Saturday, May 11, 2024
More
    હોમપેજગુજરાતચંદ્રયાનની ડિઝાઇન બનાવી હોવાના દાવા કરનાર સુરતના મિતુલ ત્રિવેદીની આખરે ધરપકડ: ટ્યુશન...

    ચંદ્રયાનની ડિઝાઇન બનાવી હોવાના દાવા કરનાર સુરતના મિતુલ ત્રિવેદીની આખરે ધરપકડ: ટ્યુશન ક્લાસીસમાં વધારે બાળકો આવે તે માટે ગપગોળા ચલાવ્યા હતા

    - Advertisement -

    પોતે તાજેતરમાં લૉન્ચ થયેલા ચંદ્રયાનની ડિઝાઇન તૈયાર કરી હોવાના દાવા કરીને વાહવાહી લૂંટનાર સુરતના તથાકથિત ‘વૈજ્ઞાનિક’ મિતુલ ત્રિવેદીએ હવે જેલની હવે ખાવાનો વારો આવ્યો છે. આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે મિતુલ ત્રિવેદીની ધરપકડ કરી લીધી હતી. 

    સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચે મિતુલ ત્રિવેદી સામે IPCની કલમ 478, 471, 419 અને 420 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ સાંજે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. હવે પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    ગત બુધવારે (23 ઓગસ્ટ, 2023) ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રમાની સપાટી પર સફળ લેન્ડિંગ કર્યા બાદ મિતુલ ત્રિવેદીનો એક ઑડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે પોતાના શિક્ષક સાથે વાત કરતો સાંભળવા મળે છે. શિક્ષક સમક્ષ તે ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હોવાના દાવા કરે છે. ત્યારબાદ બીજા દિવસે તેણે ઘણી મીડિયા ચેનલોને પણ ઇન્ટરવ્યૂ આપ્યા હતા અને તેમાં પણ આ જ વાતો કહી હતી. 

    - Advertisement -

    આ મુદ્દો વધુ ઉછળ્યા બાદ અમુક મીડિયા અહેવાલોમાં અને સોશિયલ મીડિયા પર મિતુલ ત્રિવેદીના દાવા પર સવાલો ઉઠ્યા બાદ સુરત પોલીસ પણ સક્રિય થઇ હતી અને તેને પૂછપરછ માટે તેડું મોકલ્યું હતું. ત્યારબાદ ત્રિવેદી હાજર પણ થયો હતો પરંતુ તેણે પોતે ઈસરોમાં જોડાયાના કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા. જેના કારણે શહેર ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ મિતુલ ત્રિવેદીના દાવામાં ગોલમાલ જણાતાં આખરે ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી. 

    આ મામલે શહેર એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, મિતુલ ત્રિવેદીએ પોતે ઈસરોના વૈજ્ઞાનિક હોવાનો દાવો કર્યો હતો પરંતુ આ મામલે પોલીસે ઈસરોનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે તેવું કશું જ નથી. ત્યારબાદ મિતુલની પૂછપરછ કરવામાં આવતાં ખુલાસો થયો હતો કે તે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને આવા દાવા કરે તો તેને ત્યાં વધારે વિદ્યાર્થીઓ આવશે તેમ વિચારીને જાણીજોઈને આવા ગપગોળા ચલાવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, હાલ આગળની તપાસ ચાલી રહી છે અને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં