2022ની વિધાનસભા ચૂંટણીમાં મોટા ઉપાડે પ્રચારપ્રસાર કર્યા પછી અને માહોલ બનાવ્યા પછી પણ માત્ર પાંચ બેઠકોથી સંતોષ માની લેનાર આમ આદમી પાર્ટીને 2027ની ચૂંટણી પહેલાં એ તો ખબર પડી ગઈ છે કે હાલ ગુજરાતમાં ભાજપને હરાવવો અને એ પણ જેને સંગઠનનાં હજુ ફાંફાં હોય એવી પાર્ટીએ હરાવવો એ અશક્ય બાબત છે. એટલે ભલે તેઓ ભાજપને સત્તામાંથી ઉખાડી ફેંકવાના ફાંકા જાહેર મંચો પરથી મારતા હોય પણ વાસ્તવમાં આમ આદમી પાર્ટીએ રાજ્યમાં સતત નબળી પડતી જતી કોંગ્રેસનું સ્થાન લઈને મુખ્ય વિપક્ષ બનવું છે અને તમામ રણનીતિઓ એ જ દિશામાં ઘડાઈ રહી છે. થોડા સમય પહેલાં એકાદ સરવેને ટાંકીને આપિયાઓ કહેતા હતા કે અમે હવે ગુજરાતમાં બીજા ક્રમે આવી ગયા– એ આ જ રણનીતિનો ભાગ હતો એમ કહીએ તો ખોટું નથી.
મુખ્ય વિપક્ષ બનવા પાછળનું ગણિત સરળ છે. તમારે ચૂંટણી લડવી હોય, ચૂંટણીમાં સંતોષકારક દેખાવ કરવો હોય તો પહેલાં લોકોની આંખમાં એક સીરિયસ પાર્ટી તરીકે પોતાને રજૂ કરવી પડે. પહેલાં જવાબદાર વિપક્ષ તરીકેની છાપ ઊભી કરવી પડે અને વર્ષો સુધી ટકાવી રાખવી પડે ત્યારે જઈને સત્તા સુધી પહોંચાય. ગુજરાતમાં સત્તા સુધી પહોંચવાની વાત દૂર રહી આમ આદમી પાર્ટીને લોકો ગંભીરતાથી પણ લેતા નથી અને વિપક્ષની વાત આવે ત્યારે બહુ સારી સ્થિતિમાં ન હોવા છતાં કોંગ્રેસને જ જોવાય છે. એ જ કારણ છે કે હવે કોઈ પણ રીતે ‘આપ’ કોંગ્રેસનું સ્થાન લેવા માગે છે.
તેના માટે 2027 પહેલાં આમ આદમી પાર્ટીએ અમુક જાતિ સમુદાયો, જેમનું ગુજરાતમાં સારું વર્ચસ્વ છે, તેમને ટાર્ગેટ કરીને રાજકારણ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ અન્ય અમુક સમૂહો અને જૂથોને પણ ટાર્ગેટ કર્યાં. ખેડૂત વર્ગ આમાંથી એક છે. આમ તો ગુજરાતભરના ખેડૂત વર્ગ પર પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિશેષ ભાર અપાતો હતો. તેના માટે અમુક નેતાઓને ‘ખેડૂત નેતાઓ’ અને ખાસ તો ‘ખેડૂત મસીહા’ તરીકે રજૂ કરવામાં આવ્યા. ખેડૂતોના મુદ્દે તેમને જ આગળ કરવામાં આવ્યા. કેજરીવાલ પણ આવીને સભાઓ કરીને ગયા. સૌરાષ્ટ્રમાં ન મુદ્દાના મુદ્દા ઊભા કરીને સતત ચર્ચાઓ ચાલુ રાખવાના પ્રયાસ કરવામાં આવ્યા.
આનું ઉદાહરણ બોટાદમાં જોવા મળ્યું. થોડા મહિનાઓ પહેલાં બોટાદમાં કદડા પ્રથાવાળું આમ આદમી પાર્ટીના નેતાઓને હાથ લાગી ગયું. તેને મુદ્દો બનાવવાનો પ્રયાસ થયો અને બોટાદના એક ગામમાં કિસાન મહાપંચાયત બોલાવાઈ. જેની પોલીસ પાસેથી પરવાનગી લેવાઈ ન હતી. પોલીસ જ્યારે અટકાવવા પહોંચી તો તેમની ઉપર પથ્થર ફેંકાયા અને ગાડીઓમાં તોડફોડ કરાઈ. સામાન્ય રીતે આવી પથ્થરમારાની ઘટનાઓ પૂર્વનિયોજિત જ હોય છે.
ત્યારબાદ આ મામલે કેસ નોંધાયો અને જેમાં જેમના નામે આ આયોજન થયું હતું એ આમ આદમી પાર્ટીના બે નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડાને પણ આરોપી બનાવાયા. આખરે બંને જેલ પણ ગયા અને થોડા દિવસ પહેલાં જ જામીન પર છૂટીને બહાર આવ્યા. હવે તાજા સમાચાર એ છે કે જે રાજુ કરપડાને આગળ કરીને આમ આદમી પાર્ટી ખેડૂતોની મસીહા બનવા નીકળી હતી તેમણે જ પાર્ટી છોડી દીધી છે!
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના નેતાઓ નાની-નાની વાતમાં ઉત્સાહમાં આવી જાય છે અને ધરમૂળથી ફેરફારો લાવી નાખવાનાં સપનાં પોતે પણ જુએ છે અને સમર્થકોને અને દિલ્હીના નેતૃત્વને પણ બતાવતા રહે છે. રણનીતિ પણ ઘડે છે, પણ એ ભૂલી જાય છે કે તેની ઉપર ચાલવા માટે જરૂરી છે શિસ્તતા. જે ગુજરાતના આમ આદમી પાર્ટીના સંગઠનમાં બિલકુલ નથી.
પાર્ટીઓ શિસ્તતા અને અનુશાસનથી ચાલે છે. પાર્ટીઓ સંગઠનથી ચાલે છે. AAPમાં આવું કશું નથી. AAP પાસે અમુક નેતાઓ છે, જેમની પાસે વિઝનના નામે મીંડું છે. સમયે-સમયે નવા નેતાઓ ફૂટે છે અને બે-ચાર મહિનામાં ક્રાંતિ લાવીને સિસ્ટમમાં ધરમૂળથી ફેરફારો લાવી દેવાના હોય એવી ફાંકા ફોજદારી કરવા માંડે છે. થોડા સમય પછી ક્યાં રાજકારણ છોડી દે છે ક્યાં પાર્ટી! અગાઉ અનેક આવું કરી ચૂક્યા છે અને જેઓ 2022થી પાર્ટીમાં છે તેમનું કામ આમ તો પાર્ટી સાચવવાનું હોય પણ આવું કશુંક થાય એટલે સૌથી પહેલું નામ તેમનું જ આવે છે.
રાજુ કરપડાએ આમ તો પાર્ટી છોડતી વખતે કહ્યું કે તેઓ અંગત કારણોસર રાજીનામું આપી રહ્યા છે પણ રાજકારણમાં કશું અંગત કારણોસર હોતું નથી. ‘દિવ્ય ભાસ્કર’ રાજુ કપરડાના નજીકના માણસોને ટાંકીને કહે છે કે તેમને મૂળ ગોપાલ ઈટાલિયાના વ્યવહાર-વર્તન સાથે સમસ્યા હતી. ગોપાલ જ્યારે વિસાવદરમાં વિધાનસભા ચૂંટણી લડવા ગયો ત્યારે રાજુ કપરડાએ બહુ મહેનત કરી હતી પણ રાજુભાઈ જેલમાં ગયા ત્યારે ગોપાલ ફરક્યો નહીં. ગોપાલ પોતે વકીલ હોવાનું કહેતો ફરે છે પણ તેણે લીગલ સપોર્ટ પણ કોઈ જાતનો આપ્યો નહીં એવું પણ કહેવું છે.
ભાસ્કરનો રિપોર્ટ કરપડાના નજીકના માણસોને ટાંકીને એમ પણ કહે છે કે રાજુ જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે ગોપાલ આવી પહોંચ્યો હતો પણ તે પહેલાં ક્યારેય મદદ માટે હાથ લંબાવ્યો નહીં. હવે આમાં સાચું કેટલું અને ખોટું કેટલું એ તો ગોપાલ અને રાજુભાઈ જાણે, પણ એ વાત નક્કી છે કે ગુજરાત બદલી નાખવાની વાત કરતી આમ આદમી પાર્ટીના નેતાઓ એક નાનકડી પાર્ટી પણ સાચવી શકતા નથી અને સમયે-સમયે અંદરોઅંદર બાખડ્યા કરે છે.
રાજુ કરપડાના રાજીનામાથી કેટલોક ફેર પડશે એ તો આવનારો સમય કહેશે. આમ તો તેમણે એવો કોઈ જનાધાર પેદા નહતો કરી નાખ્યો, પરંતુ આમ આદમી પાર્ટીએ ખેડૂતોને પોતાની તરફ કરવા માટે બે જ નેતાઓને આગળ કર્યા હતા અને તેમાંથી એકે પાર્ટી છોડી દેતાં હવે એકડે એકથી શરૂઆત કરવી પડશે. હજુ તો ચૂંટણીને ઝાઝો સમય બાકી છે. તે પહેલાં કેટલાં રાજીનામાં પડશે એ પણ આવનારો સમય કહેશે.


