સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંગળવારે (12 ઑગસ્ટ) ચૂંટણી પંચના SIR અભિયાન પર સુનાવણી હાથ ધરી હતી. દરમિયાન કોર્ટે ચૂંટણી પંચની (ECI) તે દલીલને સમર્થન આપ્યું છે કે, આધાર કાર્ડને (Aadhaar Card) નાગરિકતાના (Citizenship) નિર્ણાયક પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં, તેથી તેની સ્વતંત્ર રીતે ચકાસણી કરવી જરૂરી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે SIRના વિરોધમાં આવેલી અરજીઓ પર આ સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે, આધાર કાર્ડ ઓળખ પુરવાર કરી શકે, પરંતુ તેને નાગરિકતાના પુરાવા તરીકે ગણી શકાય નહીં.
લાઈવ લૉના અહેવાલ અનુસાર, જસ્ટિસ સૂર્યકાંતે અરજદારો તરફથી હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલને જણાવ્યું હતું કે, “ચૂંટણી પંચનું કહેવું સાચું છે કે, આધારને નાગરિકતાના નિર્ણાયક પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં. તેની ચકાસણી કરવી જરૂરી છે. સુનાવણી દરમિયાન સિબ્બલે દલીલ કરી હતી કે, ચૂંટણી પંચ આધાર, રેશન કાર્ડ અને EPIC કાર્ડને નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારી રહ્યું નથી. સિબ્બલે દલીલ કરી હતી કે, નાગરિકા સાબિત કરવાની જવાબદારી પંચની છે, નહીં કે જે-તે વ્યક્તિની.
તેના જવાબમાં જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે, “બિહાર ભારતનો એક ભાગ છે. જો બિહાર પાસે આવા દસ્તાવેજો નથી તો બીજા રાજ્યોમાં પણ નહીં હોય. આ દસ્તાવેજો શું છે? જો કોઈ કેન્દ્ર સરકારનો કર્મચારી છે તો સ્થાનિક/LIC દ્વારા જારી કરાયેલ ઓળખ પત્ર/ દસ્તાવેજ ચાલે.” ત્યારબાદ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે, ચૂંટણી પંચ કહે છે કે, આ દસ્તાવેજો નાગરિકતાની પુષ્ટિ કરી શકે નહીં. ત્યારપછી તેમણે જન્મ પ્રમાણપત્રની વાત કરતા કહ્યું કે, માત્ર 3.056% લોકો પાસે બર્થ સર્ટિફિકેટ છે, પાસપોર્ટ 2.7% લોકો પાસે છે અને 14.71% લોકો પાસે મેટ્રિકનું સર્ટિફિકેટ છે.
તેના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, “નાગરિકતા સાબિત કરવા માટે કોઈક દસ્તાવેજ તો હોવો જ જોઈએ. દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ પ્રમાણપત્ર હોય છે, સિમ કાર્ડ ખરીદવા પણ તેની જરૂર પડે છે.” ત્યારબાદ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો આધાર કાર્ડની સાથે રેશન કાર્ડ જેવા અન્ય દસ્તાવેજો પણ આપવામાં આવે તો ચૂંટણી પંચે તેની તપાસ કરવી પડશે. આ સાથે જ તમામ મતદાતાઓને યોગ્ય માહિતી પણ આપવી પડશે, જેથી કારણ વગર કોઈનું નામ કમી ન થઈ શકે.
કેસની સુનાવણી દરમિયાન વકીલ કપિલ સિબ્બલે એવું પણ કહ્યું હતું કે, “1950 પછી જન્મેલી દરેક વ્યક્તિ ભારતની નાગરિક છે, પરંતુ અહીં પ્રક્રિયામાં મોટી અનિયમિતતા છે.” ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, “એક નાના વિધાનસભા મતવિસ્તારમાં 12 લોકોને મૃત દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે તેઓ જીવંત હતા. BLOએ કોઈ કામ કર્યું ન હતું.”
આ દરમિયાન જ ચૂંટણી પંચ વતી વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ કહ્યું કે, આ ફક્ત એક ડ્રાફ્ટ રોલ છે. આટલી મોટી કવાયતમાં નાની ભૂલો થઈ શકે છે, પરંતુ એવું કહેવું યોગ્ય નથી કે મૃતકો જીવંત છે. ત્યારબાદ અરજદારોના વકીલ કપિલ સિબ્બલે 65 લાખ નામોની કમીને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા અને દલીલો કરી હતી.


