2027ની ચૂંટણીમાં ક્રાંતિ લાવી દેવાની વાતો કરનારા અને જાહેર મંચો પરથી સત્તાને ઉખાડી ફેંકવાના ફાંકા મારતા આમ આદમી પાર્ટીના નેતાઓ અને તેમના અતિઉત્સાહી સમર્થકો હમણાં-હમણાંથી આસમાનમાં ઉડતા હતા પણ હવે છેલ્લા થોડા દિવસોથી ધરતી પર આવી ગયા છે અને ચૂપચાપ હિન્દીમાં જેને ‘રાયતા ફેલાયા’ કહેવાય એ સમેટવામાં લાગી ગયા છે પણ ભેગું થઈ રહ્યું નથી.
પાર્ટી વિધાનસભા ચૂંટણી પહેલાં ખેડૂતો મતો એકઠા કરવામાં લાગી હતી અને આ આખી ચળવળ જે માણસના ભરોસે ચલાવવામાં આવી રહી હતી તે રાજુ કરપડાએ થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું. રાજીનામા પછી પ્રેસ કૉન્ફરન્સો કરી અને મીડિયા સાથે પણ વાતો કરી. ઑપઇન્ડિયા સાથે પણ હમણાં તેમણે થોડી વાતો કરી અને તમામ વાતોમાંથી એક નિષ્કર્ષ એ નીકળે છે કે પાર્ટીના નેતૃત્વએ તેમને ખરા સમયે સહકાર ન આપ્યો અને બધા પોતપોતાની છબી ચમકાવવામાં જ વ્યસ્ત રહ્યા.
ગોપાલ ઇટાલિયા પર પણ રાજુભાઈએ ઘણા આરોપો લગાવ્યા છે, જેના જવાબ આપવાના સ્થાને ગોપાલ બીજી જ કથાઓ કર્યે રાખીને દહાડા કાઢી રહ્યો છે. પણ આ બધાથી એક વાત ઉડીને આંખે વળગે એ એ છે કે આમ આદમી પાર્ટીમાં બધું ઠીક નથી અને આંતરિક વિખવાદ જબરો ચાલે છે. આ તો હજુ શરૂઆત છે એમ કહીએ તોપણ ખોટું નથી. જેમ-જેમ આ બધું આગળ ચાલતું જશે તેમ પાર્ટી માટે સ્થિતિ વધારે કપરી બનતી જશે.
સામાન્ય રીતે પાર્ટીમાંથી નેતાઓ રાજીનામાં આપે ત્યારે મીડિયા ચેનલો આદતવશ ‘મોટો ઝટકો’ એવું લખી દે છે. આમ તો ભારતમાં નોંધાયેલી હજારો પાર્ટીઓના લાખો નેતાઓ નિયમિત ધોરણે આ બાજુથી પેલી બાજુ આવતા-જતા રહે છે. અનેક મોટા નેતાઓ, પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ-મુખ્યમંત્રીઓએ પણ પાર્ટી બદલી હોવાના દાખલા બન્યા છે. આ બધાનાં રાજીનામાં કંઈ પાર્ટીઓને ‘મોટા ઝટકા’ ન હોય, પણ રાજુ કરપડાના કિસ્સામાં આ આમ આદમી પાર્ટી માટે ખરેખર આવી જ સ્થિતિ છે.
કારણ એ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સંગઠન સ્તરે તદ્દન કંગાળ છે. સંગઠન ઊભાં કરવાં એ રમત વાત નથી. પીઢ અને અનુભવી નેતાઓ જોઈએ. ગોપાલ કે ઈસુદાન જેવાના ભરોસે સંગઠનો ઊભાં ન થાય. એટલે આમ આદમી પાર્ટીએ મોટાભાગનો આધાર નેતાઓ પર રાખવો પડે છે અને આ નેતાઓ જે જનસમર્થન એકઠું કરે તેના આધારે જ પછીથી પાર્ટીને થોડુંઘણું સમર્થન મળે છે.
આનું સૌથી મોટું ઉદાહરણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યું હતું. ત્યારે આમ આદમી પાર્ટીએ આખા ગુજરાતમાં ભરપૂર પ્રચાર કર્યો, કેજરીવાલ સેનાએ પણ અહીં જ ધામા નાખ્યા હતા, ભરપૂર માહોલ બનાવ્યો, મેઇનસ્ટ્રીમ મીડિયામાંથી તગેડી મૂકવામાં આવ્યા હોય તેવા અમુક પત્રકારોએ પણ સોશિયલ મીડિયા પર ‘આપ’ માટે બહુ બેટિંગ કરી. પણ આખરે પરિણામ આવ્યું ત્યારે પાંચ બેઠકો આવી અને આ પાંચ બેઠકો પાર્ટીનાં બેનરો પર નહીં પણ ઉમેદવારોના નામે આવી.
ઉદાહરણ લઈએ તો ડેડિયાપાડામાં ચૈતર વસાવાનો પોતાનો એક વોટર બેઝ છે, એ આમ આદમી પાર્ટીનો નથી. કાલે ઉઠીને ચૈતર વસાવા AAP છોડે તો તેમના સમર્થકો પણ તેમની સાથે જ આવશે. આવું જ બીજી બેઠકો પર પણ બન્યું. કોઈએ આમ આદમી પાર્ટીના નામે નહીં પણ ઉમેદવારોના નામે કે પછી અન્ય પાર્ટીઓ વિરુદ્ધના આક્રોશના કારણે AAPના ઉમેદવારોને મત આપ્યા. આ ઉમેદવારો બીજી પાર્ટીની ટિકિટો પર લડ્યા હોત કે અપક્ષ લડ્યા હોત તોપણ પરિણામોમાં ઝાઝો ફેર આવ્યો ન હોત.
આમ આદમી પાર્ટીમાં શરૂઆતમાં ઘણા નેતાઓ જોડાયા હતા તે હવે પાર્ટીનો ભાગ નથી. ઘણા છોડી ચૂક્યા છે, અમુક બીજી પાર્ટીમાં જતા રહ્યા છે. શરૂઆતથી જ પાર્ટી લીડર સેન્ટ્રિક જ રહી. આ જ ફોર્મ્યુલા રાજુ કરપડા અને પ્રવીણ રામ વગેરે નેતાઓના કિસ્સામાં પણ લાગુ પડે છે.
આ બંને નેતાઓએ છેલ્લા થોડા મહિનાઓથી સૌરાષ્ટ્રમાં ખેડૂતોને મોબિલાઇઝ કરવાનું શરૂ કરી દીધું હતું. જેના માટે મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા. બોટાદની કદડા પ્રથાવાળું આવું જ હતું, જેને આમ આદમી પાર્ટીએ જાણીજોઈને મોટો અને રાજ્યવ્યાપી મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો. રાજ્યવ્યાપી તો અસર સોશિયલ મીડિયા સિવાય બહુ ન થઈ પણ સ્થાનિક સ્તરે કે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વિષય ચર્ચાનો મુદ્દો બન્યો. પછીથી બોટાદમાં કિસાન મહાપંચાયતની ઘોષણા થઈ, જેના માટે પરવાનગી લેવામાં આવી ન હતી. પોલીસે જઈને પ્રશ્નો કર્યા તો તેમની ઉપર પથ્થરો ફેંકાયા અને આખરે કેસ નોંધાયો તેમાં પ્રવીણ રામ અને રાજુ કરપડા જેલ ગયા.
બંને નેતાઓને જેલવાસ દરમ્યાન આમ આદમી પાર્ટીના નેતાઓએ બહુ મદદ ન કરી હોવાનો રાજુ કરપડાનો આરોપ છે અને તેના કારણે જ પછી તેમણે રાજીનામું આપ્યું.
રાજુ કરપડાના રાજીનામા પછી આમ આદમી પાર્ટી જે ચળવળ ચલાવવા મથતી હતી એ ફરી એક વખત શૂન્ય પર આવીને ઊભી રહી ગઈ છે. કારણ કે આમાં જે કંઈ હતું એ નેતાઓની મહેનત હતી. ગોપાલ જેવાઓ જઈને ભાષણ કરીને રીલો જ બનાવતા હતા. પાર્ટી કરતાં ચળવળ પાછળના નેતાઓ માટે થોડુંઘણું સમર્થન મળવાનું શરૂ થયું હતું. આવા કિસ્સાઓમાં નેતા જ્યાં જાય ત્યાં જ તેમના સમર્થકો પણ જતા હોય છે.
આમ આદમી પાર્ટી માટે તેના નેતાઓ, સમર્થકો, અમુક યુટ્યુબરિયાઓ અને કથિત ઈન્ફ્લુએન્સરોએ જે માહોલ બનાવવા માટે મહેનત કરી હતી તે ફુગ્ગામાં રાજુ કરપડાના રાજીનામાથી ટાંકણી વાગી ગઈ છે. આ ગેંગ ભેગી થઈને ફરી ફુગ્ગો ફુલાવે ત્યાં કોઈ બીજું ટાંકણી લઈને ઊભું હશે!


