એમેઝોને ભારતના AI ક્ષેત્રમાં $35 બિલિયનના રોકાણની કરી જાહેરાત: માઈક્રોસોફ્ટ પણ કરશે ₹1.5 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ

ડિસેમ્બર 2025માં ભારતના AI અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની ટેક જાયન્ટ્સ માઇક્રોસોફ્ટ અને એમેઝોને ભારતમાં અબજો ડોલરના રોકાણની જાહેરાત કરી છે, જે દેશને AIના ક્ષેત્રે વૈશ્વિક હબ બનાવવામાં મદદ કરશે.

10 ડિસેમ્બરના રોજ એમેઝોને ભારતમાં AI ક્ષેત્રમાં 2030 સુધીમાં $35 બિલિયનના (આશરે રૂ. 3.14 લાખ કરોડથી વધુ) રોકાણની જાહેરાત કરી. એમેઝોનનું આ રોકાણ AI-આધારિત ડિજિટાઇઝેશન, નિકાસ વૃદ્ધિ અને વ્યાપક રોજગાર સર્જન જેવાં અનેક લક્ષ્યો પર કેન્દ્રિત છે. કંપની આ રોકાણ દ્વારા ભારતમાંથી થતી નિકાસને $80 બિલિયન સુધી વધારશે અને 1 મિલિયન (10 લાખ) નવી નોકરીઓનું સર્જન કરશે.

આ રોકાણ ભારતમાં તેના 1.5 કરોડ સ્મોલ બિઝનેસને AI ટેકનોલોજીના લાભો પહોંચાડવામાં મદદ કરશે. એમેઝોનના જણાવ્યા કંપનીએ અગાઉ ભારતમાં $40 બિલિયન રોકવાનું કમિટમેન્ટ કર્યું હતું જેમાં નવું રોકાણ ઉમેરાશે.

માઈક્રોસોફ્ટનું રોકાણ

9 ડિસેમ્બરે માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યમ નડેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મહત્વપૂર્ણ મુલાકાત બાદ ભારતમાં એક ઐતિહાસિક રોકાણ યોજનાની જાહેરાત કરી. કંપની આગામી ચાર વર્ષ એટલે કે 2029 સુધીમાં ભારતના ‘AI-ફર્સ્ટ ફ્યુચર’ માટે લગભગ ₹1.5 લાખ કરોડનું ($17.5 બિલિયન) રોકાણ કરશે.

આ મેગા રોકાણનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ક્લાઉડ અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાનો છે. આ અંતર્ગત માઇક્રોસોફ્ટ હૈદરાબાદમાં દેશનો સૌથી મોટો હાઇપરસ્કેલ ક્લાઉડ રિજન બનાવવાની યોજના ધરાવે છે. ઉપરાંત માઇક્રોસોફ્ટ કૌશલ્ય વિકાસ પર પણ ભાર મૂકશે.

કંપની આગામી પાંચ વર્ષમાં એક કરોડ લોકોને AI કૌશલ્યોમાં તાલીમ આપીને ભારતીય શ્રમિકોને ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર કરશે. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ $17.5 બિલિયનનું કમિટમેન્ટ જાન્યુઆરી 2025માં જાહેર કરાયેલા $3 બિલિયનના રોકાણ ઉપરાંતનું વધારાનું રોકાણ છે. એટલે કંપનીએ કુલ $20 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે.