હોમપેજગુજરાતગીરમાં વાયરસ સંક્રમણથી સિંહબાળનાં મોત, સરકારી હસ્તક્ષેપ બાદ સ્થિતિ નિયંત્રણમાં: શું છે...

ગીરમાં વાયરસ સંક્રમણથી સિંહબાળનાં મોત, સરકારી હસ્તક્ષેપ બાદ સ્થિતિ નિયંત્રણમાં: શું છે આખો ઘટનાક્રમ અને શું કહી રહ્યા છે નિષ્ણાતો

જાણીતા વાઇલ્ડલાઇફ વૈજ્ઞાનિક યાદવેન્દ્રદેવ વી. ઝાલાએ આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે બેબેસિયા ગીર માટે કોઈ નવો રોગ નથી. તે વર્ષોથી પશુઓ, જંગલી પ્રાણીઓ અને સિંહોમાં નીચા સ્તરે હાજર રહે છે. સામાન્ય રીતે પ્રકૃતિમાં આવા રોગો અને પ્રાણીઓ વચ્ચે એક પ્રકારનું સંતુલન જળવાઈ રહે છે.

- Advertisement -

ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં 8 સિંહબાળનાં મોત થયાં બાદ સર્જાયેલી ચિંતા વચ્ચે ગુજરાત સરકારે હવે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે. શંકાસ્પદ બેબેસિયા સંક્રમણને કારણે સિંહબાળનાં મોત થયાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેના પગલે વન વિભાગે ઇમરજન્સી પગલાં હાથ ધર્યાં હતાં. જોકે હવે રાજ્ય સરકારનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં કોઈ નવું મૃત્યુ નોંધાયું નથી અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

તાજેતરમાં ગુજરાતના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ ગીર વિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું કે વન વિભાગની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના કારણે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સંક્રમણને કારણે એકપણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી અને સિંહોના આરોગ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ ગીર વિસ્તારના લોકો અને માલધારીઓને પણ સિંહ સંરક્ષણ માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને સમીક્ષા બેઠક યોજી હતી.

કેવી રીતે સામે આવી હતી સમગ્ર ઘટના?

ગત અઠવાડિયા દરમિયાન ગીર-સોમનાથ જિલ્લાના ગીર ગઢડા વિસ્તાર અને અમરેલી જિલ્લાના બાબરા કોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી સિંહબાળનાં મોતના બનાવો સામે આવ્યા હતા. વન વિભાગે પ્રાથમિક તબક્કે શંકા વ્યક્ત કરી હતી કે આ મોત બેબેસિયા (Babesia) સંક્રમણ સાથે જોડાયેલાં હોય શકે છે. ત્યારબાદ ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ દેખરેખ શરૂ કરવામાં આવી હતી.

- Advertisement -

વન વિભાગના જણાવ્યા અનુસાર કુલ 8 સિંહબાળનાં મોત નોંધાયાં હતાં. સંભવિત સંક્રમણને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોની આસપાસના લગભગ 10 કિલોમીટર વિસ્તારમાં રહેલા સિંહો પર વિશેષ નજર રાખવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે 22 જેટલા સિંહોને અલગ રાખવામાં આવ્યા હતા, જ્યારે વરિષ્ઠ અધિકારીઓને પણ સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

મૃત સિંહબાળનાં નમૂનાઓ તપાસ માટે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં (GBRC) મોકલવામાં આવ્યા હતા. જોકે અહેવાલો અનુસાર અંતિમ લેબોરેટરી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને મોતનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે જાહેર થયું નથી.

બેબેસિયા શું છે?

બેબેસિયા કોઈ વાયરસ નહીં પરંતુ ટિક્સ (Ticks- લોહી ચૂસતી ચાંચડ) દ્વારા ફેલાતો એક પ્રોટોઝોઆન પરોપજીવી છે. તે પ્રાણીઓના લાલ રક્તકણોને અસર કરે છે અને મેલેરિયાની જેમ કાર્ય કરે છે. સંક્રમિત પ્રાણીઓમાં તાવ, એનિમિયા, સુસ્તી, નબળાઈ અને અન્ય લક્ષણો જોવા મળી શકે છે.

વન વિભાગે મૃત સિંહબાળનાં મોતનું કારણ જાણવા માટે વૈજ્ઞાનિક તપાસ શરૂ કરી છે. શરૂઆતમાં કેટલાક અહેવાલોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) સહિત અન્ય સંક્રમણોની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હાલ બેબેસિયા સંક્રમણ મુખ્ય શંકા તરીકે તપાસ હેઠળ છે.

વન વિભાગે શું પગલાં લીધાં?

સંભવિત સંક્રમણને રોકવા માટે ગીરમાં મોટાપાયે ડી-ટિકિંગ એટલે કે ટિક્સ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પશુચિકિત્સકો અને ફ્રન્ટલાઇન સ્ટાફની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત આરોગ્ય દેખરેખ રાખવામાં આવી રહી છે.

સાસણ સ્થિત લાયન હોસ્પિટલને પણ હાઇ-એલર્ટ પર રાખવામાં આવી હતી. સંભવિત સંક્રમિત સિંહોને તાત્કાલિક સારવાર આપી શકાય તે માટે રેસ્ક્યુ વાહનો, પાંજરા, જાળ, ટ્રેન્ક્વિલાઇઝર ગન અને અન્ય સાધનો તૈયાર રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ઇમરજન્સી પ્રોટોકોલ પણ સક્રિય કરવામાં આવ્યા હતા.

નિષ્ણાતે કહ્યું- હાલ ઇમરજન્સી નથી, પરંતુ ભવિષ્ય માટે ચિંતા જરૂરી

દેશના જાણીતા વાઇલ્ડલાઇફ વૈજ્ઞાનિક યાદવેન્દ્રદેવ વી. ઝાલાએ આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે બેબેસિયા ગીર માટે કોઈ નવો રોગ નથી. તે વર્ષોથી પશુઓ, જંગલી પ્રાણીઓ અને સિંહોમાં નીચા સ્તરે હાજર રહે છે. સામાન્ય રીતે પ્રકૃતિમાં આવા રોગો અને પ્રાણીઓ વચ્ચે એક પ્રકારનું સંતુલન જળવાઈ રહે છે.

તેમના મતે લગભગ 1,000 જેટલી સિંહ વસતી વચ્ચે થોડાં મૃત્યુને તાત્કાલિક ઇમરજન્સી તરીકે જોવાની જરૂર નથી. જોકે તેમણે ચેતવણી આપી હતી કે રેબિઝ અથવા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) જેવી મોટી મહામારી વધુ ગંભીર જોખમ ઊભું કરી શકે છે. રખડતા-જંગલી શ્વાનોથી ખાસ આ રોગ ફેલાતો હોવાનું તેમણે જણાવ્યું હતું.

ઝાલાએ વધુમાં કહ્યું હતું કે એશિયાટિક સિંહોના લાંબાગાળાના સંરક્ષણ માટે ગીર બહાર પણ અલગ અને એકબીજાથી અસંબંધિત સિંહ વસતી ઊભી કરવી જરૂરી છે. તેમના મતે એક જ વિસ્તારમાં સમગ્ર વસતી કેન્દ્રિત હોવાને કારણે કોઈ મોટી મહામારી અથવા કુદરતી આફતના સમયે પ્રજાતિ માટે જોખમ વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે 2025ની સિંહ ગણતરી મુજબ ગુજરાતમાં કુલ 891 એશિયાટિક સિંહો નોંધાયા હતા. સમગ્ર વિશ્વમાં જંગલોમાં રહેલા એશિયાટિક સિંહોનું આ એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાય છે. તેથી ગીરમાં સર્જાતી કોઈપણ આરોગ્ય સંબંધિત સ્થિતિ પર વન વિભાગ અને સંરક્ષણ નિષ્ણાતો સતત નજર રાખી રહ્યા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં