અમદાવાદમાં મુસ્લિમ સગીરે હિંદુ વિદ્યાર્થીની ઘાતકી હત્યા કર્યાને હજુ ગણતરીના દિવસો થયા છે, તેવામાં હવે સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાંથી પણ આવો એક બનાવ સામે આવ્યો હોવાનું કહેવાય રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, સાબરકાંઠાના વડાલીમાં (Vadali) શેઠ સીજે હાઇસ્કૂલમાં (Sheth C J High School) ચાર મુસ્લિમ સગીરોએ (Muslim Monors) 7મા ધોરણમાં અભ્યાસ કરતા હિંદુ વિદ્યાર્થી (Hindu Student) પર હુમલો (Attack) કરી દીધો હતો. પીડિત બાળકના પિતાનો આરોપ છે કે, મુસ્લિમ સગીરોએ તેમના બાળકને હત્યાની ધમકી પણ આપી છે.
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં વડાલી બજરંગદળના સંયોજક રમેશભાઈ સગરે જણાવ્યું છે કે, આ સમગ્ર ઘટના 21 ઑગસ્ટના રોજ સાંજના સમયે બનવા પામી હતી. તેમણે માહિતી આપતાં જણાવ્યું કે, સાંજના સમયે લગભગ 4:30 કલાકે શાળામાં રજા જાહેર કરાયા બાદ ચાર મુસ્લિમ સગીરોએ હિંદુ વિદ્યાર્થી પર શાળા પરિસરમાં જ હુમલો કરી દીધો હતો અને હત્યાની ધમકીઓ આપી હતી. તેમણે એવું પણ કહ્યું છે કે, આ ઘટના બાદ સ્થાનિક હિંદુઓ અને હિંદુ સંગઠનો એકઠાં થઈ ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું.
સગરના જણાવ્યા અનુસાર, શનિવારે (23 ઑગસ્ટ) પીડિત વિદ્યાર્થીના પરિવાર સાથે સ્થાનિક લોકો અને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ શાળાએ પહોંચ્યા હતા અને કાર્યવાહીની માંગણી કરવા લાગ્યા હતા. તેમનો દાવો છે કે, તે સમયે શાળા પ્રશાસન તરફથી આ બાબતે આરોપી સગીરોને LC આપવાની બાહેંધરી આપવામાં આવી હતી, જે બાદ વિરોધ પ્રદર્શન અટકાવી દેવામાં આવ્યું હતું.
‘અગાઉ શાળામાં છરા લઈને આવ્યા હતા મુસ્લિમ સગીરો’- પીડિત પરિવારનો દાવો
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં પીડિત હિંદુ વિદ્યાર્થીના પિતા મણિભાઈએ આરોપ લગાવ્યો છે કે, મુસ્લિમ સગીરો વારંવાર તેમના બાળકને ચીડવી રહ્યા હતા, જે બાબતે હિંદુ બાળકે વાંધો ઉઠાવતા શાળાના સમય બાદ હુમલો કરી દીધો હતો. પીડિત વિદ્યાર્થીના પિતા અનુસાર, ઘટના બાદ તેમનો પરિવાર મુસ્લિમ સગીરોના પરિવારને મળવા માટે ગયો હતો, પરંતુ મુખ્ય આરોપી સગીરના પિતાએ એવું કહ્યું હતું કે, તેમનો પુત્ર તેમના કહ્યામાં નથી. જે બાદ આ ઘટનાની જાણ હિંદુ સંગઠનોને કરાતા શાળામાં પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં. પીડિત પરિવારનો દાવો છે કે, અગાઉ પણ આ ચારેય મુસ્લિમ સગીરો શાળામાં છરા જેવા તીક્ષ્ણ હથિયારો લઈને આવ્યા હતા.
બાળકના પિતા અનુસાર, 6 મહિના પહેલાં પણ આ આરોપીઓએ તેમના બાળક પર હુમલો કર્યો હતો અને તે સમયે સ્કૂલના શિક્ષકો તરફથી મૌખિક બાહેંધરી આપવામાં આવી હતી કે, હવે પછી આવું નહીં થાય. જોકે, પીડિત બાળકના પિતાએ એવો દાવો પણ કર્યો છે કે, હાલ સુધી શાળા પ્રશાસન તરફથી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પીડિત પરિવારની માંગણી છે કે, આરોપી સગીરોને તાત્કાલિક ધોરણે LC આપી દેવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે, પીડિત હિંદુ વિદ્યાર્થી હાલ સારવાર હેઠળ છે. તેમણે કહ્યું છે કે, બાળકને ઢોર માર મારવામાં આવ્યો હોવાથી પાછળના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે અને બાળક હાલ ચાલી શકવા સક્ષમ નથી. આ ઘટનાને લઈને તેમણે સ્કૂલ પ્રશાસન પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે, તેમણે બાહેંધરી આપી હોવા છતાં મુસ્લિમ સગીરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
શાળાએ ઘટનાને બાળકો વચ્ચે થયેલી મારામારી ગણાવી, કહ્યું– LC નહીં આપી શકીએ
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં શેઠ સીજે હાઇસ્કૂલના પ્રાથમિક શાળા વિભાગના પ્રિન્સિપાલ અમિતભાઈએ સ્વીકાર્યું હતું કે ચાર મુસ્લિમ સગીરોએ હિંદુ વિદ્યાર્થી પર હુમલો કર્યો છે. પરંતુ આ ઘટનાને ‘બાળકોની સહજ મારામારી’ ગણાવી હતી અને દાવો કર્યો કે આરોપી વિદ્યાર્થીઓને LC આપવાની કોઈ વાત થઈ નહોતી. તેમણે પીડિત પરિવારના એ દાવા પણ નકારી દીધા, જેમાં કહેવામાં આવ્યું હતું કે અગાઉ આરોપી સગીરો હથિયારો સાથે શાળામાં આવ્યા હતા.
LC વિશે તેમણે કહ્યું છે કે, આરોપી સગીરો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હોવાથી RTE હેઠળ તેમને લિવિંગ સર્ટિફિકેટ આપી શકાય નહીં, સિવાય કે તે વિદ્યાર્થીઓના માતા-પિતા તરફથી અપીલ કરવામાં આવે અથવા તો ઉપરી અધિકારી દ્વારા આદેશ આપવામાં આવે. શાળા પ્રશાસને આ ઘટનાને ‘બાળકોની નાની ઘટના’ ગણાવી છે. તે સિવાય શાળાના આચાર્યએ અગાઉ મારામારી થઈ હોવાના પીડિત પરિવારના દાવાને પણ ખોટા ગણાવી દીધા છે.
આ સમગ્ર ઘટનાને લઈને હાલ પીડિત પરિવાર કાર્યવાહીની માંગણી કરી રહ્યો છે. તેમની માંગ એ છે કે, જવાબદાર મુસ્લિમ સગીરોને સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવે. જોકે, સ્કૂલ પ્રશાસન તરફથી એવું કહેવાય રહ્યું છે કે, શિક્ષણના અધિકારના કાયદા હેઠળ પ્રાથમિક શાળાના તે બાળકોને તેઓ કાઢી શકતા નથી. આ ઘટનાના પગલે પીડિત પરિવારે પોલીસ ફરિયાદની ચીમકી પણ ઉચ્ચારી છે.


