હોમપેજદેશદિલ્હી જિમખાના ક્લબ: સત્તા, બ્યુરોક્રસી, રાજદ્વારી વર્તુળો અને હાઈક્લાસ નેટવર્કિંગનું અદ્રશ્ય સામ્રાજ્ય

દિલ્હી જિમખાના ક્લબ: સત્તા, બ્યુરોક્રસી, રાજદ્વારી વર્તુળો અને હાઈક્લાસ નેટવર્કિંગનું અદ્રશ્ય સામ્રાજ્ય

પૈસા હોવા છતાં મેમ્બરશિપ મળવી સરળ નહોતી. ‘ક્લબેબિલિટી’ નામની એક અનૌપચારિક માનસિકતા અંગે વર્ષો સુધી ચર્ચા થતી રહી. વ્યક્તિ કેવા પરિવારથી આવે છે, તેની સામાજિક ઓળખ શું છે, તે એલાઇટ વાતાવરણમાં ફિટ બેસે છે કે નહીં? આ બધું મહત્વનું ગણાતું હતું.

- Advertisement -

દિલ્હીના સૌથી સુરક્ષિત અને પ્રભાવશાળી વિસ્તારમાં, વડા પ્રધાન નિવાસથી થોડા જ અંતરે આવેલી એક એવી સંસ્થા છે, જેના દરવાજા દાયકાઓ સુધી સામાન્ય ભારતીયો માટે લગભગ બંધ જ રહ્યા હતા. બહારથી જોતાં તે એક રમતગમત ક્લબ જેવી લાગે, પરંતુ હકીકતમાં તે બ્રિટિશ યુગમાંથી ચાલતી આવેલી એવી ‘એલાઇટ સંસ્કૃતિ’નું કેન્દ્ર બની ગઈ હતી, જ્યાં સત્તા, ઓળખાણો, બ્યુરોક્રસી, રાજદ્વારી વર્તુળો અને ઉચ્ચવર્ગીય નેટવર્કિંગનું એક અદ્રશ્ય સામ્રાજ્ય જીવતું હતું. આ સંસ્થા છે દિલ્હી જિમખાના ક્લબ.

હવે કેન્દ્ર સરકારે આ ક્લબને જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો છે. સરકારનું કહેવું છે કે સફદરજંગ રોડ પર આવેલી આ 27.3 એકર જમીન હવે રક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર હિત સાથે જોડાયેલી જરૂરિયાતો માટે જરૂરી છે. પરંતુ આ કાર્યવાહી માત્ર જમીન પાછી લેવાનો વહીવટી નિર્ણય નથી. ઘણા લોકો માટે તે બ્રિટિશ યુગમાંથી ચાલતી આવેલી એક એવી વિશેષાધિકારવાળી સંસ્કૃતિ સામેનું પ્રતીકાત્મક પગલું છે, જે સ્વતંત્રતા પછી પણ લગભગ અસ્પર્શિત રહી હતી.

દિલ્હી જિમખાના ક્લબનો ઇતિહાસ માત્ર એક ક્લબનો ઇતિહાસ નથી. તે બ્રિટિશ સામ્રાજ્યની માનસિકતા, ભારતીય શાસક વર્ગના રૂપાંતર, લુટિયન્સ દિલ્હીની ઇકોસિસ્ટમ અને દાયકાઓ સુધી જીવંત રહેલા પાવર કલ્ચરનો ઇતિહાસ છે.

જ્યારે બ્રિટિશોએ દિલ્હીમાં પોતાના માટે અલગ દુનિયા ઊભી કરી

વર્ષ 1911માં બ્રિટિશ સામ્રાજ્યે ભારતની રાજધાની કોલકાતાથી દિલ્હીમાં ખસેડવાનો નિર્ણય લીધો. કિંગ જ્યોર્જ પંચમે આ જાહેરાત કરી અને ત્યારબાદ નવી દિલ્હીને બ્રિટિશ સામ્રાજ્યના ભવ્ય શાસકીય કેન્દ્ર તરીકે ઊભું કરવાનું કામ શરૂ થયું. અંગ્રેજો માત્ર સરકારી મકાનો બનાવીને અટકવાના નહોતા. તેઓ ભારતમાં એક એવું શહેર ઊભું કરવા માંગતા હતા જ્યાં શાસક વર્ગની જીવનશૈલી સામાન્ય ભારતીયોથી સંપૂર્ણપણે અલગ રહે. આ જ વિચારમાંથી 1913માં ‘ઇમ્પિરિયલ દિલ્હી જિમખાના ક્લબ’ની સ્થાપના થઈ.

‘જિમખાના’ શબ્દ પોતે બ્રિટિશ-ભારતીય કોલોનિયલ સંસ્કૃતિની દેન માનવામાં આવે છે. અંગ્રેજો ભારતમાં આવાં ક્લબોને માત્ર રમતગમત કે મોજશોખ માટે નહોતા બનાવતા. આ ક્લબો બ્રિટિશ સામ્રાજ્યના અધિકારીઓ માટે સામાજિક કિલ્લા સમાન હતાં. અહીં ઘોડેસવારી, ગોલ્ફ, ટેનિસ, દારૂ પાર્ટીઓ, સંગીત સંધ્યાઓ અને ઉચ્ચવર્ગીય ભોજન સમારંભો યોજાતા. પરંતુ તેની પાછળનો હેતુ મોટો હતો કે શાસક વર્ગને ‘વિશેષ’ અને ‘અલગ’ રાખવો. અહીં બ્રિટિશ સૈનિક અધિકારીઓ, ઉચ્ચ વહીવટી અધિકારીઓ, રાજદ્વારી વર્તુળો અને સામ્રાજ્ય સાથે જોડાયેલા વિશેષાધિકારવાળા લોકો માટે એક અલગ દુનિયા ઊભી કરવામાં આવતી.

- Advertisement -

આવાં ક્લબોમાં ભારતીયોની હાજરી ખૂબ મર્યાદિત રાખવામાં આવતી. અહીં બ્રિટિશ અધિકારીઓ, સૈન્ય કમાન્ડરો, વાઇસરૉય વર્તુળો અને સામ્રાજ્ય સાથે જોડાયેલા લોકો જ આવતા. ક્લબની અંદરની આર્કિટેક્ચર, વિશાળ લૉન્સ, અંગ્રેજી ભોજન વ્યવસ્થા, ચાંદીનાં વાસણ, પશ્ચિમી શૈલીના ડ્રેસ કોડ અને ખાનગી બાર રૂમ્સ, આ બધું બ્રિટિશ ‘સિવિલાઇઝ્ડ એલાઇટ’ છબી ઉભી કરવા માટે હતું.

ક્લબના સ્થાપક સભ્યોમાં ગ્વાલિયર, જયપુર, જોધપુર, કાશ્મીર, ઉદયપુર અને કિશનગઢના મહારાજાઓ તેમજ ભોપાલના નવાબ જેવા રાજવી શાસકોને લાઈફટાઈમ મેમ્બરશિપ આપવામાં આવી હતી. એ પોતે જ દર્શાવે છે કે બ્રિટિશ શાસકો ભારતના રાજવી વર્ગ અને કોલોનિયલ શાસન વચ્ચે કેવી રીતે એક વિશેષ સંબંધ ઊભો કરવા માંગતા હતા.

આ ક્લબો માત્ર મનોરંજનના કેન્દ્ર નહોતાં. અહીં સત્તાના અનૌપચારિક નેટવર્ક્સ ઊભાં થતાં. કયા અધિકારીને કયું પદ મળશે, કયા વેપારીને કોનો આશીર્વાદ છે, કયો સૈનિક અધિકારી સત્તા નજીક છે, આ બધું ઘણીવાર આવી જ જગ્યા પર નક્કી થતું. દિલ્હી જિમખાના ક્લબ ધીમે-ધીમે બ્રિટિશ ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી સામાજિક કેન્દ્રોમાંથી એક બની ગયું હતું.

શરૂઆતના સમયમાં કિંગ્સવે નજીકનું પોલો મેદાન ક્લબનો જ એક ભાગ માનવામાં આવતું હતું. બાદમાં 1930ના દાયકામાં તે અલગ એકમ બન્યું. પોલો, ઘોડેસવારી અને બ્રિટિશ રમતગમત સંસ્કૃતિ તે સમયના કોલોનિયલ એલાઇટ જીવનનો અગત્યનો ભાગ હતી.

રોબર્ટ ટોર રસેલ અને બ્રિટિશ દિલ્હી આર્કિટેક્ચર

આજે જે ભવ્ય ઇમારત સફદરજંગ રોડ પર દેખાય છે, તેનું નિર્માણ 1930ના દાયકાની શરૂઆતમાં થયું હતું. આ ઇમારતનો આર્કિટેક્ટ હતો રોબર્ટ ટોર રસેલ. એ જ બ્રિટિશ આર્કિટેક્ટ જે કનોટ પ્લેસ અને તીન મૂર્તિ જેવી ઇમારતો સાથે જોડાયેલો હતો. રસેલ ખાસ ધ્યાન રાખતો હતો કે ક્લબની રચના આસપાસ ઉભા થઈ રહેલા બ્રિટિશ બંગલાઓ સાથે મેળ ખાતી રહે. વિશાળ લૉન્સ, કોલોનિયલ શૈલીની ઇમારત, પશ્ચિમી ડાઇનિંગ રૂમ્સ, ખાનગી બાર, ટેનિસ કોર્ટ્સ અને વિશેષ મહેમાન સુવિધાઓ, આ બધું મળીને બ્રિટિશ ‘સિવિલાઇઝ્ડ એલાઇટ’ જીવનશૈલીનું પ્રતીક બન્યું.

ક્લબના સ્વિમિંગ પૂલ પાછળનો ઇતિહાસ પણ કોલોનિયલ વિશેષાધિકારની એક ઝલક આપે છે. શરૂઆતમાં ક્લબમાં સ્વિમિંગ પૂલ નહોતો. પરંતુ વાઇસરોય વિલિંગ્ડનની પત્ની લેડી વિલિંગ્ડનને દિલ્હીના બીજા પૂલોમાં જવું ગમતું નહોતું! ત્યારબાદ તેણે ક્લબને સ્વિમિંગ પૂલ અને સ્ક્વોશ કોર્ટ્સ (સ્ક્વોશ નામની ઇન્ડોર રમત રમવાના મેદાનો) બનાવવા માટે 21 હજાર રૂપિયા ભેટ આપ્યા. બાદમાં ક્લબે તેના સન્માનમાં ‘લેડી વિલિંગ્ડન સ્વિમિંગ બાથ’ અને ‘વિલિંગ્ડન સ્ક્વોશ કોર્ટ્સ’ નામની તકતીઓ લગાવી હતી. આ માત્ર ઇતિહાસ નથી. તે બતાવે છે કે બ્રિટિશ યુગમાં આ ક્લબો કેવી રીતે ‘શાસક વર્ગની ખાનગી દુનિયા’ તરીકે કાર્ય કરતી હતી.

બ્રિટિશ શાસનમાં ભારતીયોને પ્રવેશ મળતો, પરંતુ સમાનતા નહીં

દિલ્હી જિમખાના ક્લબ બ્રિટિશ યુગના વર્ગભેદનું જીવંત પ્રતીક પણ હતું. તે સમય દરમિયાન ભારતીય ICS અધિકારીઓ, જેઓ દુનિયાની સૌથી કઠિન માનાતી સિવિલ સર્વિસ પરીક્ષાઓ પાસ કરતા હતા, તેમને પણ આ ક્લબની ‘એલાઇટ સંસ્કૃતિ’માં સ્વીકારાવા માટે પોતાને બદલવા પડતા હતા. ભારતીય અધિકારીઓને ફોક્સટ્રોટ (પશ્ચિમી શૈલીનો એક ડાન્સ) શીખવો પડતો, રવિવાર બપોરની પાર્ટીઓમાં બ્લડી મેરી (દારૂનું એક પશ્ચિમી પીણું) પીવી પડતી અને પોતાના પરંપરાગત નાસ્તાની જગ્યાએ ઈંડાં અને માંસથી બનેલાં બ્રિટિશ ભોજન જેવા પશ્ચિમી ખોરાક અપનાવવા પડતા.

એટલે કે માત્ર હોશિયાર અધિકારી બનવું પૂરતું નહોતું. બ્રિટિશ એલાઇટ કલ્ચરમાં ફિટ થવું પણ જરૂરી ગણાતું હતું. 1946માં લોર્ડ માઉન્ટબેટને એક પ્રસંગે ભારતીય અધિકારીઓને ક્લબના લૉન્સમાં રાખ્યા હતા, જ્યારે અંગ્રેજ અધિકારીઓ અંદર બેઠા હતા. ટૂંકમાં ભારતીયોને પ્રવેશ તો આપવામાં આવ્યો હતો, પરંતુ સમાનતા નહીં. આ એક વાક્ય દિલ્હી જિમખાના ક્લબ જેવી સંસ્થાઓની આખી માનસિકતા સમજાવવા પૂરતું છે.

1947માં દેશના ભાગલા પહેલાં ક્લબે ઇતિહાસનાં ઘણાં વિશેષ દ્રશ્યો પણ જોયાં હતાં. તે સમય દરમિયાન એવા સૈનિક અધિકારીઓ, જેઓ થોડા દિવસોમાં ભારત અને પાકિસ્તાનની અલગ સેનાઓનો ભાગ બનવાના હતા, તેઓ ક્લબમાં છેલ્લી વખત સાથે બેઠા હતા. તેઓ દારૂ પીતા, જૂની વાતો કરતા અને પછી આવનારી નવી હકીકત તરફ જવા તૈયાર થતા. બ્રિટિશ ભારતના અંતિમ દિવસોમાં દિલ્હી જિમખાના ક્લબ માત્ર એક ક્લબ નહોતું, તે વિખરાઈ રહેલા સામ્રાજ્યનું પ્રતીક પણ બની ગયું હતું.

સ્વતંત્રતા પછી નામ બદલાયું, પરંતુ કલ્ચર નહીં

1947માં ભારત સ્વતંત્ર થયું. ‘ઇમ્પિરિયલ’ શબ્દ ક્લબના નામમાંથી શાંતિથી દૂર કરવામાં આવ્યો અને તે ‘દિલ્હી જિમખાના ક્લબ’ બની ગયું. પરંતુ ક્લબના મૂળભૂત પાવર કલ્ચરમાં કોઈ મોટો ફેરફાર આવ્યો નહીં. જવાહરલાલ નહેરુ ક્લબના વાઇસ-પેટ્રન બન્યા. બ્રિટિશ ટક્સીડોઝની જગ્યાએ જોધપુરી પોશાક દેખાવા લાગ્યા. રોસ્ટ મટન સાથે દાળ પીરસાવા લાગી. પાછળથી ચાઇનીઝ અને થાઇ ડાઇનિંગ રૂમ્સ પણ શરૂ થયા.

પરંતુ વિશેષાધિકારવાળી માનસિકતા યથાવત રહી. અંગ્રેજ અધિકારીઓની જગ્યાએ હવે IAS અધિકારીઓ, સૈન્યના ટોચના અધિકારીઓ, રાજદૂતો, ન્યાયાધીશો, ઉદ્યોગપતિઓ અને સત્તાની નજીકના લોકો દેખાવા લાગ્યા. ધીમે-ધીમે દિલ્હી જિમખાના ક્લબ લુટિયન્સ દિલ્હીના સૌથી પ્રભાવશાળી નેટવર્કિંગ સેન્ટર્સમાંનું એક બની ગયું. દાયકાઓ સુધી એવું માનવામાં આવતું રહ્યું કે દિલ્હી જિમખાના ક્લબમાં પ્રવેશ મેળવવો એટલે ‘સત્તાના અદ્રશ્ય વર્તુળ’માં પ્રવેશ મેળવવો.

દિલ્હીના સત્તાવર્તુળોમાં ધીમે-ધીમે એવી માન્યતા ઊભી થઈ કે દિલ્હી જિમખાના માત્ર ક્લબ નથી, પરંતુ ‘ઓળખાણોનું કેન્દ્ર’ છે. અહીં કોણ કોને ઓળખે છે, કોણ કયા મંત્રાલય સુધી પહોંચ ધરાવે છે, કયા અધિકારી સાથે નજીકના સંબંધો છે, આ બધું મહત્વનું બની જતું.

37 વર્ષની રાહ અને લાખોમાં પહોંચતી મેમ્બરશિપ ફી

દિલ્હી જિમખાના ક્લબ માત્ર એક ક્લબ નહોતું, પરંતુ સોશિયલ સ્ટેટસ સિમ્બોલ બની ગયું હતું. અહેવાલો અનુસાર પરમેનન્ટ મેમ્બરશિપ મેળવવા માટે 30થી 37 વર્ષ સુધી રાહ જોવી પડતી. કેટલાક લોકો, જેમણે 1970ના દાયકામાં અરજી કરી હતી, તેમનાં નામો વર્ષો સુધી વેઇટિંગ લિસ્ટમાં રહ્યાં હતાં.

પરંતુ પૈસા હોવા છતાં મેમ્બરશિપ મળવી સરળ નહોતી. ‘ક્લબેબિલિટી’ નામની એક અનૌપચારિક માનસિકતા અંગે વર્ષો સુધી ચર્ચા થતી રહી. વ્યક્તિ કેવા પરિવારથી આવે છે, તેની સામાજિક ઓળખ શું છે, તે એલાઇટ વાતાવરણમાં ફિટ બેસે છે કે નહીં? આ બધું મહત્વનું ગણાતું હતું. અલગ પ્રકારના સભ્યપદ, વાર્ષિક ચાર્જિસ, સુવિધા શુલ્ક અને વિવિધ કેટેગરીઓ માટે અલગ નિયમો હતા. પરંતુ રસપ્રદ વાત એ હતી કે પૈસા હોવા છતાં સભ્યપદ મળવું સહેલું નહોતું. ઘણા મોટા ઉદ્યોગપતિઓ અને સમૃદ્ધ લોકો વર્ષો સુધી વેઇટિંગ લિસ્ટમાં રહેતા. કારણ કે ક્લબ માત્ર ધનિકો માટે નહોતું, તે ‘સ્વીકારાયેલા એલાઇટ વર્ગ’ માટે હતું.

મેમ્બરશિપ ફી અને અન્ય ચાર્જિસ સમય જતાં લાખો રૂપિયામાં પહોંચ્યા હતા. પરંતુ ક્લબ માત્ર પૈસાદારો માટે નહોતું, તે પાવર ઇકોસિસ્ટમ માટે હતું. ક્લબની અંદર બાર્સ, લાઇબ્રેરીઓ, ટેનિસ કોર્ટ્સ, સ્પ્રોલિંગ લૉન્સ, ડાઇનિંગ હોલ્સ અને ખાનગી મેળાવડાઓની દુનિયા હતી, જ્યાં દિલ્હીના અને દેશના સૌથી પ્રભાવશાળી લોકો મળતા. આ કારણે જ ઘણા લોકો દિલ્હી જિમખાના ક્લબને ‘સામાન્ય ભારતથી અલગ ભારત’નું પ્રતીક માનતા રહ્યા.

લુટિયન્સ દિલ્હીનું અનૌપચારિક પાવર સેન્ટર

દિલ્હીમાં ‘લુટિયન્સ દિલ્હી’ શબ્દ માત્ર ભૂગોળ માટે વપરાતો નથી. તે એક આખી પાવર ઇકોસિસ્ટમ માટે વપરાય છે. બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા ડિઝાઇન કરાયેલા વિસ્તારમાં દેશની સૌથી મહત્વપૂર્ણ સરકારી ઇમારતો, મંત્રાલયો અને સત્તાના કેન્દ્રો આવેલા છે. દાયકાઓ દરમિયાન અહીં એક એવી વર્ગીય ઇકોસિસ્ટમ ઊબી થઈ, જેમાં રાજકારણીઓ, બ્યુરોક્રેટ્સ, મોટા પત્રકારો, રાજદૂતો, નીતિનિર્માતાઓ અને સત્તા નજીક રહેતા લોકોનો સમાવેશ થતો રહ્યો.

દિલ્હી જિમખાના ક્લબને આ ઇકોસિસ્ટમનું અનૌપચારિક સામાજિક કેન્દ્ર માનવામાં આવતું. રાજકારણીઓ, મોટા પત્રકારો, બ્યુરોક્રેટ્સ, રાજદૂતો, નીતિનિર્માતાઓ અને પ્રભાવશાળી ઉદ્યોગપતિઓની એક એવી વર્ગીય ઇકોસિસ્ટમ, જે વર્ષો સુધી દેશના સત્તાકીય નિર્ણયોની ખૂબ નજીક રહી.

દિલ્હી જિમખાના ક્લબને ઘણા લોકો આ ઇકોસિસ્ટમનું સામાજિક કેન્દ્ર માનતા રહ્યા છે. અહીં યોજાતી અનૌપચારિક બેઠકો, ખાનગી ડિનર્સ અને સોશિયલ ઇવનિંગ્સ અંગે વર્ષો સુધી દિલ્હીના પાવર સર્કલ્સમાં ચર્ચાઓ થતી રહી. ઘણા લોકો વર્ષોથી દલીલ કરતા આવ્યા છે કે સ્વતંત્ર ભારત પછી પણ દેશની ઘણી પાવર સ્ટ્રક્ચર્સ સામાન્ય લોકોથી કટ થઈ ગઈ હતી અને પ્રિવિલેજ્ડ વર્ગો સુધી મર્યાદિત રહી હતી. દિલ્હી જિમખાના ક્લબ એ જ ‘ઓલ્ડ એલાઇટ ઇન્ડિયા’નું જીવંત પ્રતીક હતું.

વર્ષો સુધી લાગતા રહ્યા ગેરરીતિઓના આરોપો

દિલ્હી જિમખાના ક્લબ વર્ષોથી વિવાદોમાં પણ રહી છે. વર્ષ 2016માં ક્લબના વહીવટ અને નાણાકીય વ્યવહારો અંગે તપાસ શરૂ થઈ. બાદમાં મામલો કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી (કેન્દ્રીય કોર્પોરેટ બાબતો મંત્રાલય) સુધી પહોંચ્યો. તપાસ દરમિયાન નાણાકીય ગેરરીતિઓ, મનપસંદ લોકોને લાભ પહોંચાડવાના આરોપો, મેમ્બરશિપ મિસમેનેજમેન્ટ અને બિનઅધિકૃત બાંધકામો જેવા ગંભીર આરોપો સામે આવ્યા હતા.

સૌથી વધુ ચર્ચામાં આવેલી બાબતોમાં એક હતી ‘ગ્રીન કાર્ડ’ સિસ્ટમ. આરોપ હતો કે ક્લબના સભ્યોના પરિવારજનોને વિશેષ પ્રિવિલેજિસ આપવામાં આવતી હતી. પ્રિવિલેજ ઇન્હેરિટન્સ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. એટલે કે સત્તા અને ઓળખાણોનો લાભ આગામી પેઢીઓને પણ મળતો રહે. 2021-22માં નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે (NCLT) ચૂંટાયેલી ક્લબ કમિટીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સરકાર નિયુક્ત સમિતિને ક્લબના વહીવટમાં દખલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પછી નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનને (NCLAT) પણ આ નિર્ણય યથાવત રાખ્યો. સરકારે દલીલ કરી હતી કે ક્લબનું સંચાલન જાહેરહિત વિરુદ્ધ જઈ રહ્યું હતું અને સુધારાત્મક પગલાં જરૂરી બની ગયાં હતાં.

હવે કેન્દ્ર સરકારે શા માટે લીધો કડક નિર્ણય?

મે 2026માં લેન્ડ એન્ડ ડેવલપમેન્ટ ઑફિસે (L&DO) દિલ્હી જિમખાના ક્લબને નોટિસ આપીને 5 જૂન સુધીમાં જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો છે. સરકારે લીઝ ડીડની કલમ 4નો ઉપયોગ કરીને ક્લબની લીઝ સમાપ્ત કરવાની જાહેરાત કરી. સરકારનું કહેવું છે કે આ જમીન હવે રક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્નન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત હેતુઓ માટે જરૂરી છે. ક્લબના કેટલાક સભ્યોએ દાવો કર્યો કે જમીન વાસ્તવમાં તેમની માલિકીની છે અને તેઓ વર્ષોથી લીઝ અમાઉન્ટ ચૂકવતા આવ્યા છે. પરંતુ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે જાહેર હિત માટે જમીન પાછી લેવામાં આવશે.

મોદી સરકાર અને ‘ગુલામીનાં પ્રતીકો’ સામેની કાર્યવાહી

છેલ્લાં કેટલાક વર્ષોમાં મોદી સરકારે વારંવાર કહ્યું છે કે ભારતને માત્ર રાજકીય રીતે નહીં, પરંતુ માનસિક રીતે પણ કોલોનિયલ માઇન્ડસેટમાંથી બહાર આવવું પડશે. રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરવું, નવી સંસદ ઇમારત, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અને બ્રિટિશ યુગના પ્રતીકોને દૂર કરવાના પ્રયાસો, આ બધું એ જ વિસ્તૃત વિચારધારા અને અભિગમનો ભાગ છે.

વધુમાં દિલ્હી જિમખાના ક્લબ જેવી સંસ્થાઓ વર્ષો સુધી એ જ કોલોનિયલ એલાઇટ કલ્ચર જીવંત રાખતી રહી, જ્યાં પ્રિવિલેજ, એક્સેસ અને ઇન્ફ્લુઅન્સ એક જ વર્ગ સુધી મર્યાદિત રહ્યા. આથી જ ઘણા લોકો માટે આ કાર્યવાહી માત્ર જમીની વિવાદ નથી, પરંતુ દાયકાઓથી ચાલતા એક વિશેષાધિકારવાળી પાવર ઇકોસિસ્ટમ સામેનું પ્રતીકાત્મક પગલું છે.

શું હવે ખરેખર એક યુગ પૂરો થઈ રહ્યો છે?

દિલ્હી જિમખાના ક્લબનું ભવિષ્ય હજુ સ્પષ્ટ નથી. કાયદાકીય લડાઈ આગળ વધી શકે છે. ક્લબ સરકારના નિર્ણયને પડકાર આપી શકે છે. પરંતુ એટલું ચોક્કસ છે કે આ કાર્યવાહી બાદ ફરી એકવાર દેશમાં ‘લુટિયન્સ વર્ગ’, ‘એલાઇટ પાવર કલ્ચર’ અને કોલોનિયલ લેગસીની માનસિકતા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

એક સમય હતો જ્યારે દિલ્હી જિમખાના ક્લબમાં પ્રવેશ મેળવવો એટલે સત્તાના અદ્રશ્ય વર્તુળમાં સ્થાન મેળવવું માનવામાં આવતું. પરંતુ હવે એ જ ક્લબ દેશના સૌથી મોટા રાજકીય-સાંસ્કૃતિક પરિવર્તનના નેરેટિવનું પ્રતીક બની ગયું છે અને હવે સવાલ માત્ર એટલો જ છે કે શું ભારત ખરેખર બ્રિટિશ યુગની બચેલી એલાઇટ દુનિયાથી બહાર નીકળવાનું શરૂ કરી ચૂક્યું છે?

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં