Monday, May 20, 2024
More
  હોમપેજગુજરાતઈસરો વૈજ્ઞાનિક હોવાના દાવા કરનાર મિતુલ ત્રિવેદીની જામીન અરજી સુરત સેશન્સ કોર્ટે...

  ઈસરો વૈજ્ઞાનિક હોવાના દાવા કરનાર મિતુલ ત્રિવેદીની જામીન અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવી, કહ્યું- તેમણે લાખો લોકોને છેતર્યા, રાહત અપાય તો ખોટો સંદેશ જશે 

  મિતુલના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરીને કહ્યું હતું કે, તેમનો ઇરાદો કોઇની સાથે છેતરપિંડી કરવાનો કે કોઇ નુકસાન પહોંચાડવાનો ન હતો. તેઓ શિક્ષક છે અને જો પોતે પ્રખ્યાત થાય તો ટ્યુશન ક્લાસીસમાં વધારે બાળકો આવે તે માટે પોતે ઈસરોના ચંદ્રયાન-3 પ્રોજેક્ટમાં ભાગ ભજવ્યો હોવાના દાવા કર્યા હતા.

  - Advertisement -

  પોતે ઈસરો વૈજ્ઞાનિક હોવાનું કહીને ચંદ્રમાની સપાટી પર સફળતાપૂર્ણ લેન્ડ થયેલા ચંદ્રયાનની ડિઝાઇન તૈયાર કરી હોવાના દાવા કરનાર મિતુલ ત્રિવેદીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. મિતુલે સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેને લઈને કોર્ટે શુક્રવારે (15 સપ્ટેમ્બર, 2023) ચુકાદો આપ્યો હતો. 

  કોર્ટે મિતુલ ત્રિવેદીને જામીન આપવાની ના પાડી અને કહ્યું કે, જો તેમ કરવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જશે. નીચલી કોર્ટમાં જામીન અરજી રદ થયા બાદ તેણે ગત 5 સપ્ટેમ્બરના રોજ સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. પહેલાં 12 સપ્ટેમ્બર અને ત્યારબાદ 15 સપ્ટેમ્બરે મિતુલ ત્રિવેદીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવ્યા બાદ 15મીએ ચુકાદો આપવામાં આવ્યો હતો. 

  મિતુલના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરીને કહ્યું હતું કે, તેમનો ઇરાદો કોઇની સાથે છેતરપિંડી કરવાનો કે કોઇ નુકસાન પહોંચાડવાનો ન હતો. તેઓ શિક્ષક છે અને જો પોતે પ્રખ્યાત થાય તો ટ્યુશન ક્લાસીસમાં વધારે બાળકો આવે તે માટે પોતે ઈસરોના ચંદ્રયાન-3 પ્રોજેક્ટમાં ભાગ ભજવ્યો હોવાના દાવા કર્યા હતા. સાથે એમ પણ કહ્યું કે, તેમનો કોઇ ગુનાહિત ઈતિહાસ નથી કે જામીન આપવામાં આવે તો સુરતની બહાર પણ જાય તેમ નથી. 

  - Advertisement -

  બીજી તરફ, પોલીસ તરફથી જામીનનો વિરોધ કરીને કહેવામાં આવ્યું કે આ ગંભીર કેસ છે અને જો જામીન આપવામાં આવે તો આરોપી ભવિષ્યમાં પણ આ પ્રકારના ગુના આચરી શકે છે. એમ પણ ઉમેરવામાં આવ્યું કે આરોપીએ પોતે વૈજ્ઞાનિક હોવાના દાવા કરીને ઇન્ટરવ્યુમાં પોતે ઇસરોના એન્શિયન્ટ સ્પેસ એપ્લિકેશન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ ચેરમેન તરીકે કાર્યરત હોવાના દાવા કર્યા હતા તેમજ ખોટો લેટર પણ બનાવ્યો હતો. આ બાબતોને ધ્યાને લેવી જોઈએ. 

  કોર્ટે શું કહ્યું?

  બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે આદેશમાં કહ્યું કે, આરોપીએ આચરેલો ગુનો માત્ર છેતરપિંડી કે બનાવટી દસ્તાવેજો પૂરતો સીમિત નથી પરંતુ તેમણે દેશના નાગરિકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરી છે. તેમણે માત્ર એક ડોક્યુમેન્ટ નથી બનાવી કાઢ્યું પરંતુ લાખો લોકોને છેતર્યા હતા. આ પ્રકારના વ્યક્તિને જામીન આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જશે કે કોઇ પણ દેશની સિદ્ધિ અને ગૌરવના નામે લોકોને છેતરી શકે. જેથી આ તથ્યોના આધારે જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે. ઑપઇન્ડિયા પાસે કોર્ટના આદેશની નકલ ઉપલબ્ધ છે.

  શું છે કેસ? 

  ઉલ્લેખનીય છે કે ગત 23 ઑગસ્ટના રોજ ઈસરોએ મોકલેલા ચંદ્રયાન-3એ ચંદ્રમાની સપાટી પર સફળ લેન્ડિંગ કર્યા બાદ સુરતના મિતુલ ત્રિવેદીનો એક ઓડિયો વાયરલ થયો હતો, જેમાં તે પોતાના શિક્ષક સાથે વાત કરતાં દાવા કરે છે કે ચંદ્રયાન તૈયાર કરવામાં તેની અગત્યની ભૂમિકા હતી. ત્યારબાદ મિતુલે અનેક મીડિયા ચેનલોને ઈન્ટરવ્યુ પણ આપ્યા અને તેમાં પણ પોતે ઈસરો વૈજ્ઞાનિક હોવાની અને ચંદ્રયાનની ડિઝાઇન તૈયાર કરવામાં ભૂમિકા ભજવી હોવાની વાતો કહી હતી. 

  જોકે, પછીથી મિડિયા અને સોશિયલ મીડિયામાં તેના દાવા અંગે સવાલો ઊઠવા માંડ્યા અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ કરતાં મિતુલના દાવામાં ગોલમાલ હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઈસરોનો પણ સંપર્ક કરતાં પુષ્ટિ થઈ હતી કે તે કોઇ પણ રીતે ઇસરોમાં કાર્યરત નથી કે ન ચંદ્રયાનની ડિઝાઇન બનાવી હતી. આખરે 29 ઓગસ્ટ, 2023ના રોજ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં