ભારતીય આયાત પર 25% વધારાના ટેરિફ માટેના ટ્રમ્પના આદેશના અમલ માટે અમેરિકાએ બહાર પાડ્યું નોટિફિકેશન

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી આયાત થતા સામાન પર લાગુ કરવામાં આવતા ટેરિફમાં વધુ 25%નો વધારો કરીને આંકડો 50% સુધી લઈ જવાની ઘોષણા કર્યા બાદ ઉપરના 25% ટેરિફને લાગુ કરવા માટે અમેરિકાએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. અમેરિકાના ‘ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટી’ અનુસાર, વધારાનો આ ટેરિફ 27 ઑગસ્ટની મધ્ય રાત્રિએથી (અમેરિકાના સમય પ્રમાણે) લાગુ થશે.

ઉલ્લેખનીય છે કે ભારત પર 25% ટેરિફ લાગુ કરવાની ઘોષણા કર્યા બાદ ઑગસ્ટની શરૂઆતમાં ટ્રમ્પે રશિયા પાસેથી તેલ અને શસ્ત્રોની ખરીદીનું કારણ ધરીને ભારત પર વધુ 25% ટેરિફ લાગુ કરવાની ઘોષણા કરી હતી. આ દર લાગુ કરવા માટે અમેરિકાએ નોટિફિકેશન જાહેર કર્યું છે. નોટિફિકેશનમાં ટ્રમ્પના અગાઉના એક્ઝિક્યુટિવ ઓર્ડરનો સંદર્ભ આપવામાં આવ્યો છે, જેમાં તેમણે રશિયા સાથેના વેપારનો ઉલ્લેખ કરીને ભારત પર વધારાનો ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી.

આ ટેરિફ દરોની ભારતથી અમેરિકા પહોંચતાં ઘણાં ઉત્પાદનો પર અસર પડશે તેવું અનુમાન છે. જોકે ભારતે પણ સ્પષ્ટ વલણ અપનાવીને અમેરિકન નીતિને તાબે ન થવાનો નિર્ણય કર્યો છે, જેની ઉપર સરકાર આજે પણ અડગ છે. ભારતનો પક્ષ રહ્યો છે કે ટ્રેડ ડીલ ચાલુ રહેવી જોઈએ અને અવ્યવહારિક અને ગેરવ્યાજબી દરોના સ્થાને નક્કર પગલાં લેવામાં આવવાં જોઈએ.

બીજી તરફ, તાજેતરમાં જ અમદાવાદની યાત્રાએ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આડકતરી રીતે આ બધી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે દેશ ઉપર ગમે તેટલું દબાણ લાવવાના પ્રયાસ કરવામાં આવે, પરંતુ સરકાર લઘુ ઉદ્યોગો, ખેડૂતો અને નાના વ્યવસાયીઓને કોઈ તકલીફ પડવા નહીં દે. અગાઉ પણ વડાપ્રધાન કહી ચૂક્યા છે કે તેઓ ખેડૂતોના હિત માટે વ્યક્તિગત રીતે કોઈ પણ કિંમત ચૂકવવી પડે તેના માટે તૈયાર છે.