Sunday, April 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટમંતવ્ય: ઉદ્ધવ ઠાકરે સરકારની ઉદ્દંડતાના એ ઉદાહરણો જેણે છેવટે અઢી વર્ષે આઘાડી...

  મંતવ્ય: ઉદ્ધવ ઠાકરે સરકારની ઉદ્દંડતાના એ ઉદાહરણો જેણે છેવટે અઢી વર્ષે આઘાડી સરકારને ભગાડી!

  આ અઢી વર્ષ દરમિયાન સામાન્ય નાગરિકોના મૌલિક અધિકારોનું ખુલ્લેઆમ હનન થયું અને મજાની વાત એ છે કે વાતેવાતે ‘ફ્રીડમ ઑફ એક્સપ્રેશન’ના ઝંડા લઈને ફરતી એક આખી ગેંગ આ તમામ ઘટનાઓ વખતે ક્યાં તો ચૂપ રહી ક્યાં તો તેમણે મજા લીધી.

  - Advertisement -

  આખરે નવ દિવસની રાજકીય ઉથલપાથલ, કોર્ટની સુનાવણીઓ, રાજકીય બયાનબાજી, આરોપ-પ્રત્યારોપના દોરનો અંત આવ્યો અને ગઈકાલે એક તરફ સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો અને બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દીધું. ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવાની સાથે અઢી વર્ષ પહેલાં બનેલી ‘મહાવિકાસ આઘાડી સરકાર’ પડી ભાંગી તો બીજી તરફ ગુંડાગીરી, અરાજકતા, નાગરિકોને થતી હેરાનગતિ અને સત્તાના દુરુપયોગનો પણ અંત આવ્યો છે. 

  મહાવિકાસ આઘાડી સરકારનો અઢી વર્ષનો કાર્યકાળ કાયમ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. આ અઢી વર્ષમાં સરકારના ખાતામાં સારાં કામો ઓછાં અને વિવાદો વધુ જમા થયા છે. કોરોના મહામારીનું નિયંત્રણ, પાલઘર સાધુ હત્યા કેસ, સુશાંત સિંહ રાજપૂત કેસ, અર્ણબ ગોસ્વામીની ધરપકડ, 100 કરોડ ખંડણીનો મામલો, એન્ટેલિયા કેસ કંગના રનૌતના ઘરનું ડિમોલિશન કે પછી સમિત, કેતકી, નિખિલ જેવા નાગરિકોને થયેલી હેરાનગતિ, છેલ્લાં અઢી વર્ષમાં આવા અનેક વિવાદોનું કેન્દ્ર મહારાષ્ટ્ર રહ્યું છે, અને આ વિવાદોમાં સીધી કે આડકતરી રીતે સરકાર સામેલ રહી છે. 

  આ અઢી વર્ષ દરમિયાન સામાન્ય નાગરિકોના મૌલિક અધિકારોનું ખુલ્લેઆમ હનન થયું અને મજાની વાત એ છે કે વાતેવાતે ‘ફ્રીડમ ઑફ એક્સપ્રેશન’ના ઝંડા લઈને ફરતી એક આખી ગેંગ આ તમામ ઘટનાઓ વખતે ક્યાં તો ચૂપ રહી ક્યાં તો તેમણે મજા લીધી. સામે કોઈ પગલાં ન લેતા નરેન્દ્ર મોદીને દરરોજ ‘તાનાશાહ’ના પ્રમાણપત્રો આપી દેનારી એક આખી ટોળકી આ તમામ ઘટનાઓ વખતે મોં પર આંગળી મૂકીને બેસી રહી હતી.

  - Advertisement -

  ટીકાકારોને ચૂપ કરવા માટેના પ્રયાસો અને હેરાનગતિ 

  રાજકારણમાં ટીકા તદ્દન સામાન્ય છે. રાજકારણ તટસ્થતાનો વિષય નથી. દરેક રાજકીય પાર્ટીઓના, દરેક નેતાઓની ટીકાઓ થતી હોય છે. નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિશે પણ છાપાંઓ, મીડિયા, સોશિયલ મડિયામાં ઘણું લખાય છે. અન્ય નેતાઓ વિશે પણ લખાતું રહે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા ક્યારેક નેતાઓને લઈને ટીખળ પણ કરે છે. ક્યારેક નેતાઓ ટ્રોલ પણ થાય છે. પણ સામાન્ય રીતે સરકારો આવી પોસ્ટ કે ટ્વિટને ધ્યાને લેતી નથી. પરંતુ ઉદ્ધવ ઠાકરે સરકાર આમાં અપવાદ સાબિત થઇ. 

  મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારે છેલ્લા અઢી વર્ષમાં લોકોને માત્ર તેમની ટ્વિટ કે પોસ્ટ માટે જેલમાં ધકેલી દીધા હોય તેવા અનેક બનાવો બન્યા છે. ટ્વિટર પર જાણીતા યુઝર સમિત ઠક્કરે 23 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું અને તેમનો ‘ગુનો’ એ હતો કે તેમણે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે વિરુદ્ધ ટ્વિટર પર કથિત અપમાનજનક ટિપ્પણી કરી હતી. સમિત વિરુદ્ધ મહારાષ્ટ્રમાં અનેક ઠેકાણે એફઆઈઆર થઇ હતી. જોકે, 23 દિવસ બાદ તેમને જામીન મળી ગયા હતા. 

  આ એક કિસ્સો નથી. હાલમાં જ બે કિસ્સાઓ બન્યા છે. કેતકી ચિતળે અને નિખિલ ભામરેને એનસીપીના પ્રમુખ શરદ પવાર પર કથિત અપમાનજનક ટિપ્પણી માટે મહિના-મહિના સુધી જેલમાં રહેવું પડ્યું. કેતકી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 22 એફઆઈઆર થઇ હતી. પોલીસ કસ્ટડીમાં એનસીપી કાર્યકરોએ તેમની છેડતી કરી. નિખિલ ભામરેએ પણ જેલ જવું પડ્યું. જોકે, એ બંનેને પણ જામીન મળી ગયા છે. 

  સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ અર્ણબ ગોસ્વામી, કંગના રનૌત, નવનીત રવિ રાણા જેવી જાણીતી હસ્તીઓએ પણ સરકાર સામે પડવાની કિંમત ચૂકવવી પડી હતી. કોઈનું ઘર તોડી પડાયું, તો કોઈએ વર્ષો જૂના કેસમાં આઠ દિવસ જેલમાં જવું પડ્યું તો કોઈએ હનુમાન ચાલીસાના પાઠ કરવાની કિંમત ચૂકવવી પડી. આ તમામ કિસ્સાઓમાં એક છૂપો સંદેશ સ્પષ્ટ હતો, કાં ચૂપચાપ બેસી રહો, કાં બોલવાના પરિણામો ભોગવો. 

  કોઈ પણ એક સવારે ટ્વિટર ખોલીને જુઓ તો બૉલીવુડના એકાદ-બે કથિત સેલિબ્રિટીએ નરેન્દ્ર મોદી વિરુદ્ધ એકાદ ટ્વિટ ન કર્યું હોય તેવું નહીં બને. મોદી જો આ તમામને માત્ર ટ્વિટ અને ટીકા બદલ જેલમાં નાંખવા ગયા હોત તો હિંદુસ્તાનની જેલો ભરાઈ ગઈ હોત. પણ મહારાષ્ટ્ર સરકારે ખરેખર આવું કર્યું. કંગના રનૌત સુશાંતસિંહના મૃત્યુ પછી ખુલીને બોલ્યાં પછી તેમણે ઘણું ભોગવવું પડ્યું હતું. સંજય રાઉત જેવા નેતાઓએ તેમને ‘હરામખોર’ જેવા અપશબ્દો કહ્યા, ધમકીઓ આપવામાં આવી, કેસો થયા, ઓફિસનું ડિમોલિશન થયું અને તે જાણે બહુ ઊંચું કામ કર્યું હોય તેમ શિવસેનાના મુખપત્ર ‘સામના’માં લખવામાં આવ્યું, ‘ઉખાડ દિયા’. 

  પાલઘરના સાધુઓની હત્યા મામલે અર્ણબ ગોસ્વામીએ સવાલો ઉઠાવ્યા અને લાઈવ શૉ દરમિયાન સોનિયા ગાંધીને પ્રશ્નો કર્યા પછી કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમની ઉપર હુમલો કર્યો હતો. જે બાદ અનેક ઠેકાણે તેમની ઉપર એફઆઈઆર નોંધવામાં આવી. પછીથી સુશાંત સિંહ રાજપૂત કેસમાં પણ અર્ણબે સવાલો ઉઠાવ્યા પછી તેમની ઉપર ટીઆરપી મામલે ખોટા કેસો થયા તો વર્ષો જૂના બંધ કેસમાં ફરીથી તેમની ધરપકડ કરવામાં આવી અને આઠ દિવસ તેમણે જેલમાં રહેવું પડ્યું. 

  શિવસેનાના કાર્યકરોની ગુંડાગીરી 

  આ સમય દરમિયાન શિવસેનાના કાર્યકરોને પણ જાણે છૂટો દોર આપી દેવામાં આવ્યો. સપ્ટેમ્બર 2020માં શિવસેનાના કાર્યકરોએ એક સેવા નિવૃત્ત નેવી ઓફિસર સાથે કથિત રીતે ઉદ્ધવ ઠાકરેનું કાર્ટૂન શૅર કરવા બદલ મારપીટ કરી હતી. ફેબ્રુઆરી 2021 માં શિવસેનાના ગુંડાઓએ સીએમ ઠાકરેની ટીકા કરવા પર એક વૃદ્ધ નાગરિક સાથે મારપીટ કરીને તેમને સાડી પહેરાવી હતી અને ચહેરા પણ કાળી શાહી ફેંકી હતી. આ ઉપરાંત, પણ અનેક પ્રસંગોએ ગુંડાગીરી ખુલ્લેઆમ ચાલતી રહી અને લગામ લગાવવામાં ન આવી. 

  ભ્રષ્ટાચાર, એન્ટેલિયા કેસ અને 100 કરોડની વસૂલી

  આ અઢી વર્ષ દરમિયાન મહાવિકાસ આઘાડી સરકારમાં ભ્રષ્ટાચાર પણ બહુ મોટાપાયે જોવા મળ્યો. આ ઉપરાંત એન્ટેલિયા કેસ અને મનસુખ હિરેન હત્યા કેસ મામલે પણ એક કાળું પ્રકરણ મુંબઈ પોલીસના ઇતિહાસમાં ઉમેરાયું. સચિન વાઝેની અચાનક બહાલી અને પછી એન્ટેલિયા કેસમાં તેણે કઈ રીતે કાવતરું રચ્યું હતું અને મનસુખ હિરેનની હત્યા કરાવી નાંખી તે જગજાહેર છે. સચિન વાઝેની ધરપકડ બાદ સમગ્ર કાવતરું સામે આવતાં મહારાષ્ટ્ર સરકારની વધુ એક પોલ તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંઘે ખોલી હતી. 

  પરમવીર સિંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન વાઝેને દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. દેશમુખ આખર સુધી આ વાત ટાળતા રહ્યા અને સરકાર પણ તેમને સાચવતી રહી પણ આખરે બૉમ્બે હાઇકોર્ટે કેસ સીબીઆઈને સોંપ્યા બાદ તેઓ પદ પરથી હટી ગયા હતા. જોકે, હાલ તેઓ એક મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા છ મહિનાથી જેલમાં છે. 

  અનિલ દેશમુખ સિવાય મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક વિરુદ્ધ પણ ભ્રષ્ટાચાર અને અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાના આરોપ લાગ્યા બાદ ઇડીએ તેમની ધરપકડ કરી હતી. તેઓ પણ હાલ જેલમાં બંધ છે. 

  કોરોનામાં મહારાષ્ટ્ર સૌથી પ્રભાવિત રાજ્ય રહ્યું

  આ ઉપરાંત, કોરોના મહામારી દરમિયાન પણ મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો પૈકીનું એક રહ્યું. મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા પણ વધુ રહી તો કોરોનાના કારણે મૃત્યુ પણ પ્રમાણમાં વધુ થયાં. સરકાર અસરકારક રીતે કામ ન કરી શકી. એક કારણ એ પણ છે કે સરકાર આ બધા વિવાદોમાં જ સંડોવાયેલી રહી અને કોરોના સામે લડવાનું અને તેને નિયંત્રિત કરવાનું બાજુ પર રહી ગયું અને પોતાની નિષ્ફ્ળતાઓ માટે દોષનો ટોપલો કેન્દ્ર સરકાર પર ઢોળી મૂક્યો. એ વાત અલગ છે કે બૉલીવુડની એક ગેંગ ઠાકરેને ‘બેસ્ટ સીએમ’નો એવોર્ડ આપતી રહી પરંતુ સત્ય એ જ છે કે મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્ય પૈકીનું રહ્યું છે. 

  આ બધા વિવાદો જ એ કારણ રહ્યું કે શિવસેનાનો કોર વોટર બેઝ પાર્ટીથી અલગ થવા માંડ્યો અને આખરે ધારાસભ્યોને પણ સમજાયું કે આ જ રીતે સરકાર ચાલી તો પાંચ વર્ષ પછી તેઓ પોતાના વિસ્તારોમાં મત માંગવા પણ ન જઈ શકે. તેથી એકનાથ શિંદેની આગેવાનીમાં બળવો થયો અને પછી જે થયું તે જગજાહેર છે. દેવેન્દ્ર ફડણવીસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ સરકાર પોતાના ભારથી પડી ભાંગશે. સરકાર ખરેખર તેના જ ભારથી પડી ભાંગી છે!

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં