પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો, તેને લઈને બંગાળની હિંદુ પ્રજામાં ઉત્સાહ અને પછી મમતા બેનર્જીના ‘ઇસ્તીફા નહીં દુંગી’વાળા ડ્રામાના સમાચારોમાં ગઈકાલના એક અગત્યના સમાચાર દબાઈ ગયા અથવા તેની ઝાઝી ચર્ચા ન થઈ. સબરીમાલા રેફરન્સ પર સુનાવણી કરતી સુપ્રીમ કોર્ટની નવ જજોની બેન્ચે ‘ઇન્ડિયન યંગ લૉયર્સ એસોશિએશન’ નામની એક સંસ્થાને બહુ કડક શબ્દોમાં ફટકાર લગાવી અને અમુક એવા પ્રશ્નો કર્યા, જેના જવાબો શોધીએ તો ઘણે દૂર જઈ શકાય એમ છે.
સબરીમાલા રેફરન્સથી અજાણ હોય તેમના માટે– 2018માં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપીને કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયજૂથની મહિલાઓને પ્રવેશ માટે લીલી ઝંડી આપી હતી. આ કેસનાં મૂળ 2006ની એક પિટિશનમાં છે, જે આ ‘ઇન્ડિયન યંગ લૉયર્સ અસોશિએશન’એ દાખલ કરી હતી.
સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પા બિરાજમાન છે, જેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી છે. એટલે મંદિરની પરંપરા એવી છે કે 10થી લઈને 50 વર્ષ સુધીના વયજૂથની મહિલાઓ મંદિરમાં પ્રવેશ ન કરી શકે. આ વયજૂથની બહારની મહિલાઓને કોઈ પાબંદી નથી. દાયકાઓથી ચાલતી આવેલી આ પરંપરાને આ NGOએ કોર્ટમાં પડકારી હતી. ત્યારબાદ 2018નો ચુકાદો આવ્યો જે પરંપરાની વિરુદ્ધ હતો. પણ સામાજિક સ્તરે તેને સ્વીકાર્યતા ન મળી. વચ્ચે અમુક મહિલાઓએ પ્રવેશનો પ્રયાસ કર્યો તો ઘર્ષણ થયું. એટલે આજની તારીખે કોર્ટ તરફથી મંજૂરી હોવા છતાં મંદિરની પરંપરાનું પાલન સામાજિક સ્તરે તો થાય જ છે.
બીજી તરફ 2018ના ચુકાદાની વિરુદ્ધ અનેક પુનર્વિચાર અરજીઓ દાખલ થઈ અને કોર્ટને ફરી વિચાર કરવા માટે કહેવાયું. 2019માં કોર્ટે કહ્યું કે અરજીઓ સાંભળવા યોગ્ય છે અને તેને નવ જજોની બંધારણીય બેન્ચ સમક્ષ મોકલવામાં આવે. તત્કાલીન ચીફ જસ્ટિસ બોબડેની અધ્યક્ષતામાં એક બેન્ચની રચના થઈ પણ ખરી, પણ કોવિડ મહામારીના કારણે સુનાવણી આગળ ચાલી શકી નહીં. હમણાં ફેબ્રુઆરીમાં કોર્ટે ફરી 9 જજોની બેન્ચ બનાવી. આ બેન્ચ હવે સુનાવણી કરી રહી છે. જોકે આમાં કોર્ટે મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ અને પારસી મહિલા સમુદાયની બહાર લગ્ન કરે તો તેને અગિયારીમાં પ્રવેશ આપવો જોઈએ કે કેમ જેવા બીજા પણ અમુક કેસ ક્લબ કરી દીધા છે. કારણ એ છે કે તમામ કેસમાં એક પ્રશ્ન સામાન્ય છે– આસ્થાના વિષયમાં કોર્ટનો હસ્તક્ષેપ હોવો જોઈએ કે કેમ અને હોવો જોઈએ તો કેટલી હદ સુધીનો હોવો જોઈએ. આ રેફરન્સ પર સુનાવણીને અંતે કોર્ટ આના સહિત 7 પ્રશ્નોના જવાબ મેળવશે.
વકીલો માટે કામ કરતી સંસ્થાને હિંદુ મંદિર વિશે અરજી કરવાની જરૂર કેમ પડી?
આ જ સુનાવણીના 11મા દિવસે મંગળવારે (5 મે) કોર્ટે મૂળ કેસની અરજી દાખલ કરનાર ઇન્ડિયન યંગ લૉયર્સ એસોશિએશનને પણ સાંભળ્યું. દરમ્યાન કોર્ટે આ NGOને પ્રશ્ન કર્યો કે આખરે સબરીમાલા જેવા કેસમાં એક લૉયર્સ એસોશિએશન જેવી સંસ્થાને શું લાગેવળગે છે? તેમણે આ અરજી દાખલ શું કામ કરી હતી એ પહેલો પ્રશ્ન છે.
કોર્ટ અહીં એ નથી કહી રહી કે કોઈ અરજી દાખલ ન કરી શકે, પણ આ એક જાહેરહિતની અરજી હતી. વિષય આસ્થા અને શ્રદ્ધાનો છે. એક મંદિરમાં દાયકાઓથી ચાલતી આવતી પરંપરાનો છે. તો આ બધા વિષયો પર ચર્ચા કરવી હોય, ન્યાય માગવો હોય તો જેઓ અરજી કરી રહ્યા છે તેમને વિષય સાથે કોઈ સંબંધ હોવો જોઈએ. અહીં એક લૉયર્સ એસોશિએશન છે, જેને ધાર્મિક બાબતો સાથે પ્રથમ દૃષ્ટિએ કશું જ લાગતું-વળગતું નથી. એટલે કોર્ટે તેમને પૂછ્યું કે આખરે તમે આ જાહેરહિતની અરજી દાખલ કેમ કરી હતી અને તેમાંથી શું મેળવી લીધું?
SABARIMALA HEARING-DAY 11
— LawBeat (@LawBeatInd) May 5, 2026
Supreme Court's 9-judge bench to continue hearing batch of petitions pertaining to its 2018 verdict. pic.twitter.com/2fkNgCImyp
કોર્ટે વધુ પ્રશ્નોત્તર કર્યા ત્યારે જાણવા મળ્યું કે આ એસોશિએશને જ્યારે અરજી દાખલ કરી હતી ત્યારે તેનો અધ્યક્ષ નૌશાદ અલી હતો! નૌશાદની અધ્યક્ષતાવાળા એક NGOએ કોર્ટમાં એક હિંદુ મંદિરની પરંપરાને પડકારતી અરજી કરી હતી! જેમાં નૌશાદને કે તેના NGOને સીધી રીતે કશું જ લાગતું-વળગતું નથી.
વળી કોર્ટે પ્રશ્ન કર્યા તો ખબર પડી કે આખી અરજી અમુક સનસનાટીભર્યા અખબારી અહેવાલોના આધારે ઘસી નાખવામાં આવી હતી. એક અતિપ્રાચીન મંદિર, તેની દાયકાઓ જૂની પરંપરા, તેના નિયમો બધું પલટાવી નાખવા માટે એક લૉયર્સ એસોશિએશન અરજી દાખલ કરે છે, જેનો અધ્યક્ષ નૌશાદ અલી છે અને એ પણ સમાચાર અહેવાલોના આધારે. આટલું સાંભળીને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કહ્યું– આ તો કાયદાનો સ્પષ્ટ દુરુપયોગ છે અને આવી અરજીને કચરાપેટીમાં નાખી દેવી જોઈતી હતી.
નૌશાદની અધ્યક્ષતાવાળી સંસ્થાને હિંદુ પરંપરા બદલવામાં કેમ રસ?
મૂળ પ્રશ્ન એ છે કે નૌશાદ અલીની અધ્યક્ષતાવાળી સંસ્થાને કે પછી તેમાં કામ કરનારાઓને, જેમનું મૂળ કામ કાયદા અને ધારાશાસ્ત્ર સાથે છે, તેમને એક હિંદુ મંદિરની પરંપરા બદલવાની ચળ કેમ ઉપડી હતી, જ્યારે મૂળ હિંદુઓ, પ્રેક્ટિસિંગ હિંદુઓ, જેઓ ખરેખર મંદિરમાં જાય છે તેમને આ પરંપરા વિરુદ્ધ કોઈ વાંધો ન હતો?
વાસ્તવમાં ઇકોસિસ્ટમ આ જ રીતે કામ કરે છે. મીડિયામાં બેઠેલા અમુક પત્રકારો મંદિરોને, હિંદુ આસ્થાઓ અને પરંપરાઓને ટાર્ગેટ કરીને, અધૂરી માહિતી સાથે અહેવાલો છાપે છે. તેના આધારે આવાં ઓર્ગેનાઈઝેશન, NGO અરજીઓ લઈને કોર્ટ દોડી જાય છે. અરજી થતાંની સાથે મીડિયામાં ફરી તેની ચર્ચા શરૂ થઈ જાય છે. મોટા વકીલો રોકવામાં આવે છે અને આખરે કોર્ટ સુનાવણી શરૂ કરે છે. પરંતુ અહીં સુપ્રીમ કોર્ટની નવ જજોની બેન્ચે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું– આ અરજી સંભળાય જ નહીં અને તેને પહેલા દિવસે નકારી દેવી જોઈતી હતી.
જાહેરહિતની અરજીની વ્યવસ્થા એવા લોકો માટે કરી છે જેઓ સુપ્રીમ કોર્ટ ન પહોંચી શકે અને કોઈ મુદ્દો જેમાં એક બહુ મોટા વર્ગનું હિત સમાયેલું હોય તો તેમના વતી આવી અરજી દાખલ કરીને ન્યાય મેળવી શકાય. પણ ઇકોસિસ્ટમ આ વ્યવસ્થાનો દુરુપયોગ હિંદુ આસ્થા સાથે આવી ખિલવાડ કરવા માટે કરવાનું શીખી ગઈ છે. જેમાં ઘણી વખત અરજી કરનારાને કશું લાગતું-વળગતું હોતું નથી, જેવું આ કિસ્સામાં બન્યું. એટલે જ આ રેફરન્સ પર કેન્દ્ર સરકાર વતી દલીલ કરતી વખતે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને વિનંતી કરી– ધર્મ અને આસ્થાની બાબતમાં કોઈને પણ મોં ઉઠાવીને PIL કરવાની પરવાનગી ન આપવી જોઈએ અને પહેલાં એ જોવું જોઈએ કે તેઓ ખરેખર એ પરંપરા-ધર્મ પ્રત્યે આસ્થા ધરાવે છે કે કેમ.
પરંપરા કેમ?
વાત જ્યાં સુધી સબરીમાલા કેસની છે, મંદિરના સંચાલકો અનેક વખત આ પરંપરા પાછળનાં કારણો સમજાવી ચૂક્યા છે. આ કેસમાં પણ બહુ વિગતવાર દલીલો થઈ છે. ઈન્ટરનેટ પર સર્ચ કરશો તો દરેક દિવસે થયેલા હિયરિંગની વિગતો મળી જશે. બોર્ડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દેવતા નૈષ્ઠિક બ્રહ્મચારી છે એટલે તેમના બ્રહ્મચર્યનું સન્માન કરવા માટે આ પરંપરા જરૂરી છે. બાકી દેશમાં સ્વામી અયપ્પાનાં અન્ય મંદિરો પણ છે, ત્યાં કોઈ પાબંદી નથી. એવું પણ નથી કે આ લૈંગિક ભેદભાવ છે, રોક માત્ર એક ચોક્કસ વયજૂથની મહિલાઓ માટે છે.
આ કેસમાં પક્ષકારો અને સરકાર બંને સર્વોચ્ચ અદાલતનું ધ્યાન એ વાતે પણ દોરી ચૂક્યા છે કે ધર્મ અને આસ્થાની બાબતમાં જજ સાહેબોએ માત્ર એટલું જ જોવું જોઈએ કે એ પરંપરાનું પાલન થાય છે કે કેમ. તે સાચી છે કે ખોટી એ નક્કી કરવાનું કામ કોર્ટનું નથી. એ આસ્થાળુઓ પર છોડી દેવું જોઈએ. બંધારણમાં જે નથી કહેવાયું એવી વાતો પોતાની રીતે જ ઘૂસાડીને ધાર્મિક બાબતોમાં વધુ પડતા હસ્તક્ષેપની જરૂર નથી એવું સમજાવવામાં આવ્યું છે, પણ સભ્ય ભાષામાં. સંભવતઃ કોર્ટને પણ આ વાતો ગળે ઉતરી છે. આગળ જોઈએ કોર્ટ 2018ના ચુકાદામાં થયેલી ભૂલ સુધારે છે કે કેમ.


