સાણંદ તાલુકાના કલાણા ગામનું નામ આજે ગુજરાત જ નહીં, સમગ્ર ભારતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. અહીં મુસ્લિમ ટોળા દ્વારા હિંદુઓ પર કરવામાં આવેલા જીવલેણ પથ્થરમારા અને હુમલાની ઘટના તથા તે પહેલાં હિંદુઓને સતત થતી હેરાનગતિનો આખો ચિતાર ઑપઇન્ડિયાએ પોતાના એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ્સ દ્વારા વાચકો સમક્ષ રજૂ કર્યો હતો. આ ઘટનાને અઠવાડિયું થવા આવ્યું છે અને પોલીસની કામગીરી પણ પ્રશંસનીય રહી છે. સમગ્ર ઘટનામાં પીડિતોને ન્યાય અપાવવા માટે અમદાવા પોલીસ આગળ રહી હતી.
ઘટના બની તે જ દિવસે, 30 ડિસેમ્બરે, સાણંદ પોલીસે ત્વરિત પગલાં લઈને 40થી વધુ તોફાનીઓની અટકાયત કરી લીધી હતી. આ તોફાનીઓએ હિંદુ પરિવારો પર આક્રમક હુમલો કર્યો હતો અને પથ્થરમારો કરીને ભયનો માહોલ ઊભો કર્યો હતો. પોલીસની આ તાત્કાલિક કાર્યવાહીએ ગામમાં વધુ મોટી અનિચ્છનીય ઘટનાને અટકાવી હતી.
ત્યાર બાદ પોલીસે વધુ મક્કમતા દાખવી. નવા વિડીયો અને પુરાવા એકઠા કરીને 1 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી વચ્ચે સતત પાંચ વખત કોમ્બિંગ ઑપરેશન ચલાવ્યાં. આ ઑપરેશન દરમિયાન તોફાનીઓ પોલીસથી બચવા ઘરો છોડીને ભાગી છૂટ્યા હતા, પરંતુ પોલીસે તેમના ઘરના દરવાજા તોડીને તેમને બહાર કાઢ્યા અને પકડી પાડ્યા. આ કાર્યવાહીમાં 1 SP, 1 DySP, 4 PI, 8 PSI અને અન્ય 100થી વધુ પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો. પરિણામે કુલ 60 તોફાનીઓની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી 26ને મુખ્ય આરોપી તરીકે ઓળખીને વિધિવત ધરપકડ કરવામાં આવી છે.
ઑપઇન્ડિયા સાથેની વિશેષ વાતચીતમાં અમદાવાદ ગ્રામ્ય SP ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે, આગામી દિવસોમાં હજુ વધુ સખત કાર્યવાહી કરવામાં આવશે. તેનો હેતુ એ છે કે ભવિષ્યમાં કોઈ તોફાની તત્વો આવી હિંમત ન કરી શકે. અધિકારીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરી પ્રતિબદ્ધ છે અને હિંદુ સમાજની સુરક્ષા માટે કોઈ કસર છોડશે નહીં.
આ સમગ્ર કાર્યવાહી ગુજરાત પોલીસની પ્રશંસનીય કાર્યવાહીનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે ઉન્માદીઓએ નિર્દોષ લોકો પર હુમલો કરીને ગામમાં ત્રાસ ફેલાવ્યો, ત્યારે પોલીસે ત્વરિત અને કડક પગલાં લઈને શાંતિ સ્થાપિત કરી. આવી કામગીરીથી હિંદુ સમાજમાં વિશ્વાસ વધ્યો છે કે ગુજરાતમાં કાયદાનું શાસન મજબૂત છે અને તોફાની તત્વોને કોઈ છૂટ નથી.
હાલ ગામમાં સંપૂર્ણ શાંતિ છે. પોલીસે સ્થિતિ સંભાળી લીધી છે, આરોપીઓને ઓળખીને તેમને અરેસ્ટ પણ કરી લીધા છે. હાલ આરોપીઓની પૂછપરછ અને તેમનાં બેકગ્રાઉન્ડની તપાસ થઈ રહી છે. પોલીસ જે રીતે કામ કરી રહી છે એ જોતા જણાઈ રહ્યું છે આગામી સમયમાં હજુ મોટી કાર્યવાહી થઈ શકે છે.
ઑપઇન્ડિયાએ આ ઘટનાને સતત કવર કરી છે અને હિંદુઓની વેદનાને વાચા આપી છે. જ્યારે મેઇનસ્ટ્રીમ મીડિયાએ આ ઘટનાને જૂથ અથડામણમાં ખપાવી દીધી હતી ત્યારે ઑપઇન્ડિયાએ સ્થળ પર જઈને સત્ય ઉજાગર કર્યું હતું. કલાણામાં હિંદુઓ પર થયેલા હુમલા પર ઑપઇન્ડિયાએ ગ્રાઉન્ડ રિપોર્ટ્સ પણ કર્યા હતા, જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


