નવરાત્રિના પાવન પર્વને લઈને અમે શ્રી દુર્ગા સપ્તશતીના તમામ અધ્યાયોને ક્રમબદ્ધ રીતે વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લેખનમાળાનો આ ત્રીજો લેખ છે. અગાઉ બે લેખો પ્રકાશિત થઈ ચૂક્યા છે. પ્રથમ લેખમાં અધ્યાય 1નો સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા લેખમાં અધ્યાય 2, 3 અને 4નો સમાવેશ કરવામાં આવ્યો છે. નવરાત્રિના નવ દિવસ સુધી આ લેખનમાળા અવિરત અને અતૂટ ચાલતી રહેશે, મા જગદંબા તમામ વાચકોને સામર્થ્ય અને સમૃદ્ધિ આપે એવી અભિલાષા સાથે લેખનમાળાનો આ ત્રીજો લેખ શરૂ કરવા જઈ રહ્યા છીએ.
આ લેખમાં અધ્યાય-5 અને 6ને સમાવી લેવામાં આવ્યા છે. અધ્યાય 5મા દેવતાઓની સ્તુતિ બાદ ચંડ અને મુંડ નામના રાક્ષસોના મુખેથી દૈત્ય શુંભ દેવી અંબિકાની પ્રશંસા સાંભળે છે અને દેવી પાસે પોતાનો દૂત મોકલે છે. ત્યારબાદ અધ્યાય 6મા ધૂમ્રલોચન નામના રાક્ષસનો વધ કરવા માટે આવે છે. શરૂ કરીએ લેખનમાળાનો ત્રીજો લેખ.
શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય-5 (દેવી-દૂત સંવાદ)
ઋષિ કહે છે કે પૂર્વકાળમાં શુંભ અને નિશુંભ નામના બે મહાદૈત્યોએ પોતાના બળના ઘમંડમાં શચીપતિ ઇન્દ્ર પાસેથી ત્રણે લોકોનું રાજ્ય અને યજ્ઞભાગો છીનવી લીધા. તેમણે સૂર્ય, ચંદ્ર, કુબેર, યમ, વરુણ, વાયુ અને અગ્નિના અધિકારો પણ ઝડપી લીધા. આ બંને અસુરોએ દેવતાઓને અપમાનિત, રાજ્યભ્રષ્ટ, પરાજિત અને અધિકારહીન કરીને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. આવી વિપત્તિમાં દેવતાઓએ ભગવતી અપરાજિતા દેવીનું સ્મરણ કર્યું, દેવીએ અગાઉ વરદાન આપ્યું હતું કે “વિપત્તિકાળે મારું સ્મરણ કરવાથી હું તમારી સર્વ આપત્તિઓનો તત્કાળ નાશ કરીશ.” આ વિચાર સાથે દેવતાઓ હિમાલય પર્વત પર ગયા અને ત્યાં ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ કરવા લાગ્યા.
દેવતાઓની સ્તુતિ: દેવીના વિવિધ રૂપો
દેવતાઓએ ભક્તિભાવથી દેવીની સ્તુતિ કરી: “દેવી, મહાદેવી, શિવા, પ્રકૃતિ, ભદ્રા, રૌદ્રા, નિત્યા, ગૌરી, ધાત્રી, જ્યોત્સ્નામયી, ચંદ્રરૂપિણી, સુખસ્વરૂપા, વૃદ્ધિ, સિદ્ધિ, નૈઋતી, શાર્વાણી, દુર્ગા, દુર્ગપારા, સારા, સર્વકારિણી, ખ્યાતિ, કૃષ્ણા અને ધૂમ્રાદેવીને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ.” તેમણે દેવીના સર્વવ્યાપી સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું, “જે દેવી સર્વ પ્રાણીઓમાં વિષ્ણુમાયા, ચેતના, બુદ્ધિ, નિદ્રા, ક્ષુધા, છાયા, શક્તિ, તૃષ્ણા, ક્ષાંતિ, જાતિ, લજ્જા, શાંતિ, શ્રદ્ધા, કાંતિ, લક્ષ્મી, વૃત્તિ, સ્મૃતિ, દયા, તુષ્ટિ, માતા અને ભ્રાંતિરૂપે સ્થિત છે, તેમને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. જે ચૈતન્યરૂપે આખા જગતમાં વ્યાપી રહે છે, તે વ્યાપ્તિદેવીને નમન છે.” દેવતાઓએ દેવીને કલ્યાણકારી અને સંકટનાશક ગણાવીને તેમની સ્તુતિ કરી અને તેમનું શરણ માંગ્યું.
દેવીનું પ્રાગટ્ય: કૌશિકી અને કાલિકા
જ્યારે દેવતાઓ સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે પાર્વતીદેવી ગંગાજીમાં સ્નાન કરવા આવ્યાં. તેમણે પૂછ્યું, “તમે કોની સ્તુતિ કરો છો?” ત્યારે તેમના શરીરકોશમાંથી પ્રગટ થયેલા શિવાદેવીએ કહ્યું, “શુંભ અને નિશુંભથી પરાજિત થયેલા આ દેવતાઓ મારી સ્તુતિ કરે છે.” આ દેવી પાર્વતીના શરીરકોશમાંથી પ્રગટ થયા હોવાથી ‘કૌશિકી’ તરીકે જાણીતા થયાં. પાર્વતીનું શરીર કાળું થઈ જતાં તેઓ હિમાલય પર ‘કાલિકા’ તરીકે વિખ્યાત થયાં.
શુંભના દૂતનો સંદેશ
શુંભ-નિશુંભના ભૃત્યો ચંડ અને મુંડે હિમાલય પર દેવી કૌશિકીનું પરમ મનોહર રૂપ જોયું અને શુંભને જણાવ્યું, “દૈત્યરાજ, એક સુંદર સ્ત્રી પોતાની દિવ્ય કાંતિથી હિમાલયને પ્રકાશિત કરે છે. તે સ્ત્રીઓમાં રત્ન છે, તેને આપના અધિકારમાં લો.” તેમણે શુંભને યાદ અપાવ્યું કે તેણે ઇન્દ્ર પાસેથી ઐરાવત હાથી, પારિજાત વૃક્ષ, ઉચ્ચૈઃશ્રવા અશ્વ, બ્રહ્માનું વિમાન, કુબેરનું મહાપદ્મ નિધિ, વરુણનું સુવર્ણવર્ષી છત્ર, પ્રજાપતિનો રથ, યમની ઉત્ક્રાંતિદા શક્તિ, વરુણનો પાશ, સમુદ્રની કિંજલ્કિની માળા અને અગ્નિના શુદ્ધ વસ્ત્રો સહિત સર્વ રત્નો ઝડપી લીધા છે તો આ રત્નરૂપ દેવીને પણ લઈ લેવી જોઈએ.
શુંભે પોતાના દૂત સુગ્રીવને દેવી પાસે મોકલ્યો. સુગ્રીવે કહ્યું, “દેવી, શુંભ ત્રણે લોકોના સ્વામી છે. તેમણે સર્વ દેવતાઓને પરાજિત કરી, તેમના રત્નો ઝડપી પાડ્યાં છે. તમે સ્ત્રીઓમાં રત્ન છો, તેથી શુંભ કે નિશુંભનાં પત્ની બનો, તમને અપાર ઐશ્વર્ય મળશે.”
દેવીનો સંવાદ અને પ્રતિજ્ઞા
કલ્યાણમયી ભગવતી દુર્ગાએ મનમાં ગંભીર ભાવથી સ્મિત કરતા જવાબ આપ્યો, “દૂત, તેં સાચું કહ્યું. શુંભ ત્રણે લોકોનો સ્વામી છે અને નિશુંભ પણ બળવાન છે. પરંતુ મેં પ્રતિજ્ઞા લીધી છે કે જે મને યુદ્ધમાં જીતશે, મારુ અભિમાન ચૂર્ણ કરશે અને મારા જેવું બળ ધરાવશે, તે જ મારો સ્વામી બનશે. તેથી શુંભ કે નિશુંભ સ્વયં આવીને મને જીતે, વિલંબ શા માટે?” દૂતે દેવીના ઘમંડની નિંદા કરી અને કહ્યું, “જે શુંભ-નિશુંભની સામે ઇન્દ્ર આદિ દેવતાઓ પણ ન ટકી શક્યા, તેમની સામે તું એક સ્ત્રી કેવી રીતે ટકીશ? મારી વાત માનીને શુંભ-નિશુંભ પાસે ચાલ, નહીં તો તેઓ તને ખેંચીને લઈ જશે.” દેવીએ જવાબ આપ્યો, “શુંભ-નિશુંભ બળવાન છે, પરંતુ મેં પ્રતિજ્ઞા લીધી છે. આ વાત શુંભને જણાવ અને તે જે યોગ્ય સમજે તે કરે.”
આ રીતે શ્રી માર્કન્ડેય પુરાણમાં વર્ણીત દેવી માહાત્મ્યનો પંચમ (પાંચમો) અધ્યાય પૂર્ણ થાય છે.
શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 6 (ધૂમ્રલોચન વધ)
ઋષિએ આગળ જણાવ્યું કે દેવીના પ્રતિજ્ઞાપૂર્ણ જવાબને સાંભળીને શુંભનો દૂત સુગ્રીવ ક્રોધિત થયો અને તેણે દૈત્યરાજ શુંભને સમગ્ર સમાચાર વિગતવાર જણાવ્યા. દૂતની વાત સાંભળીને શુંભ કુપિત થયો અને તેણે પોતાના સેનાપતિ ધૂમ્રલોચનને આદેશ આપ્યો, “હે ધૂમ્રલોચન! તું તાત્કાલિક તારી સેના સાથે જા અને તે દુષ્ટાને વાળ ખેંચીને બળજબરીથી અહીં લઈ આવ. જો કોઈ તેની રક્ષા આવે, પછી તે દેવતા, યક્ષ કે ગંધર્વ હોય, તેને મારી નાખ.” શુંભના આદેશને માનીને ધૂમ્રલોચન 60,000 અસુરોની સેના સાથે હિમાલય પર્વત તરફ રવાના થયો.
ધૂમ્રલોચનનો પડકાર અને દેવીનો પરાક્રમ
હિમાલય પર પહોંચીને ધૂમ્રલોચને દેવી અંબિકાને જોઈ અને લલકારતાં કહ્યું, “અરે! તું શુંભ-નિશુંભ પાસે ચાલ. જો તું પ્રસન્નતાથી નહીં આવે તો હું તને વાળ ખેંચીને ઘસડતો લઈ જઈશ.” દેવીએ શાંતિથી જવાબ આપ્યો, “શુંભે તને મોકલ્યો છે, તું બળવાન છે અને તારી સાથે વિશાળ સેના છે. જો તું મને બળજબરીથી લઈ જશે તોપણ હું તારું શું કરી શકું?” દેવીના આ વચનો સાંભળી ધૂમ્રલોચન તેમની તરફ દોડ્યો, પરંતુ દેવી અંબિકાએ ‘હું’ શબ્દના ઉચ્ચારણ માત્રથી તેને ભસ્મ કરી દીધો.
દેવીના સિંહે વેર્યો વિનાશ
ધૂમ્રલોચનના નાશ બાદ ક્રોધે ભરાયેલી અસુરોની વિશાળ સેનાએ દેવી પર તીક્ષ્ણ બાણો, શક્તિઓ અને કુહાડીઓની વર્ષા કરી. દેવીએ પણ તેમનો જવાબ આપ્યો. આ સમયે દેવીનું વાહન સિંહ ક્રોધે ભરાઈને ભયંકર ગર્જના કરતું, ગરદનના વાળ ઝણઝણાવતું અસુરોની સેનામાં કૂદી પડ્યું. સિંહે કેટલાક અસુરોને પંજાના મારથી, કેટલાકને જડબાથી, કેટલાકને પછાડીને દાંતથી ઘાયલ કરીને અને કેટલાકના પેટ ફાડીને રક્ત ચૂસીને મારી નાખ્યા. સિંહે કેટલાકના મસ્તક અને ભુજાઓ કાપી નાખી અને ક્ષણભરમાં સમગ્ર અસુરસેનાનો સંહાર કરી દીધો.
શુંભનો ક્રોધ અને ચંડ-મુંડને આદેશ
જ્યારે શુંભને સમાચાર મળ્યા કે દેવીએ ધૂમ્રલોચનને ભસ્મ કરી દીધો અને તેના સિંહે સમગ્ર સેનાનો સંહાર કર્યો, ત્યારે તેનો ક્રોધ અણનમ થયો. તેના હોઠ થરથરવા લાગ્યા. તેણે ચંડ અને મુંડ નામના બે મહાદૈત્યોને આદેશ આપ્યો, “હે ચંડ! હે મુંડ! તમે મોટી સેના લઈને જાઓ, તે દેવીને વાળ ખેંચીને કે બાંધીને ઝટ લઈ આવો. જો આમાં સંદેહ હોય તો યુદ્ધમાં સર્વ પ્રકારનાં શસ્ત્રો અને અસુરસેનાનો ઉપયોગ કરીને તેની હત્યા કરો. તે દુષ્ટા અને તેના સિંહનો વધ કરી, અંબિકાને બાંધીને ઝટપટ પાછા આવો.”
આ રીતે શ્રી માર્કન્ડેય પુરાણમાં વર્ણીત દેવી માહાત્મ્યનો ષષ્ટમ (છઠ્ઠો) અધ્યાય પૂર્ણ થાય છે. (ચંડ-મુંડનો વધ આવનારા લેખમાં વર્ણીત છે.)
દુર્ગા સપ્તશતીના પાંચમા અને છઠ્ઠા અધ્યાયો દેવીની સર્વવ્યાપી શક્તિ, શુંભ-નિશુંભના ઘમંડનો પડકાર અને ધૂમ્રલોચન તથા તેની સેનાના વિનાશ દ્વારા ધર્મની અધર્મ પર વિજયની કથા રજૂ કરે છે. દેવીની પ્રતિજ્ઞા, ‘હું’ શબ્દથી ધૂમ્રલોચનનો નાશ અને સિંહનો સેનાસંહાર દર્શાવે છે કે દૈવીય શક્તિ સામે અધર્મનું ઘમંડ ટકી શકે નહીં. આવનારા લેખમાં આપણે અધ્યાય- 7 (ચંડ-મુંડનો વધ) વિશે વાત કરીશું.


