સ્વઘોષિત ‘જગતજમાદાર’ સંયુક્ત રાજ્ય અમેરિકાના સરપંચ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે એક ઉદ્યોગપતિ પણ છે. ટ્રમ્પના મીડિયા ગ્રુપ ‘ધ ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપે’ (TMTG) હમણાં ભારતના તેલંગાણામાં આગામી એક દાયકામાં 1 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી. આ રોકાણનો મોટો હિસ્સો તેલંગાણામાં નિર્માણ પામનાર ‘ભારત ફ્યૂચર સિટી’માં જશે.
ઘોષણા ‘તેલંગાણા રાઇઝિંગ ગ્લોબલ સમિટ’ દરમિયાન ટ્રમ્પ મીડિયા ગ્રુપના સિનિયર એક્ઝિક્યુટિવ એરિક સ્વિડરે કરી હોવાનું અહેવાલો જણાવે છે. (બે દાયકા પહેલાં મોદીએ ગુજરાતમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત’ સમિટ શરૂ કરી હતી ત્યારે ‘મોદી પબ્લિસિટી મેળવવા તાયફા કરે છે’ ને ‘આનાથી વળી ઇકોનોમી કઈ રીતે સુધરે’ એવી વાયડી અને સુફિયાણી વાતો કરનારાઓ હવે પોતે જે થોડાંઘણાં રાજ્યોમાં રહી ગયા છે ત્યાં આવી સમિટો કરવા માંડ્યા છે એ પણ નોંધવા જેવું ખરું.)
જે ઓફિશિયલ રિલીઝ બહાર પાડવામાં આવી છે તે પ્રમાણે TMTGએ રાજ્યમાં ઇન્ટરનેશનલ મીડિયા અને સ્માર્ટ ટેક્નોલોજી હબ સ્થાપવા માટે ₹41,000 કરોડના એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ પ્રોજેક્ટથી હજારો નોકરીઓનું સર્જન થશે એ અલગથી કહેવાની જરૂર નહીં રહે. આ ઘોષણા કરતી વખતે ગ્રુપના અધિકારી સ્વીડરે કહ્યું કે ભારત હવે ‘ગ્લોબલ ટેક્નોલોજી’નું નવું સેન્ટર બની રહ્યું છે. દેશ હવે ટેકનોલોજીના ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ કરશે અને અમે પણ ભવિષ્યમાં તેનો ભાગ બનવા માટે ઉત્સુક છીએ– આવું અમેરિકાના અધિકારીઓ કહીને ગયા છે.
જોકે ટ્રમ્પ ગ્રુપનું ભારતમાં આ પહેલું રોકાણ હોય એમ પણ નથી. મુંબઈ, પુણે, ગુરુગ્રામ અને કોલકાતામાં લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ચાલે છે. પણ સરખામણી કરીએ તો હાલનું રોકાણ તગડું છે.
અહીં સુજ્ઞ વાચકને એ પણ જાણ થાય કે ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના ભૂતકાળમાં જ ભારતને ‘ડેડ ઇકોનોમી’ ગણાવી દીધું હતું. એ જોકે ટ્રમ્પનું ફ્રસ્ટ્રેશન બોલતું હતું. પોતે દેશમાં ધરમૂળમાંથી ફેરફારો લાવી નાખવાના વાયદા કરીને સત્તા પર આવ્યા બાદ અર્થવ્યવસ્થાને પાટે લાવવા માટે એક પછી એક દેશો પર ટેરિફ લાદવાનાં શરૂ કર્યાં ત્યારે ભારતે મચક ન આપીને સ્ટેન્ડ ક્લિયર રાખ્યું હતું અને તેનાથી બેબાકળા બનેલા ટ્રમ્પ બોલી ગયા હતા કે ઇન્ડિયા તો ડેડ ઇકોનોમી છે. બાકી વાસ્તવિકતાની ટ્રમ્પને ત્યારે પણ ખબર હતી, આજે પણ છે.
ટ્રમ્પે આ કહ્યું ને અહીં રાત-દહાડો મોદીની વિરુદ્ધમાં મુદ્દા શોધ્યા કરતી જમાત ગેલમાં આવી ગઈ હતી અને સોનાની ચમચી લઈને પેદા થયેલા અમુક જોકરોએ સરકારને ઘેરવાની લ્હાયમાં ભારતનું દુનિયામાં નીચાજોણું થાય તેવા જોકરવેડા ચાલુ કર્યા હતા. પણ હવે સ્વયં ટ્રમ્પનું ઉદ્યોગ જૂથ ભારતમાં રોકાણ કરવા માટે દોડી આવ્યું છે ત્યારે તેમનાં મોં સિવાય ગયાં છે.
વિદેશી કંપનીઓ વચ્ચે ભારતમાં રોકાણ કરવા માટે હોડ જામી
માત્ર ટ્રમ્પ ગ્રુપની આ વાત નથી. મોદી સરકારની નીતિઓના કારણે, વિકસિત ભારતના ચોક્કસ રોડમેપ લઈને સરકાર ચાલતી હોવાના કારણે અને ભારતમાં જે ઉદ્યોગ-ધંધાનું વાતાવરણ વિકસાવ્યું છે તેના કારણે અનેક વિદેશી કંપનીઓ હવે ભારત તરફ મીટ માંડીને બેઠી છે.
હમણાં જ માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ગયા. માત્ર મુલાકાત કરી એટલું જ નહીં, AI ક્ષેત્રમાં કુલ 17.5 બિલિયન યુએસ ડૉલરનું રોકાણ કરવાની પણ ઘોષણા કરી. જે કંપનીનું એશિયામાં આજ સુધીનું સૌથી મોટું રોકાણ હશે. ભારતમાં AI ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ અને અન્ય ક્ષમતાઓ વિકસાવવા માટે આ રોકાણ થયું છે.
Thank you, PM @narendramodi ji, for an inspiring conversation on India’s AI opportunity. To support the country’s ambitions, Microsoft is committing US$17.5B—our largest investment ever in Asia—to help build the infrastructure, skills, and sovereign capabilities needed for… pic.twitter.com/NdFEpWzoyZ
— Satya Nadella (@satyanadella) December 9, 2025
આ સિવાય પાછલા દિવસોમાં અન્ય પણ અગ્રણી કંપનીઓના અધિકારીઓ, CEOએ વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી અને AI ક્ષેત્રના ભવિષ્ય વિશે ચર્ચા કરીને ભારતમાં વ્યવસાય વિકસાવવા માટે બાંહેધરી આપી.
માઈક્રોસોફ્ટે ભારતના AI ક્ષેત્રમાં 17 બિલિયન ડૉલરનું તગડું રોકાણ કરવાની જાહેરાત કર્યા પછી એમેઝોને બીજા દિવસે તેનાથી મોટું રોકાણ કરવાનું એલાન કર્યું. જે રકમ 35 બિલિયન ડૉલર જેટલી છે. 2030 સુધીમાં આ રોકાણ કરવામાં આવશે અને એ મોટેભાગે AI ક્ષેત્રમાં થશે.
ઑગસ્ટ 2025માં વડા પ્રધાન મોદી જાપાનની યાત્રાએ ગયા હતા, જ્યાં જાપાને આગામી દસ વર્ષમાં ભારતમાં 68 બિલિયન ડૉલરનું રોકાણ કરવાની ઘોષણા કરી હતી. ઑક્ટોબરમાં ગૂગલે ભારતમાં AI ડેટા હબ વિકસાવવા માટે 15 બિલિયન ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી એ પણ નોંધવું ઘટે.
આ સિવાય સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં ભારત અત્યાર સુધી ક્યાંય હતું જ નહીં, જેમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા તરફ દેશ સતત આગળ વધી રહ્યો છે. અનેક પ્લાન્ટ સ્થાપવામાં આવી ચૂક્યા છે, બાકીના અમુક પાઇપલાઇનમાં છે. તાજેતરમાં જ મોદી સરકારે રેર અર્થ મેગ્નેટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે એક યોજનાને મંજૂરી આપી છે, જેનાથી અતિ મહત્ત્વનાં મેગ્નેટ પર અત્યારે ચીન પર નિર્ભર રહેવું પડે છે એ સ્થિતિમાં બદલાવ આવશે.
આ છેલ્લા અમુક મહિનાઓની વાત છે. સમાચારો ત્યારે જ બને છે, જ્યારે આવાં મોટાં રોકાણ થાય. વાસ્તવમાં આ સતત ચાલતી પ્રક્રિયા છે, જેની સ્થિતિ 2014 પછી બદલાઈ છે. હવે કંપનીઓને, વિદેશી કંપનીઓને ભારતમાં ભવિષ્ય દેખાય છે. રોકાણ માટેની તકો દેખાય છે. તેમની લોંગ ટર્મ સ્ટ્રેટેજીમાં હવે ભારતને કેન્દ્રસ્થાને રાખતાં થયાં છે.
સત્તામાં બેઠેલાઓ નક્કર આયોજન લઈને, ચોક્કસ રોડમેપ સાથે અને લાંબાગાળાના વિઝન સાથે ચાલે છે ત્યારે આવું વાતાવરણ સર્જી શકાય છે. અત્યારે જેઓ સત્તામાં છે તેમની પાસે એ છે. જેઓ તેમનો વિરોધ કરે છે તેમની પાસે બે-ચાર ઉદ્યોગપતિઓનાં નામો અને એક દાયકાથી ચવાઈ ગયેલી, ઘસાઈ ગયેલી વાહિયાત દલીલો સિવાય બીજું કશું જ નથી. એટલે જ તેઓ વિપક્ષમાં છે. તેઓ લાંબા સમય માટે ત્યાં જ રહે એવી પ્રાર્થના કરીએ. તો આ ઉપર કહ્યું એ બધું શક્ય બની રહેશે.


