Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદના વકીલને ધમકી આપનાર પીટી ટીચર શાહનવાઝ સુમરાની ધરપકડ: નૂપુર શર્માના સમર્થન...

    અમદાવાદના વકીલને ધમકી આપનાર પીટી ટીચર શાહનવાઝ સુમરાની ધરપકડ: નૂપુર શર્માના સમર્થન બદલ આપી હતી જાનથી મારી નાંખવાની ધમકી

    ત્રણ વર્ષ પહેલાં શાહનવાઝ અને વકીલ કૃપલ રાવલની મહેસાણામાં એક જુડો સ્પર્ધા દરમિયાન મુલાકાત થઇ હતી. વોટ્સએપ સ્ટેટ્સ મામલે શાહનવાઝે વકીલને ફોન અને મેસેજથી ધમકી આપી હતી.

    - Advertisement -

    નૂપુર શર્માનો ફોટો સ્ટેટ્સમાં મૂકનાર અમદાવાદના વકીલને (Ahmedabad Lawyer) ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેનું નામ શાહનવાઝ મોહમ્મદ હુસૈન સુમરા હોવાનું જાણવા મળ્યું છે અને તે કચ્છના ભુજ ખાતે રહે છે. 

    અમદાવાદના 32 વર્ષીય વકીલ કૃપલ રાવલને ગત મહિને નૂપુર શર્માનો ફોટો સ્ટેટ્સમાં રાખવા બદલ ધમકી મળી હતી. જે બાદ તેમણે આ મામલે પોલીસને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરતા ધમકી આપનાર આરોપી કચ્છનો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ સાબરમતી પોલીસે શાહનવાઝની ધરપકડ કરી લીધી હતી અને તેને પૂછપરછ માટે લઇ જવામાં આવ્યો હતો. 

    એક રિપોર્ટ અનુસાર, ત્રણ વર્ષ પહેલાં શાહનવાઝ અને વકીલ કૃપલ રાવલની મહેસાણામાં એક જુડો સ્પર્ધા દરમિયાન મુલાકાત થઇ હતી. વોટ્સએપ સ્ટેટ્સ મામલે શાહનવાઝે વકીલને ફોન અને મેસેજથી ધમકી આપી હતી. પકડાયેલ આરોપી શાહનવાઝ ભુજની એક શાળામાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને ઘણી કુસ્તી સ્પર્ધાઓમાં ભાગ લઇ ચૂક્યો છે.

    - Advertisement -

    કૃપલ રાવલે ગત 13 જૂનના રોજ સ્ટેટ્સમાં નૂપુર શર્માનો (Nupur Sharma) ફોટો મૂક્યો હતો. જોકે, ત્યારબાદ ત્રણ મિનિટમાં જ તેને હટાવી દેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તો આ સ્ટેટ્સનો સ્ક્રીનશોટ કટ્ટરપંથી ઇસ્લામીઓ સુધી પહોંચી ગયો હતો. જે બાદ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળવા માંડી હતી.

    એફઆઈઆરમાં લખાવવામાં આવેલ ફરિયાદ અનુસાર, ફરિયાદી વકીલે જણાવ્યું છે કે, તેમના અંગત મુસ્લિમ મિત્રોને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેમના સ્ટેટ્સનો સ્ક્રીનશોટ લઈને લંડન ખાતે રહેતા સફીન ગેના નામના વ્યક્તિએ મુસ્લિમ સમાજના ગ્રુપોમાં ફરતો કર્યો હતો. જેના થોડા જ કલાકો બાદ વકીલને ધમકી મળવાની શરૂ થઇ ગઈ હતી. 

    જોકે, આ મામલો ગત 13 જૂનના રોજ બન્યો હતો. પરંતુ મિત્રોની સલાહને અનુસરીને વકીલે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ તાજેતરની અમરાવતી અને રાજસ્થાનની ઘટના બાદ તેમણે પોલીસનો સંપર્ક કરવાનું વિચાર્યું હતું અને અમદાવાદના સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

    પોલીસે ભુજથી વકીલને ધમકી આપનાર શાહનવાઝ સુમરાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી. 

    ઉલ્લેખનીય છે કે નૂપુર શર્માના નિવેદન મામલે વિવાદ થયા બાદ તેમને સમર્થન કરનારાઓ પણ કટ્ટર ઇસ્લામીઓના નિશાને ચડી રહ્યા છે. રાજસ્થાન અને અમરાવતીમાં નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ હત્યા કરી નાંખવામાં આવી તો અનેક કિસ્સાઓમાં નૂપુરને સમર્થન કરનારાઓને પણ ધમકી મળવાનું સામે આવ્યું હતું. ગુજરાતમાંથી પણ આવા બે કિસ્સા બહાર આવ્યા છે. અગાઉ પાદરાના ભાજપ ઉપપ્રમુખ નિલેશસિંહ જાદવને પણ ધમકી મળી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં