NCERTના ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ સામે વાંધો ઉઠાવીને સુપ્રીમ કોર્ટે શરૂ કરેલા સુઓમોટો કેસના ચુકાદામાં કોર્ટે પાઠ્યક્રમ તૈયાર કરનારા ત્રણ સ્કૉલરો વિશે પણ ટિપ્પણી કરીને તેમને ભવિષ્યના કોઈ સરકારી પ્રોજેક્ટમાં સામેલ ન કરવા માટે આદેશ આપ્યા હતા. આ મામલે આખરે ત્રણેય સ્કૉલરોએ ફરીથી કોર્ટના દરવાજા ખખડાવતા કોર્ટે વલણ નરમ કરીને અગાઉના આદેશમાંથી આ ટિપ્પણીઓ હટાવી દીધી છે અને ત્રણેય સ્કૉલરો પર મૂકવામાં આવેલો પ્રતિબંધ પણ ઉઠાવી લીધો છે.
મામલાની શરૂઆત ફેબ્રુઆરી 2026માં થઈ હતી. મીડિયામાં સમાચાર છપાયા હતા કે NCERTના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પર એક પ્રકરણ પ્રકાશિત થયું છે. જેની ઉપર પછીથી સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને NCERTને નોટિસ ફટકારી હતી અને કડક શબ્દોમાં વાંધો ઉઠાવ્યો હતો. કાર્યવાહી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની કોર્ટમાં ચાલી રહી હતી.
આ મામલે NCERTએ માફી માગી લીધી અને કોર્ટના આદેશથી આ પ્રકરણ ધરાવતાં પુસ્તકો પરત મગાવી લેવામાં આવ્યાં હતાં. કોર્ટે ત્યારે એવી ટિપ્પણી પણ કરી હતી કે આ સામગ્રી પ્રથમ દૃષ્ટિએ ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડવા માટે ઉમેરવામાં આવી હોવાનું લાગે છે અને તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો ન્યાયતંત્રને ગંભીર અસર થઈ શકે એમ છે.
માર્ચ 2026ના એક આદેશમાં કોર્ટે પ્રકરણ તૈયાર કરવામાં ભૂમિકા ભજવનારા ત્રણ તજજ્ઞો પ્રોફેસર માઈકલ ડેનિનો, સુપર્ણા દિવાકર અને આલોક પ્રસન્નાને ભવિષ્યના કોઈ પણ આવા પ્રોજેક્ટમાં સામેલ ન કરવા માટે પણ આદેશ આપ્યો હતો.
‘એકપક્ષીય આદેશ હતો, અમને સાંભળવામાં ન આવ્યા’
આ મામલે પછીથી ત્રણેયે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. મૂળ દલીલ એ હતી કે કોઈને પણ સાંભળ્યા વગર જ કોર્ટે એકપક્ષીય આદેશ આપી દીધો હતો. માઈકલ ડેનિનો તરફથી વકીલે કોર્ટમાં દલીલો રજૂ કરીને જણાવ્યું કે આદેશ પસાર કરતી વખતે તેમને સાંભળવામાં આવ્યા ન હતા અને એકપક્ષીય આદેશ પસાર કરવામાં આવ્યો. બીજું, ડ્રાફ્ટિંગ કમિટીમાં આ ત્રણ જ સભ્યો ન હતા અને એક મોટી ટીમે પ્રકરણ તૈયાર કર્યું હતું.
ત્યારબાદ આલોક પ્રસન્ના તરફથી વકીલ ગોપાલ શંકરનારાયણને દલીલો રજૂ કરતાં કહ્યું કે, “કોર્ટને અમે એ જણાવવા માગીએ છીએ કે શું પ્રક્રિયા અનુસરવામાં આવી હતી. એ પણ નોંધવું જોઈએ કે આ બધા સન્માનિત લેખકો છે.” સુપર્ણા દિવાકર તરફથી એડવોકેટ જે સાઈ દીપક કોર્ટમાં હાજર રહ્યા, જેમણે દલીલ આપતાં કહ્યું કે સિલેબસ તૈયાર કરવાનું કામ એ એક મોટી ટીમનું છે અને તેમાં કોઈ એક-બે કે ત્રણ તજજ્ઞોની ખાસ ભૂમિકા હશે એવું માની લેવાનું કોઈ કારણ નથી.
આ મામલે પછીથી મુખ્ય ન્યાયાધીશની કોર્ટે અગાઉના આદેશના અમુક ફકરા હટાવી દેવા માટે આદેશ આપ્યો.
‘પ્રકરણ અયોગ્ય હતું એ વાત પર કોર્ટ અડગ, પણ દલીલો જોતાં સ્કૉલરોને રાહત આપવી યોગ્ય’: કોર્ટ
આદેશમાં CJI સૂર્યકાંતે કહ્યું કે, “આ કોર્ટ હજુ પણ સ્પષ્ટપણે માને છે કે NCERTના ધોરણ આઠના પાઠ્યપુસ્તકમાં જે સામગ્રી પ્રકાશિત કરવામાં આવી હતી એ બિલકુલ અયોગ્ય અને બિનજરૂરી હતી અને ભારતના ન્યાયતંત્ર વિશે નવું પ્રકરણ ઉમેરવા માટે ભારત સરકારે નવી પ્રક્રિયા શરૂ પણ કરી દીધી છે તેમજ સુપ્રીમ કોર્ટના જ એક પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક નિષ્ણાતોની સમિતિ પણ રચવામાં આવી છે.”
કોર્ટે આદેશમાં આગળ જણાવ્યું, “…જોકે અરજદારો (ત્રણ સ્કૉલર) દ્વારા જે દલીલો રજૂ કરવામાં આવી તેને જોતાં અમને લાગે છે કે (માર્ચના) આદેશનો અમુક ભાગ દૂર કરવો જોઈએ અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશો, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને જે આ ત્રણ તજજ્ઞોને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સામેલ ન કરવાની સૂચના આપવામાં આવી છે એ પરત ખેંચી લેવી જોઈએ.”
કોર્ટે હવે આ નિષ્ણાતોની મદદ લેવી કે કેમ તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પર છોડી દીધું છે અને સ્પષ્ટ કર્યું છે કે સુપ્રીમ કોર્ટનાં અવલોકનોને ધ્યાનમાં રાખ્યા વગર તેઓ સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે.
આ સિવાય કોર્ટે એ ટિપ્પણીઓ પણ હટાવી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ત્રણેય તજજ્ઞોએ જાણીજોઈને તથ્યો તોડીમરોડીને પ્રકરણમાં રજૂ કર્યાં હતાં. કોર્ટે આ બાબતે ત્રણેય દ્વારા જે દલીલો રજૂ કરવામાં આવી એ ધ્યાનમાં લીધી અને નોંધ્યું કે આ ટિપ્પણીઓ હટાવી દેવામાં આવશે.
સમગ્ર મામલો ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પ્રકરણનો છે. જે મામલે સુપ્રીમ કોર્ટ ધૂઆંપૂઆં થઈ ગઈ હતી અને સુઓમોટો સુનાવણી શરૂ કરી દીધી હતી. આ જ કેસના ચુકાદામાં સ્કૉલરો વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી તે મામલે તેઓ પછીથી કોર્ટ ગયા હતા.


