ફરી એક્ટિવ થઈ ‘અમન કી આશા’વાળી ગેંગ, ભારત-પાકિસ્તાનના વડા પ્રધાનોને પત્ર લખીને કહ્યું– બંને દેશો વચ્ચે ફરી વાતચીત શરૂ કરો: યાદીમાં ફારૂક અબ્દુલ્લા, મણિશંકર ઐયર, મનોજ ઝાનાં નામ

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા માટે વકાલત કરતી ‘અમન કી આશા’વાળી ગેંગ ફરી સક્રિય થઈ છે. જુદા-જુદા ક્ષેત્રોના લગભગ 117 લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને એક પત્ર લખીને બંને દેશો વચ્ચેના સંબંધો ફરી સામાન્ય કરવા માટે રજૂઆત કરી છે. પત્રમાં ભારતના 61 અને પાકિસ્તાનના 56 લોકોના હસ્તાક્ષર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ભારતની જે તથાકથિત હસ્તીઓએ હસ્તાક્ષર કર્યા છે તેમાં કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા મણિશંકર ઐયર, પૂર્વ રૉ ચીફ એ. એસ દુલત, પૂર્વ મંત્રી જવાહર સરકાર, પશ્ચિમ બંગાળના પૂર્વ ટીએમસી નેતા હુમાયુ કબીર, રોહિણી સિંઘ, આરજેડી સાંસદ મનોજ ઝા, વામપંથી લેખક અપૂર્વાનંદ વગેરેનો સમાવેશ થાય છે. યાદીમાં ઘણા નેતાઓ, પત્રકારો, વકીલો, એક્ટિવિસ્ટો, ડિપ્લોમેટ અને શિક્ષણવિદોનાં નામ છે.  

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પત્રમાં લખવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન લગભગ 1/5 વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, બંનેમાં મોટી વસ્તી યુવાનોની છે અને બંને દેશો વચ્ચેનો સંઘર્ષ અને તણાવ આ યુવાનોનાં ભવિષ્ય, રોજગાર અને વિકાસના અવસરોમાં પડકારરૂપ બની રહ્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું કે દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે નવેસરથી હાઇકમિશ્નરોની નિમણૂક સાથે સંપૂર્ણ રાજનયિક સંબંધો બહાલ કરવામાં આવે, સામાન્ય નાગરિકો માટે વિઝા સર્વિસ ફરીથી શરૂ થાય અને સરહદપારની ધાર્મિક-સાંસ્કૃતિક યાત્રાઓ વધુ સરળ બનાવવામાં આવે.

પત્રમાં બંને દેશોના મીડિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું કે પત્રકારોને સ્વતંત્ર રીતે રિપોર્ટિંગ કરવાની અનુમતિ આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી પાકિસ્તાન પ્રત્યે ભારતના વલણમાં મોટો ફેરફાર આવ્યો છે. ખાસ કરીને વારંવાર સમજાવ્યા છતાં પાકિસ્તાને આતંકવાદી ગતિવિધિઓ પર લગામ ન લગાવ્યા બાદ અને ભારતમાં અમુક મોટા હુમલાઓને અંજામ આપ્યા બાદ ભારતે પાકિસ્તાન સાથેની વાતચીત સદંતર બંધ કરી દીધી છે. બીજી તરફ દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવે છે અને ઘરમાં ઘૂસીને સૈન્ય કાર્યવાહી કરવામાં આવે છે. 2025ના પહલગામ હુમલા બાદ ભારતે બંને દેશો વચ્ચેની સિંધુ જળ સમજૂતી પણ સ્થગિત કરી દીધી હતી.

દરમ્યાન ઇકોસિસ્ટમ કાયમ પાકિસ્તાન સાથે ચર્ચા ફરી શરૂ કરવી જોઈએનો ગણગણાટ કરતી રહી છે. હવે આ બધા ખુલીને બહાર આવી રહ્યા છે.