પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ, 1991 હાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ સંભલ મસ્જિદના સરવે દરમિયાન પણ તેની ચર્ચા ચાલી હતી અને ત્યારબાદ આ અને અન્ય ઘણા હિંદુ હિતના કેસોમાં વકીલ વિષ્ણુશંકર જૈને પણ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અને આ ચુકાદાને પડકારતી અન્ય ઘણી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આખરે ગુરુવાર (12 ડિસેમ્બર)થી સુનાવણી હાથ ધરવા જઈ રહી છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની ખંડપીઠ કેસ સાંભળશે.
આ કેસમાં હિંદુ પક્ષ તરફથી એડવોકેટ વિષ્ણુ શંકર દલીલો કરી રહ્યા છે. તેમણે કોર્ટ પાસે માંગ કરી છે કે, આ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે. જૈને મીડિયા સાથે વાતચીતમાં એવું પણ કહ્યું હતું કે, “અમે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ 1991ની બંધારણીય માન્યતાને પડકારી છે. અમારું કહેવું છે કે, આ કાયદાનો અર્થ જે જમિયત-ઉલેમા-એ-હિંદ આપી રહ્યું છે તે ગેરબંધારણીય છે. બીજી સૌથી મહત્વની બાબત એ છે કે, આ કાયદામાં કટ ઓફ ડેટ 15 ઑગસ્ટ, 1947 કેમ છે, આ તારીખ 712 AD કેમ નથી?”
#WATCH | Delhi | On Places Of Worship Act Hearing In SC, Advocate Vishnu Shankar Jain says, “We have challenged the constitutional validity of the Place of Worship Act 1991. We say that the interpretation of the Place of Worship Act given by Jamiat-Ulama-I-Hind that you cannot go… pic.twitter.com/WGifnzax4R
— ANI (@ANI) December 5, 2024
જૈને વધુમાં કહ્યું હતું કે, “જે સમયે મોહમ્મદ બિન કાસિમ ભારતમાં ઘૂસીને મંદિરો ધ્વસ્ત કરી રહ્યો હતો તે તારીખ કટ ઓફ તરીકે હોવી જોઈએ. 15 ઑગસ્ટ, 1947 કટ ઓફ ડેટ તરીકે ગેરબંધારણીય છે. સંસદને એવો કાયદો બનાવવાની કોઈ સત્તા નથી કે જે લોકોને કોર્ટમાં જતા અટકાવે. આ બંધારણના મૂળભૂત માળખા અને બંધારણીય અધિકારોની વિરુદ્ધ છે.”
ઉલ્લેખનીય છે કે, પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ મામલે લઈને 6 અરજીઓ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં હિંદુ પક્ષ તરફથી વિષ્ણુ શંકર જૈન દલીલ કરી રહ્યા છે. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની ત્રણ સભ્યોની બેંચ કરી રહી છે. જમિયત-ઉલેમા-એ-હિંદ આ કાયદાના સમર્થનમાં છે.
શું છે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ 1991?
1991માં પીવી નરસિમ્હા રાવની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર દ્વારા પૂજા સ્થળ અધિનિયમ 1991 અથવા પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ 1991 લાવવામાં આવ્યો હતો. આ કાયદા દ્વારા કોઈપણ ધાર્મિક સ્થળ એટલે કે તે મસ્જિદ છે, મંદિર છે કે ચર્ચ-ગુરુદ્વારા તેની પ્રકૃતિ નક્કી કરવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે.
આ કાયદા અનુસાર, ધાર્મિક સ્થળની સ્થિતિ એવી જ રહેશે જેવી દેશની સ્વતંત્રતાના દિવસે એટલે કે 15 ઑગસ્ટ, 1947ના દિવસે હતી. તેનો અર્થ એ થયો કે, આ દિવસે જો કોઈ જગ્યા મસ્જિદ હતી તો તે મસ્જિદ જ રહેશે. આ ઉપરાંત કાયદામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ કોઈપણ ધાર્મિક સ્થળનું સ્વરૂપ બદલવાના પ્રયાસ કરશે તો તેને 3 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે.
આ જ કાયદામાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ કોઈપણ ધાર્મિક સ્થળની પ્રકૃતિ બદલવા અંગે કોર્ટમાં અરજી દાખલ કરે છે, તો તે પણ સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે, કોઈ પણ વ્યક્તિ મસ્જિદના સ્થાને મંદિર અથવા મંદિરના સ્થાને મસ્જિદ હોવાનો દાવો કરી કરશે નહીં.
કાયદામાં એ પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, ઇતિહાસમાં ધાર્મિક સ્થળની પ્રકૃતિમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટપણે સાબિત થઈ જાય તો પણ તેના સ્વરૂપમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. એટલે કે ઇતિહાસમાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોવાનું સાબિત થઈ જાય તો પણ તે મસ્જિદના સ્થાને ફરીથી મંદિર બનાવી શકાય નહીં.
એકંદરે, આ કાયદો કહે છે કે 1947 પહેલાં કોઈપણ ધાર્મિક સ્થાનમાં કોઈ પણ ફેરફારો થયા હોય પરંતુ તે દિવસે તેનું જે સ્વરૂપ હશે તે જ રહેશે. તે જગ્યાઓ પર કોઈ દાવો કરી શકાશે નહીં. સદનસીબે આ કાયદામાં રામ મંદિર-બાબરી વિવાદને છૂટ આપવામાં આવી હતી. કારણ કે ત્યાં સુધીમાં કેસ કોર્ટમાં પહોંચી ગયો હતો.
આ કાયદામાં ઘણી છૂટછાટો પણ આપવામાં આવી છે. આ કાયદો કહે છે કે, જો 15 ઑગસ્ટ, 1947 પછી કોઈપણ ધાર્મિક સ્થાનમાં ફેરફાર થયા છે, તો કાયદાકીય લડાઈ લડી શકાય છે. આ ઉપરાંત ASI દ્વારા સુરક્ષિત સ્મારકો અંગે પણ છૂટછાટ આપવામાં આવી છે.
કેમ થઈ રહ્યો છે વિરોધ?
પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટનો વિરોધ પહેલીવાર થઈ રહ્યો છે એવું નથી. જ્યારે આ કાયદો પસાર થયો ત્યારે ભાજપે તેનો વિરોધ કર્યો હતો. ત્યારે હિંદુ સંગઠનોએ પણ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. હવે આ કાયદા સામેની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે.
આ કાયદાને હિંદુઓ વતી સુબ્રમણ્યમ સ્વામી, અશ્વિની ઉપાધ્યાય અને અન્ય સંગઠનો દ્વારા પડકારવામાં આવ્યો છે. મુસ્લિમો વતી ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિયતે અરજી દાખલ કરી છે. આ મામલે જ્ઞાનવાપી મસ્જિદ કમિટીએ પણ પ્રભાવિત હોવાનો દાવો કરીને નવી અરજી દાખલ કરી છે.
મુસ્લિમો ઈચ્છે છે કે, આ કાયદા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ ફગાવી દેવામાં આવે અને કાયદાનો સંપૂર્ણ અમલ થવો જોઈએ. તેમનું કહેવું છે કે, કાયદા હેઠળ હવે કોઈપણ મુસ્લિમ મઝહબી સ્થળ પર દાવો ન કરવો જોઈએ.
હિંદુ પક્ષે કહ્યું છે કે, આ કાયદાએ તમામ ધાર્મિક સ્થળોને કાનૂની માન્યતા આપી દીધી જેનું સ્વરૂપ 15 ઑગસ્ટ 1947 પહેલાં બદલાઈ ચૂક્યું હતું. હિંદુ પક્ષે કહ્યું છે કે, આ કાયદાની કલમ 2, 3 અને 4ને રદ કરવી જોઈએ. હિંદુ પક્ષે કહ્યું છે કે, કાયદાને કારણે તેઓ આક્રમણકારો દ્વારા નષ્ટ કરાયેલા ધાર્મિક સ્થળોને પણ પરત લઈ શકતા નથી.
હિંદુ પક્ષે આ કાયદો સંસદમાં પસાર કરવાનો પણ વિરોધ કર્યો છે. હિંદુ પક્ષનું કહેવું છે કે, આ એક એવો કાયદો છે જે લોકોને કોર્ટના દરવાજા ખખડાવતા રોકે છે, તેથી આ કાયદો ગેરબંધારણીય છે. આ સિવાય હિંદુ પક્ષે કાયદાની બંધારણીયતા પર પણ સવાલો ઉઠાવ્યા છે.