હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિનવતપા શું છે? કેમ કહેવાય છે વર્ષના સૌથી કઠિન 9 દિવસ, શું...

નવતપા શું છે? કેમ કહેવાય છે વર્ષના સૌથી કઠિન 9 દિવસ, શું છે તેનું વૈદિક ગણિત અને શા માટે માનવામાં આવે છે સારા ચોમાસાનો સંકેત

નવતપાની આ અસહ્ય ગરમી પછી જ આકાશમાં પહેલી વાદળી દેખાય છે, ધરતી પર વરસાદની પહેલી સુગંધ ફેલાય છે અને તપેલી ધરતીને શીતળતા મળે છે. કદાચ એટલે જ ભારતીય પરંપરાએ આ નવ દિવસોને માત્ર ‘ગરમી’ નહીં, પરંતુ ‘તપ’ કહ્યું છે.

- Advertisement -

ભારતમાં ઉનાળો માત્ર એક ઋતુ નથી. તે એક અનુભવ છે. એવો અનુભવ, જે ઉત્તર ભારતની ધૂળભરી આંધીઓથી લઈને ગુજરાતની તપતી બપોર સુધી અને રાજસ્થાનના અગ્નિ જેવા પવનોથી લઈને ગામડાંઓમાં માટલાંનાં ઠંડા પાણી સુધી આખા જીવનને થોડાં અઠવાડિયાં માટે બદલી નાખે છે. મે મહિનાના અંતિમ દિવસોમાં રસ્તાઓ બપોરે ખાલી થઈ જાય છે, શહેરો ગરમ થવા લાગે છે, લૂના થપેડા શરીરને સળગાવવા લાગે છે અને લોકો સૂર્ય ઢળવાની રાહ જોતા ઘરોમાં બંધ થઈ જાય છે, ત્યારે ભારતીય પરંપરામાં કહેવાય છે કે ‘નવતપા બેસી ગયો’.

આ વર્ષે 25 અથવા 26 મેથી શરૂ થઈ રહેલો નવતપા માત્ર હવામાનની ઘટના નથી. તે ભારતીય પંચાંગ, જ્યોતિષ, કૃષિચક્ર, લોકજીવન અને પ્રકૃતિના ગહન અવલોકન સાથે જોડાયેલો એવો સમયગાળો છે, જેને સદીઓથી ભારતીય સમાજ વિશેષ ગંભીરતાથી જોતો આવ્યો છે. આધુનિક હવામાન વિજ્ઞાન આજે જેને પ્રિ-મોન્સૂન હીટ પેટર્ન કહે છે, તે જ ઘટનાને ભારતીય પરંપરાએ હજારો વર્ષ પહેલાં ઓળખી લીધી હતી.

નવતપા એટલે શું? ‘નવ’ અને ‘તપ’ પાછળનો અર્થ

નવતપા શબ્દનો સીધો અર્થ થાય છે ‘નવ દિવસનું તપ’. ‘નવ’ એટલે નવ અને ‘તપ’ એટલે તપસ્યા, દહન અથવા પ્રખર ગરમી. હિંદુ પંચાંગ અનુસાર જ્યારે સૂર્ય દેવ વૃષભ રાશિમાં આવેલા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે શરૂ થતા શરૂઆતના નવ દિવસોને નવતપા કહેવામાં આવે છે. આ સમયગાળો સામાન્ય રીતે જ્યેષ્ઠ (જેઠ) મહિનામાં આવે છે અને પરંપરાગત માન્યતા મુજબ તેને વર્ષના સૌથી ગરમ દિવસો ગણવામાં આવે છે.

- Advertisement -

ભારતીય ગ્રામ્ય સમાજમાં આજે પણ વૃદ્ધો ‘નવતપો બેઠો’ અથવા ‘રોહિણી બેઠી’ જેવી ભાષાનો ઉપયોગ કરે છે. આ શબ્દો માત્ર ધાર્મિક માન્યતા નહીં, પરંતુ પ્રકૃતિના ચક્રો સાથે જીવતા સમાજના અનુભવનું પ્રતિબિંબ છે. જૂના સમયમાં ખેડૂતો, પશુપાલકો અને ગામડાંના લોકો પંચાંગ અને આકાશના સંકેતો પરથી જ ઋતુઓનું અનુમાન કરતા. નવતપા એ એવી જ એક પરંપરાગત સમયગણતરી છે, જે પ્રકૃતિના સતત નિરીક્ષણમાંથી જન્મી હતી.

રોહિણી નક્ષત્ર, સૂર્ય અને પ્રાચીન ભારતીય જ્યોતિષનું ગણિત

ભારતીય જ્યોતિષમાં રોહિણી નક્ષત્રને અત્યંત મહત્વનું માનવામાં આવે છે. રોહિણીના સ્વામી ચંદ્ર છે, જે શીતળતા, શાંતિ અને સૌમ્યતાના પ્રતિક ગણાય છે. પરંતુ જ્યારે અગ્નિતત્વના પ્રતીક માનવામાં આવતા સૂર્ય રોહિણીમાં પ્રવેશ કરે છે, ત્યારે જ્યોતિષીય માન્યતા અનુસાર સૂર્યની પ્રખર ઊર્જા ચંદ્રની શીતળતાને દબાવી દે છે. પરિણામે પૃથ્વી પર અગ્નિતત્વ વધુ સક્રિય બની જાય છે અને ગરમીનો પ્રકોપ વધે છે.

આ કલ્પના માત્ર કાવ્યાત્મક નથી. ભારતીય જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર હજારો વર્ષોથી આકાશીય ગતિઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતા આવ્યા છે. સૂર્ય સિદ્ધાંત જેવા ગ્રંથોમાં સૂર્યની ગતિ, ઋતુચક્ર અને નક્ષત્રોની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા જોવા મળે છે. શ્રીમદ ભાગવત, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં પણ જ્યેષ્ઠ મહિનાની આ પ્રખર ગરમી અને તેના પ્રભાવના સંદર્ભો જોવા મળે છે.

જ્યોતિષ ગ્રંથોમાં એક શ્લોક દ્વારા આ સમયગાળાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે:

“ज्येष्ठ मासे शीत पक्षे आर्द्रादि दशतारका।

सजला निर्जला ज्ञेया निर्जला सजलास्तथा॥”

આનો સાર એવો થાય છે કે જ્યેષ્ઠ મહિનાના આ સમયગાળા દરમિયાન જો ભારે ગરમી પડે તો આગળ ચોમાસું સારું રહેવાની શક્યતા વધે, જ્યારે કમોસમી વરસાદ પડે તો અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ શકે. ભારતમાં આજે પણ એક કહેવત ઘણી લોકપ્રિય છે કે ‘નવતપામાં જેટલી ગરમી, તેટલો સારો વરસાદ.’ આ માત્ર લોકવિશ્વાસ નહોતો, પરંતુ સદીઓના કૃષિ અનુભવનું સંચિત જ્ઞાન હતું.

વૈજ્ઞાનિક રીતે નવતપા દરમિયાન ગરમી કેમ વધી જાય છે?

રસપ્રદ વાત એ છે કે આધુનિક હવામાન વિજ્ઞાન પણ આ સમયગાળાની તીવ્ર ગરમી પાછળના પરંપરાગત તર્કોને નકારી કાઢતું નથી. મેના અંતિમ દિવસો અને જૂનની શરૂઆત દરમિયાન સૂર્યની સ્થિતિ એવી બને છે કે તેના કિરણો ઉત્તર અને મધ્ય ભારત પર લગભગ સીધા પડે છે. પરિણામે પૃથ્વીની સપાટી પર મહત્તમ ગરમી પહોંચે છે.

આ સમયગાળા દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ઘટે છે અને શુષ્ક ગરમી વધે છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ફૂંકાતી ‘લૂ’ એ આ જ પરિસ્થિતિનું પરિણામ છે. રણપ્રદેશ અને શુષ્ક વિસ્તારોમાં દિવસ દરમિયાન જમીન એટલી ઝડપથી ગરમ થાય છે કે આસપાસની હવા પણ દહનકારી બની જાય છે.

આ જ સમય પ્રિ-મોન્સૂન પિરિયડ તરીકે પણ ઓળખાય છે. ચોમાસું આવતાં પહેલાં જમીન અત્યંત ગરમ થઈ જાય છે અને નીચા દબાણના ક્ષેત્રો રચાય છે. ત્યારબાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવન ભારત તરફ ખેંચાઈ આવે છે. એટલે જ નવતપાની આકરી ગરમીને ચોમાસા માટેની તૈયારી તરીકે જોવામાં આવે છે.

હવામાન નિષ્ણાતો અનુસાર આ દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં 2થી 5 ડિગ્રી સેલ્સિયસ વધુ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં તે 45થી 48 ડિગ્રી સુધી પહોંચી જાય છે. ભારતીય હવામાન વિભાગે પણ ઉત્તર અને મધ્ય ભારત માટે હીટવેવની ચેતવણી જાહેર કરી છે.

ખેડૂતો માટે નવતપાનું શું મહત્વ છે?

ભારતીય કૃષિ જીવનમાં નવતપાનું વિશેષ સ્થાન રહ્યું છે. શહેરોમાં રહેતા લોકો માટે આ દિવસો માત્ર અસહ્ય ગરમીના હોય શકે, પરંતુ ખેડૂત માટે આ સમય આવનારા વરસાદનો સંકેત માનવામાં આવતો હતો.

જૂના સમયમાં ખેડૂતો આકાશના રંગ, પવનની દિશા, ગરમીની તીવ્રતા અને પક્ષીઓના વર્તન પરથી ચોમાસાનું અનુમાન કરતા. જો નવતપા દરમિયાન ગરમી તીવ્ર રહે તો તેને સારા વરસાદનું સૂચક માનવામાં આવતું. કારણ કે વધુ ગરમ થયેલી જમીન સમુદ્રમાંથી આવતાં ભેજવાળા પવનને વધુ શક્તિશાળી રીતે ખેંચે છે.

ખરીફ પાકો માટે સારો વરસાદ અત્યંત જરૂરી હોય છે. તેથી નવતપાની ગરમીને ભલે લોકો સહન કરતા હોય, પરંતુ અંદરથી તેઓ તેને આશીર્વાદરૂપે પણ જોતા હતા. ગ્રામ્ય ભારતમાં આજે પણ ઘણા ખેડૂતો કહે છે કે ‘નવતપો સારો જાય તો વરસ પણ સારું જાય.’

નવતપા અને ભારતીય જીવનશૈલી

નવતપા માત્ર ખગોળશાસ્ત્ર કે હવામાનની ચર્ચા નથી. તે ભારતીય જીવનશૈલી અને સંસ્કૃતિનો પણ ભાગ છે. જૂના સમયમાં લોકો આ દિવસોમાં જીવનની ગતિ બદલી નાખતા હતા. બપોરે ગામડાંઓ સૂમસામ થઈ જતા. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા.

ઘરોમાં માટલાંમાં પાણી ઠંડું રાખવામાં આવતું. છાશ, રાબ, સત્તુ, કેરી અને ગોળવાળું પાણી શરીરને ઠંડક આપવા માટે પીવામાં આવતું. રસ્તાઓ પર પાણીનાં પરબ બાંધવામાં આવતાં અને મુસાફરોને પાણી પીવડાવવું પુણ્યનું કામ માનવામાં આવતું. પશુ-પક્ષીઓ માટે પણ પાણી રાખવાની પરંપરા હતી. આ પરંપરાઓ માત્ર ધાર્મિક નહોતી. તે કઠોર ઉનાળામાં જીવતા રહેવા માટે સમાજે વિકસાવેલી વ્યવહારુ પદ્ધતિઓ હતી.

ધર્મશાસ્ત્રોમાં નવતપાનું મહત્વ શું?

ધર્મશાસ્ત્રોમાં નવતપા દરમિયાન સૂર્ય ઉપાસનાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તાંબાના લોટાથી સૂર્યને અર્ઘ્ય આપવું, પાણીમાં લાલ ફૂલ અને અક્ષત અર્પણ કરવાં તથા દાન-પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે. રાહદારીઓને ઠંડું પાણી પીવડાવવું અને પરબ શરૂ કરાવવું પુણ્યકાર્ય ગણાય છે.

બીજી તરફ લગ્ન, ગૃહપ્રવેશ અથવા અન્ય માંગલિક કાર્યો માટે આ સમયગાળો ટાળવામાં આવતો હતો. તેની પાછળ માત્ર ધાર્મિક કારણો નહોતા, પરંતુ વ્યવહારુ સમજણ પણ હતી, કારણ કે આકરા ઉનાળામાં લાંબી યાત્રાઓ અને મોટા સામાજિક કાર્યક્રમો શરીર માટે જોખમી બની શકે.

નવતપા દરમિયાન શરીર પર શું અસર થાય?

આધુનિક સમયમાં પણ નવતપા અત્યંત ગંભીર આરોગ્ય જોખમો લઈને આવે છે. ડિહાઇડ્રેશન, હીટ એક્ઝોસ્ટન, હીટસ્ટ્રોક, ચક્કર આવવા, ત્વચા સૂકાઈ જવી, માથાનો દુઃખાવો અને ગંભીર સ્થિતિમાં બેભાન થવા સુધીની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

બાળકો, વૃદ્ધો, હૃદયરોગીઓ, ડાયાબિટીસ ધરાવતા લોકો અને બહાર કામ કરતા શ્રમિકો માટે આ સમય ખાસ જોખમી માનવામાં આવે છે. શહેરોમાં ‘હીટ આઇલેન્ડ ઇફેક્ટ’ને કારણે સિમેન્ટ અને કોંક્રીટ દિવસભરની ગરમી શોષી લે છે અને રાત્રે પણ તાપમાન ઊંચું રહે છે.

શરીરને હાઇડ્રેડ રાખવું આ સમય દરમિયાન સૌથી મહત્વપૂર્ણ છે. છાશ, લીંબુ પાણી, ORS, નાળિયેર પાણી, તરબૂચ અને કાકડી જેવા પાણીથી ભરપૂર ખાદ્યપદાર્થો રાહત આપે છે. ભારે, તેલિયું અને અતિ મસાલેદાર ભોજન ટાળવું જોઈએ. બપોરે 12થી 4 દરમિયાન બહાર નીકળવાનું ટાળવું અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા વધુ યોગ્ય ગણાય છે.

નવતપા: પ્રકૃતિની એક અગ્નિ પરીક્ષા

આખરે નવતપા માત્ર અગ્નિ જેવી ગરમીનો સમય નથી. તે ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિના એક ગહન ચક્રનું પ્રતીક છે. જેમ તપ વગર સિદ્ધિ નથી મળતી, તેમ જ પ્રકૃતિ પણ જાણે વરસાદ પહેલાં પોતાનું એક ઉગ્ર તપ પૂર્ણ કરતી હોય એમ લાગે છે.

નવતપાની આ અસહ્ય ગરમી પછી જ આકાશમાં પહેલી વાદળી દેખાય છે, ધરતી પર વરસાદની પહેલી સુગંધ ફેલાય છે અને તપેલી ધરતીને શીતળતા મળે છે. કદાચ એટલે જ ભારતીય પરંપરાએ આ નવ દિવસોને માત્ર ‘ગરમી’ નહીં, પરંતુ ‘તપ’ કહ્યું છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં