કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે (26 નવેમ્બર) રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટના (REPM) ઉત્પાદન અને પ્રોત્સાહન માટે એક યોજના મંજૂર કરી છે. જેના માટે ₹7,280 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક વાહનોથી માંડીને ફાઇટર જેટ, સ્માર્ટફોન, પવન ચક્કીનાં ટર્બાઇન અને આધુનિક ઇલેક્ટ્રોનિક ચીજોમાં વપરાતાં આ શક્તિશાળી મેગ્નેટ માટે હાલ ભારતે ચીન પર નિર્ભર રહેવું પડે છે. તેના સ્થાને હવે ઘરમાં જ તેનું ઉત્પાદન કરીને આવનારાં વર્ષોમાં આ ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર બને એ દિશામાં સરકારે કામ શરૂ કર્યું છે.
#Cabinet Approves Rs.7,280 Crore Scheme to Promote Manufacturing of Sintered Rare Earth Permanent Magnets (REPM)
— PIB India (@PIB_India) November 26, 2025
➡️First-of-its-kind initiative by the Government of India to promote REPM ecosystem, enhancing self-reliance and positioning India as a key player in the global REPM… pic.twitter.com/3fb9St8gCb
આ યોજના શું છે, કામ કરી રીતે કરશે, અત્યારની સ્થિતિ શું છે અને ભવિષ્યમાં તેનાથી શું બદલાશે એ વિગતે જોઈએ.
શું છે રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ? ક્યાં કામ આવે છે?
રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટમાં મોટેભાગે નિયોડિમિયમ આયર્ન બોરોન (NdFeB) મિશ્રધાતુનાં બનાવેલાં મેગ્નેટ, જે હાલ ઉપલબ્ધ સૌથી શક્તિશાળી ચુંબક પૈકીનાં એક છે. અનેક ચીજોમાં એનો ઉપયોગ થાય છે.
એક મિડ-સાઈઝ ઇલેક્ટ્રિક કારમાં લગભગ 1થી 2 કિલો આ પ્રકારનાં મેગ્નેટ વપરાય. એક મોટી પવનચક્કીના ટર્બાઇનમાં 600 કિલો સુધી આ મેગ્નેટની જરૂર પડી શકે. ફાઈટર જેટમાં પણ તેનો ઉપયોગ થાય છે. આ સિવાય સ્માર્ટફોન, લેપટોપ, સ્પીકર અને મેડિકલ ક્ષેત્રે વપરાતાં મશીનોમાં પણ વધતા-ઓછે અંશે આ પ્રકારનાં મેગ્નેટનો ઉપયોગ થાય છે. બહારથી જોવા ન મળતાં આ મેગ્નેટ આ બધી ચીજોમાં એક પ્રકારે ‘હિડન એન્જિન’નું કામ કરે છે. અગત્યનાં એટલા માટે છે કારણ કે તેનું કોઈ રિપ્લેસમેન્ટ પણ નથી. તેના સ્થાને બીજી કોઈ ચીજનો ઉપયોગ કરી શકાતો નથી, કરાય તો તેની અસરકારકતા એટલી રહેતી નથી.
ચીન પાસે 90% ઉત્પાદન
અત્યારે ચીન લગભગ 90% રેર અર્થ મેગ્નેટનું ઉત્પાદન કરે છે અને દુનિયા મોટેભાગે ચીન પર જ નિર્ભર છે. તેમાં ભારત પણ આવી ગયું. ભારત આમ દુનિયાનો પાંચમો સૌથી મોટું રેર-અર્થ રિઝર્વ ધરાવતો દેશ છે, પણ ઉત્પાદનની દૃષ્ટિએ આપણે બહુ પાછળ છીએ. મોટેભાગે મેગ્નેટની આયાત જ કરવી પડે છે. 2024-25માં ભારતે લગભગ 53,000 ટનની આયાત કરી.
બદલાતી જિઓપોલિટિકલ પરિસ્થિતિ અને ભારતમાં સતત વધતા જતા ઉદ્યોગો અને માગને જોતાં આ બાબતનો સ્થાયી નિકાલ આવે એ જરૂરી છે. વધુમાં ચીને તાજેતરમાં જ આવાં મેગ્નેટના એક્સપોર્ટ પર થોડાં વધુ નિયંત્રણો લાદી દીધાં હતાં. આ તરફ ભારતમાં સતત માગ વધી રહી છે. અત્યારે આ મેગ્નેટની જે માગ છે એ 2030 સુધીમાં તો બમણી થઈ જશે. કારણ કે EV ઉદ્યોગ ઝડપથી આગળ વધી રહ્યો છે, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ વિકાસ થઈ રહ્યો છે અને ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રી પણ વિકસી રહી છે.
શું છે મોદી સરકારની યોજના?
આ બધાની વચ્ચે મોદી સરકાર એક યોજના લાવી છે, જેના હેઠળ ભારતમાં જ ઇન્ટિગ્રેટેડ મેગ્નેટ મેન્યુફેક્ચરિંગની આખી ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. જેનાથી ભારત ઘરમાં જ ઉત્પાદન કરતું થઈ જશે એટલે ચીન પરની નિર્ભરતા ઘટશે અને લાંબાગાળે અન્ય દેશોનું ધ્યાન પણ ભારત તરફ આકર્ષાશે.
આ યોજના હેઠળ ફેક્ટરીઓ આખી ચેઇન સંભાળશે. જેમકે રેર અર્થ ઓક્સાઇડમાંથી રેર અર્થ મેટલ બનાવાશે. તેમાંથી મિશ્રધાતુનું નિર્માણ અને તેમાંથી શક્તિશાળી મેગ્નેટનું ઉત્પાદન. રેર અર્થ ઓક્સાઇડ એટલે એવો પાઉડર જેમાં રેર અર્થ એલિમેન્ટ્સ હોય છે. ઉદાહરણ તરીકે કોઈ ઠેકાણે રેર અર્થ મિનરલ હાજર હોય, ત્યાં ખોદકામ કરવામાં આવે. એ પદાર્થોમાંથી રસાયણોનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો જે જરૂરી તત્ત્વો હોય એને છૂટાં પાડે અને જે પાઉડર બને એ રેર અર્થ ઓક્સાઇડ પાઉડર. તેમાંથી પછી ધાતુનું નિર્માણ કરવામાં આવે. ધાતુઓમાંથી મિશ્રધાતુ અને અંતે મેગ્નેટ બને.
Cabinet approved first-of-its-kind Rare Earth Permanent Magnets (REPM) Scheme, to achieve Aatmanirbharta in permanent magnet manufacturing.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 26, 2025
➡️ ₹7,280 Cr incentive | 7-year duration
✅ End-to-end value chain: oxides → metals → alloys → finished REPMs
✅ Total capacity:… pic.twitter.com/oiQ9ltaKhi
આ પ્રક્રિયા લખવા-બોલવામાં સરળ લાગે એટલી નથી. આ બધું અત્યંત ટેકનિકલ પદ્ધતિથી, સેંકડો રાસાયણિક પ્રક્રિયાઓ બાદ અને એકદમ સાવચેતીપૂર્વક પાર પાડવું પડે છે. વધુમાં થોરિયમ અને યુરેનિયમ જેવાં રેડિયોએક્ટિવ તત્ત્વોના કારણે આ કામ વધુ પડકારજનક થઈ પડે અને સુરક્ષા, સાવચેતીનું બમણું ધ્યાન રાખવું પડે છે અને અત્યંત પ્રોફેશનલ પદ્ધતિથી કરવું પડે છે.
આના માટે સરકારે 6000 મેટ્રિક ટન પ્રતિ વર્ષની ક્ષમતાએ મેન્યુફેક્ચરિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જે પાંચ કંપનીઓને સોંપવામાં આવશે. દરેક કંપની 1200 MTPA પ્રોડક્શન સેટ અપ કરશે અને આ કંપનીઓની પસંદગી બિડિંગ પ્રોસેસથી થશે.
કુલ ખર્ચ ₹7,280 કરોડનો મૂકવામાં આવ્યો છે. જેમાંથી ₹6,450 કરોડ સેલ્સ લિંક્ડ ઇન્સેન્ટિવ્સ હશે, જે પાંચ વર્ષ સુધી REPMના વેચાણ પર કંપનીઓને ચૂકવવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો વેચાણ પર આપવામાં આવતી પ્રોત્સાહન રકમ જેવું કહેવાય. સામાન્ય રીતે એટલા માટે ચૂકવવામાં આવે, જેથી ભારતમાં ઉત્પાદન કરવું આ કંપનીઓને નફાકારક થઈ રહે. બાકીના ₹750 કરોડ કેપિટલ સબસિડી હશે, જે ફેક્ટરીઓ સ્થાપવામાં, સાધનો ખરીદવામાં મદદરૂપ થશે.
સાત વર્ષ સુધી યોજના ચાલશે, જેમાંથી 2 વર્ષ પ્લાન્ટ સેટ અપ કરવામાં જશે અને પાંચ વર્ષ ઉત્પાદનમાં.
ભારત પાસે રેર અર્થ મિનરલ્સ, પણ હાલ પ્રોડક્શનમાં યોગદાન નહિવત
ભારત પાસે રેર અર્થ મિનરલ્સનો ભંડાર પડ્યો છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં પ્રમાણ વધુ છે. એમાં કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશા વગેરે રાજ્યો આવી ગયાં. જોકે આ ખનિજોમાં અમુક રેડિયોએક્ટિવ તત્ત્વ હોય છે અને ટોક્સિક વેસ્ટનું પ્રોસેસિંગ પણ કરવું પડે છે. તેના માટે અનેક જટિલ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓની જરૂર પડે છે. એટલે જ કેન્દ્ર સરકારના વિભાગો જેમકે ડિપાર્ટમેન્ટ ઑફ એટોમિક એનર્જી, મિનિસ્ટ્રી ઑફ માઇન્સ અને NITI આયોગ વગેરે પણ આ સમગ્ર યોજના પર દેખરેખ રાખશે.
આટલા મોટા પ્રમાણમાં રેર અર્થ રિઝર્વ હોવા છતાં અત્યાર સુધી ગ્લોબલ રેર અર્થ પ્રોડક્શનમાં ભારતનું યોગદાન 1% જેટલું જ રહ્યું છે. મૂળ કારણ જ એ છે કે રેર અર્થ પર પ્રોસેસિંગ કરવું એ બહુ જટિલ, એટલું જ જોખમી અને જબરદસ્ત નિયમન માગી લે એવું કામ છે. તેના માટે વિશેષ પ્રકારની તકનીકની પણ જરૂર પડે છે.
હવે મોદી સરકાર આ દિશામાં પ્રયાસો કરી રહી છે. સરકારનો મૂળ ઉદ્દેશ્ય છે કે સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારીને લાંબા ગાળે એક સુરક્ષિત સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવામાં આવે, આયાતમાં ઘટાડો થાય અને ડિફેન્સ, EV, રિન્યુએબલ એનર્જી જેવાં રણનીતિક દૃષ્ટિએ અતિ મહત્ત્વનાં ક્ષેત્રોને ટેકો આપી શકાય. ચીન પરની નિર્ભરતા ઘટે, જેના કારણે બહારનાં આવાં પરિબળો પછીથી ભારતને, ભારતના ઉદ્યોગોને બહુ અસર પાડી શકે નહીં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં થોડાં વર્ષોથી નાના-મોટા દરેક ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ભાર મૂકતા રહ્યા છે. તેમાં સ્પેસ ક્ષેત્ર પણ આવી ગયું, ડિફેન્સ પણ અને અન્ય રણનીતિક દ્રષ્ટિએ અગત્યનાં સેક્ટરો પણ. બીજી તરફ આ મેગ્નેટ જેવાં અમુક પાસાં એવાં હોય જે એક કરતાં વધુ ક્ષેત્રોને અસર કરતાં હોય. આ સંજોગો અને પરિસ્થિતિમાં આવી પ્રમાણમાં નાની લાગતી પણ અગત્યની ચીજો પર પણ ધ્યાન આપવામાં આવે એ જરૂરી છે. એટલે જ આ યોજના લાવવામાં આવી છે. આવું જ સેમિકન્ડક્ટર ચિપનું પણ છે. જેની ઉપર પણ સરકાર છેલ્લાં થોડાં વર્ષોથી ભરપૂર કામ કરી રહી છે.
મેગ્નેટ માટેનો આ પ્લાન પ્રારંભિક તબક્કાનો છે. આત્મનિર્ભરતા કેળવવી, આખું મેન્યુફેક્ચરિંગ હબ ઊભું કરવું, સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવી– આ બધું બે-પાંચ-દસ વર્ષોમાં થતું નથી, તેના માટે વર્ષો લાગે છે. સરકારે શરૂઆત કરી દીધી છે. 2047માં વિકસિત ભારત બનશે ત્યારે તેના પાયામાં રહેલી યોજનાઓની ચર્ચા થશે તો આ બધા નિર્ણયોની નોંધ લેવાશે.


