
AAPમાંથી રાજીનામું આપનારા કિસાન મોરચાના ગુજરાતના પ્રમુખ રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા પર અનેક પ્રહાર કર્યા છે અને આક્ષેપો પણ લગાવ્યા છે. અગાઉ તેમણે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા પાર્ટીમાં છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી મજબૂત બની શકશે નહીં. હવે ફરી તેમનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા પોતાને ‘મરદ મૂછાળો’ કહે છે, પરંતુ આગળ રાજુ કરપડાને કરી દેવામાં આવ્યો હતો.
રાજુ કરપડાએ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા ખોટા મુદ્દા આપીને ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે, તેમણે ચેલેન્જ આપી છે કે ગોપાલ ઇટાલિયા સાબિત કરી બતાવે કે પછી એક નાનકડો પુરાવો પણ આપે કે રાજુ કરપડાએ મુખ્યમંત્રી કે પછી કોઈ IPS સાથે વાત કરી હતી અને ચાલી રહેલા કેસોને લઈને સમાધાન કર્યું હતું. તેમણે પડકાર ફેંકતા કહ્યું છે કે જો આ બાબતનો પુરાવો આપવામાં આવશે તો તેઓ આજીવન ઇટાલિયા અને આમ આદમી પાર્ટીની સેવા કરશે.
તેમણે આગળ એવું પણ કહ્યું છે કે રાજુ કરપડાને ડરપોક સાબિત કરવા માટે એ લોકો મથી રહ્યા છે જે કડદાના કાંડથી દૂર રહ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે ગોપાલ ઇટાલિયા તેમને ડરપોક ચિતરવાના પ્રયાસ કરે છે. આગળ તેમણે કહ્યું કે એમની સાથે હતા, આમ આદમી પાર્ટીમાં હતા એટલે હિંમતવાળા હતા અને હવે ડરપોક થઈ ગયા છે.
તેમણે વધુમાં કહ્યું કે, “વિસાવદર ચૂંટણી વખતે દારૂના અડ્ડા પર જનતા રેડ કરવાની વાત હતી તો તેમાં એવી વાત થઈ હતી કે ઇટાલિયા અને હું સાથે જઈશું. પછી તેઓ ગાડીમાં છુપાઈને બેસી ગયા અને મને એકલો મોકલી દીધો. ત્યારબાદ ઇટાલિયાએ ફોન પર પૂછ્યું કે બધુ સારું છે ને? ત્યાં શાંતિ છે કે? મેં કહ્યું હા, ત્યારપછી ગાડીમાંથી ઉતરીને આવ્યા.” તેમણે સવાલ ઉઠાવ્યા કે, “જો મરદ મૂછાળા હોત તો સાથે આવવું હતું.”

