Saturday, March 1, 2025
More

    સ્વીડન: 2023માં મસ્જિદની સામે કુરાન સળગાવનાર સલવાન મોમિકાની ગોળી મારીને હત્યા 

    ઇરાકી એક્ટિવિસ્ટ સલવાન મોમિકાની સ્વીડનમાં હત્યા કરી નાખવામાં આવી છે. આ એ જ વ્યક્તિ છે, જેણે વર્ષ 2023માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમની એક મસ્જિદ સામે કુરાનની નકલ સળગાવી હતી. ત્યારથી તેને વિશ્વભરના ઇસ્લામી દેશોમાંથી ધમકીઓ પણ મળી રહી હતી. 

    સ્વીડન પોલીસે જણાવ્યું કે, તેમને Sodertalje શહેરમાં ગોળીબાર થયો હોવાની જાણકારી મળી હતી. અહીં જ મોમિકા રહેતો હતો. ગોળીબાર ઘરમાં થયો હોવાની જાણકારી મળી છે. પોલીસે જઈને જોયું તો એક વ્યક્તિ ગોળી વાગેલી હાલતમાં હતી. ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તેની ઓળખ પછીથી સલવાન મોમિકા તરીકે થઈ. 

    ઉલ્લેખનીય છે કે ગુરુવારે (30 જાન્યુઆરી) સ્ટોકહોમની કોર્ટ એ નિર્ણય કરવાની હતી કે મોમિકાએ પ્રદર્શનો દરમિયાન જે કુરાનની નકલો બાળી હતી તે સમુદાય વિશેષ પ્રત્યે નફરત અને ઘૃણા ફેલાવતું કૃત્ય હતું કે કેમ. પરંતુ હત્યા બાદ સુનાવણી 3 ફેબ્રુઆરી સુધી ટાળી દેવામાં આવી. 

    38 વર્ષીય સલવાન મોમિકા મૂળ ઈરાનનો ખ્રિસ્તી હતો અને સ્વીડનમાં શરણાર્થી તરીકે આવ્યો હતો. તેણે કુરાન બાળ્યા બાદ તેના વિડીયો અને ફોટો ફરતા થઈ ગયા હતા અને મુસ્લિમ દેશોમાં બહુ વિરોધ થયો હતો અને તેને અવારનવાર ધમકીઓ પણ મળતી રહેતી હતી.