હોમપેજદેશવિનાયક સાવરકર અને ધરમપુરના રાજકુમાર: વાત સ્વતંત્રતા આંદોલનની એક અજાણી કડીની

વિનાયક સાવરકર અને ધરમપુરના રાજકુમાર: વાત સ્વતંત્રતા આંદોલનની એક અજાણી કડીની

નેહરુએ જ્યારે સાવરકર કેસમાં મદદ માટે ફંડની ના પાડી દીધી હતી ત્યારે ધરમપુરના રાજકુમારે મદદ કરી હતી. ત્યારબાદ પણ તેઓ સાવરકર સાથે સંપર્કમાં રહ્યા.

- Advertisement -

આજે 28મી મે. વિનાયક દામોદર સાવરકરની જન્મજયંતી. સામે ઉજ્જવળ કારકિર્દી હોવા છતાં જીવન રાષ્ટ્રસેવા માટે બલિદાન કરી દેનારા આ મહાનાયકને ઇતિહાસમાં પૂરતું સ્થાન ન મળ્યું, કારણ માત્ર એટલું હતું કે સાવરકર કોંગ્રેસી વિચારધારાના વર્તુળની બહારના હતા. તેમના યોગદાનની, બલિદાનની પૂરતી નોંધ ન લેવાઈ અને ઉપરથી અપપ્રચાર કરીને આ યોગદાનને ઢાંકવાનું કામ પાછલા દાયકાઓમાં પૂરજોર થયું. 2014 પછીના વૈચારિક પરિવર્તનના કારણે આજે આપણે સાવરકરને યાદ કરીએ છીએ.

સાવરકર મૂળ મહારાષ્ટ્રના પણ તેમનો પ્રભાવ મહારાષ્ટ્ર પૂરતો સીમિત ન હતો. સાવરકરની વિચારધારાના તદ્દન સામા છેડાના મોહનદાસ ગાંધીની જન્મભૂમિ ગુજરાતના સાહિત્યકારો, ઇતિહાસકારોએ પણ ઘણાં વર્ષો સુધી સાવરકરથી અંતર જ રાખ્યું. વર્ષો પછી ડૉ. શરદ ઠાકરે ‘સિંહપુરુષ’ લખી એ બેસ્ટસેલર બની. આ સિવાય પણ થોડુંઘણું લખાયું છે. પણ સાવરકરનું ગુજરાત સાથે સીધું કનેક્શન પણ છે.

ભારતથી લંડન જઈને ત્યાં સશસ્ત્ર ક્રાંતિની જ્વાળા પ્રજ્વલિત કરવા માટે વિનાયક સાવરકરે કેવા પ્રયાસો કર્યા તેની ગાથા અલગ છે. ત્યાં તેમણે શ્યામજીકૃષ્ણ વર્માના ‘ઇન્ડિયા હાઉસ’માં એક જૂથ બનાવ્યું હતું. લંડનમાં સાવરકરના સાથીઓ પૈકીના એક હતા ધરમપુર રજવાડાના રાજકુમાર ચંદ્રદેવજી.

- Advertisement -
લંડનમાં સાથીદારો સાથે વિનાયક સાવરકર (ફોટો- સાવરકર સ્મારક, મુંબઈ)

દરિયાની લહેરો વચ્ચે થઈ હતી બંનેની મુલાકાત

ધરમપુર દક્ષિણ ગુજરાતના હાલના વલસાડ જિલ્લાનું એક તાલુકા મથક છે. સ્વતંત્રતા પહેલાં નાનું રજવાડું હતું અને સિસોદિયા વંશનું અહીં શાસન હતું. અહીંથી મહારાષ્ટ્ર પણ ઝાઝું દૂર નથી. રમણીય પ્રદેશમાં આવેલું ધરમપુર આજે પણ રજવાડાનાં સ્મરણો સાચવીને બેઠું છે.

એક સંયોગ એ પણ છે કે આજે ચંદ્રદેવજીની જયંતી પણ છે. તેમનો જન્મ 28 મે, 1886ના દિવસે. સાવરકર કરતાં તેઓ બરાબર ત્રણ વર્ષ નાના.

બંનેની પહેલી મુલાકાત દરિયાની લહેરો વચ્ચે થઈ. 9 જૂન, 1906ના દિવસે મુંબઈથી લંડન જવા રવાના થયેલું એસ. એસ પર્શિયા જહાજ આ પ્રથમ મુલાકાતનું સાક્ષી બન્યું. સાવરકર બેરિસ્ટરનો લંડન જઈ રહ્યા હતા અને રાજકુમાર ચંદ્રદેવ વેટરનરી સર્જનનો અભ્યાસ કરવા માટે લંડનની યાત્રાએ હતા. જહાજમાં બંનેની મુલાકાત થઈ. દેશની તત્કાલીન સ્થિતિ વિશે, રાજકારણ વિશે બંને વચ્ચે ઘણી વાતચીત થઈ અને રાજકુમાર એ જ ક્ષણથી સાવરકરથી, તેમના વિચારોથી પ્રભાવિત થઈ ગયા.

લંડનમાં રહીને વિનાયક સાવરકરે જે ક્રાંતિકારી કામો કર્યાં એની ઉપર પણ અલગથી લખી શકાય એમ છે. બીજી તરફ ભારતમાં બ્રિટિશ સરકાર ફફડી ઉઠી હતી. ભારતમાં જે અમુક અંગ્રેજ અધિકારીઓને ઠાર કરાયા તેમાં હથિયાર સાવરકરે મોકલ્યાં હતાં એ બહાને અહીં કેસ નોંધવામાં આવ્યો અને 1910માં લંડનના વિક્ટોરિયા સ્ટેશન પરથી સાવરકરની ધરપકડ કરી લેવામાં આવી.

સાવરકરની ધરપકડથી લંડનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને બ્રિટિશ શાસને એક સંદેશ આપ્યો હતો કે જો સરકાર સામે પડ્યા તો આવી હાલત તેમની પણ થઈ શકે એમ છે. આ સમયે બ્રિટનમાં સાવરકરનો કેસ લડવા માટે ભંડોળની જરૂર હતી. તેમના સાથીદારોએ આ જહેમત ઉપાડી લીધી.

નેહરુએ ઘસીને ના પાડી દીધી હતી, રાજકુમારે 500 પાઉન્ડની મદદ કરી

બિપિનચંદ્ર પાલના પુત્ર નિરંજન પાલ નોંધે છે કે તેઓ જ્યારે લંડનમાં સાવરકર કેસ માટે ફંડ ઉઘરાવવા માટે નીકળ્યા ત્યારે અનેક વિદ્યાર્થીઓએ તેમને ઇનકાર કરી દીધો હતો. કારણ સરકારનો ડર હતો. એમ પણ કહેવાય છે કે જ્યારે જવાહરલાલ નેહરુનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પણ મદદ કરવાની ઘસીને ના પાડી દીધી. પણ ધરમપુરના રાજકુમારે તે સમયે વિનાયક સાવરકરને લગભગ 500 પાઉન્ડ જેટલી મદદ કરી હતી.

નેહરુએ ના પાડ્યાનો, ધરમપુરના રાજકુમાર મદદ કરી હોવાનો ઇતિહાસના પુસ્તકમાં ઉલ્લેખ

ધરમપુર રાજવી પરિવારના ગૌરવદેવ સિસોદિયા આ ઘટના ટાંકીને જણાવે છે કે, તે સમયે આ રકમ ઘણી વધારે કહેવાતી. આજના સમય પ્રમાણે હિસાબ માંડીએ તો લગભગ કરોડેક રૂપિયા જેટલી થાય. તેઓ કહે છે, “પોતાનાં જીવન અને સત્તા જોખમમાં મૂકીને સાવરકરના ક્રાંતિયજ્ઞમાં આટલી મોટી રકમની આહુતિ આપવી એ ચંદ્રદેવજીની સાચી દેશભક્તિનું અદ્વિતીય ઉદાહરણ છે.”

રાજકુમાર ચંદ્રદેવે સાવરકરને મદદ કરતી વખતે પરિણામો-દુષ્પરિણામોની ચિંતા કરી ન હતી પણ બ્રિટિશ સરકારના કાને વાત પહોંચી ગઈ હતી. સરકારે આખરે ચંદ્રદેવને પણ ટાર્ગેટ કર્યા. એક સરકારી દસ્તાવેજમાં બ્રિટિશ અધિકારીઓએ ચંદ્રદેવની માનસિક સ્થિતિ ‘અનડિઝાયરેબલ એસોસિએટ્સ’ના કારણે બગડી ગઈ છે એવી નોંધ કરી હતી. આ સાથીદારો એટલે સાવરકર અને તેમના અન્ય ક્રાંતિવીર મિત્રો. પછીથી બ્રિટિશ સરકારે પુણેની યરવડા જેલમાં ચંદ્રદેવને આઇસોલેટ કરી દીધા અને યાતનાઓ આપી. જેલ અને હોસ્પિટલની દીવાલો વચ્ચે અવાજ દબાવવાનો પ્રયાસ થયો, પણ તેઓ ડગ્યા નહીં.

રાજકુમાર સામે બ્રિટિશ સરકારે કેસ ચલાવ્યો હતો

બીજી તરફ વિનાયક સાવરકરને બ્રિટિશ સરકારે કાળાપાણીની સજા કાપવા માટે આંદામાનની સેલ્યુલર જેલ મોકલી આપ્યા, ત્યાંથી 11 વર્ષે મુક્તિ મળી. પછી પણ રાજકુમાર ચંદ્રદેવ અને વિનાયક સાવરકર સંપર્કમાં રહ્યા હતા. 1943માં સાવરકરના 60મા જન્મદિવસે રાજકુમારે શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હોવાનું ઇતિહાસમાં ક્યાંક નોંધાયું છે. શુભેચ્છા સંદેશમાં ચંદ્રદેવે સાવરકરની દેશભક્તિનો ઉલ્લેખ કરીને ભાવપૂર્ણ પ્રણામ કર્યાં હતાં.

ઑગસ્ટ 1947માં ભારતને સ્વતંત્રતા મળી. તેના ગણતરીના દિવસોમાં રાજકુમાર અવસાન પામ્યા હતા.

આ વાતો જોકે ઓછી જાણીતી છે. ધરમપુરના સ્થાનિકોનું કહેવું છે કે રાજકુમારને સ્વતંત્રતા સેનાનીનું બિરુદ આપીને તેમનું સન્માન કરવું જોઈએ. ધરમપુરના યુવાન દેવલ રાંચ કહે છે, “ધરમપુરના આ રાજકુમારનું યોગ્ય સ્મારક બનાવવામાં આવે અને વિધિવત રીતે તેમને ‘સ્વતંત્રતા સેનાની’નું બિરુદ આપવામાં આવે એ જરૂરી છે. આ માંગણી માત્ર એક વ્યક્તિના સન્માન માટે નથી પણ નવી પેઢીને એ બાબતથી માહિતગાર કરવા માટે છે કે સ્વતંત્રતાના મહાયજ્ઞમાં રજવાડાં સહિત કેટલાય લોકોએ મૌન અને કિંમતી આહુતિ આપી હતી.”

(પૂરક માહિતી અને સંશોધન સાભાર– દેવલ રાંચ, ધરમપુર)

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં