2022ની વિધાનસભા ચૂંટણીમાં ભરપૂર પ્રચાર કર્યા પછી પણ માત્ર પાંચ બેઠકોથી સંતોષ માન્યા બાદ હવે આમ આદમી પાર્ટીએ (AAP) 2027ની ચૂંટણી પહેલાં ફરીથી એક વખત ગુજરાતમાં માહોલ બનાવવા માટે મથામણ શરૂ કરી છે. 2022માં જેમ તથાકથિત સરવે અને આઈબી રિપોર્ટ ટાંકીને પાર્ટીએ હાસ્યાસ્પદ દાવા કર્યા હતા એવું ફરીથી ચાલુ થયું છે. બે-ત્રણ દિવસથી આમ આદમી પાર્ટીની આખી ટોળકી એક સરવે ગુજરાતના લોકોને બતાવી રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે AAP ગુજરાતમાં હવે કોંગ્રેસને પાછળ છોડીને બીજી મોટી શક્તિ બની ગઈ છે.
‘WeePreside’ નામની એજન્સી દ્વારા આ ‘સરવે’ હાથ ધરવામાં આવ્યો હતો. એજન્સી દાવો કર્યો કે તેમણે ગુજરાતમાં લગભગ ચાળીસ હજાર લોકો સાથે મળીને, વાતચીત કરીને એક સરવે કર્યો છે. જે અનુસાર ગુજરાતમાં ભાજપ હજુ લોકપ્રિય છે, પણ અત્યાર સુધી બીજા સ્થાને કોંગ્રેસ હતી તે જગ્યા હવે આમ આદમી પાર્ટીએ લઈ લીધી છે.

સરવે અનુસાર, ભાજપનો વોટશૅર 49.5% રહી શકે છે. આમ આદમી પાર્ટી 24.8% વોટશેર મેળવી શકે. કોંગ્રેસ 17.3% અને અન્ય પક્ષો/અપક્ષોના ફાળે 8.4% વૉટશેર જઈ શકે. સરવેમાં સાથે વિસ્તારો પ્રમાણે પણ આંકડા આપવામાં આવ્યા છે.
આ સરવે આમ આદમી પાર્ટીના નેતાઓ, સોશિયલ મીડિયા સમર્થકો અને મીડિયામાં અમુક આમ આદમી પાર્ટીનો ઝંડો ફરકાવ્યા કરતા સ્વઘોષિત પત્રકારો શૅર કરીને દાવો કરી રહ્યા છે કે 2027ની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતમાં વધી રહી છે.
જ્યારે આ એજન્સી વિશે વધારે તપાસ કરવામાં આવી તો અમુક રસપ્રદ બાબતો જાણવા મળી.
વાસ્તવમાં એજન્સી આમ આદમી પાર્ટી માટે ભૂતકાળમાં પ્રચારનું કામ જોઈ ચૂકી છે.
WeePresideની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે દિલ્હી MCD ચૂંટણીમાં 110 બેઠકો પર આમ આદમી પાર્ટી માટે એજન્સીએ કેમ્પેઇન મેનેજ કર્યું હતું. એટલું જ નહીં ઉમેદવારોની પસંદગી માટે સરવે કરવામાં પણ મદદ કરી હતી.

આ સિવાય અરવિંદ કેજરીવાલ માટે અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન માટે પણ આ એજન્સી કેમ્પેઈન મેનેજમેન્ટનું કામ કરી ચૂકી છે તેવું તેની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે.
વધુ વિગતો ચકાસતાં જોવા મળ્યું કે અરવિંદ કેજરીવાલ સ્વયં આ એજન્સીના ‘નોટેબલ ક્લાયન્ટ’ છે. વેબસાઈટ પર નોટેબલ ક્લાયન્ટની યાદીમાં આમ આદમી પાર્ટી કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ સૌથી પહેલાં જોવા મળે છે.

એજન્સીએ અગાઉ દિલ્હી વિધાનસભા ચૂંટણી વખતે એક એક્ઝિટ પોલ રજૂ કર્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીને 46થી 52 બેઠકો મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. પરિણામ તેનાથી તદ્દન વિપરીત આવ્યું, AAP હારી ગઈ અને ભાજપનો વિજય થયો હતો.
એજન્સીનો ભૂતકાળ અને કામો જોતાં અને ખાસ કરીને જે રીતે ઇકોસિસ્ટમ એક ટૂલકિટની જેમ આ સરવે ફેલાવી રહી છે તેને જોતાં સ્પષ્ટ જણાય છે કે એક સુનિયોજિત રીતે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં કોંગ્રેસના વિકલ્પ તરીકે રજૂ કરવાની માથાકૂટો થઈ રહી છે.
કોંગ્રેસનો વિકલ્પ બનવાની માથામણ કેમ કરી રહી છે કેજરીવાલની પાર્ટી?
2017ની વિધાનસભા ચૂંટણીમાં 77 બેઠકો સુધી પહોંચી ગયેલી કોંગ્રેસ પાર્ટી 2022ની ચૂંટણીમાં માત્ર 17 બેઠકોમાં સમેટાઈ ગઈ. કોંગ્રેસના આવા રકાસ પછી ત્રણ વર્ષે પણ પાર્ટી ફરી બેઠી થઈ શકી નહીં અને હવે માત્ર અમુક નેતાઓ પૂરતી સીમિત રહી ગઈ છે. આવતી વિધાનસભા ચૂંટણીને બે વર્ષ રહ્યાં છે. આમાં કોંગ્રેસ કંઈ જાદુ કરી નાખે અને 2 વર્ષમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી નાખે એની વ્યવહારિક રીતે શક્યતાઓ નહિવત છે. આમ આદમી પાર્ટી ગમે તે રીતે કોંગ્રેસનું સ્થાન લઈ લેવા માગે છે.
કેજરીવાલ અને અન્ય નેતાઓ સભાઓમાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવા ભલે એમ કહેતા હોય કે આમ આદમી પાર્ટી ગુજરાતમાંથી ભાજપને સત્તા પરથી ઉખાડી ફેંકશે, પણ તેઓ પણ જાણે છે કે આ કામ એટલું સરળ નથી અને 2027માં તો અશક્ય જેવું છે. વાસ્તવમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્ય વિપક્ષનું ‘લેબલ’ મેળવવું છે.
કારણ એ છે કે હજુ ગુજરાતમાં (સત્તા) પક્ષ તરીકે ભાજપને અને વિપક્ષ તરીકે કોંગ્રેસને જ જોવામાં આવે છે. આમ આદમી પાર્ટીને તેના અમુક સમર્થકો, પાર્ટી માટે ગુલામી કરતા અમુક યુટ્યુબ પત્રકારો સિવાય કોઈ મુદ્દે કોઈ ગંભીરતાથી લેતું નથી એ હકીકત છે. હાલ AAP અને તેના નેતાઓ ગુજરાતના રાજકારણમાં ન્યુસન્સ પેદા કરવા સિવાય બીજું કશું કરી શકતા નથી.
સત્તા સુધી પહોંચવું હોય તો પાર્ટીએ પહેલાં વિપક્ષ તરીકેની ઓળખ મેળવવી પડે. એક મજબૂત વિપક્ષ તરીકેની છાપ હોય તો લોકો ગંભીરતાથી લેવાનું શરૂ કરે અને ત્યારે જઈને મત પડવાના ચાલુ થાય. આમ આદમી પાર્ટીએ હવે પોતાને કોંગ્રેસનો વિકલ્પ તરીકે પ્રોજેક્ટ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે એ આ બધી હરકતો પરથી જણાય છે.
પરંતુ એક હકીકત એ પણ છે કે કોંગ્રેસ પાસે એટ લિસ્ટ ગુજરાતમાં સંગઠન છે. સુષુપ્ત અવસ્થામાં છે, પરંતુ સંગઠનનું અસ્તિત્વ છે ખરું. આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં અમુક ફાંકા ફોજદાર નેતાઓ, તેમની પાછળ ફરતા અમુક સમર્થકો, યુટ્યુબ ચેનલો અને સોશિયલ મીડિયા પર મીમ પેજ સિવાય જમીન પર સંગઠનના નામે કશું નથી.
ચૂંટણીઓ સોશિયલ મીડિયાથી જીતાતી નથી, સોશિયલ મીડિયા માત્ર નરેટિવ સ્થાપિત કરવામાં મદદ કરી શકે છે, પણ તેના માટે પહેલાં કામ થવું અનિવાર્ય છે. જમીન પર કામ દેખાવું જરૂરી છે. ખાસ કરીને ભાજપ જેવા કેડર બેઝ્ડ પક્ષ સામે લડવું હોય તો સોશિયલ મીડિયાના સરવે નહીં પણ સંગઠન જ કામ આવે છે. પણ સંગઠન બનાવવાનું કામ પ્રમાણે અઘરું છે એટલે આપિયાઓએ આ સરવેવાળો સરળ રસ્તો શોધી કાઢ્યો છે.


