બાંગ્લાદેશમાં કટ્ટરપંથી ઉસ્માન શરીફ હાદીના મોત બાદ હિંસા ફાટી નીકળી છે જેનો ભોગ હિંદુઓ બની રહ્યા છે. 18 ડિસેમ્બરે બાંગ્લાદેશના મૈમનસિંઘ જિલ્લામાં દીપુ ચંદ્ર દાસ નામક હિંદુ યુવકની હત્યા કરીને તેનો મૃતદેહ ઝાડ સાથે બાંધીને સળગાવી દેવામાં આવ્યો હતો. હવે આ મામલે સામે આવ્યું છે કે દીપુ જે ફેક્ટરીમાં કામ કરતો હતો તેના મેનેજરોએ તેનું રાજીનામું લખાવીને તેને કટ્ટરપંથીઓના ટોળાના હવાલે કરી દીધો હતો.
અહેવાલ અનુસાર દીપુ ચંદ્ર દાસ ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો. કટ્ટરપંથીઓએ તેના પર ઈશનિંદાનો આરોપ લગાવ્યા બાદ તેના ફેક્ટરીના મેનેજરોએ તેની પાસે રાજીનામું લખાવી દીધું હતું. ત્યારબાદ તેને કટ્ટરપંથીઓના હવાલે કરી દીધો હતો. ઇસ્લામિક ટોળાએ દીપુને મારી-મારીને તેની હત્યા કરી નાખી હતી. માત્ર એટલું જ નહીં હત્યા કરીને તેના મૃતદેહને ઝાડ સાથે બાંધ્યો, પેટ્રોલ છાંટ્યું અને તેને સળગાવી દીધો હતો. આ ઘટનાના હૃદયદ્રાવક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં આવી ઘટના પહેલીવાર નથી બની. શેખ હસીનાની સરકારના પતન બાદ હિંદુઓના અત્યાચાર સામાન્ય બની ગયા છે અને હાલની વચગાળાની સરકાર તેને ગંભીરતાથી નથી લઈ રહી. દીપુના પિતાએ પણ એવો જ દાવો કર્યો છે કે આટલી મોટી ઘટના બન્યા છતાં સરકાર તરફથી તેમને કોઈ આશ્વાસન આપવામાં આવ્યું નથી.
આ બધું ભયાનક હતું: દીપુના પિતા
NDTV સાથે વાત કરતા દીપુના પિતા રવિલાલ દાસે કહ્યું કે તેમને ફેસબુક પરથી જાણ થઈ હતી કે તેમના પુત્રની આ રીતે હત્યા કરી નાખવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે સરકારે કોઈ આશ્વાસન આપ્યું નથી કે કોઈ ખાતરી પણ આપી નથી. તેમણે કહ્યું કે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કટ્ટરપંથી ટોળામાં જમાત-એ-ઇસ્લામી કા તો છાત્ર શિવિરના લોકો સામેલ હતા.
તેમણે કહ્યું કે “અમને ફેસબુકથી વાતો ખબર પડવા લાગી અને વધુ લોકો તેના અંગે વાતો કરવા લાગ્યા. અમને ત્યારે ખબર પડી જ્યારે કોઈએ મને કહ્યું કે તેને ખૂબ માર મારવામાં આવ્યો છે. અડધા કલાક પછી, મારા કાકા આવ્યા અને મને કહ્યું કે તેઓ મારા પુત્રને લઈ ગયા અને તેને ઝાડ સાથે બાંધી દીધો. પછી તેમણે તેના પર કેરોસીન છાંટ્યું અને આગ લગાવી દીધી. તેનું બળેલું શરીર બહાર છોડી દેવામાં આવ્યું. તેમણે બળેલું ધડ અને માથું બહાર બાંધી દીધું. તે ભયાનક હતું.”
10ની ધરપકડ
અહેવાલ અનુસાર દીપુના ભાઈની ફરિયાદના આધારે આ કેસમાં 10 લોકોની ધરપકડ કરી છે, જેમાં ફેક્ટરીના મેનેજરો પણ સામેલ છે. RAB-14ના ડિરેક્ટર નઈમુલ હસને જણાવ્યું હતું કે, ફ્લોર મેનેજર આલમગીર હુસૈન (38), ફેક્ટરીના ક્વોલિટી મેનેજર મિરાજ હુસૈન અકાન (46) આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. 7 લોકોની ધરપકડ રેપિડ એક્શન બટાલિયને (RAB) દ્વારા અને અન્યની પોલીસ દ્વારા કરવામાં આવી છે.
ફેક્ટરી મેનેજરો સિવાય તારિક હુસૈન, લિમોન સરકાર, માણિક મિયા, ઇર્શાદ અલી, નિઝુમ ઉદ્દીન, અજમલ હસન સગીર, શાહીન મિયા અને મોહમ્મદ નજમુલની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ વ્યાપક વિરોધ અને ઘટના મોટાપાયે વાયરલ થયા બાદ દબાણ ઉભું થતા અંતરિમ સરકારે આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે ‘નવા બાંગ્લાદેશમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી.’

