Thursday, April 2, 2026
More
    હોમપેજદુનિયાકોણ છે ઉસ્માન હાદી, જેનાં મોત બાદ ભડકે બળી રહ્યું છે બાંગ્લાદેશ:...

    કોણ છે ઉસ્માન હાદી, જેનાં મોત બાદ ભડકે બળી રહ્યું છે બાંગ્લાદેશ: કેવી રીતે યુનુસ સરકાર હેઠળ બેફામ બન્યા છે કટ્ટરપંથીઓ

    સરકાર જે રીતે પ્રતિબંધિત વિચારધારા ધરાવતા લોકોને રાષ્ટ્રીય સન્માન આપી રહી છે અને તેના સમર્થકોને દુઃખ વ્યક્ત કરવાના નામે હિંસા કરવાની ખુલ્લી છૂટ આપી રહી છે તે આવનારા સમયમાં બાંગ્લાદેશ અને સાથે સાથે ભારતની સુરક્ષા માટે પણ ગંભીર ચિંતાનો વિષય છે.

    - Advertisement -

    લગભગ છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યો છે. ગત વર્ષે જુલાઈમાં વિદ્યાર્થી આંદોલનના નામે શેખ હસીનાની સરકાર ઉથલાવી દેવામાં આવી હતી. ત્યારબાદ પણ કટ્ટરપંથીઓ ગાંઠ્યા નહીં અને ઉલ્ટા હિંદુઓને ટાર્ગેટ કરવા લાગ્યા. શેખ હસીનાની સરકારનાં પતન બાદ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વોને મોકળું મેદાન મળી ગયું અને લઘુમતી હિંદુવિરોધી હિંસા શરૂ થઈ અને અત્યાચારો થવા લાગ્યા. શેખ હસીનાની સરકાર ઉથલાવવાના આંદોલનમાં ભારતવિરોધી અને ‘ઇન્કલાબ મંચ’ના નેતા શરીફ ઉસ્માન હાદીનો હાથ હતો. 12 ડિસેમ્બરના રોજ હાદી પર ‘અજાણ્યા બંદૂકધારીઓ’એ ગોળીબાર કરી દીધો હતો.

    હવે તાજેતરમાં તેનાં મોત બાદ બાંગ્લાદેશમાં ફરીથી હિંસા શરૂ થઈ ગઈ છે. તેનાં મોતની ઘટનાએ બાંગ્લાદેશને ફરી એકવાર ગૃહયુદ્ધ જેવી સ્થિતિમાં ધકેલી દીધું છે. એક તરફ કટ્ટરપંથીઓ રસ્તા પર છે, તો બીજી તરફ ડૉ. મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર આ કટ્ટરપંથીઓને અંકુશમાં લેવાને બદલે તેમને છૂટો દોર આપી રહી હોય તેમ લાગી રહ્યું છે. આ સિવાય એવું પણ લાગી રહ્યું છે કે ફેબ્રુઆરી 2026માં જે ચૂંટણીઓ યોજાવાની છે તેને રોકવા માટેનું ષડ્યંત્ર રચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ઉસ્માન કોણ હતો અને તેણે બાંગ્લાદેશમાં કટ્ટરપંથી વિચારધારાને કેવી રીતે મજબૂત બનાવી તે જાણવું આવશ્યક છે.

    કોણ હતો શરીફ ઉસ્માન હાદી?

    શરીફ ઉસ્માન હાદી જુલાઈ 2024માં થયેલ કથિત વિદ્યાર્થી આંદોલનનો મુખ્ય નેતા હતો. તે સામાન્ય વિદ્યાર્થીની આડમાં બાંગ્લાદેશી યુવાનોના મનમાં કટ્ટરપંથી ગતિવિધિઓ અને હિંદુ-ભારતવિરોધી મૂળનાં બીજ વાવી રહ્યો હતો. 1994માં ઝાલોકાઠી જિલ્લાના નલચિટી ઉપજિલ્લામાં જન્મેલ હાદી કટ્ટરપંથી સંગઠન ‘ઇન્કલાબ મંચ’નો નેતા હતો.

    - Advertisement -

    હાદી કથિત આંદોલનનો ફ્રન્ટલાઈન વિરોધી હતો, જેણે શેખ હસીનાની સરકાર ઉથલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 5 ઑગસ્ટે હસીના સરકારનાં પતન બાદ 13 ઑગસ્ટે તેણે ઇન્કલાબ મંચની સ્થાપના કરી હતી. ઇન્કલાબ મંચ એક કટ્ટરપંથી સંગઠન છે, જે આવામી લીગને જડમૂળથી ઉખેડી નાખવાના પ્રયાસોમાં મોખરે છે. જોકે, તેમ છતાં મોહમ્મદ યુનુસની સરકારે તેના પક્ષ ‘ઇન્કલાબ મંચ’ને રાષ્ટ્રીય ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

    તેમ છતાં હાદી ફેબ્રુઆરીની ચૂંટણીમાં ઢાકા-8 મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યો હતો અને પ્રચાર પણ કરી રહ્યો હતો. આ જ ક્રમમાં 12 ડિસેમ્બરના રોજ ઢાકાના પલટન વિસ્તારમાં કલ્વર્ટ રોડ પર બેટરી સંચાલિત ઓટો-રિક્ષામાં મુસાફરી કરતી વખતે અજાણ્યા બંદૂકધારીઓએ તેના માથામાં ગોળી મારી હતી. ગંભીર હાલતમાં તેને સિંગાપોર એરલિફ્ટ કરવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન 18 ડિસેમ્બરે તેનું મોત થયું.

    હાદી ભારત-વિરોધી અને હિંદુ-વિરોધી નિવેદનો આપવા માટે કુખ્યાત હતો. અહેવાલો મુજબ હાદીએ ભારતના અનેક પ્રદેશોને સમાવતો એક નકશો તૈયાર કરીને તેને ‘ગ્રેટર બાંગ્લાદેશ’નું નામ આપીને આ નકશા પ્રસારિત કર્યા હતા. ઘણા સમયથી સોશિયલ મીડિયા પર પણ એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલ સેવન સિસ્ટર્સને બાંગ્લાદેશમાં જોડવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હોય. આ બધું હાદીના મગજની ઉપજ હતી.

    ભારત-વિરોધીઓને યુનુસ સરકારનો આશરો

    શેખ હસીનાની સરકારનાં પતન બાદ બાંગ્લાદેશનો મોરચો મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે સંભાળ્યો. ત્યારબાદથી જ કટ્ટરપંથીઓને છૂટો દોર મળી ગયો અને તેઓ હિંદુઓ પર અત્યાચાર કરવા લાગ્યા. હાલમાં પણ ભારતવિરોધી નિવેદનો આપનાર હાદી પર ગોળીબાર કરનારા હુમલાખોરોને પકડવા માટે બાંગ્લાદેશ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

    પોલીસે બે મુખ્ય શંકાસ્પદ વ્યક્તિઓના ફોટા જાહેર કર્યા છે અને તેમના વિશે માહિતી આપનારને 50 લાખ ટકાના (આશરે $42,000) ઈનામની જાહેરાત કરી છે. ઢાકા પોલીસના પ્રવક્તા મોહમ્મદ તાલેબુર રહેમાને જણાવ્યું હતું કે, હુમલાખોરો દેશ છોડીને ભાગી ન જાય તે માટે “સરહદ પર સુરક્ષા વ્યવસ્થા હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે.” એના કરતાં પણ વિશેષ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે હાદીના માનમાં મહત્વની જાહેરાતો કરી છે.

    યુનુસે 18 ડિસેમ્બરે જાહેરાત કરી કે હાદીના નિધન પર રાષ્ટ્રીય શોક વ્યક્ત કરવા માટે 20 ડિસેમ્બરે તમામ સરકારી, અર્ધ-સરકારી, ખાનગી ઇમારતો અને વિદેશમાં આવેલા બાંગ્લાદેશી મિશનો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ સિવાય 20 ડિસેમ્બરે 1 દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. 19 ડિસેમ્બર 2025ના રોજ જુમ્માની નમાજ બાદ હાદી માટે દેશભરમાં વિશેષ ઇબાદત કરવાની જાહેરાત કરી છે. યુનુસે હાદીને ‘જુલાઈનો યોદ્ધા’ ગણાવ્યો છે.

    કટ્ટરપંથીઓને યુનુસ સરકારનો છૂટો દોર

    નોંધનીય છે કે હાદીના મોત બાદ બાંગ્લાદેશમાં વ્યાપક હિંસાઓ શરૂ થઈ ગઈ છે. જેમાં પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો છે અને પ્રોથોમ આલો તથા ડેઇલી સ્ટાર જેવા મુખ્ય સમાચારપત્રોની ઑફિસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને આગચંપી પણ કરાઈ છે. ધનમંડી-32માં સ્થિત શેખ મુજીબુર રહેમાનના ઘર પર પણ ફરી એકવાર તોડફોડ કરવામાં આવી અને આગ લગાવી દેવામાં આવી છે. ચિત્તાગોંગના ભૂતપૂર્વ મેયર મોહિઉદ્દીનના ઘરને પણ આગ ચાંપી દેવામાં આવી છે.

    આ સિવાય ઢાકામાં ભારતીય દૂતાવાસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હાદીનાં મોતના વિરોધની આડમાં હિંદુઓ પર અત્યાચાર પણ શરૂ થઈ ગયો છે. 18 ડિસેમ્બરની રાત્રે કટ્ટરપંથી ટોળાંએ સ્ક્વેર માસ્ટર બારીના દુબલિયા પારા વિસ્તારમાં દીપુ ચંદ્ર દાસ નામક હિંદુ યુવકની માર મારીને હત્યા કરી નાખી. એટલાથી આ લોકો અટક્યા નથી અને મૃતક દીપુના મૃતદેહને ઝાડ સાથે બાંધીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાનો હ્રદયદ્રાવક વિડીયો પણ વાયરલ થયો છે.

    મોહમ્મદ યુનુસ જ્યારે સત્તામાં આવ્યા ત્યારે તેમને ‘શાંતિના દૂત’ માનવામાં આવતા હતા, પરંતુ તેમના શાસનકાળમાં ભારત સાથેના સંબંધોની સ્થિતિ સૌથી ખરાબ સ્તરે પહોંચી છે. હાદીનાં મોતનો બદલો લેવાના બહાને કટ્ટરપંથીઓએ બાંગ્લાદેશના સૌથી પ્રતિષ્ઠિત અખબારોની ઑફિસો પર હુમલા કર્યા અને તેમને આગ ચાંપી દીધી. યુનુસ સરકારે આ હિંસા રોકવા માટે કોઈ મજબૂત પોલીસ કાર્યવાહી કરી નથી.

    આ ઉપરાંત ઇન્કલાબ મંચ અને યુનુસ સરકારના અમુક પક્ષોએ હાદીની હત્યા માટે ભારત તરફ આંગળી ચીંધી છે. પ્રદર્શનકારીઓએ ભારતીય હાઈકમિશનને નિશાન બનાવ્યું છે, જેને કારણે રાજદ્વારી તણાવ વધ્યો છે. હજુ સુધી દીપુની મોત પર ફરિયાદ નોંધાઈ નથી ત્યાં બીજી તરફ હાદીનાં મોત પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે યુનુસ સરકાર કટ્ટરપંથીઓને પ્રોત્સાહન આપી રહી છે.

    તાજેતરમાં સેવન સિસ્ટર્સવાળા વિવાદને લઈને અને ભારતીય દૂતાવાસને નિશાન બનાવવાના મામલાને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના હાઈકમિશનને સમન્સ કરીને તાત્કાલિક નવી દિલ્હી બોલાવ્યા હતા અને વ્યાપક ચર્ચા કરી હતી. આ દરમિયાન બાંગ્લાદેશમાં ચાલી રહેલ કટ્ટરપંથી ગતિવિધિઓ અને ભારતવિરોધી પ્રવૃત્તિઓ અંગે પણ તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમ છતાં 18 ડિસેમ્બરે ભારતીય દૂતાવાસ પર થયેલ હુમલો દર્શાવે છે કે યુનુસ સરકાર એવા તત્વોનો સાથ આપી રહી છે જે બાંગ્લાદેશના અન્ય દેશો સાથેના સંબંધોમાં તણાવ ઊભો કરી રહ્યા છે.

    આ સિવાય બાંગ્લાદેશનું નેતૃત્વ એ હદે કૃતઘ્ની બની ચૂક્યું છે કે 1971નું યુદ્ધ ભૂલી ગયું છે. બાંગ્લાદેશી નેતૃત્વએ યાદ રાખવું જોઈએ કે જ્યારે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન હતું અને પાકિસ્તાની આકાઓના ઇશારે તેના દેશના લોકો પર અત્યાચારો, કત્લેઆમ, નરસંહાર, મહિલાઓ સાથે બળાત્કાર કરવામાં આવ્યા હતા, ત્યારે માત્ર ભારત તેની વ્હારે આવ્યું હતું. ભારતે બાંગ્લાદેશને મુક્ત કરાવ્યું ત્યારે આજે તે એક સ્વતંત્ર દેશ તરીકે દુનિયાના નકશામાં સ્થાન પામ્યું છે.

    આજે એ જ દેશના કટ્ટરપંથી તત્વો ભારતવિરોધી નારા લગાવી રહ્યા છે અને ભારતના જ રાજ્યોને તેનો ભાગ ગણાવી રહ્યા છે. અને યુનુસ સરકાર આવા લોકોને ‘યોદ્ધા’ ગણાવી રહી છે, તેમના માનમાં ‘રાષ્ટ્રીય શોક’ જાહેર કરી રહી છે. આ બાબતો દર્શાવે છે કે યુનુસ સરકાર કટ્ટરપંથી જૂથોનાં દબાણ હેઠળ છે અથવા તેમને પોતાના પક્ષમાં રાખવા માંગે છે.

    ફરી ચૂંટણી અટકાવવાનો પ્રયાસ કરી રહી છે યુનુસ સરકાર?

    બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ કોઈ ચૂંટણી યોજાઈ નથી. વચગાળાની સરકાર ચાલી રહી છે. મોહમ્મદ યુનુસે તાજેતરમાં જ સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી હતી. જાહેરાત અનુસાર 12 ફેબ્રુઆરી, 2026ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજવાની છે. પરંતુ હાદીની હત્યા બાદ ઊભી થયેલી સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ફેબ્રુઆરીમાં ચૂંટણીઓ યોજાશે નહીં.

    રાજકીય વિશ્લેષકો માને છે કે હાદીનાં મોતને કારણે સર્જાયેલી અરાજકતાનો ઉપયોગ કરીને યુનુસ સરકાર ચૂંટણી લંબાવવાનો પ્રયાસ કરી શકે છે. જો હિંસા ચાલુ રહેશે તો સુરક્ષાનાં બહાને ચૂંટણી મોકૂફ રાખી શકાય છે. યુનુસ સરકારે હાદીના પક્ષ પર પ્રતિબંધ તો મૂક્યો પણ તેની હત્યા બાદ કટ્ટરપંથીઓને જે રીતે વિરોધ પ્રદર્શનની છૂટ આપી છે, તે દર્શાવે છે કે સરકાર આ અસ્થિરતાનો લાભ લઈને સત્તામાં વધુ સમય ટકી રહેવા માંગે છે.

    આવામી લીગ પર પ્રતિબંધ અને હવે હાદી જેવા ઉભરતા નેતાઓની હત્યાને કારણે દેશમાં રાજકીય શૂન્યાવકાશ સર્જાયો છે. એનાથી પણ આગળ હાદીનાં મોતની આડમાં જે લોકો અરાજકતા સર્જી રહ્યા છે, ભારત જેવા દેશોના દૂતાવાસો પર હુમલા કરી રહ્યા છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ ‘શાંતિ રાખવાની’ અપીલો કરવામાં આવી રહી છે.

    જો સરકાર કાર્યવાહી નહીં કરે તો વિરોધીઓને હજુ વધુ છૂટ મળી જશે અને પરિસ્થતિ વધુ વણસી જશે. ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીને હવે પૂરા 2 મહિનાનો સમયગાળો પણ બચ્યો નથી એવામાં આ ઘટનાઓ ઘટવી અને સરકાર તરફથી કોઈ કાર્યવાહી ન થવી એ શું એવો સંકેત નથી કે સરકાર ચૂંટણીઓ પાછી ઠેલવા માંગે છે? જો આવી જ પરિસ્થિતિ રહી તો અનિશ્ચિત સમય સુધી યુનુસ જ બાંગ્લાદેશના વડા પ્રધાન બની રહેશે.

    એ કહેવું રહ્યું કે શરીફ ઉસ્માન હાદીનું મોત બાંગ્લાદેશ માટે કોઈ સામાન્ય મોત નથી, પરંતુ તે દેશને કટ્ટરપંથી અંધકાર તરફ ધકેલવાનું નિમિત્ત બની રહ્યું છે. સરકાર જે રીતે પ્રતિબંધિત વિચારધારા ધરાવતા લોકોને રાષ્ટ્રીય સન્માન આપી રહી છે અને તેના સમર્થકોને દુઃખ વ્યક્ત કરવાના નામે હિંસા કરવાની ખુલ્લી છૂટ આપી રહી છે તે આવનારા સમયમાં બાંગ્લાદેશ અને સાથે સાથે ભારતની સુરક્ષા માટે પણ ગંભીર ચિંતાનો વિષય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં