નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પહેલેથી જ તપાસનો સામનો કરતાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી (Sonia Gandhi) હવે વધુ એક કેસમાં ફસાઈ શકે તેવા અહેવાલો મળી રહ્યા છે. વાસ્તવમાં પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ અને લાઇબ્રેરી (PMML) સોસાયટી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સંબંધિત અમુક દસ્તાવેજો પરત મેળવવા માટે કાયદાકીય વિકલ્પો અપનાવવાનું વિચારી રહી છે તેવા સમાચાર છે. સોનિયા ગાંધી પર આરોપ છે કે તેમણે ગેરકાયદેસર રીતે આ દસ્તાવેજો રોકી રાખ્યા છે. તાજેતરમાં PMMLની વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં સર્વાનુમતે આ બાબતે આગળ વધવાનો અને કાયદાકીય માર્ગ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
જોકે સત્તાવાર રીતે આ બાબતની કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ મીડિયા અહેવાલોમાં વાત વહેતી થઈ છે. ત્યારબાદ ઑપઇન્ડિયાએ પણ તપાસ કરતાં પુષ્ટિ થઈ હતી.
જે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો તેના વિશે વધુ જાણકારી સામે આવી શકી નથી પરંતુ આ બેઠક 23 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. બેઠકમાં અન્ય સભ્યો રક્ષામંત્રી રાજનાથ સિંઘ, નાણામંત્રી નિર્મલા સીતારામન, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, ચેરમેન અને પૂર્વ સચિવ નૃપેન્દ્ર મિશ્રા, ભાજપ નેતા સ્મૃતિ ઈરાની વગેરે નેતાઓએ પણ ભાગ લીધો હતો.
સમગ્ર વિવાદના કેન્દ્રમાં જવાહરલાલ નેહરુ સંબંધિત અમુક દસ્તાવેજો છે, જે મૂળતઃ તત્કાલીન નેહરુ મેમોરિયલ એન્ડ લાઇબ્રેરીની સંપત્તિ છે, જેનું નામકરણ પછીથી વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઇબ્રેરી કરવામાં આવ્યું હતું. વર્ષ 2008માં કુલ 51 કાર્ટન ભરીને સોનિયા ગાંધીને આ દસ્તાવેજો મોકલી દેવામાં આવ્યા હતા, જે પરત મોકલવામાં આવ્યા નથી.
આ દસ્તાવેજોમાં નેહરુના એડવિના માઉન્ટબેટનને લખેલા પત્રો પણ સામેલ છે. ઉપરાંત આલ્બર્ટ આઈન્સ્ટાઈન, જયપ્રકાશ નારાયણ, વિજયાલક્ષ્મી પંડિત, બાબુ જગજીવન રામ અને અન્યો સાથેના પ્રથમ વડાપ્રધાનના પત્રવ્યવહાર પણ સામેલ છે. લાઇબ્રેરીનું માનવું છે કે આ પત્રો નેહરુ-ગાંધી પરિવાર દ્વારા લાઇબ્રેરીને સોંપી દેવામાં આવ્યા હતા અને હવે તે લાઇબ્રેરીની જ સંપત્તિ કહેવાય, તેને આ રીતે કોઈ વ્યક્તિ પોતાની પાસે રાખી શકે નહીં.
ઇતિહાસકારે કરી હતી માંગ, સોનિયા-રાહુલ કોઈએ જવાબ ન આપ્યો
ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમદાવાદના ઇતિહાસકાર પ્રોફેસર રિઝવાન કાદરી–જેઓ PMML સોસાયટીના સભ્ય પણ છે– સોનિયા ગાંધીને પત્ર લખીને આ પત્રો અને દસ્તાવેજો પરત મેળવવાની માંગ કરી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે સંશોધન અને દેશના ઇતિહાસ પર અભ્યાસ માટે આ દસ્તાવેજો ઉપલબ્ધ બની રહે તે અત્યંત જરૂરી છે, જેથી તે પીએમ લાઇબ્રેરીને પરત સોંપી દેવામાં આવે. પરંતુ સોનિયા ગાંધી તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.
પછીથી ડિસેમ્બર 2024માં તેમણે ફરી એક વખત રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો અને સોનિયા ગાંધી પાસેથી આ દસ્તાવેજો મેળવીને પરત કરવા અથવા તેની ફોટોકૉપી ઉપલબ્ધ કરાવવા માટે રજૂઆત કરી હતી, પરંતુ તેનો પણ કોઈ જવાબ ન તો સોનિયા ગાંધીના કાર્યાલય તરફથી આપવામાં આવ્યો, ન રાહુલ ગાંધીએ આપ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષની શરૂઆતમાં PMML વહીવટી શાખા તરફથી પણ સોનિયા ગાંધીને એક પત્ર લખીને આ દસ્તાવેજો પરત કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તેનો પણ કોઈ પ્રત્યુત્તર આપવામાં ન આવ્યો.
ફેબ્રુઆરી 2024માં યોજાયેલી વાર્ષિક સભામાં પણ આ મુદ્દાની ચર્ચા થઈ હતી. આખરે અનેક વખત રજૂઆતો કર્યા પછી પણ કોઈ જવાબ ન મળતાં તાજેતરમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કાયદાકીય માર્ગ અપનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો. બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે દસ્તાવેજોની માલિકી લાઇબ્રેરી અને મ્યુઝિયમ પાસે છે અને તેના માટે જે કંઈ જરૂરી હોય તે કરવામાં આવે.
સૂત્રો અનુસાર, આ મામલે ચોરીનો જ કેસ બની શકે તેમ છે. જો તેમ થાય તો સોનિયા ગાંધીની મુશ્કેલીમાં વધારો થશે.