
ઉસ્માન હાદીનાં મોત બાદ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓને છુટો દોર મળી ગયો છે જેના કારણે હિંદુવિરોધી અત્યાચારોનું પ્રમાણ વધી રહ્યું છે. ગત ડિસેમ્બરમાં જ એક હિંદુ યુવકને સળગાવીને મારી નાખવામાં આવ્યો હતો. હવે અન્ય એક એક હિંદુ વ્યક્તિ પર પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે.
અહેવાલ મુજબ, શરિયતપુર જિલ્લાના દામુદ્યા વિસ્તારમાં એક 50 વર્ષીય હિંદુ વ્યાપારી ખોકન ચંદ્ર દાસ પર ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. 31 ડિસેમ્બર 2025ની રાત્રે તેમની દવાની દુકાન અને મોબાઇલ બેંકિંગનો વેપાર બંધ કરીને ઘરે પરત ફરતા હતા ત્યારે હુમલાખોરોએ તેમની ઓટોરિક્ષાને અટકાવી હતી.
પેટ્રોલ છાંટીને ચાંપી દીધી આગ
ટોળાએ ખોકન ચંદ્ર દાસ સાથે મારપીટ કરી, તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો, તેમના માથા અને ચહેરા પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આગથી બચવા માટે તેમણે રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં કૂદકો માર્યો હતો. આ બધું જોઈને સ્થાનિકો દોડી આવ્યા હતા જેથી હુમલાખોરો ભાગી ગયા અને ખોકનને શરિયતપુર સદર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
ગંભીર ઈજાઓને કારણે તેમને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. તેમનાં પત્નીએ દાવો કર્યો છે કે તેમણે બે હુમલાખોરોને ઓળખી લીધા હતા જેથી તેમનો જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ ફેલાયો છે. દામુદ્યા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી મોહમ્મદ રબીઉલ હકે જણાવ્યું હતું કે આ કેસમાં રબ્બી અને સોહાગ નામના બે લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસ તેમની ધરપકડ કરવા અને અન્ય શંકાસ્પદોની ઓળખ કરવા માટે કામ કરી રહી છે.
દીપુ ચંદ્ર દાસની કરી હતી હત્યા
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં છેલ્લા 20 દિવસમાં બીજીવાર આવી ઘટના બની છે. આ પહેલાં મૈમનસિંહ જિલ્લાના ભાલુકા વિસ્તારમાં દીપુ ચંદ્ર દાસ નામક યુવકની ઇસ્લામી ટોળાએ માર મારીને હત્યા કરી નાખી હતી અને બાદમાં તેના શવને ઝાડ સાથે બાંધીને આગ ચાંપી દીધી હતી.
નોંધનીય છે કે 5 ઑગસ્ટ 2024માં શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ કફોડી બની છે અને હિંદુઓ પર અત્યાચારના આવા ઘણા મામલા સામે આવી ચૂક્યા છે.

