હોમપેજગુજરાતટ્રમ્પના ટેરિફના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી? નિષ્ણાતોએ નકારી કાઢ્યા મીડિયાના...

ટ્રમ્પના ટેરિફના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી? નિષ્ણાતોએ નકારી કાઢ્યા મીડિયાના અહેવાલો, રજૂ કર્યું સમગ્ર ચિત્ર– એક્સક્લુઝિવ

ખૂંટે મંદી વિશે વાત કરતા કહ્યું કે, સુરતમાં છેલ્લા બે વર્ષથી મંદી જોવા મળી રહી છે અને એક વર્ષથી મંદીનું પ્રમાણ વધ્યું છે. આ મંદી ત્યારથી શરૂ છે, જ્યારે ટેરિફનો કોઈ વિવાદ અસ્તિત્વમાં જ નહોતો.

- Advertisement -

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ઓઇલ ખરીદીનું વિચિત્ર કારણ ધરીને ભારત પર વધુ 25% ટેરિફ લાગુ કર્યા બાદ મહિનાઓથી સતત ચર્ચાતો રહેતો આ મુદ્દો હવે ફરી ચર્ચામાં આવ્યો છે. મીડિયામાં પણ ઠીકઠાક રિપોર્ટિંગ થઈ રહ્યું છે અને બીજી તરફ એક વર્ગ એવો પણ છે જે સતત ટ્રમ્પ અને અમેરિકાના નરેટિવને પ્રસ્થાપિત કરવા મહેનત કરી રહ્યો છે. આ જ ક્રમમાં હવે દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે ટેરિફના આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતના હીરા ઉદ્યોગને થઈ છે અને ભયંકર મંદી આવવાની સંભાવના છે, જેના કારણે હજારો નોકરીઓ ઉપર પણ જોખમ સર્જાશે.

સુરત ભારતના હીરા ઉદ્યોગનું કેન્દ્ર છે. અહીંથી અમેરિકા સહિત દુનિયાભરમાં ડાયમંડ એક્સપોર્ટ થાય છે અને દર વર્ષે હજારો કરોડનો કારોબાર થાય છે એ વાત હવે અજાણી નથી. સુરતમાં આ ઉદ્યોગમાં ભારે મંદી હોવાની અને ટેરિફના કારણે સ્થિતિ ડામાડોળ થઈ રહી હોવાની વાતો મીડિયામાં ચાલી રહી છે. તેમાં અગ્રેસર છે રૉયટર્સ અને બીબીસી જેવાં મીડિયા આઉટલેટ્સ, જેમનું રિપોર્ટિંગ કાયમ શંકાના દાયરામાં રહે છે, ખાસ કરીને ભારતને અસર કરતી ભૂરાજનિતિક બાબતોમાં. પછીથી ગુજરાતી-હિન્દી મીડિયાએ પણ આ મુદ્દાને પકડી લીધો.

BBCએ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. તેમાં ડાયમંડ ફેક્ટરીઓની સ્થિતિ દર્શાવીને કહેવામાં આવ્યું છે કે ઘણી જગ્યાએ અગાઉ મોટી સંખ્યામાં લોકો કામ કરતા હતા, પણ હવે સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. અમુક કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. કારણ એ છે કે ઓર્ડર મળી રહ્યા નથી અને તેના કારણે કર્મચારીઓના પગાર થતા નથી. ઉપરાંત, અનેક રત્નકલાકારોની ફરિયાદ છે કે તેમનો પગાર ઘટાડી દેવામાં આવ્યો છે, અથવા તેમને કામ પરથી દૂર કરવામાં આવનાર છે તેમ પણ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે.

- Advertisement -

બીબીસીના રિપોર્ટમાં આગળ કહેવાયું છે, “ટેરિફના કારણે પેદા થયેલી મંદીનો સીધો ફટકો કામદારોને પડવાની શરૂઆત થઈ ગઈ છે.” સાથે અમુક વ્યક્તિઓને ટાંકીને કહેવામાં આવ્યું કે એક લાખથી વધુ રત્નકલાકારોની નોકરી પર જોખમ તોળાઈ રહ્યું છે અને તેમનું ભવિષ્ય પણ અંધકારમય છે.

રૉયટર્સે આધાર સુરતના એ ડાયમંડ બુર્સને બનાવ્યું છે, જે કાયમ મીડિયાના ટાર્ગેટ પર રહે છે. થોડા સમય પહેલાં વડાપ્રધાન મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યા બાદ પણ તે સંપૂર્ણપણે શરૂ થયું નથી. રૉયટર્સે આ સ્થિતિને ટેરિફ સાથે જોડી છે અને દાવો કર્યો કે મોટાભાગની ઑફિસ ખાલી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ટેરિફ વધવાના કારણે હવે ઑર્ડર ઘટી ગયા છે. ઉપરાંત, ઘણા ઉદ્યોગપતિઓ હવે ડાયમંડ બુર્સમાં કારોબાર ખસેડવા માટે ઇચ્છુક નથી એવું પણ અમુક વ્યક્તિઓને ટાંકીને કહેવામાં આવ્યું છે.

તે સિવાય રિપોર્ટમાં ઘણા નાના હીરા ઉદ્યોગીઓને ટાંકીને મંદી વિશેની માહિતી આપી છે. તે સિવાય અન્ય લોકોનાં નિવેદનો પણ ટાંક્યાં છે, જેમાં મોટાભાગના લોકોનાં નામ નથી લખાયાં પણ ‘નામ ન છાપવાની શરત’ સાથે દાવો કરવામાં આવ્યો છે.

વિદેશી મીડિયા તો સમજ્યા, પણ ગુજરાતી મીડિયામાં પણ આ બાબતે લેખ છપાઈ ચૂક્યા છે. ગુજરાત સમાચારે 28 ઑગસ્ટના રોજ લેખ છાપીને દાવો કર્યો છે કે, ટ્રમ્પના 50% ટેરિફથી સુરતના હીરા-ટેક્સટાઇલ ઉદ્યોગમાં 50 હજારથી વધુ નોકરીઓ પર જોખમ ઊભું થશે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સુરતના હીરા ઉદ્યોગનો 30% વેપાર અમેરિકા સાથે થાય છે, તેથી ટ્રમ્પના ટેરિફથી આ ઉદ્યોગને ભારે ફટકો લાગી શકે છે. 

હકીકત શું છે?

એક મોટા દ્રષ્ટિકોણથી જોઈએ તો આ નરેટિવ અમેરિકાને વધુ મદદ કરી શકે તેમ છે. સુરત ગુજરાતનું આર્થિક પાટનગર છે અને ગુજરાત વડાપ્રધાન મોદીનું ગૃહરાજ્ય છે. હીરા ઉદ્યોગ સુરતમાં ફૂલ્યોફાલ્યો છે. આ સ્થિતિમાં જો સુરતનો સૌથી મોટો ઉદ્યોગ ટેરિફ અને વૈશ્વિક સમીકરણો બદલાવાના કારણે ભયંકર અસર પામ્યો હોવાની વાતો વહેતી મૂકવામાં આવે તો સ્વાભાવિક એક અવળો દ્રષ્ટિકોણ સેટ થાય. પરંતુ અહીં બાબતોને થોડી વધુ નજીકથી જોવાની રહે છે. તે રીતે જોઈએ તો આમાંની ઘણી બધી બાબતો એવી છે, જે વ્યવસ્થિત સંદર્ભ સાથે કે પૂરેપૂરી હકીકત સાથે જણાવવામાં આવી રહી નથી અને સીધી કે આડકતરી રીતે ખોટો નરેટિવ ગોઠવવામાં મદદરૂપ થઈ રહી છે.

એ હકીકત છે કે સુરતના હીરા ઉદ્યોગમાં મંદી છે, પણ આ સ્થિતિ તાજી નથી. લગભગ છેલ્લા એક વર્ષથી સ્થિતિ આ છે. આઠ-દસ મહિનાના અનેક અહેવાલોમાં હીરા ઉદ્યોગની આ મંદી વિશે વિગતવાર રિપોર્ટિંગ જોવા મળશે. તે સમયે અમેરિકામાં સરકાર પણ બીજી હતી, રાષ્ટ્રપતિ પણ બીજા હતા અને ટેરિફ જેવો કોઈ મુદ્દો જ વૈશ્વિક રાજકારણમાં ચર્ચામાં ન હતો.

એટલે બીબીસી ટ્રમ્પ આવ્યા પહેલાં સુરતની ડાયમંડ ફેક્ટરીઓમાં ગયું હોત તો તેને આ જ સ્થિતિ જોવા મળી હોત. કારણ કે અગાઉ જણાવ્યું તેમ હીરા ઉદ્યોગમાં મંદી ઘણા સમયથી છે. અત્યારે ટેરિફ સાથે જોડીને પહેલેથી જે સ્થિતિ નિર્માણ પામી છે, તેને ફરી દર્શાવવામાં આવી રહી છે.

બીજું, અમેરિકાના ટેરિફના કારણે ડાયમંડ ઈન્ડસ્ટ્રીને નહિવત અસર થશે તેવું નથી, પરંતુ એ પણ એક હકીકત છે કે આમાં ભારતનો અને હીરા કારોબારીઓનો હાથ ઉપર છે. ઉપરાંત, ભારત પાસે બીજાં બજારોનો વિકલ્પ ખુલ્લો છે, અમેરિકા પાસે નથી. અમેરિકામાં હીરાની માંગ પણ વધુ છે, જે ભારતીય ડાયમંડ ઈન્ડસ્ટ્રી જ પૂરી કરી શકે એમ છે.

જ્યાં સુધી વાત ડાયમંડ બુર્સની છે તો તે ઉદ્ઘાટન થયા પછી જ સતત સવાલોમાં ઘેરાયેલું રહે છે, કારણ કે હજુ ત્યાં પૂરતી ઑફિસ શરૂ થઈ નથી. કારણો જે હોય એ, એ અલગ ચર્ચાનો વિષય છે, પણ ટેરિફને અને બુર્સમાં ઑફિસો ચાલુ ન થઈ હોવાને કશું જ લાગતું-વળગતું નથી. ટેરિફનો મુદ્દો ન હતો ત્યારે પણ તેની સ્થિતિ એ જ હતી, જે હાલ છે. વાસ્તવિકતા એ પણ છે કે સરકાર આ બુર્સ ધમધોકાર ચાલતું થાય તે માટે સતત પ્રયાસો હાથ ધરી રહી છે.

શું કહે છે નિષ્ણાતો? 

આ બાબતે જ્યારે ઑપઇન્ડિયાએ સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક્સપર્ટોનો સંપર્ક કર્યો તો તેમણે પણ આ જ વાત કહી. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટ અમેરિકાના ટેરિફના કારણે હીરા ઉદ્યોગનમાં ભયંકર મંદી આવી હોવાના અહેવાલોને સંપૂર્ણપણે નકારી કાઢે છે અને કહે છે કે મીડિયાએ આ મોટાભાગની વાતો ઉપજાવી કાઢી છે. સાથે તેમણે સમગ્ર હકીકત પણ જણાવી.

ખૂંટે મંદી વિશે વાત કરતાં કહ્યું કે, સુરતમાં છેલ્લાં બે વર્ષથી મંદી જોવા મળી રહી છે અને એક વર્ષથી તેનું પ્રમાણ વધ્યું છે. આ પરિસ્થિતિ ત્યારથી છે જ્યારે ટેરિફનો કોઈ વિવાદ અસ્તિત્વમાં જ નહોતો. ટેરિફની અસરો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ટૂંકાગાળા માટે હીરા ઉદ્યોગ પર અમેરિકી ટેરિફની અસર રહેશે જ, પરંતુ લાંબાગાળે વધુ વ્યવસ્થિત પણ થઈ જશે. તેમણે તેની પાછળનાં કારણો પણ જણાવ્યાં. 

‘અમેરિકા ભારત પર નિર્ભર, નુકસાન જશે તોપણ ટૂંકાગાળાનું હશે’

કારણો વિશે વાત કરતાં તેઓ કહે છે કે, હાલ દુનિયાના બધા જ દેશોમાં ડાયમંડ પહોંચાડવાનું કામ સુરત કરી રહ્યું છે. ડાયમંડનું 90% જેટલું પ્રૉડક્શન માત્ર ભારતથી થઈ રહ્યું છે અને અમેરિકા પણ તે વાત સારી રીતે જાણે છે. તેથી દુનિયાનો કોઈપણ દેશ અમેરિકાને ડાયમંડ મોકલી શકવા અથવા તેની માંગ પૂરી કરી શકવા સક્ષમ નથી. આજે ડાયમંડને લઈને અમેરિકા સંપૂર્ણપણે ભારત પર નિર્ભર છે, ભારતનું સ્થાન આજે કોઈ દેશ લઈ શકે એમ નથી. તેથી જો ટેરિફ વધારવામાં આવે તો તેનું નુકસાન સામાન્ય અમેરિકીઓને થશે અને અંતે ડાયમંડની માંગ વધી જશે અને આંતરિક કલહ પણ ઊભો થશે. 

તેમણે કહ્યું કે, તેમ છતાં જો અમેરિકા ટેરિફ પર અડગ રહે તોપણ ભારતને નુકસાન નથી. કારણ જણાવતાં તેમણે કહ્યું કે, જે ડાયમંડ અમેરિકા મોકલવામાં આવી રહ્યા હતા, તે જ ડાયમંડને દુનિયાના અન્ય દેશમાં મોકલીને નુકસાન ભરપાઈ કરી લેવામાં આવશે. અમેરિકામાં ડાયમંડના મહત્ત્વ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, “આજે આપણાં ભારતમાં લગ્ન-પ્રસંગે સોનાનું ખૂબ મહત્ત્વ છે. તેવી જ રીતે અમેરિકામાં ડાયમંડનું મહત્ત્વ છે. જો ત્યાંનાં સ્થાનિકોને ડાયમંડ નહીં મળે તો વિરોધ થવાની શક્યતા છે અથવા તો તે લોકો મોંઘા ભાવે પણ ડાયમંડ ખરીદી લેશે. કારણ કે, ડાયમંડ તેના સામાજિક જીવનનો એક ભાગ છે.”

આ બધાં કારણો વર્ણવતાં તેમણે કહ્યું કે, હીરા ઉદ્યોગને ટેરિફના કારણે કોઈ સમસ્યા ઊભી થઈ શકે એમ નથી. કારણ કે, અમેરિકામાં ડાયમંડની સૌથી વધુ માંગ છે અને તે માંગ માત્ર ભારત પૂરી કરી શકે છે. તેથી અમેરિકા સંપૂર્ણપણે ભારત પર નિર્ભર છે. પરંતુ, ભારતના કેસમાં એવું નથી. ભારત માત્ર અમેરિકા પર નિર્ભર નથી. ભારત દુનિયાના લગભગ તમામ દેશોમાં ડાયમંડ મોકલે છે. જો અમેરિકામાં મોકલવાના બંધ પણ કરે તો તે અન્ય દેશોમાં વધુ ડાયમંડ મોકલીને ભરપાઈ કરી શકે છે, પણ અમેરિકા તેવું કરી શકે એમ નથી. 

‘ટેરિફના કારણે મંદી આવી હોવાની વાતો ખોટી’

જગદીશ ખૂંટ સિવાય ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયાએ પણ ઑપઇન્ડિયા સાથેની ચર્ચામાં આ જ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ટેરિફની અસરો ચોક્કસપણે થશે જ, પણ તેના કારણે મંદી નથી આવી અને ન તો આવી શકે. તેમણે પણ એ જ દલીલ આપી હતી કે, અમેરિકામાં ડાયમંડનું મહત્ત્વ ઘણું છે, જેવી રીતે આપણે ત્યાં સોનાનું છે. તેથી ડાયમંડ મોંઘા થશે તોપણ અમેરિકો માટે તે જરૂરી છે અને તેઓ ખરીદશે અને નહીં પણ ખરીદે તો ભારત અન્ય કોઈ દેશોમાં તેને વેચી શકશે. પરંતુ અહીં પણ નુકસાન અમેરિકાને જ છે, કારણ કે, તેને ભારત સિવાય અન્ય કોઈ દેશ પાસેથી ડાયમંડ નહીં મળી શકે. 

સુરતમાં હીરા ઉદ્યોગની લગભગ 10-12 ફેક્ટરીઓનું સંચાલન કરતાં ઠાકરશીભાઈ પટેલે પણ બંને એસોસિયેશનના પ્રમુખોના નિવેદનને સમર્થન આપ્યું છે. તેમણે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મંદી છે તે બાબત કોઈ નકારી શકે એમ નથી, પણ તે મંદી અમેરિકી ટેરિફના કારણે નથી. તેમણે પણ એવું જ કહ્યું કે, અમેરિકી ટેરિફની થોડીઘણી અસરો થઈ શકે છે, પણ તે પણ માત્ર ટૂંકાગાળા માટે.અન્ય એક ફેક્ટરી માલિક લક્ષ્મણભાઈએ પણ આવું જ કહ્યું છે. તે સિવાય કેટલાક રત્નકલાકારોએ પણ આ વાતનું પુનરાવર્તન કર્યું છે. 

જોકે, 2024ના ગુજરાતી મીડિયાના રિપોર્ટ્સમાં પણ મંદી વિશેના સમાચાર છપાયા હતા. તે સમયે તો કોઈ ટેરિફ વિવાદ પણ નહોતો. તેથી એ વાત સિદ્ધ છે કે, સુરતના હીરા ઉદ્યોગમાં હાલ મંદી આવી છે, પણ તે મંદી અમેરિકી ટેરિફના કારણે નથી આવી એ પણ સિદ્ધ છે. બલકે હીરા ઉદ્યોગો તો અમેરિકી ટેરિફના વિકલ્પમાં અન્ય દેશોમાં વેચાણ કરવાનો પ્લાન પણ ઘડીને બેઠા છે. જોકે, આ બાબતે સરકાર તરફથી પણ ઘણા પગલાં લેવામાં આવ્યાં છે. જગદીશભાઈ ખૂંટના જણાવ્યા અનુસાર, હાલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને હીરા ઉદ્યોગની સાથે છે અને જ્યારે જરૂર પડે છે ત્યારે તેઓ કાયમ ઇન્ડસ્ટ્રી માટે સકારાત્મક વલણ અપનાવે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં