બહુચર્ચિત સબરીમાલા કેસમાં પુનર્વિચાર માટે આવેલી અરજીઓ પર ફરીથી સુનાવણી કરવા માટે રચવામાં આવેલી સુપ્રીમ કોર્ટની નવ જજોની બંધારણીય બેન્ચે 7 એપ્રિલથી કાર્યવાહી શરૂ કરી છે. દરમ્યાન પહેલા દિવસે કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ 10 મુદ્દાઓમાં દલીલો રજૂ કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં નવ જજોની આ બંધારણીય બેન્ચ કોઈ અતિઅગત્યના કાયદાકીય મુદ્દા કે બંધારણીય અર્થઘટન માટે ખાસ રીતે અને ટૂંકા ગાળા માટે જ રચવામાં આવે છે, જે કાયમી ધોરણે બેસતી નથી. આવી મોટી બેન્ચની રચના ત્યારે જ કરવામાં આવે છે જ્યારે કોઈ કેસના ચુકાદાની અસર દેશના કાયદાકીય માળખા કે સમાજ પર ખૂબ મોટા પાયે થવાની હોય, જેથી ગંભીર ચર્ચા-વિચારણા દ્વારા આખરી અને સ્પષ્ટ નિર્ણય લઈ શકાય, સબરીમાલા કેસ એ એવો જ એક અગત્યનો મુદ્દો છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં લેખિત દલીલોમાં 2018ના ચુકાદાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશનનું સમર્થન કર્યું છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે કોર્ટે ધાર્મિક વિવાદો, જાહેર હિતની અરજીઓ (PIL) અને ધાર્મિક સ્વતંત્રતાના અર્થઘટન બાબતે એક સ્પષ્ટ અને કાયમી ન્યાયિક નીતિ નિર્ધારિત કરવી જોઈએ. આ રજૂઆત પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભવિષ્યમાં જ્યારે પણ પરંપરાગત ધાર્મિક માન્યતાઓ અને બંધારણીય અધિકારો વચ્ચે ટકરાવ થાય ત્યારે બંધારણીય કોર્ટે કઈ મર્યાદામાં રહીને હસ્તક્ષેપ કરવો અને ધાર્મિક બાબતોમાં ત્રીજા પક્ષ દ્વારા કરાતી અરજીઓને કેવી રીતે ધ્યાને લેવી, તે અંગે એક ચોક્કસ માર્ગદર્શિકા ઉપલબ્ધ રહે.
જેઓ ધર્મ-પરંપરા પાળતા જ ન હોય તેઓ ધાર્મિક બાબતોમાં દખલગીરી કરીને PIL ન કરી શકે
કેન્દ્ર સરકારનું કહેવું છે કે જે લોકો કોઈ ચોક્કસ ધર્મ કે પરંપરામાં શ્રદ્ધા આસ્થા રાખતા ન હોય તેમને અન્ય ધર્મ-પંથના રિવાજોને કોર્ટમાં પડકારવાની મંજૂરી ન આપવી જોઈએ. સરકારની દલીલ મુજબ, 1980માં ‘જાહેર હિતની અરજી’ની (PIL) શરૂઆત માત્ર એવા ગરીબ અને વંચિત લોકોની મદદ માટે થઈ હતી જેઓ પોતે કોર્ટ સુધી પહોંચી શકતા નથી પરંતુ અત્યારે એક્ટિવિસ્ટો તેનો ઉપયોગ પોતાની વિચારધારા થોપવા માટે કરી રહ્યા છે, જેના કારણે કોર્ટ પર બિનજરૂરી બોજ વધે છે અને ધાર્મિક બાબતોમાં બહારની વ્યક્તિઓની દખલ વધે છે.
આ દલીલનો મુખ્ય મુદ્દો ‘લોકસ સ્ટેન્ડી’ (કાનૂની અધિકાર) છે, એટલે કે જો તમે કોઈ મંદિરમાં દર્શન કરવા જતા નથી અથવા તે દેવી-દેવતામાં માનતા નથી, તો તમને તેના નિયમો બદલાવવાનો કાયદાકીય અધિકાર હોવો જોઈએ નહીં. સરકાર માને છે કે માત્ર તે ધર્મના સાચા અનુયાયીઓ જ પરંપરામાં સુધારો કરવાની માંગ કરી શકે. બહારના લોકો દ્વારા થતી દખલગીરીથી વર્ષો જૂની આસ્થા અને ધર્મના મૂળ માળખાને નુકસાન પહોંચવાની સંભાવના રહે છે.
‘બંધારણીય નૈતિકતા’ જેવા શબ્દો વચ્ચે લાવીને વર્ષો જૂની ધાર્મિક પરંપરા ન તોડી શકાય
આ સિવાય, કેન્દ્ર સરકારનું કહેવું છે કે કોર્ટે ‘બંધારણીય નૈતિકતા’ જેવા નવા ખ્યાલોનો ઉપયોગ કરીને વર્ષો જૂની ધાર્મિક પરંપરાઓને તોડવી ન જોઈએ. સરકારના મતે બંધારણમાં ‘નૈતિકતા’ શબ્દનો અર્થ સમાજની સામાન્ય માન્યતાઓ અને પાયાનાં મૂલ્યો સાથે જોડાયેલો છે, નહીં કે કોર્ટ દ્વારા નક્કી કરાયેલી કોઈ નવી વ્યાખ્યા મુજબ. સરકાર દલીલ કરે છે કે આ ખ્યાલ ભૂલભરેલો છે, કારણ કે ભૂતકાળમાં એડલ્ટરી જેવા કેસમાં તેનો ઉપયોગ કરીને કોર્ટે ભારતીય સમાજની નૈતિકતાની અવગણના કરી હતી.
સોલિસિટર જનરલે એવી ટીકા કરી છે કે કોર્ટે ઘણીવાર પશ્ચિમી દેશો અને અમેરિકાના જૂના વિચારોના આધારે ભારતની પરંપરાઓને નબળી પાડી છે. સરકારની સ્પષ્ટ ચેતવણી છે કે પશ્ચિમી દેશોની નકલો કરીને અથવા ‘સેક્સ્યુઅલ પ્રાઇવસી’ જેવા વિચારો લાદીને ભારતની પ્રાચીન ધાર્મિક પ્રથાઓને રદ કરવી જોઈએ નહીં. ટૂંકમાં, સરકાર કહી રહી છે કે કોર્ટે પોતે બનાવેલી નવી નૈતિકતાના નામે ભારતની વર્ષો જૂની આસ્થા અને સંસ્કૃતિમાં બિનજરૂરી દખલગીરી કરવાથી બચવું જોઈએ.
શ્રદ્ધા-આસ્થાની બાબતમાં કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી, એ ધર્મના અનુયાયી પર છોડી દઈએ
જ્યારે કોઈ ધાર્મિક વિવાદ થાય ત્યારે ન્યાયતંત્ર નક્કી કરે છે કે તે રિવાજ ધર્મનો ‘અનિવાર્ય’ (ખૂબ જ જરૂરી) ભાગ છે કે નહીં. કેન્દ્ર સરકાર આ પદ્ધતિનો સખત વિરોધ કરી રહી છે અને તેને સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરી છે. સરકારનું કહેવું છે કે આ નિયમ બંધારણમાં ક્યાંય લખેલો નથી પરંતુ જજોએ પોતે જ આ પ્રથા ઊભી કરી છે અને તેને કાયદા જેવું મહત્વ આપી દીધું છે, જે ખોટું છે.
સરકારની બીજી મહત્વની દલીલ એ છે કે કોર્ટના જજો પાસે ધાર્મિક ગ્રંથો કે શાસ્ત્રોનું એટલું ઊંડું જ્ઞાન હોતું નથી કે તેઓ નક્કી કરી શકે કે કયો રિવાજ સાચો છે અને કયો ખોટો. જે બાબત કોઈ એક વ્યક્તિ માટે અંધશ્રદ્ધા હોય, તે બીજી વ્યક્તિ માટે અતૂટ શ્રદ્ધા હોઈ શકે છે. તેથી પવિત્ર ગ્રંથોનું અર્થઘટન કરીને કઈ બાબતમાં કેટલી આસ્થા છે એ કામ કોર્ટે કરવાને બદલે ધર્મ અને શ્રદ્ધાળુઓ પર જ છોડી દેવું જોઈએ.
‘હિંદુ ધર્મ વિશાળ છે, પશ્ચિમી મોડેલના આધારે ન જોઈ શકાય’
‘અનિવાર્ય ધાર્મિક પ્રથા’ના પરીક્ષણની ટીકા કરતા કેન્દ્ર સરકારે ધ્યાન દોર્યું છે કે, આ સિદ્ધાંત અજાણતાં જ હિંદુ ધર્મની પરંપરાઓને નિશાન બનાવે છે. સરકારની દલીલ છે કે વર્તમાન કાયદાકીય માળખું એવા ધર્મોને વધુ અનુકૂળ આવે છે જે જડ છે, એકેશ્વરવાદી છે અને જેમની પાસે એક નિશ્ચિત પવિત્ર પુસ્તક કે કેન્દ્રીય સત્તા (Authority) છે. તેની સામે હિંદુ ધર્મ ખૂબ જ વિશાળ છે, જેમાં હજારો વર્ષોથી અનેક સ્થાનિક પરંપરાઓ અને રિવાજો વણાયેલા છે. આથી પશ્ચિમી ઢબના કાયદાકીય માપદંડોને કારણે હિંદુ ધર્મની વિવિધતાને અન્યાય થાય છે.
સરકારે વધુમાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ કોઈ ધર્મને ‘સંપ્રદાય’ તરીકે ગણવા માટે જે નિયમો વાપરે છે, તે પશ્ચિમી દેશોના ‘ચર્ચ’ મોડેલ પર આધારિત છે, જે ભારતમાં લાગુ પડતા નથી. ભારતની પરંપરા દેવતા-કેન્દ્રિત છે, જેમાં ગુરુ-શિષ્ય પરંપરા અને અલગ-અલગ સંપ્રદાયોનું મહત્વ છે. કોર્ટે પશ્ચિમી દૃષ્ટિકોણ છોડીને ભારતની આંતરિક આધ્યાત્મિક વિવિધતા અને વર્ષો જૂની પરંપરાઓના અસ્તિત્વને માન્યતા આપવી જોઈએ.
દેવતાના બ્રહ્મચારી ચરિત્રનું સન્માન કરવું અત્યંત આવશ્યક
કેન્દ્ર સરકારે મિલકત અને ટ્રસ્ટના કાયદાનો હવાલો આપીને ભગવાન અયપ્પાના બ્રહ્મચારી સ્વરૂપનો બચાવ કર્યો છે. ભારતીય કાયદામાં હિંદુ દેવતાને એક જ્યુડિશિયલ પર્સન ગણવામાં આવે છે, જેનો દરજ્જો એવા બાળક જેવો છે જે હંમેશા સગીર (Minor) રહે છે. સબરીમાલામાં ભગવાન અયપ્પાને ‘નૈષ્ઠિક બ્રહ્મચારી’ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમ કોર્ટ કોઈ બાળકની અંગત પસંદગીઓને ખોટી ઠેરવી શકતી નથી, તેમ દેવતાના આ વિશિષ્ટ સ્વરૂપ કે તેનાથી જોડાયેલી માન્યતાઓને પણ કોર્ટ તર્કના આધારે નકારી શકે નહીં.
સરકારનું કહેવું છે કે સ્ત્રીઓના પ્રવેશ પરનો પ્રતિબંધ કોઈ ભેદભાવ કે સ્ત્રીઓ પ્રત્યેના દ્વેષને લીધે નથી, પરંતુ તે માત્ર દેવતાના બ્રહ્મચારી સ્વરૂપને જાળવી રાખવા માટે છે. આ દલીલને મજબૂત કરવા માટે સરકારે જણાવ્યું છે કે ભારતમાં એવાં પણ અનેક મંદિરો છે જ્યાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ બાબત સાબિત કરે છે કે આવા નિયમો માત્ર આસ્થા અને પૂજાની વિશિષ્ટ પદ્ધતિઓ સાથે જોડાયેલા હોય છે, લિંગભેદ સાથે નહીં.
બંધારણ કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપે છે, ધર્મનાં આંતરિક માળખાં બદલવાની નહીં
બંધારણનો અનુચ્છેદ 25 દરેક વ્યક્તિને પોતાનો ધર્મ માનવાની અને પાળવાની સ્વતંત્રતા આપે છે. સબરીમાલા કેસમાં અરજદારોનું કહેવું છે કે આ સ્વતંત્રતાનો અર્થ એ છે કે ધર્મની અંદર પણ સ્ત્રી અને પુરુષ બંનેને સમાન અધિકાર મળવા જોઈએ. જોકે કેન્દ્ર સરકાર આ વાતનો વિરોધ કરે છે. સરકારનું માનવું છે કે ધર્મ પાળવાની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે કોર્ટ ધર્મની વર્ષો જૂની આંતરિક પરંપરાઓમાં ફેરફાર કરે.
સરકારે સમજાવ્યું છે કે જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે તેનો મુખ્ય હેતુ વિવિધ ધર્મો વચ્ચે ભેદભાવ રોકવાનો હતો (જેને Inter-faith equality કહેવાય છે). તેનો હેતુ કોઈ એક ધર્મની અંદર ચાલતા લિંગ સંબંધિત નિયમોમાં દખલ કરવાનો કે તેને બદલવાનો નહોતો (જેને Intra-faith equality કહેવાય છે). ટૂંકમાં, સરકાર મુજબ આ કલમનો ઉપયોગ ધર્મના આંતરિક માળખા કે રિવાજોને તોડવા માટે કરવો એ બંધારણના મૂળ વિચારની વિરુદ્ધ છે.
વ્યક્તિગત અધિકારો અને સામૂહિક આસ્થા વચ્ચે સંતુલન જરૂરી
કેન્દ્ર સરકારે પોતાની રજૂઆતમાં એક મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે કોઈ એક મહિલાનો મંદિરમાં પ્રવેશવાનો મૂળભૂત અધિકાર અને લાખો શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થા (કે તે સ્ત્રીએ પ્રવેશ ન કરવો જોઈએ) સામસામે આવે, ત્યારે શું કરવું? આ માટે સરકારે ‘સંતુલનનો સિદ્ધાંત’ આપ્યો છે. સરકારનું કહેવું છે કે જો કોઈપણ શરત વગર સ્ત્રીઓને પ્રવેશ અપાય તો તે ભગવાન અયપ્પાના બ્રહ્મચારી સ્વરૂપમાં માનતા કરોડો લોકોની આસ્થાનો અંત લાવવા જેવું ગણાશે.
સરકારની દલીલ છે કે ભક્તો માટે ભગવાન અયપ્પાનાં અન્ય સેંકડો મંદિરો ખુલ્લાં જ છે, જ્યાં તેઓ પૂજા કરી શકે છે. પરંતુ સબરીમાલાની વર્ષો જૂની વિશિષ્ટ પરંપરાને જ ખતમ કરી દેવી એ યોગ્ય સંતુલન નથી. કોઈ એક વ્યક્તિનો વ્યક્તિગત આગ્રહ આખા સમાજની ઊંડી આસ્થા પર હાવી ન થવો જોઈએ. સરકાર મુજબ, કાયદો એવો હોવો જોઈએ જે એક વ્યક્તિના અધિકારને પણ ધ્યાનમાં રાખે અને સાથે સાથે લાખો લોકોની સામૂહિક શ્રદ્ધા અને પરંપરાનું અસ્તિત્વ પણ જાળવી રાખે.
ધાર્મિક સુધારા એ સંસદનું કાર્ય છે, ન્યાયતંત્રનું નહીં
કેન્દ્ર સરકારનું માનવું છે કે હિંદુ ધર્મની સંસ્થાઓમાં સામાજિક સુધારા લાવવાની જવાબદારી અને સત્તા માત્ર દેશની સંસદ કે ધારાસભા પાસે જ છે, કોર્ટ પાસે નહીં. બંધારણના અનુચ્છેદ 25(2)(બી) મુજબ, લોકશાહીમાં કાયદો બનાવવાની શક્તિ જનપ્રતિનિધિઓને આપવામાં આવી છે. સરકાર કહે છે કે બંધારણના ઘડવૈયાઓએ આ સત્તા વિચારીને જ સંસદને આપી છે, જેથી કોર્ટ પોતાની રીતે ધાર્મિક બાબતોમાં ફેરફાર કરવાનું કામ હાથમાં ન લે.
સરકારે કહ્યું છે કે ધર્મ જેવા સંવેદનશીલ વિષયોમાં કોર્ટનો ચુકાદો ક્યારેય ચૂંટાયેલી સરકારના કાયદાનું સ્થાન ન લઈ શકે. સામાજિક સુધારા એ એક લાંબી રાજકીય અને કાયદાકીય પ્રક્રિયા છે, જે લોકોની ઈચ્છા અને લોકશાહી પર આધારિત હોવી જોઈએ. તેથી, કોર્ટે પોતે આગળ વધીને ધાર્મિક રિવાજો બદલવાને બદલે આ કામ જનપ્રતિનિધિઓ પર છોડી દેવું જોઈએ, કારણ કે તેઓ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.
મંદિર પ્રવેશના કાયદાઓ જ્ઞાતિ આધારિત હતા, લિંગ આધારિત નહીં
કેન્દ્ર સરકારનું કહેવું છે કે બંધારણમાં હિંદુ ધાર્મિક સંસ્થાઓને ‘તમામ વર્ગો માટે ખુલ્લી મૂકવાની’ જે વાત છે, તેનો અર્થ ‘સ્ત્રી-પુરુષ સમાનતા’ એવો થતો નથી. સરકારના મતે જ્યારે બંધારણ ઘડાયું ત્યારે તેનો મુખ્ય હેતુ જ્ઞાતિ આધારિત ભેદભાવ અને અસ્પૃશ્યતાને દૂર કરવાનો હતો. મહાડ અને ગુરુવાયુર સત્યાગ્રહ જેવા ઐતિહાસિક આંદોલનોનો ઉલ્લેખ કરીને સરકારે જણાવ્યું છે કે આ જોગવાઈ ખાસ કરીને દલિતો અને પછાત વર્ગોને મંદિરમાં પ્રવેશ આપવા માટે બનાવવામાં આવી હતી.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે મંદિરના દરવાજા ખોલવાનો આદેશ જ્ઞાતિવાદને નાબૂદ કરવા માટે હતો, નહીં કે ધાર્મિક વિધિઓમાં સ્ત્રી-પુરુષ સમાનતા લાદવા માટે. સરકારના મત, સામાજિક ભેદભાવ (જ્ઞાતિવાદ) દૂર કરવો અને ધાર્મિક પરંપરાઓનું પાલન કરવું– આ બંને અલગ બાબતો છે. કોર્ટે સમજવું જોઈએ કે જ્ઞાતિના આધારે થતો અન્યાય રોકવો જરૂરી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ધર્મની દરેક વિશિષ્ટ પરંપરાને લિંગ સમાનતાના નામે બદલી નાખવી.
કોઈ માન્યતા શ્રદ્ધાળુઓની ઊંડી આસ્થાનો ભાગ છે એ સ્પષ્ટ થઈ જાય પછી વધુ દખલગીરી જરૂરી નથી
કેન્દ્ર સરકારનું કહેવું છે કે કોર્ટએ ‘આ પ્રથા ધર્મ માટે કેટલી જરૂરી છે’ તે નક્કી કરવાનું બંધ કરવું જોઈએ, કારણ કે ભારત સિવાય દુનિયાના અન્ય દેશોમાં આવી કોઈ પદ્ધતિ નથી. તેના બદલે સરકારે યુરોપ અને અમેરિકા જેવા દેશોનું ઉદાહરણ આપીને સિન્સિયારિટી ટેસ્ટ સૂચવ્યું છે. આનો અર્થ એ છે કે કોર્ટે માત્ર એટલું જ જોવું જોઈએ કે શ્રદ્ધાળુઓ તે પરંપરામાં સાચા હૃદયથી અને પ્રામાણિકપણે માને છે કે નહીં.
જો એ સાબિત થઈ જાય કે કોઈ માન્યતા શ્રદ્ધાળુઓની ઊંડી આસ્થાનો ભાગ છે તો કોર્ટે તે વિષયમાં વધુ દખલ ન કરવી જોઈએ. સરકાર મુજબ એકવાર આ નક્કી થઈ જાય પછી કોર્ટે ધાર્મિક વિવાદોમાંથી પરત ફરવું જોઈએ અને તે સમુદાયને પોતાની રીતે પરંપરાઓ નિભાવવાની સ્વતંત્રતા આપવી જોઈએ. આ રીતે કોર્ટે ધાર્મિક બાબતોના જાણકાર બનવાને બદલે શ્રદ્ધાનું સન્માન કરવું જોઈએ.
શું છે સમગ્ર મામલો
સબરીમાલા મંદિર કેરળમાં આવેલું એક અત્યંત પવિત્ર હિંદુ મંદિર છે, જ્યાં ભગવાન અયપ્પાની (લોર્ડ અય્યપ્પા) પૂજા થાય છે. આ મંદિરની પરંપરા અનુસાર, ભગવાન અયપ્પાને ‘નૈષ્ઠિક બ્રહ્મચારી’ તરીકે માનવામાં આવે છે. તેથી, 10થી 50 વર્ષની રજસ્વલા મહિલાઓને મંદિરમાં પ્રવેશ ન કરવાની પરંપરા દાયકાઓથી ચાલતી આવી છે. આ પરંપરા મંદિરની આસ્થા સાથે જોડાયેલી છે. મંદિરમાં તીર્થયાત્રા માટે 41 દિવસનું વ્રત, બ્રહ્મચર્ય પાળવું, આલ્કોહોલ, માંસ અને તમાકુનું સેવન ન કરવું તથા સાદાં વસ્ત્રો પહેરવા જેવા નિયમો છે.
મહિલાઓના પ્રવેશ પરના આ પ્રતિબંધને 1990ના દાયકામાં કાનૂની પડકાર આપવામાં આવ્યો હતો. 1991માં કેરળ હાઇકોર્ટે આ મામલે મહત્વનો ચુકાદો આપતાં જણાવ્યું કે આ પ્રતિબંધ દાયકાઓ જૂની પરંપરા છે અને તે મંદિરના મૂળ ચરિત્ર સાથે જોડાયેલી બાબત છે. હાઇકોર્ટે આ પરંપરાને યથાવત રાખી હતી અને સરકારને નિર્દેશ આપ્યો હતો કે આ ધાર્મિક પરંપરા જળવાય રહે તે સુનિશ્ચિત કરવામાં આવે.
જોકે, 2006માં ‘ઇન્ડિયન યંગ લૉયર્સ એસોસિએશન’ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી, જેમાં એવી દલીલ કરવામાં આવી કે મહિલાઓ પરનો આ પ્રતિબંધ બંધારણના અનુચ્છેદ 14 મુજબ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે. બીજી તરફ, મંદિર સમર્થકોએ અનુચ્છેદ 25 હેઠળ ધાર્મિક સ્વતંત્રતા અને પરંપરા જાળવવાની દલીલ કરી હતી.
લાંબી કાનૂની પ્રક્રિયા બાદ 28 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે 4:1ના બહુમતીથી ચુકાદો આપ્યો કે તમામ વયની મહિલાઓને પ્રવેશ મળવો જોઈએ. કોર્ટે ઠેરવ્યું કે મહિલાઓને બાકાત રાખવી એ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. નોંધનીય છે કે બેન્ચના એકમાત્ર મહિલા જજ ઇન્દુ મલ્હોત્રાએ આમાં અસંમતિ દર્શાવી હતી કે આસ્થાની બાબતમાં કોર્ટે હસ્તક્ષેપ ન કરવો જોઈએ.
ચુકાદા પછીનો સંઘર્ષ અને નવ જજોની બેન્ચની રચના
2018ના ચુકાદા બાદ કેરળ અને દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયાં હતાં, જેના પરિણામે સુપ્રીમ કોર્ટમાં અનેક રિવ્યૂ પિટિશન્સ (પુનઃવિચારણા અરજીઓ) દાખલ કરવામાં આવી હતી. આ ગંભીરતાને ધ્યાને લઈને નવેમ્બર 2019માં કોર્ટે આ કેસને મોટી બેન્ચને સોંપવાનો નિર્ણય કર્યો, જેથી ધાર્મિક સ્વતંત્રતા અને બંધારણીય નૈતિકતા વચ્ચેના સંઘર્ષનું ઊંડું વિશ્લેષણ કરી શકાય. આ કેસમાં હવે ‘એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ’ એટલે કે ધર્મની અનિવાર્ય પ્રથાઓ અને તેમાં ન્યાયતંત્રના હસ્તક્ષેપની મર્યાદા જેવા પાયાના બંધારણીય પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
વર્તમાન સ્થિતિ મુજબ, ફેબ્રુઆરી 2026માં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતામાં 9 જજોની વિશાળ બંધારણીય બેન્ચની રચના કરવામાં આવી છે, જેમાં જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશ સહિતના અનુભવી ન્યાયાધીશો સામેલ છે. સુપ્રીમ કોર્ટની નવ જજોની બેન્ચ મુખ્યત્વે એ પ્રશ્નો પર વિચાર કરશે કે આર્ટિકલ 25 હેઠળ ધાર્મિક સ્વતંત્રતાની સીમા કેટલી છે, વ્યક્તિના ધાર્મિક અધિકારો અને ધાર્મિક સંપ્રદાયના પોતાના નિયમો ચલાવવાના અધિકારો (આર્ટિકલ 26) વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું, અને શું આ ધાર્મિક અધિકારો સમાનતા જેવા અન્ય મૂળભૂત અધિકારોને આધીન છે?
આ સાથે અદાલત બંધારણમાં વપરાયેલા ‘નૈતિકતા’ શબ્દના અર્થ અને તેમાં ‘બંધારણીય નૈતિકતા’ના સમાવેશ અંગે સ્પષ્ટતા કરશે, તેમજ ન્યાયતંત્ર કઈ મર્યાદા સુધી ધાર્મિક પ્રથાઓની સમીક્ષા કરી શકે તે નક્કી કરશે. વધુમાં, આર્ટિકલ 25(2)(b)માં ઉલ્લેખિત ‘હિંદુઓના વર્ગ’ શબ્દની વ્યાખ્યા તપાસવામાં આવશે અને સૌથી મહત્વનું એ કે, શું કોઈ બહારની વ્યક્તિ જે-તે સંપ્રદાયમાં માનતી ન હોવા છતાં તેની પરંપરાઓને જાહેરહિતની અરજી દ્વારા પડકારી શકે કે નહીં તે અંગે પણ આખરી નિર્ણય લેવામાં આવશે.
આ 9 જજોની બેન્ચે 7 એપ્રિલ 2026થી નિયમિત સુનાવણી શરૂ કરી દીધી છે, જે 22 એપ્રિલ સુધી ચાલવાની છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, 7થી 9 એપ્રિલ દરમિયાન રિવ્યૂની તરફેણમાં અને 14થી 16 એપ્રિલ દરમિયાન તેની વિરુદ્ધમાં દલીલો સાંભળવામાં આવશે ત્યારબાદ 21 એપ્રિલે રિજોઇન્ડર અને 22 એપ્રિલે આખરી સુનાવણી પૂર્ણ કરી ચુકાદો અનામત રાખી શકે છે.


