ગુજરાતમાં IBના નામે AAPના નેતાઓ અને કાર્યકરોને ધમકીઓ આપવામાં આવી રહી હોવાનો મુદ્દો ઉઠાવીને અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા અને દુર્ગેશ પાઠકે હોબાળો મચાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટો કરવામાં આવી, સવાલો ઉઠાવવામાં આવ્યા અને સમગ્ર ઘટનાને રાજકીય રંગ આપવામાં આવ્યો. પરંતુ તપાસ આગળ વધતાં આખી રમત જ બદલાઈ ગઈ. જે ‘IB કોલ’ને લઈને સરકાર અને તંત્ર પર આડકતરી રીતે નિશાન સાધવામાં આવી રહ્યું હતું, તેમાં જ હવે AAPનો વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા આરોપી તરીકે સામે આવ્યો છે.
વિશેષ વાત એ છે કે અશોક ઓઝા કોઈ એવો ચહેરો નથી જેને પાર્ટીમાં કોઈ ઓળખતું ન હોય. ગુજરાતમાં AAPનું સંગઠન ઉભું કરવાની પ્રક્રિયા દરમિયાન અશોક ઓઝા સતત પાર્ટીના ટોચના નેતાઓની આસપાસ જોવા મળતો રહ્યો છે. તે લાંબા સમયથી ગુજરાત AAPમાં સક્રિય છે અને પાર્ટીના ટોચના નેતૃત્વ સુધી તેની સીધી પહોંચ છે.

અરવિંદ કેજરીવાલથી લઈને ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને મનીષ સિસોદિયા સુધી અશોક ઓઝા અનેક પ્રસંગોએ પાર્ટીના મોટા ચહેરાઓ સાથે જોવા મળ્યો છે. ગુજરાતમાં પાર્ટીનું સંગઠન વિસ્તૃત કરવાની કામગીરી દરમિયાન પણ તે સક્રિય રહ્યો હતો અને ઘણી વખત દિલ્હી જઈને પણ પાર્ટીનું કામ સંભાળ્યું હતું.

ગુજરાત AAPના સંગઠન સાથે જોડાયેલા ઘણા મહત્વના કાર્યક્રમોમાં તેની હાજરી જોવા મળી છે. પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ સાથેના તેના સંપર્કો અને નજીકના પુરાવા તરીકે અનેક તસવીરો અને કાર્યક્રમોના રેકોર્ડ છે. ગુજરાતમાં AAPના પ્રભારી તરીકે કામ કરી ચૂકેલા ગોપાલ રાય સાથે પણ તે અનેક વખત જોવા મળ્યો હતો. ટૂંકમાં કહીએ તો અશોક ઓઝા માત્ર શહેર સ્તરનો હોદ્દેદાર નહોતો, પરંતુ પાર્ટીના મોટા નેતાઓ સાથે સીધો સંપર્ક ધરાવતો અને સંગઠનમાં ઓળખ ધરાવતો ચહેરા હતો.

વધુમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ સાથે પણ તેના સારા સંબંધો છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સાથેના તેના સંબંધો પણ નજીકના છે. તે સિવાય ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સાથે પણ તે ઘણી વખત જોવા મળે છે. આ તમામ નેતાઓ સાથેના ફોટા પણ હાલ ઉપલબ્ધ છે.

શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે આમ આદમી પાર્ટીના (AAP) કેટલાક નેતાઓએ દાવો કરવાનું શરૂ કર્યું કે ગુજરાતમાં તેમના કાર્યકરો અને નેતાઓને ઇન્ટેલિજન્સ બ્યુરોના (IB) નામે ફોન કરીને ધમકાવવામાં આવી રહ્યા છે. મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે દિલ્હીના પૂર્વ ધારાસભ્ય અને AAP નેતા દુર્ગેશ પાઠકે સોશિયલ મીડિયા પર જાહેરમાં આક્ષેપ કર્યો કે ગુજરાતમાં કામ કરી રહેલા AAP કાર્યકરોને એક ચોક્કસ નંબર પરથી ફોન આવી રહ્યા છે અને ફોન કરનાર પોતાને IBનો અધિકારી તરીકે ઓળખાવી રહ્યો છે.
થોડા જ સમયમાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દો હાથમાં લીધો હતો. કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે તેમના એક કાર્યકરને આવા પ્રકારનો ફોન આવ્યો હતો. તેમણે વધુમાં એવો પણ દાવો કર્યો હતો કે તેમણે જાતે જ તે નંબર પર ફોન કરીને પૂછ્યું હતું કે શું તેઓ IBમાંથી બોલી રહ્યા છો? અને સામેથી હકારાત્મક જવાબ મળ્યા બાદ પોતે અરવિંદ કેજરીવાલ હોવાનું જણાવતાં જ ફોન કાપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ કેજરીવાલે જાહેરમાં પ્રશ્ન કર્યો હતો કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રાજકીય કામ કરવા જતા નાગરિકોનું IB દ્વારા વેરિફિકેશન કયા કાયદા હેઠળ કરવામાં આવે છે.
AAPના અન્ય નેતાઓએ પણ આ મુદ્દાને આગળ ધપાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટો કરવામાં આવી, નિવેદનો આપવામાં આવ્યાં અને સમગ્ર મામલાને એવો રંગ આપવામાં આવ્યો કે જાણે કોઈ સરકારી એજન્સી રાજકીય કાર્યકરોને નિશાન બનાવી રહી હોય. પરિણામે આ મુદ્દો રાજકીય ચર્ચાનો વિષય બની ગયો હતો.
જોકે આ દરમિયાન આણંદના AAP કાર્યકર કેશવ ચૌહાણને પણ સમાન પ્રકારનો ફોન આવ્યો હોવાનું કહેવાતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. કેશવ ચૌહાણે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે મોબાઇલ નંબર, કોલ ડિટેઇલ્સ અને ટેકનિકલ ડેટાની તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન સૌથી પહેલો ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે જે નંબર અંગે હોબાળો મચાવવામાં આવી રહ્યો હતો તે નંબર આણંદના નીતિન ડોબરિયાના નામે હોવાનું સામે આવ્યું. પોલીસે નીતિન ડોબરિયાની પૂછપરછ શરૂ કરતા આખી સ્ટોરીએ અલગ જ વળાંક લીધો હતો. પૂછપરછ દરમિયાન નીતિન ડોબરિયાએ જણાવ્યું હતું કે તેણે વડોદરા શહેર AAP પ્રમુખ અશોક ઓઝાના કહેવાથી ફોન કર્યા હતા અને કેટલાક કિસ્સાઓમાં પોતાને IB અધિકારી તરીકે ઓળખ આપી હતી.
આ ખુલાસા બાદ પોલીસે અશોક ઓઝાની પણ પૂછપરછ શરૂ કરી હતી. જે બાદ તપાસમાં સામે આવ્યું કે આ સમગ્ર મામલો કોઈ બાહ્ય એજન્સી કે રાજકીય વિરોધીઓ સાથે જોડાયેલો ન હતો, પરંતુ AAPની આંતરિક જૂથબાજી અને સંગઠનની અંદરની રાજકીય સ્પર્ધા સાથે જોડાયેલો હતો.
અહેવાલો અનુસાર દિલ્હીના નેતા દુર્ગેશ પાઠકને વડોદરા અને ગુજરાતમાં વધુ સક્રિય ભૂમિકા આપવામાં આવ્યા બાદ સ્થાનિક સ્તરે અસંતોષ ઊભો થયો હતો. તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો કે અશોક ઓઝાને ભય હતો કે કેન્દ્રીય નેતૃત્વના વધતા હસ્તક્ષેપથી સ્થાનિક સંગઠનમાં તેનું વર્ચસ્વ ઘટી શકે છે. આ જ કારણસર નકલી IB અધિકારીનો ખેલ રચવામાં આવ્યો હતો, જેથી કેટલાક નેતાઓ પર દબાણ ઊભું કરી શકાય.
અંતે જે મુદ્દે AAPના ટોચના નેતાઓએ જાહેરમાં હોબાળો મચાવ્યો હતો, જે મુદ્દાને લઈને સોશિયલ મીડિયા પર સરકાર અને તંત્ર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, તે જ કેસમાં હવે AAPના પોતાના જ એક શહેર પ્રમુખ અને તેના સાથીની ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું.


