Wednesday, May 1, 2024
More
    હોમપેજદેશ‘કામચલાઉ વ્યવસ્થા હતી કલમ 370, હટાવવાનો નિર્ણય બંધારણીય રીતે યોગ્ય’: મોદી સરકારના...

    ‘કામચલાઉ વ્યવસ્થા હતી કલમ 370, હટાવવાનો નિર્ણય બંધારણીય રીતે યોગ્ય’: મોદી સરકારના નિર્ણય પર ‘સુપ્રીમ’ મહોર, કહ્યું- જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ

    સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 370 રદ કરવાનો નિર્ણય યથાવત રાખ્યો છે અને કહ્યું કે, રાષ્ટ્રપતિને આ માટે અધિસૂચના જારી કરવાની પૂરેપૂરી સત્તા હતી અને તે માટે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ભલામણ ફરજિયાત જરૂરી ન હતી. 

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય ગણાવ્યો છે. કોર્ટે આ મામલે આજે ચુકાદો જાહેર કર્યો હતો અને સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકારે બંધારણીય પ્રક્રિયાને અનુસરીને યોગ્ય રીતે જ નિર્ણય લીધો હતો અને એમ પણ સ્પષ્ટ કરી દીધું કે આ કલમ એક કામચલાઉ વ્યવસ્થા હતી. 

    સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 370 રદ કરવાનો નિર્ણય યથાવત રાખ્યો છે અને કહ્યું કે, રાષ્ટ્રપતિને આ માટે અધિસૂચના જારી કરવાની પૂરેપૂરી સત્તા હતી અને તે માટે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ભલામણ ફરજિયાત જરૂરી ન હતી. 

    જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં તબદીલ કરવાને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સુનાવણી દરમિયાન SGએ કહ્યું હતું કે, UT કામચલાઉ વ્યવસ્થા છે અને ફરીથી રાજ્યની રચના કરવામાં આવશે. આ બાબતોને ધ્યાને લઈને કોર્ટ માને છે કે જમ્મુ-કાશ્મીરને UTમાં ફેરવવાનો નિર્ણય યોગ્ય હતો કે નહીં તે નક્કી કરવું જરૂરી નથી. જ્યાં સુધી વાત લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની છે તો બંધારણના આર્ટિકલ 3 અનુસાર, સરકારને તે સત્તા મળેલી છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને આ બાબત બંધારણના આર્ટિકલ 1 પરથી જ સ્પષ્ટ થાય છે. કાશ્મીરને અન્ય રાજ્યો કરતાં વિશેષ આંતરિક સાર્વભૌમત્વ પ્રાપ્ત થઈ શકે નહીં. કોર્ટે નોંધ્યું કે, કલમ 370 એક કામચલાઉ વ્યવસ્થા હતી અને યુદ્ધના કારણે તેને લાગુ કરવામાં આવી હતી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, જમ્મુ-કાશ્મીર બંધારણીય સભા એક કામચલાઉ બોડી હતી અને રાષ્ટ્રપતિ તેમની ભલામણ સ્વીકારવા માટે બંધાયેલા નથી. આ સભા બરખાસ્ત થયા બાદ પણ રાષ્ટ્રપતિને સત્તા છે કે તેઓ આર્ટિકલ હટાવવાનો નિર્ણય લઇ શકે છે.

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવી દઈને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આ વર્ષે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. આ બેન્ચના અધ્યક્ષ CJI ચંદ્રચુડ છે. તેમના સિવાય જસ્ટિસ એસકે કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંતનો સમાવેશ થાય છે. 

    કોર્ટે 16 દિવસ સુધી મામલાની સુનાવણી કર્યા બાદ 5 સપ્ટેમ્બર, 2023ના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. હવે આ મામલે નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. 

    સુનાવણી દરમિયાન શું દલીલો થઈ હતી? 

    સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલો કરવામાં આવી કે મૂળ મુદ્દો એ છે કે શું સંસદ બંધારણીય સભાની ભૂમિકામાં આવીને આ પ્રકારના નિર્ણયો કરી શકે? એવી પણ ફરિયાદ કરવામાં આવી કે કદાચ માની પણ લેવામાં આવે કે સંસદ આ પ્રકારના નિર્ણય લઇ શકે, તોપણ જે કંઈ પણ થયું કે રાજકીય ઈરાદાઓ પાર પાડવા માટે થયું હતું અને બંધારણની વિરુદ્ધ છે. 

    દલીલોમાં કહેવાયું હતું કે, આર્ટિકલ 370 ત્યાં સુધી જ કામચલાઉ ધોરણે લાગુ કરવામાં આવ્યો હતો જ્યાં સુધી જમ્મુ-કાશ્મીર બંધારણીય સભા અસ્તિત્વમાં હતી, એટલે કે 1957 સુધી. જેણે નિર્ણય કરવાનો હતો કે આ કલમ રદ કરવી જોઈએ કે નહીં. પરંતુ ત્યારે કોઇ નિર્ણયન લેવાયો તો પછી કલમ સ્થાયીરૂપે લાગુ થઈ ગઈ અને પછીથી આર્ટિકલ 370માં ફેરફાર કરવા માટે કોઇ બંધારણીય પ્રક્રિયા બાકી બચી ન હતી. 

    દલીલોમાં જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું કે, આર્ટિકલ 3 અનુસાર, નવાં રાજ્યોની રચના કે તેમની સીમા નવેસરથી નક્કી કરવા માટે રાષ્ટ્રપતિએ રાજ્યના વિધાનમંડળનો પ્રસ્તાવ ધ્યાને લેવો પડે છે પરંતુ આ નિર્ણય વખતે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કોઇ મંજૂરી મેળવવામાં આવી ન હતી અને આ રીતે રાજ્યને સમાપ્ત કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી શકાય નહીં. 

    ફરિયાદી પક્ષે એવી પણ દલીલો થઈ હતી કે આર્ટિકલ 370એ જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડી રાખ્યું હતું અને એવું કોઇ ઉદાહરણ નથી જેનાથી સાબિત થઈ શકે કે આ વ્યવસ્થા નિષ્ફળ ગઈ હતી અને જેનાથી રાતોરાત તેને હટાવવાની જરૂર પડે. 

    બે બંધારણો ક્યારેય ન હોય શકે, ફરીથી રાજ્ય બનશે જ, પણ ક્યારે તે કહી ન શકાય: કેન્દ્ર 

    કેન્દ્ર સરકારે સામે પક્ષે જવાબ આપતાં કોર્ટને કહ્યું હતું કે, બંધારણીય પ્રક્રિયાઓ અનુસરવામાં ન આવી હોવાની દલીલો પાયાવિહોણી છે અને પ્રક્રિયામાં કોઇ પણ પ્રકારે કોઇ ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. સ્વાયત્તતાની દલીલો પર કહ્યું હતું કે, અરજદારો આંતરિક સાર્વભૌમત્વ અને સ્વાયત્તતાને મિશ્ર કરીને ભ્રમ પેદા કરી રહ્યા છે. 

    સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે, ભારતનું બંધારણ નક્કી કરવા માટે બંધારણ સભાની રચના થઈ હતી, પરંતુ જમ્મુ-કાશ્મીર બંધારણીય સભા એક પૂર્ણ સભા ન હતી કારણ કે ત્યાં સુધીમાં સાર્વભૌમત્વ પહેલેથી જ વિલય પામી ચૂક્યું હતું. સરકારે ઉમેર્યું કે, ક્યારેય પણ બે બંધારણો હોય જ ન શકે. જેથી આર્ટિકલ 370(3)માં જે ‘બંધારણીય સભા’ લખવામાં આવ્યું છે તેને ‘વિધાનસભા’ જ માનવામાં આવે તે જરૂરી છે. 

    સરકારે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જમ્મુ-કાશ્મીર અને લદાખ કામચલાઉ ધોરણે જ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યાં છે, તેને ફરીથી રાજ્યનો દરજ્જો આપી જ શકાય તેમ છે. જોકે, તે ચોક્કસ ક્યારે થશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે, કારણ કે ઘણી બધી બાબતો તેની સાથે જોડાયેલી હોય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં