
બોટાદના હડદડ ગામે પરવાનગી વગર યોજવામાં આવેલી મહાપંચાય દરમિયાન પોલીસ પર થયેલા હુમલાના કેસમાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી છે. બંને ગુરુવારે (16 ઑક્ટોબર) અમદાવાદ પહોંચ્યા હતા અને આમરણ ઉપવાસનાં નાટક શરૂ કર્યાં હતાં, પણ તે પહેલાં જ પોલીસ આવીને બંનેને ઉઠાવી લઈ ગઈ હતી. બંને વિરુદ્ધ બોટાદ પોલીસે FIR દાખલ કરી છે.
બોટાદમાં હિંસાની ઘટના બાદથી જ બંને નેતાઓ સોશિયલ મીડિયા પર એક પછી એક વિડીયો ફેરવીને મોટી-મોટી વાતો તો કરતા હતા, પણ સ્થળ પર આવવાની હિંમત ચાલતી ન હતી. આખરે ગુરુવારે તેમણે અમદાવાદ સ્થિત કાર્યાલયે કડદાપ્રથા બંધ કરવાની અને ખેડૂતોને ‘ન્યાય ‘ અપાવવાની માગ પર આમરણ ઉપવાસ ઉપર બેસવાની ઘોષણા કરી હતી.
જોકે પ્રવીણ રામની એક સોશિયલ મીડિયા પોસ્ટ પરથી લાગે છે કે ધરપકડ થશે તેની તેમને પણ અગાઉથી ખબર હતી. બંને કાર્યાલયે પહોંચ્યા એટલે પોલીસે ધરપકડ કરી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે એ બોટાદમાં પોલીસ પર થયેલા જીવલેણ હુમલા મામલે 85 વ્યક્તિઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે, જેમાં આમ આદમી પાર્ટીના આ બે નેતાઓનાં પણ નામ હતાં. તેમની ઉપર પરવાનગી વગર જ સભા યોજીને લોકોને ઉશ્કેરવાનો આરોપ છે. જેના કારણે પછીથી હિંસક ઘટના બની હતી.
આમ આદમી પાર્ટીના નેતાઓ કાયમની જેમ આ કાર્યવાહીનો વિરોધ કરીને પોતાના નેતાઓનો બચાવ કરી રહ્યા છે. નેતાઓ બીજી તરફ હવે દિવાળી જેલના સળિયા પાછળ મનાવશે તેમ હાલની સ્થિતિએ લાગી રહ્યું છે.

