વર્ષ 2023માં સ્વીડનમાં (Sweden) પ્રદર્શનો દરમિયાન કુરાનની પ્રત સળગાવનાર શખ્સ સલવાન મોમિકાની (Salwan Momika) ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. હત્યા બુધવારે (29 જાન્યુઆરી) થઈ, જેના સમાચાર બીજા દિવસે ફરતા થયા. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તેની હત્યા થઇ ત્યારે તે ટિકટોક પર લાઈવ હતો. સ્વીડન પોલીસે જણાવ્યું કે, તેમને Sodertalje શહેરમાં ગોળીબાર થયો હોવાની જાણકારી મળી હતી. અહીં જ મોમિકા રહેતો હતો. ગોળીબાર ઘરમાં થયો હોવાની જાણકારી મળી છે. પોલીસે જઈને જોયું તો એક વ્યક્તિ ગોળી વાગેલી હાલતમાં હતી. ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તેની ઓળખ પછીથી સલવાન મોમિકા તરીકે થઈ.
વર્ષ 2023 સ્વીડનમાં થયેલાં પ્રદર્શનો દરમિયાન સલવાન મોમિકા ચર્ચામાં આવ્યો હતો. તેણે અનેક પ્રસંગોએ કુરાનની નકલો બાળી હતી અને તેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. ત્યારબાદ વિશ્વભરમાંથી મુસ્લિમ સમુદાય તરફથી તેને ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ હતી અને તેનો અને તેના કારણે સ્વીડનનો વિરોધ પણ બહુ થયો હતો. વિરોધના પગલે પછી સસ્વીડને તેની સામે પગલાં પણ લીધાં હતાં. આ જ મામલે તેની સામે એક કેસ ચાલી રહ્યો હતો, જેમાં કોર્ટ નક્કી કરવાની હતી કે કુરાન સળગાવવાનું તેનું કૃત્ય ખરેખર સમુદાય વિશેષની ભાવનાઓ ભડકાવનારું હતું કે કેમ, પરંતુ તે પહેલાં જ તેની હત્યા કરી નાખવામાં આવી.
🇸🇪 Iraqi Salwan Momika, known for burning the Quran, was shot and killed in Sweden. pic.twitter.com/nTFJnmzGob
— Update NEWS (@UpdateNews724) January 30, 2025
કોણ હતો સલવાન મોમિકા
સલવાન મૂળ ઇસ્લામિક દેશ ઈરાકનો નાગરિક હતો. તે ઉત્તરી ઇરાકના નિનેવેહ પ્રાંતના કારાકોશના અલ-હમદાનિયા જિલ્લાનો રહેવાસી હતો. સલવાન મોમિકાનો ઉછેર કેથોલિક તરીકે થયો હતો. 2006-2008ના ગૃહયુદ્ધ દરમિયાન ઇસ્લામિક સ્ટેટ દ્વારા ખ્રિસ્તીઓ પર કરવામાં આવેલા જુલમના કારણે તે એસીરીયન પેટ્રિઓટિક પાર્ટીમાં જોડાયો અને તેના મુખ્યાલયમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરવા લાગ્યો.
જૂન 2014માં ISISના આતંકવાદીઓએ મોસુલ પર કબજો કર્યા પછી મોમિકા ઇસ્લામિક સ્ટેટનો વિરોધ કરવા માટે પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સિસમાં (PMF) જોડાયો હતો. ઉપરાંત તેણે ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇરાકની લશ્કરી પાંખ ઇમામ અલી બ્રિગેડ પ્રત્યે વફાદારીના શપથ પણ લીધા હતા. ત્યારપછી મોમિકા 2017માં શેંગેન વિઝા પર જર્મની ગયો, જ્યાં તેણે જાહેરમાં ખ્રિસ્તી પંથનો ત્યાગ કર્યો તથા પોતે નાસ્તિક હોવાની જાહેરાત કરી દીધી હતી.
ત્રણ વર્ષ સુધી અસ્થાયી નિવાસની પરવાનગી
એપ્રિલ 2018માં મોમિકાએ સ્વીડનમાં આશ્રય માટે અરજી કરી હતી અને તેની નોંધણી ઇરાકી શરણાર્થી તરીકે કરવામાં આવી હતી. બાદમાં એપ્રિલ 2021માં તેને એપ્રિલ 2024 સુધી એટલે કે ત્રણ વર્ષ સુધી અસ્થાયી નિવાસ માટેની પરવાનગી આપવામાં આવી હતી. જોકે તેની અરજીમાં અમુક વિસંગતતાઓના કારણે તથા ઈમામ અલી બ્રિગેડ સાથેના તેના જોડાણના ખોટા દાવાઓના કારણે તેની સ્વીડનની કાયમી નાગરિકતા માટેની અરજી નકારી કાઢવામાં આવી હતી.
વર્ષ 2023માં ઈદ-ઉલ-અઝહા (બકરીદ) પહેલાં તેણે સ્વીડનમાં કુરાનની પ્રતોને આગ ચાંપી હતી. આ પ્રદર્શન કરવા માટે તેણે પરવાનગી પણ માંગી હતી અને પોલીસે પણ પરવાનગી આપી દીધી હતી. પરવાનગી બાદ તેણે કુરાન સળગાવીને વિરોધ કર્યો. સલવાને પયગંબર મોહમ્મદની ટીકા પણ કરી હતી. આ સિવાય સલવાન પર કુરાનનાં પાનાં પર ડુક્કરનું માંસ લપેટીને તેને પગ નીચે કચડી નાખવાનો પણ આરોપ હતો.
ઇસ્લામના કટ્ટર વિરોધીઓમાં થતી હતી ગણતરી
ઉલ્લેખનીય છે કે સલવાનની ગણતરી ઇસ્લામના કટ્ટર વિરોધીઓમાં થતી હતી. જોકે મોમિકાએ કહ્યું કે તે સ્વીડનના નાટોમાં જોડાવાના વિરોધમાં નથી પણ ઇસ્લામનો વિરોધ કરવા માટે કુરાન બાળી હતી. કુરાન સળગાવતાં પહેલાં તેણે કહ્યું હતું, ‘જાગો સ્વીડન. આ લોકશાહી છે.’ સલવાનનો દાવો હતો કે તે સ્વીડનને કુરાનના સિદ્ધાંતોથી બચાવવા માંગે છે.
ઘટના અને મુસ્લિમ દેશોના વિરોધ બાદ સલવાન પર સ્વીડનની એક કોર્ટમાં ઇસ્લામ વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો તથા 16 જાન્યુઆરીથી ટ્રાયલ શરૂ થઈ હતી. આ પહેલાં તેની સ્વીડનમાંથી હકાલપટ્ટી પણ થવાની હતી, જોકે તેને મળતી ધમકીઓના પગલે તેનો દેશનિકાલ થયો ન હતો અને ટેમ્પરરી રેસિડેન્ટની પરમિટ એક વર્ષ સુધી (એપ્રિલ, 2024) લંબાવી દેવામાં આવી હતી. તેની પર ચાલી રહેલ કેસની વધુ સુનાવણી 30 જાન્યુઆરીએ થવાની હતી. પરંતુ આ સુનાવણી પહેલાં જ તેની હત્યા કરી દેવામાં આવી છે. સ્વીડનની એજન્સીનું કહેવું છે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ ઘણા સમયથી મળી રહી હતી. પોલીસ તેની હત્યા મામલે હાલ તપાસ કરી રહી છે.