Thursday, January 23, 2025
More
    હોમપેજદેશકોણ છે સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશો, જેઓ પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટને પડકારતી...

    કોણ છે સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશો, જેઓ પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટને પડકારતી અરજીઓ પર કરી રહ્યા છે સુનાવણી

    મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, જસ્ટિસ કેવી વિશ્વનાથન અને જસ્ટિસ સંજય કુમાર પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ બંધારણીય છે કે નહીં તેનો નિર્ણય કરશે. ત્યારે આ ત્રણેય ન્યાયાધીશો વિશે જાણકારી મેળવીએ.

    - Advertisement -

    પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ, 1991ને (Places of Worship Act) પડકાર આપતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગત 12 ડિસેમ્બરથી સુનાવણી શરૂ કરી છે. કોર્ટે પહેલી સુનાવણીમાં કેન્દ્ર પાસે જવાબ માંગ્યો અને બીજી તરફ આદેશ આપતાં કહ્યું કે, જ્યાં સુધી વર્તમાન મામલાનો નિકાલ ન આવે ત્યાં સુધી એક્ટ સામે હવે વધુ અરજીઓ દાખલ કરી શકાશે નહીં. આ મામલે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સુનાવણી કરી રહી છે. બેન્ચે એવો પણ આદેશ આપ્યો કે નીચલી અદાલતોમાં જ્યાં આ પ્રકારના કેસ ચાલે છે ત્યાં પણ સરવેના આદેશો આપવામાં ન આવે. 

    સુપ્રીમ કોર્ટના આ નિર્દેશ એવા સમયમાં આવ્યા છે, જ્યારે દેશમાં સંભલની જામા મસ્જિદની ચર્ચાઓ ચાલી રહી છે. હિંદુ પક્ષનું કહેવું છે કે અહીં પહેલાં હરિહર મંદિર હતું અને તેના પુરાવાઓ ઉપલબ્ધ છે. સાથે જ્ઞાનવાપી અને મથુરામાં કૃષ્ણજન્મભૂમિ કેસ પણ ચર્ચાતા રહે છે. 

    એક તરફ મુસ્લિમ પક્ષ પ્રાચીન, પુરાતત્ત્વીય હિંદુ સ્થાનકોના અતિક્રમણ સામે એક શિલ્ડ જેવું કામ કરતા આ કાયદાનું સમર્થન કરી રહ્યો છે તો બીજી તરફ, હિંદુ પક્ષનું માનવું છે કે કાયદો ‘નેચરલ જસ્ટિસ’ના સિદ્ધાંતનું જ ઉલ્લંઘન કરે છે, જેથી રદબાતલ ઠેરવવામાં આવવો જોઈએ. હવે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, જસ્ટિસ કેવી વિશ્વનાથન અને જસ્ટિસ સંજય કુમાર આ મામલે નિર્ણય કરશે. ત્યારે આ ત્રણેય ન્યાયાધીશો વિશે જાણકારી મેળવીએ.

    - Advertisement -

    જસ્ટિસ સંજીવ ખન્ના 

    સંજીવ ખન્ના હાલ ભારતના મુખ્ય ન્યાયાધીશ છે. તેમણે નવેમ્બર, 2024માં કાર્યભાર સંભાળ્યો. તેઓ પૂર્વ સુપ્રીમ કોર્ટ જજ હંસરાજ ખન્નાના ભત્રીજા થાય. કાકાની જ પ્રેરણાથી સંજીવ ખન્ના 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં જોડાયા અને 2005માં દિલ્હી હાઇકોર્ટમાં એડિશનલ જજ નીમાયા. જાન્યુઆરી, 2019માં તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા અને હવે એક મહિનાથી CJI છે. તેમનો કાર્યકાળ જોકે માત્ર 6 મહિનાનો છે. મે, 2025માં તેઓ વયનિવૃત્ત થશે. 

    તેઓ એ 7 જજની બેન્ચનો પણ હિસ્સો હતા, જેણે તાજેતરમાં જ 1967ના અઝીઝ બાશા કેસનો ચુકાદો પલટાવી નાખ્યો. આ કેસ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને લગતો છે. CJI ખન્ના અને અન્ય ત્રણ ન્યાયાધીશોએ ઠેરવ્યું કે, AMUને લઘુમતીનો દરજ્જો આપવો જોઈએ કે નહીં તે મામલે નવેસરથી ત્રણ જજની બેન્ચ નિર્ણય કરશે. આમ કરીને કોર્ટે 1967નો ચુકાદો પલટાવ્યો, જેમાં કહેવાયું હતું કે AMUની સ્થાપના એક કાયદો પસાર કરીને કરવામાં આવી હોવાથી તેને લઘુમતી સંસ્થા ન ગણી શકાય. 

    એપ્રિલ, 2024માં જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે એસોશિએશન ઑફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી ફગાવી દીધી હતી, જેમાં એવી માંગ કરવામાં આવી હતી કે ચૂંટણી પરિણામો બાદ VVPAT અને EVMના ડેટાની 100% ખરાઈ કરવામાં આવે. આ સિવાય, સંજીવ ખન્ના 2019ની એ બેન્ચનો પણ હિસ્સો હતા, જેણે VVPAT ફિઝિકલ વેરિફિકેશન માટે બૂથની સંખ્યા વધારી હતી. પહેલાં એક મતવિસ્તારમાં એક જ બૂથમાં VVPATનો ડેટા મેચ કરવામાં આવતો, જેની સંખ્યા 5 કરવામાં આવી હતી. 

    ફેબ્રુઆરી, 2024માં પાંચ ન્યાયાધીશોની બેન્ચે ઇલેક્ટોરલ બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવી હતી, જેમાં પણ સંજીવ ખન્ના હિસ્સો હતા. ઉપરાંત, આર્ટિકલ 370 રદ કરવાના નિર્ણયને બંધારણીય રીતે યોગ્ય ઠેરવનાર સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચનો પણ તેઓ હિસ્સો હતા. ચુકાદામાં સંજીવ ખન્નાએ કહ્યું હતું કે, આર્ટિકલ 370 હટાવવાથી ભારતના સંઘીય માળખાને કોઈ નુકસાન પહોંચ્યું નથી. 

    2019માં ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીની બાયોપિકની રિલીઝ અટકાવી દીધી હતી, જે નિર્ણયને સુપ્રીમમાં પડકાર આપવામાં આવ્યો હતો. પરંતુ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ ખન્નાએ હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો હતો. 

    આ વર્ષે ઑગસ્ટમાં સુપ્રીમ કોર્ટની એક બેન્ચે મુંબઈની ડીકે મરાઠે કોલેજમાં હિજાબ બૅન મામલે સુનાવણી કરીને પૂછ્યું હતું કે, તિલક કે બિંદીના કિસ્સામાં કેમ આવા નિયમો લાગુ કરવામાં આવતા નથી. જોકે, કોલેજે કોર્ટને જણાવ્યું હતું કે, ડ્રેસ કોડ તમામ ધર્મ-જાતિના વિદ્યાર્થીઓ માટે લાગુ પાડવામાં આવ્યો છે. આ ખંડપીઠમાં પણ CJI ખન્ના હતા. 

    સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કેસમાં પકડાયેલા અરવિંદ કેજરીવાલને CBIના કેસમાં જામીન આપ્યા હતા. બેન્ચની અધ્યક્ષતા સંજીવ ખન્ના કરી રહ્યા હતા. નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે સંભલની જામા મસ્જિદના સરવે આદેશ પર આગળની કાર્યવાહી કરવા પર મનાઈ ફરમાવી હતી અને મસ્જિદ સમિતિને હાઈકોર્ટ જવા માટે જણાવ્યું હતું. જે બેન્ચની અધ્યક્ષતા પણ CJI ખન્ના કરી રહ્યા હતા. 

    25 નવેમ્બરના રોજ CJI ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે અમુક અરજીઓ ફગાવી દીધી હતી, જેમાં બંધારણના 42માં સુધારાને રદબાતલ ઠેરવીને આમુખમાંથી ‘સમાજવાદ’ અને ‘પંથનિરપેક્ષતા’ જેવા શબ્દો દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ ખન્ના ‘સેક્યુલરિઝમ’ પરનાં તેમનાં અવલોકનો માટે પણ જાણીતા છે. ઑગસ્ટ, 2023માં તેમણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે કહ્યું હતું કે, ‘મુસ્લિમોનો બહિષ્કાર કરવાનું કથિત એલાન કરવું એ અસ્વીકાર્ય છે. 

    જોકે, જસ્ટિસ ખન્નાની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક થયા બાદ વિવાદ પણ થયો હતો, કારણ કે તેઓ 32 જજોને સુપરસીડ કરીને પહોંચ્યા હતા. જેના કારણે કોલેજિયમ સિસ્ટમના સિલેક્શન ક્રાઈટેરિયા પર સવાલો ઉઠ્યા હતા. 

    જસ્ટિસ કેવી વિશ્વનાથન 

    26 મે, 1966ના રોજ કેરળમાં જન્મેલા કેવી વિશ્વનાથન 2009માં સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ બન્યા હતા. 20 વર્ષની લીગલ પ્રેક્ટિસ બાદ ઑગસ્ટ, 2023માં તેમને ભારતના એડિશનલ સોલિસિટર જનરલ નીમવામાં આવ્યા, જેમણે મે, 2014 સુધી આ પદ પર કામ કર્યું. 2023માં તેઓ સીધા બારથી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. આ સાથે તેઓ એવા 10મા એડવોકેટ બન્યા હતા, જેઓ હાઇકોર્ટ સ્તરના ન્યાયિક અનુભવ વિના સીધા જ સુપ્રીમ કોર્ટમાં નીમાયા હોય. 

    એક વકીલ તરીકે કેવી વિશ્વનાથને અનેક મોટા કેસમાં અરજદારોનો પક્ષ કોર્ટમાં રાખ્યો છે. ‘રાઈટ ટૂ પ્રાઇવસી એન્ડ વેલિડિટી ઑફ આધાર એક્ટ’માં તેઓ પક્ષકાર હતા. ઉપરાંત, વોટ્સએપની પ્રાઇવસી પોલિસીને પડકાર આપતા કેસમાં તેમણે ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનનો પક્ષ રાખ્યો હતો. તેઓ ટ્રાન્સજેન્ડરો માટે લગ્ન અને અન્ય અધિકારો માટે પણ પક્ષ મૂકી ચૂક્યા છે. તેઓ CBIના એક કેસમાં YSRCP નેતા અને આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે. 

    સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પણ તેઓ અનેક ચુકાદાઓનો ભાગ રહ્યા. તેમણે તાજેતરમાં જ જસ્ટિસ બીઆર ગવઈ સાથે કેન્દ્ર સરકારને આર્મી ડેન્ટલ કોર્પ્સમાં કામ કરતી મહિલા અધિકારીને પરમેનેન્ટ કમિશન મંજૂર કરવાના નિર્દેશ આપ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેના સહકર્મીઓ કરતાં તેને ઓછા લાભ મળી રહ્યા છે. કોર્ટે કહ્યું હતું કે, આ કેસ ભેદભાવનો છે અને નીતિઓ સમાન રીતે લાગુ કરવામાં આવે એ જરૂરી છે. 

    જસ્ટિસ વિશ્વનાથન જામીનની કાર્યવાહીને લઈને પણ કાયમ અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે પ્રી-ટ્રાયલ પનિશમેન્ટ તરીકે કેદ રાખવાની સત્તાના દુરુપયોગ વિશે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, જમીનમાં થતા વિલંબને અટકાવવા માટે સુધારા લાવવા જોઈએ, ખાસ કરીને કાચા કામના કેદીઓ (જેઓ ટ્રાયલ હેઠળ છે) માટે. 

    તેમણે ED દ્વારા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સામે દાખલ કરવામાં આવેલા ગેરકાયદેસર ખનનના કેસમાં સોરેનના સાથી પ્રેમ પ્રકાશને રાહત આપી હતી. ન્યાયાધીશે કહ્યું હતું કે, PMLAના કેસમાં પણ જામીન એ નિયમ હોવો જોઈએ અને જેલ એ અપવાદ. 13 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટની બેન્ચે ‘બુલડોઝર જસ્ટિસ’ને ગેરબંધારણીય ગણાવ્યો હતો, જેનો પણ જસ્ટિસ વિશ્વનાથન ભાગ હતા. કોર્ટે કહ્યું હતું કે, વ્યક્તિ ગુનેગાર છે કે નહીં તે નક્કી કરવાનું કામ પ્રશાસનનું નથી અને તેનાથી તેની સંપત્તિ કે ઘર તોડી શકાય નહીં. ગુનેગાર કે નિર્દોષ નક્કી કરવાનું કામ કોર્ટનું છે તેમ સુપ્રીમે ઠેરવ્યું હતું.

    પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ પર સુનાવણી દરમિયાન જસ્ટિસ વિશ્વનાથને કહ્યું હતું કે, સિવિલ કોર્ટ સુપ્રિમ કોર્ટ સાથેની રેસમાં ભાગ લઈ શકે નહીં. ત્યારબાદ કોર્ટે અમુક દિશાનિર્દેશો આપ્યા હતા. 

    જસ્ટિસ પીવી સંજય કુમાર 

    1963માં હૈદરાબાદમાં જન્મેલા જસ્ટિસ સંજય કુમારે 1988માં લૉની ડિગ્રી પ્રાપ્ત કરી અને 2000થી 2003 સુધી ગવર્નમેન્ટ પ્લીડર તરીકે કાર્યરત રહ્યા. ઑગસ્ટ, 2008માં તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા. ઑક્ટોબર, 2019માં તેઓ તેલંગાણા હાઇકોર્ટના સેકન્ડ સિનિયર મોસ્ટ જજ હોવા છતાં પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં તેમની બદલી કરી દેવામાં આવી. જોકે, ત્યારે તેલંગાણા એડવોકેટ એસોશિએશને તેમની બદલીનો ખૂબ વિરોધ કર્યો હતો, કારણ કે તેઓ હાઇકોર્ટના આગલા મુખ્ય ન્યાયાધીશ બનવા જઈ રહ્યા હતા. જોકે, પછીથી તેમણે મણિપુર હાઇકોર્ટમાં પણ સેવા આપી અને 2021માં મુખ્ય ન્યાયાધીશ રહ્યા. 

    એપ્રિલ, 2023માં સુપ્રીમ કોર્ટની બેન્ચે સુરતના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી હતી, જેના કારણે તેમને સંસદસભ્ય પરત મળ્યું હતું. આ બેન્ચનો ભાગ જસ્ટિસ સંજય કુમાર હતા. આદેશ પસાર કરતાં ત્રણ જજોની બેન્ચે કહ્યું હતું કે, રાહુલ ગાંધીની ટિપ્પણીઓ યોગ્ય ન હતી અને જાહેરજીવનમાં રહેતી વ્યક્તિએ ભાષણ આપતી વખતે સાવધ રહેવું પડે છે. પરંતુ સાથે કોર્ટે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે કેસમાં આખરે સજા મહત્તમ (2 વર્ષ) કેમ આપવામાં આવી હતી, જેના કારણે પછીથી કોંગ્રેસ નેતા સંસદમાંથી ડિસ્ક્વોલિફાય થયા હતા.  

    2021માં મણિપુર હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક ચુકાદો આપતાં કહ્યું હતું કે, ભારતમાં શરણાર્થીઓના રક્ષણ માટે કોઈ ચોક્કસ માળખું નથી, પરંતુ અહીં પાડોશી દેશોમાંથી આવતા શરણાર્થીઓને શરણ આપવામાં આવે છે. કોર્ટે મ્યાનમારની સાત વ્યક્તિઓને પહેલાં UNHCRનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું, જેથી એ નક્કી થઈ શકે કે તેઓ ભારતમાં શરણાર્થી તરીકે રહી શકે કે કેમ. આ બેન્ચની અધ્યક્ષતા સંજય કુમાર કરી રહ્યા હતા. તેઓ ત્યારે મણિપુર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. 

    2012માં શૈખ ફરીદ વિ. આંધ્ર પ્રદેશ સરકાર કેસમાં આંધ્ર હાઈકોર્ટની બેન્ચ સમક્ષ મામલો પહોંચ્યો હતો કેક વક્ફ બોર્ડના સભ્યોનો કાર્યકાળ સાંસદો જેટલો જ હોય છે કે કેમ. આ કેસમાં કોર્ટે ઠેરવ્યું હતું કે, સાંસદનો કાર્યકાળ પૂર્ણ થાય કે વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થાય, તેની સાથે વક્ફ બોર્ડના સભ્યોને કશું લાગતું-વળગતું નથી. આ બેન્ચમાં પણ સંજય કુમાર ભાગ હતા. 

    1991નો પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ અને અપવાદ

    1991માં નરસિંહ રાવ સરકારે સંસદમાં આ કાયદો પસાર કરાવ્યો હતો. તેની જોગવાઈ એવી છે કે 1947માં જે ધર્મસ્થાનકનું ચરિત્ર જે હોય એ યથાવત રાખવામાં આવશે. માત્ર રામજન્મભૂમિ કેસને બાકાત રાખવામાં આવ્યો હતો, કારણ કે ત્યાં સુધીમાં એ કોર્ટ સુધી પહોંચી ગયો હતો. આ કાયદા હેઠળ ધર્મસ્થાનકોનું ચરિત્ર બદલવું એ ગુનો બને છે. 

    જોકે, કાયદામાં એક અગત્યનો અપવાદ પણ છે. 15 ઑગસ્ટ, 1947ની ડેડલાઇન બાદ જો કોઈ સ્થાનકનું સ્ટેટસ બદલાયું હોય તો કોર્ટમાં કેસ દાખલ કરી શકાય છે. ઉપરાંત, કાયદામાં ઐતિહાસિક સ્મારક કે પુરાતત્વીય સ્થળ હોય તેવાં સ્થળોને બાકાત રાખવામાં આવ્યાં છે. એટલે કે જો પૂજાસ્થળ ઐતિહાસિક સ્મારક કે આર્કિયોલોજિકલ સાઇટ તરીકે નોંધવામાં આવ્યું હોય તો તે આ વર્શિપ એક્ટ હેઠળ આવતું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં