પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ (Jawahar Lal Nehru) સંબંધિત અમુક દસ્તાવેજો પરત મેળવવા માટે વડાપ્રધાન સંગ્રહાલય અને પુસ્તકાલય કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકે તેવા અહેવાલોએ ફરી એક વખત આ મુદ્દે ચર્ચા જગાવી છે.
મામલાને થોડો ઊંડાણપૂર્વક સમજીએ તો વિષય એ છે કે થોડા સમય પહેલાં દિલ્હી સ્થિત નેહરુ લાઇબ્રેરી એન્ડ મ્યુઝિયમને મોદી સરકારે વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઇબ્રેરીમાં તબદીલ કરી દીધું હતું. ત્યારબાદ એક સોસાયટીની રચના કરવામાં આવી, જેમાં વડાપ્રધાન, અમુક મંત્રીઓ, ઇતિહાસકારો સહિત અમુક સભ્યો છે, જે તેનું સંચાલન કરે છે.
આ સોસાયટીનું કહેવું છે કે વર્ષ 2008માં જ્યારે UPA સરકાર કેન્દ્રમાં હતી અને સોનિયા ગાંધી ‘સુપર પીએમ’ની કક્ષાએ હતાં ત્યારે તત્કાલીન નેહરુ લાઇબ્રેરીમાંથી 51 કાર્ટન ભરીને તેમને મોકલી દેવામાં આવ્યાં હતાં. જે પછીથી ક્યારેય પરત કરવામાં આવ્યાં નહીં. આ દસ્તાવેજો જવાહરલાલ નેહરુ સંબંધિત છે અને મોટાભાગના પત્રો છે તેવી જાણકારી સામે આવી છે.
આ દસ્તાવેજો લાઇબ્રેરીને નેહરુ પરિવાર દ્વારા જ સોંપવામાં આવ્યા હતા, જેથી હવે એ લાઇબ્રેરીની સંપત્તિ કહેવાય. એ જ કારણ છે કે લાઇબ્રેરી હવે પરત માંગી રહી છે. PMML સોસાયટીના સભ્ય અને ઇતિહાસકાર રિઝવાન કાદરી આ મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પત્રો લખીને દસ્તાવેજો પરત કરવાની માંગ કરી ચૂક્યા છે, પરંતુ બંને પત્રોનો કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો. ત્યારબાદ PMML સોસાયટીએ પણ ઔપચારિક રીતે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો, પરંતુ કોઈ જવાબ ન અપાયો.
હવે પ્રશ્ન એ છે કે આ દસ્તાવેજોમાં એવું શું છે? રિઝવાન કાદરી અને PMML અનુસાર, તેમાં નેહરુએ અમુક જાણીતી હસ્તીઓને લખેલા પત્રો સામેલ છે. જેમાં આમ તો ઘણાં નામો છે પણ એક નામ સૌથી વધુ ધ્યાન ખેંચે છે– એડિવના માઉન્ટબેટન. ભારતમાં આવેલા અંતિમ વાઈસરોય લુઇસ માઉન્ટબેટનનાં પત્ની. અન્ય નામોમાં આઈન્સ્ટાઈન, જયપ્રકાશ નારાયણ, વિજયાલક્ષ્મી પંડિત, બાબુ જગજીવન રામ વગેરેનો સમાવેશ થાય છે. રિઝવાન કાદરી અને PMMLનું કહેવું છે કે આ દસ્તાવેજો ઇતિહાસ સમજવા માટે, સંશોધન માટે અત્યંત આવશ્યક છે અને તેથી તેને લાઇબ્રેરીને સોંપી દેવા જોઈએ.
નેહરુએ એડવિનાને લખેલ પત્રોમાં શું છે?
હવે એ વાત ક્યાંય છૂપી નથી કે જવાહરલાલ નેહરુ અને એડવિના માઉન્ટબેટન વચ્ચે ઘણા નિકટ સંબંધો રહ્યા હતા. આ બાબત માઉન્ટબેટનના પરિજનો અને એડવિનાની પુત્રી પણ જાહેરમાં જણાવી ચૂકી છે. તેણે એક પુસ્તક પણ લખ્યું હતું, જેમાં પણ આ બાબતોનો ઉલ્લેખ છે. એડવિનાની પુત્રી પામેલા હિક્સે પુસ્તકમાં જણાવ્યું છે કે તેમણે નેહરુ-એડવિના વચ્ચે જે પત્રવ્યવહાર થયો હતો તેમાંથી અમુક પત્રો વાંચ્યા પણ હતા.
પામેલા લખે છે કે, તેમની માતા અને નેહરુ એક ‘પ્રોફાઉન્ડ રિલેશનશિપ’ શેર કરતા હતા. સરળ ગુજરાતી કરીએ તો ‘ગાઢ સંબંધો’ એવું કરી શકાય અને આ સંબંધોની શરૂઆત 1947માં એડવિના પતિ સાથે ભારત આવ્યાં ત્યારથી જ થઈ ગઈ હતી, જે છેક 1960માં એડવિનાના મૃત્યુ સુધી રહ્યા. આવું માઉન્ટબેટનની પુત્રીનું જ કહેવું છે.

પત્રો વિશે વાત કરતાં પામેલા લખે છે કે, “પત્રો જોઈને લાગે છે કે મારી માતા અને નેહરુ એકબીજાને કેટલો પ્રેમ કરતા હતા, એકબીજાનું કેટલું સન્માન કરતા હતા. એડવિનાને પંડિતજીમાં એક સહચર્યનો ભાવ દેખાતો હતો અને તેમનામાં તેઓ એ સમાનતાની સ્પિરિટ અને વિચારશક્તિ દેખાતાં હતાં, જે તેઓ કાયમ ઝંખતાં રહ્યાં.
જોકે સાથે પામેલાએ પુસ્તક પ્રકાશિત થયા બાદ આપેલા ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, “બંને પાસે ક્યારેય પણ શારીરિક સંબંધો બાંધવાનો ન તો સમય હતો કે ન તેઓ ક્યારેય એકાંતમાં વધુ રહ્યાં. તેઓ કાયમ સ્ટાફ, પોલીસ અને અન્ય લોકોથી ઘેરાયેલાં રહેતાં હતાં.”
ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, પામેલા લખે છે કે જ્યારે એડવિના ભારત છોડવાના હતાં ત્યારે તેઓ નેહરુને હીરાજડિત વીંટી ભેટમાં આપવા માંગતાં હતાં, પણ તેઓ જાણતાં હતાં કે નેહરુ નહીં સ્વીકારે, એટલે એ ભેટ તેમણે ઇન્દિરા ગાંધીને આપી હતી. જોકે આની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
માઉન્ટબેટનની ડાયરીઓ સાર્વજનિક થઈ હતી, પણ 1947-48નાં વર્ષોની નહીં
કહેવાય છે કે નેહરુ અને એડવિના વચ્ચે પત્રવ્યવહાર છેક 1960માં એડવિના મૃત્યુ પામ્યાં ત્યાં સુધી ચાલુ રહ્યો હતો. એટલે કે દેશમાં સ્વતંત્રતા સ્થપાઈ અને નેહરુ પહેલા વડાપ્રધાન બન્યા તેનાં પણ 13 વર્ષ સુધી બંને વચ્ચે પત્રો ચાલુ રહ્યા હતા. 1960માં એડવિનાનું મૃત્યુ થયું તો તેમની અંતિમ ઈચ્છા અનુસાર સમુદ્રમાં દફનાવવામાં આવ્યાં. તે સમયે જવાહરલાલ નેહરુએ નૌસેનાનું જહાજ INS ત્રિશૂલ વિશેષ રૂપે એડવિનાના પાર્થિવ દેહને એસ્કોર્ટ કરવા માટે મોકલ્યું હતું. આ બાબતનો ઉલ્લેખ પામેલાના પુસ્તકથી માંડીને અન્ય અનેક સ્ત્રોતમાં મળે છે.
જોકે આ પત્રોની ઘણીખરી વિગતો સાર્વજનિક થઈ શકી નથી. નેહરુ લાઇબ્રેરીમાં જ્યાં સુધી હતા ત્યાં સુધી પણ તેને સુરક્ષિત જ રાખવામાં આવ્યા હતા અને શોધકર્તાઓ કે ઇતિહાસકારો પણ પરવાનગી પછી જ અમુક સીમિત રીતે ઉપયોગ કરી શકતા હતા. પામેલા અનુસાર, તેમણે પત્રો નેહરુ લાઇબ્રેરીને સોંપી દીધા હતા, પરંતુ શરત એ હતી કે તેને ક્યારેય સાર્વજનિક કરી શકાય નહીં.
અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જુલાઈ 2021માં UK સરકારે માઉન્ટબેટન અને એડવિનાની પર્સનલ ડાયરીઓ સહિત બંને વચ્ચે થયેલા પત્રવ્યવહાર, અન્ય વ્યક્તિઓ વચ્ચે થયેલા પત્રવ્યવહાર વગેરે સાર્વજનિક કર્યું હતું. પરંતુ તેમાં પણ 1947-48 દરમિયાનના દસ્તાવેજો બહાર પાડવામાં આવ્યા ન હતા. આ એ જ વર્ષો છે, જે દરમિયાન ભારતમાંથી અંગ્રેજ શાસન સંકેલી લેવામાં આવ્યું હતું. નેહરુ અને એડવિના વચ્ચે થયેલ પત્રવ્યવહાર પણ ક્યારેય સાર્વજનિક કરવામાં આવ્યો નહીં.
ભાજપે પણ ઉઠાવ્યા પ્રશ્નો– ‘પત્રવ્યવહારમાં એવું શું છે, જેને સેન્સર કરવાની જરૂર પડે?’
આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પણ કોંગ્રેસ પર પ્રશ્નો ઉઠાવી ચૂકી છે. ડિસેમ્બર 2024માં PMML સોસાયટીના સભ્ય રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને પત્ર લખીને આ દસ્તાવેજો પરત સોંપવાની માંગ કરી ત્યારબાદ ભાજપે એક પત્રકાર પરિષદ યોજીને પ્રશ્ન ઉઠાવ્યા હતા કે આખરે એ પત્રવ્યવહારમાં એવું તે શું છે, જેને સેન્સર કરવાની જરૂર પડે.
#WATCH | BJP MP Sambit Patra says, "Prime Minister's Museum and Library (PMML) Society member, Rizwan Qadri has written a letter to the Leader of Opposition in Lok Sabha Rahul Gandhi requesting that 51 boxes (collection of letters written by Jawaharlal Nehru) taken by Congress… pic.twitter.com/nMmIFJ87Sb
— ANI (@ANI) December 16, 2024
ભાજપ સાંસદ સંબિત પાત્રાએ કહ્યું હતું કે, “દેશ એ જાણવા માંગે છે કે નેહરુજી અને લેડી માઉન્ટબેટન વચ્ચે કે નહેરૂ અને જગજીવન રામ, જયપ્રકાશ નારાયણ વચ્ચે શું વાતચીત થઈ હતી? આ પત્રોમાં એવું તે શું છે કે પરિવાર ઇચ્છે છે કે તેને સાર્વજનિક કરવામાં ન આવે. અમે માંગ કરીએ છીએ કે જવાહરલાલ નેહરુના પત્રોનું કલેક્શન પરત આપી દેવામાં આવે.”
ટૂંકમાં કહીએ તો નેહરુ અને એડવિના વચ્ચે પત્રવ્યવહારમાં શું વાતચીતો થઈ હતી તેની ઘણીખરી વિગતો હજુ પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ નથી. જે કંઈ માહિતી છે એ દ્વિતીય સ્ત્રોત પર આધારિત છે. પત્રો મોટાભાગના સોનિયા ગાંધી પાસે છે. જેને પરત મેળવવા માટે માથાકૂટ ચાલી રહી છે અને હવે વાત કેસ સુધી પહોંચી છે. આગળ શું થશે એ સમય કહેશે, પરંતુ મુદ્દો હવે ચર્ચામાં રહેવાનો એ નક્કી છે.