હોમપેજગુજરાતયુવતીએ બળજબરીથી સહી કરાવીને તૈયાર કરાવી લીધું મેરેજ સર્ટિફિકેટ, હિંદુ મેરેજ એક્ટના...

યુવતીએ બળજબરીથી સહી કરાવીને તૈયાર કરાવી લીધું મેરેજ સર્ટિફિકેટ, હિંદુ મેરેજ એક્ટના કારણે યુવકને મળી રાહત: વાંચો હાઇકોર્ટે કેમ કહ્યું– સપ્તપદી વગર માન્ય ન ગણાય લગ્ન

કોર્ટ કહે છે કે સપ્તપદીનો વેદોમાં પણ ઉલ્લેખ છે. હિંદુ પરંપરા અનુસાર પત્ની પતિની અર્ધાંગિની કહેવાય છે. પરંતુ સાથે તેની પોતાની ઓળખ પણ બરકરાર રહે છે અને લગ્નમાં એ સરખી ભાગીદાર પણ હોય છે. હિંદુ કાયદા પ્રમાણે લગ્ન એક સંસ્કાર છે, એક નવા પરિવારનો પાયો નાખે છે.

- Advertisement -

તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં કહ્યું કે જ્યાં સુધી હિંદુ વૈદિક વિધિ પ્રમાણે લગ્ન ન થયાં હોય અને સપ્તપદીની વિધિ પૂર્ણ કરવામાં ન આવી હોય ત્યાં સુધી હિંદુ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન માન્ય ગણી શકાય નહીં.

આ વિવાદ શું હતો, કેસ શું હતો અને કોર્ટમાં શું કાર્યવાહી થઈ એ સમજીએ.

કેસ મૂળ અમદાવાદના એક યુવકની ફરિયાદથી શરૂ થયો હતો. તે નોકરી-અભ્યાસ અર્થે યુનાઇટેડ કિંગડમ રહે છે. ફરિયાદમાં તેણે કહ્યું કે અમદાવાદની જ એક મહિલાએ તેના (યુવકના) માતા-પિતાને મળીને એક મેરેજ સર્ટિફિકેટ પકડાવી દીધું હતું અને દાવો કર્યો હતો કે તે તેમના પુત્રની પત્ની છે.

- Advertisement -

આ ઘટનાક્રમ બાદ યુવક ફેમિલી કોર્ટ ગયો અને કહ્યું કે તેનાં આ યુવતી સાથે કોઈ લગ્ન થયાં જ નથી કે ન કોઈ વૈદિક વિધિ થઈ છે. બંને એકબીજા સાથે ક્યારેય પતિ-પત્ની તરીકે પણ રહ્યાં નથી. યુવકનું કહેવું છે કે અગાઉ તે મહિલાના પિતાની કંપનીમાં કામ કરતો હતો અને ત્યાં ધાકધમકી આપીને દબાણ કરીને તેની પાસે મેરેજ સર્ટિફિકેટ પર સહી કરાવી લેવામાં આવી હતી.

ફેમિલી કોર્ટમાં કેસ ગયો ત્યારે મહિલાએ પણ લેખિત નિવેદનમાં એ સ્વીકાર્યું હતું કે બંને વચ્ચે વૈદિક વિધિથી કોઈ લગ્ન થયાં નથી. ઉપરાંત યુવતીએ એ પણ કહ્યું કે તે ક્યારેય યુવક સાથે રહી નથી. પરંતુ ફેમિલી કોર્ટે યુવકની અરજી ફગાવી દીધી અને મેરેજ સર્ટિફિકેટ હોવાના કારણે ટ્રાયલનો આદેશ આપ્યો. આ આદેશ વિરુદ્ધ યુવક હાઇકોર્ટ પહોંચ્યો હતો.

હિંદુ મેરેજ એક્ટ મુજબ પરંપરા-વિધિ મુજબ લગ્ન ન થયાં હોય તો રજિસ્ટ્રેશન માન્ય ન ગણાય: કોર્ટ

હાઇકોર્ટે કહ્યું કે હિંદુ મેરેજ એક્ટની કલમ 7 સ્પષ્ટ કહે છે કે હિંદુ લગ્ન ત્યારે જ માન્ય ગણાય જ્યારે આવશ્યક વિધિ પૂર્ણ કરવામાં આવી હોય. હિંદુ મેરેજ એક્ટમાં વિધિ શું હોય એ પણ જણાવવામાં આવ્યું છે અને તેમાં સપ્તપદીનો પણ ઉલ્લેખ છે. એ પૂર્ણ થાય ત્યારે જ લગ્ન પૂર્ણ થયેલાં ગણાય.

કોર્ટે આ એક્ટનું અર્થઘટન કરતાં નોંધ્યું કે લગ્ન ત્યારે જ માન્ય ગણાય જ્યારે પૂરતી વિધિ કરવામાં આવી હોય, જ્યાં સુધી જરૂરી રીતરિવાજ અનુસાર, ધાર્મિક વૈદિક વિધિ અનુસાર લગ્ન ન થયાં હોય ત્યાં સુધી તેને એક્ટ હેઠળ માન્યતા આપી શકાય નહીં.

આ કેસની ચર્ચા કરતાં કોર્ટ કહે છે કે યુવતીએ પોતે ફેમિલી કોર્ટ સમક્ષ લેખિત નિવેદનમાં સ્વીકાર્યું છે કે લગ્નમાં કોઈ વિધિ થઈ નહોતી અને બંને પતિ-પત્ની તરીકે સાથે પણ રહેતાં નાથી. આ સ્વીકૃતિ સ્પષ્ટ અને સીધી છે અને તેમાં કોઈ શંકા પણ નથી. જ્યારે મહિલા જ ઓન રેકોર્ડ સ્વીકારી રહી છે કે કોઈ વિધિ કરવામાં આવી ન હતી તો આ લગ્નને હિંદુ મેરેજ એક્ટ હેઠળ માન્ય કે કાયદેસર લગ્ન ગણી જ ન શકાય.

ત્યારબાદ કોર્ટ હિંદુ મેરેજ એક્ટની કલમ 8ની ચર્ચા કરે છે.

કલમ આઠ હિંદુ લગ્નની નોંધણી બાબતે છે. કોર્ટ કહે છે કે આ રજિસ્ટ્રેશનની કલમનો હેતુ એ છે કે કલમ 7ની શરતોના પાલન મુજબ જે લગ્ન થયાં હોય તેની નોંધણી પ્રક્રિયા જણાવવામાં આવે. માત્ર કલમ 8 હેઠળ રજિસ્ટ્રેશન થયું હોય તેટલા માત્રથી લગ્નને કાયદેસર માની ન શકાય. અન્ય શબ્દોમાં કહીએ તો હિંદુ મેરેજ ત્યારે જ રજિસ્ટર્ડ ગણી શકાય જ્યારે કલમ 7 મુજબ વૈદિક વિધિ-પરંપરા મુજબ લગ્ન થયાં હોય. જો આવાં કોઈ લગ્ન જ ન થયાં હોય તો પછી કોઈ પણ રજિસ્ટ્રેશન થયું હોય કે સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું હોય, તે કાયદાકીય રીતે માન્ય રહેતું નથી અને તેનાથી બંને વ્યક્તિ પતિ-પત્ની તરીકે રહેવા બાધ્ય થતાં નથી.

હાઇકોર્ટ કહે છે કે યુવતી પોતે જ કહે છે કે કોઈ વિધિ કરવામાં આવી ન હતી તો મેરેજ સર્ટિફિકેટ હોય તોપણ તેનો કોઈ અર્થ રહેતો નથી. ફેમિલી કોર્ટે માત્ર સર્ટિફિકેટના આધારે ટ્રાયલનો આદેશ આપ્યો હતો એ ભૂલ હતી અને પહેલાં એ ચકાસવું જોઈતું હતું કે હિંદુ મેરેજ એક્ટની કલમ 7 હેઠળ લગ્ન માન્ય છે કે કેમ. જો મહિલા પોતે કહેતી હોય કે આવું કંઈ થયું નથી તો બંને પક્ષને લાંબી ટ્રાયલ હેઠળ ધકેલવાનો કોઈ અર્થ નથી.

કોર્ટે સુપ્રીમ કોર્ટનો પણ એક ચુકાદો ટાંક્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર લગ્નની નોંધણી થઈ હોય એટલે લગ્ન થયાં એમ ન માની શકાય. આગળ કહ્યું કે એક પક્ષ જ્યારે સ્પષ્ટપણે સ્વીકારી રહ્યો હોય કે કોઈ લગ્ન થયાં નથી તો કોર્ટે એ લગ્ન રદ કરવાનો આદેશ પસાર કરવો જોઈએ, તેમને ટ્રાયલનો સામનો કરવા માટે મજબૂર કરવાનો કોઈ અર્થ રહેતો નથી.

આખરે હાઇકોર્ટે ફેમિલી કોર્ટનો નિર્ણય રદ કરી દીધો અને મેરેજ રજિસ્ટ્રેશન રદ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો.

‘લગ્ન માત્ર વાઈનિંગ-ડાઇનિંગ નથી, એક પવિત્ર બંધન છે’

કોર્ટે સપ્તપદી પર પણ અગત્યની ટિપ્પણીઓ કરી છે.

કોર્ટ કહે છે કે સપ્તપદીનો વેદોમાં પણ ઉલ્લેખ છે. હિંદુ પરંપરા અનુસાર પત્ની પતિની અર્ધાંગિની કહેવાય છે. પરંતુ સાથે તેની પોતાની ઓળખ પણ બરકરાર રહે છે અને લગ્નમાં એ સરખી ભાગીદાર પણ હોય છે. હિંદુ કાયદા પ્રમાણે લગ્ન એક સંસ્કાર છે, એક નવા પરિવારનો પાયો નાખે છે.

હાઇકોર્ટ કહે છે કે, “લગ્ન માત્ર એક ‘સોંગ એન્ડ ડાન્સ’ અને ‘વાઇનિંગ એન્ડ ડાઈનિંગ’નો પ્રસંગ નથી કે ન એ કમર્શિયલ ટ્રાન્ઝેક્શન છે. એ વ્યક્તિના જીવનનો એવો પ્રસંગ છે જેનાથી એક પરિવારની સ્થાપના માટે પતિ-પત્નીનો એક સંબંધ બંધાય છે અને ભારતીય સમાજ માટે પરિવાર એક અભિન્ન અંગ છે. લગ્ન પોતાનામાં પણ અતિપવિત્ર છે કારણ કે એ બે વ્યક્તિઓ વચ્ચે જીવનપર્યંતનો એક પવિત્ર સંબંધ બાંધે છે.”

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં