Thursday, September 12, 2024
More
    હોમપેજદુનિયા‘આ પુસ્તક માનવાધિકારો અને નૈતિક મૂલ્યો માટે જોખમી, દુનિયાભરમાં બૅન કરી દેવું...

    ‘આ પુસ્તક માનવાધિકારો અને નૈતિક મૂલ્યો માટે જોખમી, દુનિયાભરમાં બૅન કરી દેવું જોઈએ’: સ્વીડનમાં ઈદના દિવસે મસ્જિદની સામે જ સળગાવાઈ કુરાન, ભડકી ઉઠ્યા મુસ્લિમ દેશ

    અગાઉ મસ્જિદની બહાર કુરાન સળગાવવાની પરવાનગી આપવાનો પોલીસે ઇનકાર કરી દીધો હતો. આખરે પ્રદર્શનકારીઓએ કોર્ટના દરવાજા ખખડાવતાં કોર્ટે પોલીસને ફટકાર લગાવી હતી અને આદેશ બદલવા માટે કહ્યું હતું.

    - Advertisement -

    બુધવારે (28 જૂન, 2023) સ્વીડનમાં આવેલી એક મસ્જિદની સામે એક શખ્સે કુરાન ફાડીને તેને સળગાવી દીધી હતી. આ દરમિયાન લગભગ 200 જેટલા લોકો હાજર હતા, જેમણે તેનું સમર્થન કર્યું હતું. એક તરફ આ ઘટનાએ દુનિયાભરમાં ચર્ચા જગાવી છે ત્યારે બીજી તરફ સાઉદી અરબ, તૂર્કી, મોરક્કો જેવા મુસ્લિમ દેશો ભડકી ઉઠ્યા છે. 

    સોશિયલ મીડિયા પર વિડીયો પણ ફરતો થયો છે, જેમાં દેખાય છે કે એક વ્યક્તિ કુરાનને પગથી લાત મારે છે, જમીન પર ફેંકે છે અને પગ નીચે કચડી નાંખે છે. આવું તે વારંવાર કરતો જોવા મળે છે. આખરે કુરાન સળગાવી દે છે. આ દરમિયાન અન્ય એક વ્યક્તિ હાથમાં માઈક લઈને કશુંક બોલતો જોવા-સાંભળવા મળે છે. દરમ્યાન, કુરાન સળગાવનાર વ્યક્તિ સ્વીડનનો ઝંડો પણ લહેરાવતો જોવા મળે છે.

    સ્વીડનની સ્ટોકહોમ સેન્ટ્રલ મસ્જિદ સામે કુરાન સળગાવનારા આ વ્યક્તિનું નામ સલવાન મોમિકા છે, જે વર્ષો પહેલાં ઈરાનથી ભાગીને સ્વીડન આવી ગયો હતો. જે સમયે આ કુરાન સળગાવવામાં આવી ત્યારે લગભગ 200 જેટલા લોકો સ્થળ પર હાજર હતા, જેમાંથી અમુકે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હતા તો કેટલાકે કુરાન સળગાવવાનું સમર્થન કર્યું હતું. દરમિયાન એકે પથ્થર પણ ફેંક્યો હતો, જેને પોલીસે પછીથી પકડી લીધો હતો.

    - Advertisement -

    કુરાન સળગાવવાની ઘટના બાદ સીએનએન સાથે વાત કરતાં મોમિકાએ કહ્યું કે, તે પાંચ વર્ષ પહેલાં ઈરાકથી સ્વીડન આવ્યો હતો અને હાલ તેની પાસે સ્વીડનની નાગરિકતા છે. તેણે કહ્યું કે, તે અલ્લાહમાં માનતો નથી. તેણે એમ પણ કહ્યું કે, આ પુસ્તકને (કુરાન) દુનિયાભરમાં પ્રતિબંધિત કરી દેવું જોઈએ, કારણ કે તે લોકતંત્ર, માનવીય મૂલ્યો, નૈતિકતા, માનવાધિકારો અને મહિલા અધિકારો માટે એક જોખમ છે. આજના સમયમાં આ પુસ્તકનું કંઈ કામ નથી.

    ઉલ્લેખનીય છે કે અગાઉ મસ્જિદની બહાર કુરાન સળગાવવાની પરવાનગી આપવાનો પોલીસે ઇનકાર કરી દીધો હતો. આખરે પ્રદર્શનકારીઓએ કોર્ટના દરવાજા ખખડાવતાં કોર્ટે પોલીસને ફટકાર લગાવી હતી અને આદેશ બદલવા માટે કહ્યું હતું. તે સમયે પોલીસે સુરક્ષાનું કારણ આપ્યું હતું પરંતુ પછીથી કહ્યું કે, સુરક્ષાનું એટલું પણ જોખમ નથી કે આ માંગ નકારી શકાય. 

    તૂર્કી-સાઉદીએ ટીકા કરી, મોરક્કોએ રાજદૂતને પરત તેડી લીધા, સ્વિડિશ પીએમએ કહ્યું- પરવાનગી આપવાનું કામ પોલીસનું હતું

    સ્વીડનમાં કુરાન સળગાવી ઘટના બાદ તૂર્કી, મોરક્કો, સાઉદી અરબ વગેરે દેશોએ પ્રતિક્રિયા આપી છે. સાઉદીએ કહ્યું કે, આ પ્રકારના ઘૃણિત કૃત્યને ક્યારેય સ્વીકારી શકાય નહીં. તો તુર્કીએ કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આ પ્રકારનાં ઇસ્લામવિરોધી કૃત્યોને અંજામ આપવાની અનુમતિ આપવી અસ્વીકાર્ય છે. બીજી તરફ, મોરક્કોએ વિરોધમાં સ્વીડનથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા છે. અમેરિકાએ આ ઘટનાને લઈને કહ્યું કે, આ પ્રકારે મઝહબી પુસ્તકને સળગાવવું દુઃખદ છે. 

    આ વિરોધ વચ્ચે સ્વીડનના વડાપ્રધાને બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આ ઘટના સ્વીડનના નાટોમાં સામેલ થવાની પ્રક્રિયાને પ્રભાવિત કરશે કે કેમ તેની ચર્ચામાં તેઓ નહીં પડે. તેમણે કહ્યું, “આ ઘટના કાયદાકીય રીતે બરાબર છે, પરંતુ યોગ્ય નથી. આ પ્રકારના વિરોધને પરવાનગી આપવી કે નહીં એ પોલીસ પર નિર્ભર હતું.” ઉલ્લેખનીય છે કે સ્વીડનની વસ્તીના કુલ 8 ટકા મુસ્લિમો રહે છે. 2020ના આંકડા મુજબ અહીં કુલ 8 લાખ મુસ્લિમો રહેતા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં