીથી કહી શકતા નહોતા કે ભગવાન શ્રીમંદિરમાં કેટલા દિવસ રહેશે અને ક્યારે ફરી તેમને જંગલોના માર્ગે નીકળવું પડશે. આ રીતે એક પછી એક આક્રમણો વચ્ચે એક વાત સ્પષ્ટ થતી ગઈ. ઇસ્લામી આક્રાંતાઓ વારંવાર શ્રીજગન્નાથ મંદિર સુધી પહોંચ્યા. પરંતુ શ્રીજગન્નાથની પરંપરા સુધી તેઓ ક્યારેય પહોંચી શક્યા નહીં.

ઇસ્લામી આક્રમણો વચ્ચે પણ જીવંત રહી પરંપરા

ઈ.સ. 1612 પછી શ્રીજગન્નાથ મંદિર પરનાં આક્રમણો હવે છૂટક ઘટનાઓ રહ્યાં નહોતાં. તેઓ જાણે ઓડિશાના ભાગ્યનો હિસ્સો બની ગયાં હતાં. જહાંગીરના સમયમાં મુકર્રમ ખાન ઓડિશાનો સૂબેદાર બન્યો અને સૂબેદારી સંભાળતાં જ તેણે પણ પોતાના પૂર્વવર્તી આક્રાંતાઓનો જ માર્ગ અપનાવ્યો. પુરી નગરી ફરી એકવાર નિશાન બની. પરંતુ દૈતા સેવકો હવે એટલા સતર્ક બની ચૂક્યા હતા કે આક્રમણકારો શ્રીક્ષેત્રમાં પ્રવેશે તે પહેલાં જ ભગવાનને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવાની વ્યવસ્થા થઈ જતી. ઇતિહાસ અનુસાર ભગવાનના વિગ્રહોને પહેલાં ગોપાપદર અને ત્યારબાદ બાંકાનિધિ તરફ લઈ જવામાં આવ્યા. આક્રમણકારો માટે શ્રીમંદિરમાં માત્ર ખાલી ગર્ભગૃહ અને લૂંટવા જેવી સંપત્તિ હતી. ભગવાન ત્યાં બિરાજમાન ન હતા.

આગામી દાયકાઓમાં વારંવાર એ જ દૃશ્ય પુનરાવર્તિત થતું રહ્યું. ક્યારેક કોઈ નવો ઇસ્લામી સૂબેદાર પોતાની વફાદારી સાબિત કરવા માટે શ્રીજગન્નાથ મંદિર પર ચઢાઈ કરતો તો ક્યારેક રાજકીય અસ્થિરતાનો લાભ ઉઠાવી મંદિરને લૂંટવાનો પ્રયાસ થતો. અમીર ફતેહ ખાન હોય કે મુદબક ખાન, નામો બદલાતાં રહ્યાં, પરંતુ દૃશ્ય એક જ રહ્યું– ઇસ્લામી આતંકવાદ અને સામે અડીખમ ઊભેલી હિંદુ પરંપરા.

ઘોડાઓની ટાપ સંભળાતાં જ પુરીમાં ભય ફેલાતો. દૈતા સેવકો ગર્ભગૃહમાં પ્રવેશતા. ભગવાનના વિગ્રહોને ગુપ્ત માર્ગોથી બહાર લઈ જવામાં આવતા. થોડાક ભક્તો તેમની સાથે નીકળી પડતા. જંગલોમાં, ગામડાઓમાં, નાનાં મંદિરોમાં અને ચિલિકાના ટાપુઓ પર ભગવાનની નિત્ય સેવા યથાવત ચાલુ રહેતી. બીજી તરફ આક્રમણકારો શ્રીમંદિરમાં ઘૂસતા, સંપત્તિ લૂંટતા, નુકસાન પહોંચાડતા અને કદાચ એમ માનતા કે તેમણે હિંદુઓનું મનોબળ તોડી નાખ્યું છે. પરંતુ તેઓ દર વખતે એક જ ભૂલ કરતા. તેઓ પથ્થરને જીતતા હતા, પરંપરાને નહીં.

સત્તરમી સદીના અંત સુધી પહોંચતાં મુઘલ સામ્રાજ્ય પર ઔરંગઝેબનું શાસન હતું. તેના શાસનકાળમાં કાશી વિશ્વનાથ, મથુરાના કેશવદેવ અને અનેક અન્ય મંદિરો સામેની બર્બરતા ઇતિહાસમાં નોંધાયેલી છે. શ્રીજગન્નાથ મંદિર પણ તેની નજરમાંથી બચ્યું નહીં. મદળા પાંજી, તબઝીરાત-ઉલ-નાઝિરીન તથા અન્ય સ્રોતોમાં ઉલ્લેખ મળે છે કે ઔરંગઝેબે પુરીના મંદિર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ઓડિશાના સૂબેદાર એકરામ ખાનને એ આદેશનો અમલ કરવાનું હતું. શ્રીક્ષેત્રમાં ફરી ભયનો માહોલ હતો. લોકો જાણતા હતા કે આ માત્ર લૂંટનું અભિયાન નથી, મંદિરને નુકસાન પહોંચાડીને ‘કાફિરો’ના આરાધ્યને નષ્ટ કરવાનો સ્પષ્ટ હેતુ છે.

પરંતુ ચારસો વર્ષના અનુભવ પછી દૈતા સેવકોને કદાચ હવે કોઈ નવી સૂચનાની જરૂર જ નહોતી. ભગવાનને ફરી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા. કેટલાક વર્ણનો કહે છે કે બ્રહ્મ પદાર્થને માતા બિમલાના મંદિર સાથે જોડાયેલી સુરક્ષિત વ્યવસ્થામાં સાચવવામાં આવ્યો, જ્યારે કેટલાક અન્ય વર્ણનોમાં બનાપુર અને ચિલિકા વિસ્તારનો ઉલ્લેખ મળે છે. વિગતોમાં મતભેદ હોય શકે, પરંતુ એક વાત પર બધા સ્રોતો સહમત છે કે ઔરંગઝેબના આદેશ છતાં શ્રીજગન્નાથની પરંપરા સમાપ્ત થઈ નહોતી. આક્રમણકારો ફરી ખાલી મંદિર સુધી પહોંચ્યા. ભગવાન ફરી તેમની પહોંચની બહાર હતા.

પરંતુ સંઘર્ષ અહીં પણ અટક્યો નહીં. અઢારમી સદીમાં મહમ્મદ તકી ખાનના સમયમાં ફરી એક મોટું આક્રમણ થયું. ઈ.સ. 1733માં જ્યારે તેની સેના પુરી તરફ આગળ વધી રહી હતી, ત્યારે દૈતા સેવકોને ફરી એ જ કર્તવ્ય નિભાવવું પડ્યું, જે તેમના પૂર્વજોએ અનેક વખત નિભાવ્યું હતું. ભગવાનના વિગ્રહોને શ્રીમંદિરમાંથી બહાર કાઢવામાં આવ્યા. તેઓ અનેક સ્થળોએ રોકાતા-રોકાતા અંતે કોડાલા નજીકના એક મંદિરમાં પહોંચ્યા, જ્યાં લગભગ ત્રણ વર્ષ સુધી નિત્યપૂજા ચાલુ રહી. કલ્પના કરો કે શ્રીમંદિરનું ગર્ભગૃહ ખાલી હતું, પરંતુ ભગવાનના ભોગ, આરતી અને સેવા ક્યાંય બંધ થયા નહોતાં. ભવ્ય મંદિરની બહાર એક નાનકડા મંદિરમાં પણ એ જ શ્રદ્ધા જીવંત હતી. કદાચ આ જ શ્રીજગન્નાથ પરંપરાની સૌથી મોટી શક્તિ હતી. તેને ભવ્ય ઇમારતની જરૂર નહોતી, તેને માત્ર ભક્તોની જરૂર હતી.

લગભગ ચાર સદીઓ સુધી આ જ બર્બરતા વારંવાર લખાતી રહી. ઇલિયાસ શાહથી શરૂ થયેલી આક્રમણોની શ્રેણી ફિરોઝ શાહ તુઘલક, ઇસ્માઇલ ગાઝી, કલાપાહાડ, સુલેમાન, મિર્ઝા ખુર્રમ, કાસિમ ખાન, કેશોદાસ, કલ્યાણ મલ્લ, મુકર્રમ ખાન, અમીર ફતેહ ખાન, મુદબક ખાન, ઔરંગઝેબના આદેશ હેઠળના એકરામ ખાન અને અંતે મહમ્મદ તકી ખાન સુધી પહોંચી. દરેક આક્રમણનો હેતુ અલગ-અલગ નહોતો, હેતુ સ્પષ્ટ હતો કે ‘કાફિરો’ જે મૂર્તિઓને નમન કરે છે તેને ખતમ કરો. આ જ કારણે શ્રીજગન્નાથ મંદિર વારંવાર નિશાન બન્યું. તમામ ઇસ્લામી લૂંટારાઓ મૂર્તિભંજનને ‘મજહબી ફરજ’ માનતા હતા. પરંતુ દરેક વખતે દૈતા સેવકોએ પણ એક જ જવાબ આપ્યો– ભગવાનને બચાવી લો, બાકીનું બધું ફરી ઊભું કરી લઈશું.

પછી ઇતિહાસે ફરી એકવાર દિશા બદલી. અઢારમી સદીના મધ્યભાગમાં નાગપુરના ભોંસલે મરાઠાઓએ ઓડિશામાં પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો. બંગાળના નવાબોના શાસનનો અંત આવ્યો અને શ્રીજગન્નાથ મંદિરને ફરી એક એવો રાજાશ્રય મળ્યો, જેમાં તેની પરંપરાઓને સુરક્ષા મળી. રથયાત્રાઓ વધુ સુવ્યવસ્થિત થઈ. મંદિરની આવક અને વ્યવસ્થા સુધારવામાં આવી. યાત્રાળુઓ માટેની સુવિધાઓમાં વધારો થયો. સદીઓ સુધી જે મંદિર પોતાનો ભગવાન છુપાવતું ફર્યું હતું તે ફરી જાહેરમાં પોતાના ઉત્સવો ઉજવવા લાગ્યું. આ મરાઠા પુનરુત્થાન પોતે એક અલગ ગાથા છે, જેના પર અલગથી ચર્ચા કરવી જરૂરી છે.

આ આખી ગાથા શું શીખવે છે?

શ્રીજગન્નાથ મંદિરનો ઇતિહાસ માત્ર અઢાર આક્રમણોનો ઇતિહાસ નથી. તે ચાર સદીઓ સુધી ચાલેલી એવી અદમ્ય જિજ્ઞાસા અને શ્રદ્ધાનો ઇતિહાસ છે, જેમાં દરેક વિનાશ પછી પુનઃનિર્માણ થયું, દરેક હુમલા પછી સેવા ફરી શરૂ થઈ અને દરેક આક્રમણ પછી ભગવાન ફરી પોતાના ભક્તો વચ્ચે પરત ફર્યા. ઇસ્લામી આક્રાંતાઓએ શ્રીમંદિરને ઘાયલ કર્યું. મંદિરની સંપત્તિ લૂંટી. વિગ્રહોને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. રથોને આગ ચાંપી. ભક્તોની હત્યા કરી. પરંતુ તેઓ એક વસ્તુ ક્યારેય સમજી શક્યા નહીં.

ભગવાન જગન્નાથ માત્ર શ્રીમંદિરના ગર્ભગૃહમાં રહેતા નહોતા. તેઓ પોતાના ભક્તોના વિશ્વાસમાં રહેતા હતા અને વિશ્વાસને કોઈ તલવાર કાપી શકતી નથી. કદાચ એટલા માટે જ આજે પણ પુરીના શ્રીમંદિરના શિખર પર પતાકા એ જ ગર્વથી લહેરાય છે. રથયાત્રાના દિવસે લાખો હાથ એ જ ભક્તિથી દોરડા ખેંચે છે. મહાપ્રસાદ એ જ શ્રદ્ધાથી ગ્રહણ કરવામાં આવે છે અને દૈતા સેવકો આજે પણ એ જ પરંપરા નિભાવે છે, જે તેમના પૂર્વજોએ સદીઓ પહેલાં શરૂ કરી હતી.

ચાર સદીઓ સુધી ઇસ્લામી આક્રાંતાઓ શ્રીજગન્નાથને શોધતા રહ્યા. પરંતુ ઇતિહાસનો અંતિમ નિર્ણય અલગ હતો. આક્રમણકારો ઇતિહાસનાં પાનાંમાં સમાઈ ગયાં પણ શ્રીજગન્નાથ આજે પણ પોતાના શ્રીક્ષેત્રમાં બિરાજમાન છે.

સંદર્ભ સૂચિ

  • R. D. Banerji – History of Orissa
  • Jagabandhu Mohanty – Saga of Jagannath and Badadeula at Puri
  • Abhimanyu Dash – Invasions of Puri (Orissa Review, July 2011)
  • Madala Panji
  • Anncharlott Eschmann, Hermann Kulke & Gaya Charan Tripathi (Eds.) – The Cult of Jagannath and the Regional Tradition of Orissa
  • Maasir-i-Alamgiri
  • Ain-i-Akbari


- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં