હોમપેજગુજરાતસુરેન્દ્રનગરના ગામમાં દલિતોને કૂવા પરથી પાણી ભરવા ન દેવાયાનો આરોપ, ગામલોકો-સરપંચે નકાર્યો:...

સુરેન્દ્રનગરના ગામમાં દલિતોને કૂવા પરથી પાણી ભરવા ન દેવાયાનો આરોપ, ગામલોકો-સરપંચે નકાર્યો: ફરિયાદી વિરુદ્ધ પણ નોંધાઈ ચૂક્યો છે ખંડણીનો કેસ

સરપંચના પતિએ ફરિયાદી વિરુદ્ધ નોંધાવ્યો હતો ખંડણીનો ગુનો, ત્યારબાદ અંગત અદાવતને જ્ઞાતિવાદનું સ્વરૂપ આપવામાં આવ્યું હોવાનો આરોપ.

- Advertisement -

સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના મેતાસર ગામમાં દલિતોને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દેવામાં આવતું હોવાના આરોપ લાગ્યા છે. થોડા દિવસ પહેલાં અમુક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના આધારે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ ફરિયાદ પર સંજ્ઞાન લઈને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ આ કેસમાં હવે અન્ય પણ અમુક વિગતો સામે આવી રહી છે.

મૂળ કેસની વિગતો એવી છે કે ગામના વતની અને રાજકોટ રહેતા દિલીપ રાઠોડે દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પરિવારની મહિલાઓને ગામના અમુક લોકોએ કૂવા પરથી પાણી ભરવા દીધું ન હતું અને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાન કર્યું હતું. ત્યારબાદ દિલીપ રાઠોડે કૂવા પર જઈને અમુક વિડીયો ઉતાર્યા હતા અને તે પોલીસને સોંપીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં દલિત સમુદાયના લોકોને ગામની દુકાનમાંથી સામાન આપવામાં ન આવતો હોવાની અને ભેદભાવનો સામનો કરવો પડતો હોવાની વિગતો પણ જણાવવામાં આવી હતી.

ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં સુરેન્દ્રનગર DySP પાર્થ પરમારે કાર્યવાહીની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ FIR દાખલ કરીને તપાસ માટે વિડીયો FSLને મોકલી આપ્યા છે. ત્યાંથી રિપોર્ટ મળ્યા બાદ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- Advertisement -

ફરિયાદી વિરુદ્ધ સરપંચના પતિએ નોંધાવી હતી ખંડણીની ફરિયાદ

આ કેસની વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે ફરિયાદી દિલીપ રાઠોડ વિરુદ્ધ ગામના સરપંચના પતિએ થોડા જ કલાકો પહેલાં એક ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં પોલીસ અધિકારીએ આ ઘટનાક્રમની પણ પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે પહેલાં ગામના સરપંચના પતિએ દિલીપ રાઠોડ વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ દિલીપે આ વિડીયો વાયરલ કરીને એટ્રોસિટી એક્ટ હેઠળ FIR દાખલ કરાવી. બંને કેસની અલગ-અલગ તપાસ ચાલી રહી છે.

સરપંચના પતિ કિશન મકવાણાએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે દિલીપ રાઠોડે ગામનાં અમુક કામો બાબતે RTI દાખલ કરી હતી અને ત્યારબાદ સરપંચના પતિ સાથે વિવાદ કરવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ સરપંચ અને ગામના અન્ય અગ્રણીઓએ મળીને બંને વચ્ચે સમાધાન કરાવી દીધું હતું. પરંતુ આરોપ છે કે પછી પણ દિલીપ રાઠોડે કિશન મકવાણા પાસે ₹10 લાખની ખંડણીની માંગ કરી. ત્યારબાદ કિશને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સરપંચના પતિએ શું કહ્યું?

ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં સરપંચના પતિ કિશન મકવાણાનું કહેવું છે કે આ આખો કેસ વ્યક્તિગત વિવાદનો છે અને તેને જાણીજોઈને જ્ઞાતિવાદનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. કિશન અનુસાર પોતે દિલીપ વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી હોવાના કારણે દિલીપે જાણીજોઈને આ વિવાદ ઉભો કરીને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાવી અને દલિતો સાથે ગામમાં ભેદભાવ થતો હોવાનું ચિત્ર ઊભું કર્યું. આશય એ હતો કે ગામ પણ સરપંચની વિરુદ્ધ થાય અને માહોલ તણાવગ્રસ્ત બને. કિશન અનુસાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દિલીપના પરિવારે તેમની પત્ની સામે ચૂંટણી પણ લડી હતી.

કિશન મકવાણા ગામમાં કોઈ ભેદભાવ થતો હોવાની વાતો નકારી કાઢે છે અને કહે છે કે હવે મોટેભાગનાં ઘરોમાં પાણીની સુવિધા છે અને જે એક પરિવાર કૂવા પરથી પાણી લાવે છે તેમને ક્યારેય અટકાવવામાં આવ્યા નથી. વિડીયો વિશે કિશનનું કહેવું છે કે જાણીજોઈને અમુક અશિક્ષિત મહિલાઓ સામે કેમેરો કરીને વિડીયો ઉતારવામાં આવ્યો હતો, જેમની વાતોને આધાર બનાવીને કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત ગામની દુકાનમાં દલિતો સાથે ભેદભાવ થતો હોવાની વાતો પણ કિશને નકારી દીધી હતી.

કિશન મકવાણા અનુસાર, આ વિડીયો વાયરલ થયા બાદ ગામના અગ્રણીઓએ ભેગા મળીને વાતચીત માટે દિલીપ રાઠોડને બોલાવ્યા હતા પરંતુ તેઓ ગયા ન હતા અને કહ્યું હતું કે ગામને વાંધો હોય તો ગામ તેમની પાસે આવે, તેઓ પોતે ક્યાંય નહીં જાય. ત્યારબાદ ગામલોકોએ દિલીપને શિક્ષા આપવા માટે એક દિવસ પૂરતી તેમના પરિવાર સાથે બોલચાલ બંધ કરી દીધી હતી. કિશનનું કહેવું છે કે આ સમય દરમ્યાન દિલીપે દુકાન પર જઈને વિડીયો બનાવી લીધો હતો પરંતુ મહિલાઓ અને દુકાનદારે એક પરિવારની વાત કરી હતી. અન્યથા ગામમાં દલિતો સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાની કોઈ ઘટના બની નથી.

તેમણે જણાવ્યું કે ગામમાં ફરિયાદીએ જ થોડા સમય પહેલાં વરઘોડો પણ કાઢ્યો હતો અને તેનો પણ કોઈએ વિરોધ કર્યો ન હતો. જો ખરેખર આભડછેટ હોય તો તે સમયે પણ વિરોધ થવો જોઈતો હતો, પરંતુ ગામમાં એવું કશું થતું નથી.

ગામના અન્ય લોકોએ પણ ભેદભાવના આરોપ નકાર્યા

બીબીસીના રિપોર્ટમાં ગામના અન્ય લોકોએ ભેદભાવના આરોપો નકારી કાઢ્યા હતા. ગામની મહિલાઓનું પણ કહેવું છે કે કૂવા પરથી દરેક સમુદાયના માણસો પાણી ભરે છે અને કોઈની સાથે ભેદભાવ કરવામાં આવતો નથી.

રિપોર્ટમાં દુકાનદારનું પણ નિવેદન ટાંકવામાં આવ્યું છે, જેઓ કહે છે કે ગામના દરેક સમુદાયના લોકો સામાનની ખરીદી કરવા માટે આવે છે અને તેમણે કોઈને ના પાડી નથી અને ક્યારેય ભેદભાવ કર્યો નથી. પોતાની ઉપર ખોટા આરોપ લાગ્યા હોવાનું દુકાનદારે જણાવ્યું હતું.

ઉપરાંત પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ત્રિકમભાઈ સોલંકીએ પણ જણાવ્યું કે ગામમાં આભડછેટ જેવું કશું નથી અને બધી ઉપજાવી કાઢેલી વાતો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં