Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતમાં ટપોટપ પડી રહી છે કોંગ્રેસની વિકેટો: ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ, રાષ્ટ્રીય પ્રવક્તા...

    ગુજરાતમાં ટપોટપ પડી રહી છે કોંગ્રેસની વિકેટો: ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ, રાષ્ટ્રીય પ્રવક્તા કે કાર્યકર્તા, બધા છોડી રહ્યા છે ડૂબતું વહાણ; હવે કચ્છમાં સામૂહિક રાજીનામાં

    દરેક ભરતી મેળામાં હજારોની સંખ્યામાં વિપક્ષી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. એક તરફ દિવસેને દિવસે ભાજપનો વ્યાપ વધી રહ્યો છે તો બીજી તરફ દિનપ્રતિદિન કોંગ્રેસનો વ્યાપ ઘટી રહ્યો છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતમાં તમામ રાજકીય પક્ષ તે માટેની તૈયારીમાં લાગી ગયા છે. પરંતુ ગુજરાત કોંગ્રેસની હાલત હજુ પણ સુધારી શકી નથી. પાર્ટીનો વ્યાપ વધારવો તો દૂરની વાત છે પણ પાર્ટીના તાજેતરના કાર્યકર્તાઓ પણ પાર્ટીને રામ રામ કહીને નીકળી રહ્યા છે. તાજેતરમાં જ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું હતું. તે પહેલાં પણ અનેક પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોએ પાર્ટીને અલવિદા કહી દીધી હતી. ટૂંકમાં કોંગ્રેસના ડૂબતાં વહાણમાંથી એક પછી એક કાર્યકર્તા અને નેતા નીકળી રહ્યા છે. જે બાદ હવે કચ્છ જિલ્લાના યુવા નેતાઓએ રાજીનામાં આપતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. એક સાથે 3 યુથ કોંગ્રેસના મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે.

    કચ્છ જિલ્લાના યુવા નેતાઓએ રાજીનામાં આપી દેતા ગુજરાત કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા દિપક ડાંગર, NSUI પ્રમુખ તીર્થરાજ મકવાણા અને કચ્છ યુથ મહામંત્રી નિલયગીરી ગૌસ્વામીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. આ તમામ નેતાઓ છેલ્લા ઘણા વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા હતા. તેવામાં તેમણે અચાનક પાર્ટીને અલવિદા કહી દીધું છે. કચ્છ જિલ્લા પ્રવક્તા દિપક ડાંગરે રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે, તેઓ છેલ્લા 17 વર્ષથી પક્ષ સાથે જોડાયેલા છે. પરંતુ હાલના સામાજિક અને રાજકીય સમીકરણોને ધ્યાને રાખીને તેઓ પાર્ટીના તમામ પદો પરથી અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યા છે.

    કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી નિલયગીરી ગૌસ્વામીએ પણ અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કહ્યું છે. આ સાથે NSUI પ્રમુખ તીર્થરાજ મકવાણાએ પણ વ્યક્તિગત કારણોસર રાજીનામું આપી દીધું છે. ત્રણેય યુવા નેતાઓએ કોંગ્રેસ પ્રમુખને રાજીનામાં આપી દીધા છે. જે બાદ હવે એવી સંભાવના છે કે, તેઓ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે.

    - Advertisement -

    નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ગુજરાત કોંગ્રેસની હાલત ખરાબ થઈ રહી છે. તાજેતરમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું હતું. તે પહેલાં તેમણે અમદાવાદ પૂર્વ બેઠક પરથી પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આરોપ લગાવ્યો હતો કે, તેમને પાર્ટીએ સનાતન ધર્મના અપમાન પર બોલવા દીધા નહોતા. તે પહેલાં રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

    આ ઉપરાંત છેલ્લા 1 મહિનાથી કોંગ્રેસમાં સતત ગાબડાં પડી રહ્યા છે. મોટા ભાગના દિગ્ગજ નેતાઓએ રામ મંદિરને કારણે પાર્ટી છોડી હોવાનો દાવો કર્યો છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું તે બાદથી ત્યાં અનેક રાજીનામાં પડી ગયા છે. આ સાથે અંદાજિત 2000 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ રાજીનામાં આપી દીધા છે અને ભાજપમાં સામેલ થઈ ગયા છે. મોઢવાડિયા પહેલાં કોંગ્રેસના મોટા નેતા અંબરીશ ડેરે પણ રાજીનામું આપ્યું હતું અને સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા હતા. એ સિવાય દરેક ભરતી મેળામાં હજારોની સંખ્યામાં વિપક્ષી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. એક તરફ દિવસેને દિવસે ભાજપનો વ્યાપ વધી રહ્યો છે તો બીજી તરફ દિનપ્રતિદિન કોંગ્રેસનો વ્યાપ ઘટી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં