31 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતાં ઑક્ટોબર, 2024માં સોમનાથમાં જ્યાં સરકારે બુલડોઝર ફેરવીને જમીન સમતલ કરી હતી ત્યાં ઉર્સનું આયોજન કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી.
આ મામલે જસ્ટિસ બીઆર ગવઈ અને AG મસીહની બેન્ચ સુનાવણી હાથ ધરી રહી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી. સરકાર પક્ષથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી હતી. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે એમ કહીને અરજી ફગાવી દીધી કે મૂળ મામલા પર સુનાવણી કર્યા વગર આ અરજી પર નિર્ણય કરી શકાય નહીં. નોંધવું જોઈએ કે ડિમોલિશનને કોર્ટની અવમાનના ગણાવતી તેમજ તેની ઉપર રોક લગાવવાની માંગ કરતી અરજી ફગાવવાના ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને પડકારતી અરજી, બંને સુપ્રીમ કોર્ટમાં હાલ પેન્ડિંગ છે.
ઉર્સના આયોજનની માંગ કરતી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે, ડિમોલિશન પહેલાં ત્યાં એક દરગાહ સ્થિત હતી અને તે એક સંરક્ષિત સ્મારક હતી. ઉપરાંત, ત્યાં ઘણાં વર્ષોથી ઉર્સનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. પરતું હવે સરકારે એમ કહીને પરવાનગી આપવાની ના પાડી છે કે સ્થળ પર કોઈ દરગાહ ન હતી જેથી ઉર્સ યોજી શકાય નહીં. ઉર્સનું આયોજન 1થી 3 ફેબ્રુઆરી સુધી કરવામાં આવનાર હતું.
બીજી તરફ, સરકાર પક્ષથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, ડિમોલિશનની કાર્યવાહી પૂરેપૂરા નિયમપાલન સાથે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર કરવામાં આવી છે. જ્યાં ડિમોલિશન થયું છે ત્યાં મંદિરો પણ હતાં અને કાર્યવાહીમાં કોઈ પ્રકારનો ધાર્મિક ભેદભાવ કરવામાં આવ્યો નથી. એ સરકારી જમીન હતી, જેની ઉપર કબજો હતો એ જ ખાલી કરાવવામાં આવ્યો છે.
SG મહેતાએ સાથે કોર્ટને એ પણ જણાવ્યું કે, ત્યાં હાલ કોઈ પણ પ્રકારના ધાર્મિક આયોજનની પરવાનગી આપવામાં આવી રહી નથી. તેમાં મંદિર હોય કે દરગાહ, એ જોવામાં આવી રહ્યું નથી. સાથે તેમણે એ પણ જણાવ્યું કે, સરકાર કોર્ટ સમક્ષ પહેલાં જ સ્પષ્ટતા કરી ચૂકી છે કે જ્યાં સુધી કોર્ટ કોઈ નિર્ણય ન આપે ત્યાં સુધી સરકાર કોઈ ત્રીજા પક્ષને આ જમીનનો કબજો સોંપશે નહીં.
આર્કિયોલૉજી વિભાગના એક એફિડેવિટને ટાંકીને સ્પષ્ટ કર્યું હતું કે ડિમોલિશન સાઈટ પર કોઈ સંરક્ષિત સ્મારક ન હતું અને વર્ષ 2023માં હાથ ધરવામાં આવેલા સરવેમાં પણ આ બાબત સામે આવી હતી, જેથી અરજદારોની દલીલો ખોટી ઠરે છે. તેમણે જણાવ્યું કે, સ્થળ પર કોઈ પણ પ્રકારની ધાર્મિક-મઝહબી ગતિવિધિને મંજૂરી આપવામાં આવી રહી નથી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે, મુખ્ય અરજી પર (અવમાનના) સુનાવણી કર્યા વગર આ રાહત આપી શકાય નહીં અને અરજી ફગાવી દીધી હતી.