Friday, April 3, 2026
More
    હોમપેજદુનિયામાત્ર ડિસેમ્બર 2025માં હિંદુઓ વિરુદ્ધ હિંસાની 50થી વધુ ઘટના, 10ની હત્યા: યુનુસ...

    માત્ર ડિસેમ્બર 2025માં હિંદુઓ વિરુદ્ધ હિંસાની 50થી વધુ ઘટના, 10ની હત્યા: યુનુસ સરકાર હેઠળ બીજું પાકિસ્તાન બનતું બાંગ્લાદેશ

    ડેટા કહે છે કે માત્ર ડિસેમ્બર મહિનામાં હિંસાની 51 ઘટનાઓ સામે આવી, જેમાં 10 હત્યાઓ સામેલ છે. 4 ઘટનાઓ ઈશનિંદાના આરોપો સાથે ટોર્ચરની સામે આવી, 1 બળાત્કારની અને 3 મારામારીની ઘટનાઓ બની.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં ઑગસ્ટ 2024માં શેખ હસીનાની સરકાર પડી ભાંગી અને મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર રચાઈ પછી હિંદુઓ પર ટાર્ગેટેડ હુમલાઓનો એક દોર શરૂ થયો, તેમાં સેંકડો નિર્દોષોએ જીવ ગુમાવ્યા, કેટલાય પરિવારો ઘર-બાર વગરના થયા. હવે જ્યારે બાંગ્લાદેશમાં ચૂંટણીઓ નજીક છે ત્યારે ફરી હિંસાની ઘટનાઓ વધી રહી છે, આ વખતે ફરી એક વખત નિશાના પર લઘુમતી હિંદુઓ છે.

    હમણાં જ બાંગ્લાદેશની લઘુમતી સંસ્થા ઓઇક્ય પરિષદે એક ડેટા જાહેર કર્યો. આ ડેટા કહે છે કે માત્ર ડિસેમ્બર મહિનામાં હિંસાની 51 ઘટનાઓ સામે આવી, જેમાં 10 હત્યાઓ સામેલ છે. 4 ઘટનાઓ ઈશનિંદાના આરોપો સાથે ટોર્ચરની સામે આવી, 1 બળાત્કારની અને 3 મારામારીની ઘટનાઓ બની. હિંદુ ઘરો સળગાવાયાં, લૂંટફાટ મચાવવામાં આવી, મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું.

    Press Release:
    Minority Communities in Fear
    As Communal Violence Continues to Escalate: Oikya Parishad pic.twitter.com/g5zMKnqqNI— Bangladesh Hindu Buddhist Christian Unity Council (@BhbcopOrg) January 6, 2026

    જાન્યુઆરીમાં પણ આ ઘટનાઓ ચાલુ રહી છે. 3 જાન્યુઆરીએ ખોકન ચંદ્ર દાસ નામના એક વેપારીની હત્યા કરીને લાશ સળગાવી દેવાઈ. એ જ સવારે એક હિંદુ પરિવારને બંધક બનાવીને લૂંટફાટ મચાવવામાં આવી. એ જ દિવસે કામિલામાં એક હિંદુ પરિવારના ઘરે લૂંટ મચાવીને ઘરેણાં, કૅશ લૂંટવામાં આવ્યા.

    - Advertisement -

    4 જાન્યુઆરીએ એક ઘટના સામે આવી, જેમાં એક હિંદુ મહિલા પર બળાત્કાર કરીને ઝાડ સાથે બાંધી દેવામાં આવી અને ટોર્ચર કરવામાં આવ્યું હતું. 5 જાન્યુઆરીના રોજ રાણા પ્રતાપ નામના એક 47 વર્ષીય વેપારીની ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી. મોની ચક્રવર્તી નામના એક વેપારીની પણ આ જ દિવસે હત્યા થઈ.

    6 જાન્યુઆરીની તાજી ઘટના છે. નાઓગાંવ જિલ્લાના મહાદેવપુરમાં કટ્ટરપંથી ટોળાથી બચવા માટે નહેરમાં કૂદી પડેલા એક હિંદુ યુવક મિથુન સરકારનું મોત થઈ ગયું. ભીડે ચોરીનો આરોપ લગાવીને તેનો પીછો કર્યો હતો. જીવ બચાવવા માટે મિથુન નહેરમાં કૂદી પડ્યો પણ તરતાં આવડતું ન હતું એટલે ડૂબી ગયો. મદદ માટે બૂમો પણ પાડી, પણ બચાવાયો નહીં. પોલીસે લાશ કબજે કરી લીધી છે.

    દીપુ ચંદ્ર દાસની હત્યાની ઘટનાને હજુ મહિનો પણ થયો નથી. 18 ડિસેમ્બરે મયમનસિંહ જિલ્લામાં હિંસક મુસ્લિમ ટોળાએ આ હિંદુ યુવકની હત્યા કરી નાખી હતી. તેની ઉપર ઇશનિંદાનો આરોપ લગાવાયો, પછી જ્યાં કામ કરતો હતો તે ફેક્ટરીમાં જઈને માર માર્યો અને મૃતદેહ ઝાડ સાથે બાંધીને સળગાવી દેવામાં આવ્યો.

    બાંગ્લાદેશ પણ એ જ પેટર્ન અપનાવતું જાય છે, જે પાકિસ્તાનમાં જોવા મળી હતી. કટ્ટરપંથી મુસ્લિમોનું ટોળું આવે છે, કોઈ લઘુમતી પર (મોટેભાગે હિંદુ હોય છે) ઇશનિંદાનો આરોપ લગાવે છે અને જાતે જ ‘ન્યાય’ તોળવા માંડે છે. તેમના માટે ‘ન્યાય’ની વ્યાખ્યા એટલે મૉબ લિન્ચિંગ. અત્યાર સુધી પાકિસ્તાનમાં આ રીતે પોલીસને જાણ કર્યા વગર ઇશનિંદાનો આરોપ લગાવીને હિંદુઓની હત્યાના મામલા સામે આવતા હતા, હવે બાંગ્લાદેશમાં પણ આવવા માંડ્યા છે.

    આવી જ એક ઘટના અન્ય એક ફેક્ટરીમાંથી આવી હતી. જ્યાં નોમાન નામના એક શખ્સે તેની સાથે જ કામ કરતા બજેન્દ્ર બિસ્વાસને ગોળી મારી દીધી. પછી કહ્યું કે હું તો મજાક કરતો હતો. યુનુસ સરકારની પોલીસ પણ એ જ રાગ આલાપતી રહી!

    આ અમુક ઘટનાઓ છે, જે બહાર આવી શકી, જેનું થોડુંઘણું રિપોર્ટિંગ થયું. અનેક ઘટનાઓ દબાઈ ગઈ હશે. દબાવી દેવામાં આવી હશે. જે ક્યારેય બહાર આવી પણ નથી, ભવિષ્યમાં આવશે પણ નહીં.

    બાંગ્લાદેશની યુનુસ સરકાર દુનિયા સામે ‘સબ સલામત’ના દાવા કરતી રહે છે, પરંતુ હકીકત શું છે એ આંકડાઓ જણાવી રહ્યા છે. સુવ્યવસ્થિત રીતે નિર્દોષ હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવતા રહ્યા હોવા છતાં આવી ઘટનાઓને છૂટક ઘટનાઓમાં ખપાવવા માટે પૂરેપૂરા પ્રયાસો થાય છે. પણ સત્ય છૂપું રહી શકતું નથી. આ ઘટનાઓ એ પણ દર્શાવે છે કે દેશમાં સ્થિર સરકાર રહેવી કેટલી આવશ્યક છે અને ક્રાંતિના રવાડે ચડીને આંદોલનો કરીને સરકારો ઉથલાવી દેવામાં આવે તો શું પરિસ્થિતિ સર્જાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં