આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાનું તમામ પદ પરથી રાજીનામું

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પક્ષના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીનાં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. સુરેન્દ્રનગર જિલ્લા અને ખાસ કરીને ખેડૂત રાજકારણમાં છેલ્લા થોડા સમયથી સક્રિય રાજુ કરપડાએ પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલી આપ્યું છે અને સોશિયલ મીડિયા પર તેની ઘોષણા પણ કરી છે.

રાજુ કરપડા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હતા. તેમણે વ્યક્તિગત કારણોને લીધે વર્તમાન જવાબદારીઓનું નિર્વહન કરવું શક્ય નથી એમ કહ્યું છે. તેમણે ફેસબુક પર લખ્યું છે કે, “મિત્રો આજે હું આમ આદમી પાર્ટીના તમામ પદોથી રાજીનામું આપું છું. મારો નિર્ણય તમને જરૂર ચોંકાવશે. મેં પાર્ટીને મજબૂત બનાવવા માટે મારા પરિવારને ખાસ મહત્વ અને સમય આપ્યો છે. પરંતુ કુદરતે આ સાથ અહીં સુધી જ લખ્યો હતો. જો મેં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય તો હું માફી માગું છું.”

આમ તો નેતાએ બીજાં કોઈ કારણો જણાવ્યાં નથી પરંતુ માનવામાં આવે છે કે AAPમાં ચાલતા આંતરિક વિખવાદ એક કારણ હોય શકે છે. જોકે વધુ વિગતો તેઓ પોતે સ્પષ્ટતા કરશે ત્યારે જ સામે આવશે.

એ પણ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં બોટાદમાં આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતના નામે પોલીસ પર જીવલેણ હુમલો થયો હતો ત્યારે આ સભા આયોજિત કરનાર AAP નેતાઓમાં એક નામ રાજુ કરપડાનું પણ હતું. ત્યારબાદ તેમની સામે FIR દાખલ કરવામાં આવી હતી અને લાંબો સમય તેઓ જેલમાં પણ રહી આવ્યા. તાજેતરમાં જ કોર્ટે તેમને જામીન પર મુક્ત કર્યા હતા અને હવે તેમણે આમ આદમી પાર્ટી જ છોડી દીધી છે.