Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટત્રંબકેશ્વર મંદિરમાં બળજબરીથી ઘૂસનારા મુસ્લિમ યુવકોના સમર્થનમાં આવી ઉદ્ધવ ઠાકરેની શિવસેના, કહ્યું-...

    ત્રંબકેશ્વર મંદિરમાં બળજબરીથી ઘૂસનારા મુસ્લિમ યુવકોના સમર્થનમાં આવી ઉદ્ધવ ઠાકરેની શિવસેના, કહ્યું- ‘ભાજપનું હિંદુત્વ ગૌમૂત્રધારી’

    પાર્ટીએ કહ્યું હતું કે, હિંદુ ધર્મને જોખમ ધૂપ દેખાડતા મુસ્લિમ યુવકોથી નથી, પણ આ ગૌમૂત્રધારીઓથી છે.

    - Advertisement -

    મહારાષ્ટ્ર સ્થિત નાસિકના ત્રંબકેશ્વર મંદિરમાં મુસ્લિમોએ શિવલિંગ પર બળજબરીથી ચાદર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ દ્વારા મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. હવે ત્રંબકેશ્વરની આ ઘટનાને લઈને શિવસેના (UBT)એ પોતાના મુખપત્ર ‘સામના’માં બીજેપી પર નિશાન સાધ્યું છે.

    ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ત્રંબકેશ્વર મંદિરમાં ઘૂસનારા મુસ્લિમ યુવાનોના સમર્થનમાં આવી હતી. પાર્ટીએ કહ્યું હતું કે, હિંદુ ધર્મને જોખમ ધૂપ દેખાડતા મુસ્લિમ યુવકોથી નથી, પણ આ ગૌમૂત્રધારીઓથી છે. શિવસેના (UBT)એ ભાજપના હિંદુત્વને ગૌમૂત્રધારી કહ્યું હતું અને ‘સામના’ મુખપત્રમાં એવું લખ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે તે વિશ્વમાં હિંદુત્વની એકમાત્ર ઠેકેદાર છે. પરંતુ સ્વઘોષિત ઠેકેદારોએ પોતાના હેઠળ ઉપઠેકેદારોની નિમણૂક કરીને હિંદુત્વના નામે જે કર્કશ હોબાળો મચાવ્યો છે, તેને જોઈને બે હિંદુહૃદય સમ્રાટ વીર તાત્યારાવ સાવરકર અને શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે ભાજપને શ્રાપ આપતા હશે.”

    શિવસેના (UBT)એ એવું પણ લખ્યું હતું કે, “ભાજપનું હિંદુત્વ માત્ર ગૌમૂત્રધારી છે. તેઓ હિંદુત્વ વિશે એનાથી વધુ કંઈ નથી જાણતા. વિચારોનો આધાર તો બિલકુલ નથી, એ ત્રંબકેશ્વર મંદિરમાં બનેલી ઘટનાથી સાબિત થઈ ગયું છે. ત્રંબકેશ્વરમાં હિંદુત્વના નામે દંગા ભડકાવીને તેને મહારાષ્ટ્રમાં ફેલાવવાની યોજના હિંદુત્વના ઉપઠેકેદારોએ બનાવી હતી, પરંતુ નાસિક-ત્રંબકની સંયમી અને સમજદાર પ્રજાને કારણે તેમનું આ ષડયંત્ર નિષ્ફળ ગયું.”

    - Advertisement -

    પાર્ટીના મુખપત્રમાં લખવામાં આવ્યું છે કે, શનિવારે જુલુસ દરમિયાન મુસ્લિમ સમુદાયના પાંચ-સાત યુવાનો ત્રંબકેશ્વરમાં ધૂપ બતાવવા માટે ઉત્તરીય પ્રવેશ દ્વાર પાસે આવ્યા હતા. આ પ્રથા બહુ જૂની છે, પરંતુ આ વખતે ઉપઠેકેદારોએ આ ધૂપને લઈને એવો હોબાળો મચાવ્યો હતો કે, મુસ્લિમોએ ત્રંબકેશ્વર મંદિરમાં બળજબરીપૂર્વક પ્રવેશવાનો પ્રયત્ન કર્યો અને હિંદુ ધર્મ સંકટમાં છે.”

    શિવસેના (UBT)એ આગળ લખ્યું કે, “આમાં રાજકીય દબાણની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો. આ મામલે ત્રંબકેશ્વરના ગ્રામીણોથી વધુ બહારના લોકોએ વિવાદ ઊભો કર્યો હતો. પોતાને હિંદુત્વવાદી વગેરે કહેનારા બાલિશ સંગઠનોને મંદિરના શુદ્ધિકરણનો અધિકાર કોણે આપ્યો? જ્યાં સુધી હિંદુત્વના નામે કાળાબજારીની દુકાનો બંધ નહીં થાય ત્યાં સુધી હિંદુત્વની મજાક ઉડતી રહેશે. વાસ્તવમાં હિંદુ ધર્મને અસલી ખતરો ત્રંબકેશ્વરમાં ધૂપ દેખાડતા લોકોથી નહીં, પણ ગૌમૂત્રથી શુદ્ધિકરણ કરનારા લોકોથી છે. આવી વિચારધારા ધરાવતા લોકોને લીધે જ દેશ ગુલામ બન્યો હતો.”

    ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ પોતાના મુખપત્રમાં લખ્યું હતું કે, “ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ત્રંબકેશ્વરમાં ધૂપ-મહાઆરતી મામલે તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. આ તપાસની કોઈ જરૂર જ નથી. જે વસ્તુ ત્રંબકેશ્વરમાં બની જ નથી, તેની તપાસ કેવી? જો તપાસ કરવી હોય તો ત્રંબકેશ્વરમાં ગૌમૂત્રના બેરલ લઈને હોબાળો મચાવનારા હિંદુત્વના ઉપઠેકેદારોની કરો.”

    ત્રંબકેશ્વર મંદિરમાં શું ઘટના બની હતી?

    મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલા ભગવાન શંકરના બાર જ્યોતિર્લિંગમાંથી એક એવા ત્રંબકેશ્વર મંદિરમાં ગત 13 મેની સાંજે મુસ્લિમ સમુદાયના કેટલાક યુવકોએ ચાદર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગાર્ડ્ઝની સતર્કતાને કારણે મુસ્લિમ યુવકો શિવલિંગ સુધી નહોતા પહોંચી શક્યા. જે સમયે મુસ્લિમોએ મંદિરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો તે સમયે મંદિરથી થોડા જ અંતરે ઉર્સનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેના માટે જુલુસનું આયોજન કરવામાં અવાયું હતું.

    વિવાદ થયા બાદ જુલુસના આયોજકોએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ફક્ત તેમના પૂર્વજોની પરંપરાનું પાલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ચાદર નહોતી ચડાવી પણ દૂરથી ચાદર દેખાડી હતી. જોકે તેમના આ જવાબથી હિંદુ સંગઠનના લોકો સંતુષ્ટ નથી. 17મેના રોજ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ શ્રીફળ વધેરી તથા શુદ્ધ જળનો છંટકાવ કરીને મંદિરનું શુદ્ધિકરણ કર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં