Friday, December 6, 2024
More

    સંભલ કેસ: હાઇકોર્ટ સમક્ષ જવાનો સુપ્રીમ કોર્ટનો મસ્જિદ સમિતિને આદેશ, ટ્રાયલ કોર્ટ ત્યાં સુધી નહીં કરી શકે કાર્યવાહી

    ટ્રાયલ કોર્ટના સરવેના આદેશ સામે સુપ્રીમ કોર્ટ પહોંચેલી સંભલ મસ્જિદ સમિતિની રાહત મળી ગઈ છે. CJI સંજીવ ખન્નાની બેન્ચે ટ્રાયલ કોર્ટને આ મામલે ત્યાં સુધી કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો છે, જ્યાં સુધી મસ્જિદ સમિતિની અરજી હાઈકોર્ટમાં લિસ્ટ ન થઈ જાય. 

    આ સિવાય સુપ્રીમે નિર્દેશ આપતાં કહ્યું છે કે, સરવેનો એડવોકેટ કમિશનનો રિપોર્ટ પણ હાલ સીલબંધ કવરમાં રાખવામાં આવે અને તેને ખોલવામાં ન આવે. કોર્ટે UP પ્રશાસનને કહ્યું છે કે, શાંતિ અને સૌહાર્દ જળવાય રહે તે માટે પૂરતા પ્રયાસ કરવામાં આવે. 

    સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ હાલ કેસનાં મેરિટ્સ પર જઈ રહ્યા નથી. પરંતુ અરજદારોને (મસ્જિદ સમિતિ) આદેશને પડકારવાનો અધિકાર છે. જેથી હાઇકોર્ટની પરવાનગી વગર આ કેસમાં આગળ કોઈ પગલાં લેવામાં ન આવે. અમને લાગે છે કે અરજદારે આદેશને યોગ્ય માધ્યમ સામે પડકારવો જોઈએ. ત્યાં સુધી શાંતિ જાળવી રાખવામાં આવે.