હોમપેજદેશકેમ ફરી ચર્ચામાં આવ્યો સબરીમાલા કેસ, સુપ્રીમ કોર્ટે કેમ કરી 9 જજોની...

કેમ ફરી ચર્ચામાં આવ્યો સબરીમાલા કેસ, સુપ્રીમ કોર્ટે કેમ કરી 9 જજોની બેન્ચની રચના?– સમજો

શું કોર્ટ આસ્થા અને ધાર્મિક પ્રવૃત્તિઓની બાબતમાં હસ્તક્ષેપ કરી શકે અને કરી શકે તો ક્યાં સુધી કરી શકે?– સુપ્રીમ કોર્ટ શોધશે જવાબ?

- Advertisement -

ભારતના ન્યાયતંત્રના ઇતિહાસના બહુચર્ચિત અને જાણીતા કેસો પૈકીનો એક સબરીમાલા કેસ ફરીથી ચર્ચામાં છે. 2018ના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી કરવા માટે આખરે સોમવારે (16 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટે 9 જજોની બંધારણીય બેન્ચની રચના કરવાની ઘોષણા કરી. 7 એપ્રિલથી આ બેન્ચ સુનાવણીની શરૂઆત કરશે અને 22 સુધી ચાલશે.

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાનીવાળી ત્રણ જજોની બેન્ચે સોમવારે (16 ફેબ્રુઆરી) જણાવ્યું કે CJI એક અલગ આદેશથી નવ જજોની બેન્ચની રચના કરશે, જે આ સમગ્ર મામલો જોશે.

સુપ્રીમ કોર્ટમાં નવ જજોની બેન્ચ કાયમ બેસતી નથી. આ બંધારણીય બેન્ચ કોઈ અતિઅગત્યના મુદ્દે સુનાવણી કરવા માટે ટૂંકાગાળા માટે, એ કેસ પૂરતી રચવામાં આવે છે. આવી મોટી બેન્ચ ખાસ કરીને એવા મુદ્દાઓની સુનાવણી કરે છે જેના ચુકાદાનાં પરિણામો મોટાપાયે આવી શકે અથવા કોઈ બંધારણીય બાબતોનું અર્થઘટન કરવાનું હોય.

- Advertisement -

બંધારણમાં જોગવાઈ છે કે બંધારણના કોઈ પ્રશ્ન કે મામલાના અર્થઘટન સંબંધિત વિષય હોય તો સુનાવણી ઓછામાં ઓછા પાંચ જજની બેન્ચ દ્વારા થવી જોઈએ. જો મામલો અતિસંવેદનશીલ કે અગત્યનો હોય તો બેન્ચમાં 9 જજોને સમાવવામાં આવે છે. હાલ સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સંખ્યા 34 છે. તેને જોતાં લગભગ ત્રીજા ભાગના જજો એક જ બેન્ચમાં ભાગ લે છે. જોકે ભૂતકાળમાં 13 જજોની બેન્ચે પણ સુનાવણી કરી છે. જેમકે મૂળભૂત માળખાનો જ્યારે પ્રશ્ન આવ્યો હતો ત્યારે સુપ્રીમ કોર્ટની 13 જજોની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી, જે કેસ કેશવાનંદ ભારતી વર્સીસ સ્ટેટ ઑફ કેરાલા તરીકે જાણીતો છે.

હવે સબરીમાલા કેસ શું છે, 2018માં સુપ્રીમ કોર્ટે ચુકાદો શું આપ્યો હતો અને ફરી મામલો કેમ કોર્ટ પહોંચ્યો એ જાણીએ.

સબરીમાલા કેરળનું એક અતિવિખ્યાત અને અતિપવિત્ર હિંદુ મંદિર છે. અહીં ભગવાન અયપ્પા બિરાજમાન છે. દર વર્ષે લાખોની સંખ્યામાં હિંદુ શ્રદ્ધાળુઓ અહીં ભગવાનના દર્શને આવે છે પણ બાકીનાં મોટાભાગનાં મંદિરોની જેમ અહીં સીધા જઈને દર્શન કરી શકાતા નથી અને તેના અમુક નિયમો-પરંપરાઓ પાળવાં પડે છે.

મંદિરની તીર્થયાત્રા પહેલાં ભક્તોએ 41 દિવસનું વ્રત પાળવું પડે છે. દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરવાનું રહે, આલ્કોહોલ, માંસ, તમાકુ વગેરેનું સેવન ન કરી શકાય. સાદાં કાળાં, વાદળી કે ભગવાં વસ્ત્રો પહેરવાનાં રહે, જમીન પર ઊંઘવું પડે, દરરોજની પૂજા-પ્રાર્થના ચાલુ હોય. યાત્રા જંગલમાંથી પસાર થાય અને તેના થકી મંદિર સુધી પહોંચી શકાય.

આ મંદિરને લઈને એક માન્યતા એ છે કે ભગવાન અયપ્પાને ‘નૈષ્ઠિક બ્રહ્મચારી’ તરીકે પૂજવામાં આવે છે. આ માન્યતાના કારણે દાયકાઓથી એક પરંપરા એવી ચાલતી આવી હતી કે રજસ્વલા સ્ત્રીઓ (10થી 50 વર્ષની ઉંમરની) મંદિરની યાત્રા કરતી ન હતી. મંદિરના નિયમો જળવાય રહે, ત્યાં બિરાજમાન ભગવાનનું સન્માન જળવાય રહે તે માટે આ પરંપરા દાયકાઓથી ચાલતી આવતી. આ ચોક્કસ વયજૂથ (10-50) સિવાયની મહિલાઓને પ્રવેશ મળતો હતો.

કેરળના હિંદુ પ્લેસિસ ઑફ વર્શિપ રૂલ્સ, 1965માં પણ પછીથી જોગવાઈ કરવામાં આવી અને પરંપરા ટાંકીને મહિલાઓના મંદિરમાં પ્રવેશ પર રોક લગાવવામાં આવી. પરંતુ 1990માં આ મુદ્દો હાઇકોર્ટ પહોંચી ગયો.

કેરળ હાઇકોર્ટે યથાવત રાખી હતી પરંપરા, 2006માં સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો

કેરળ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર રોક લગાવવાની પરંપરાને પડકારવામાં આવી. 1991માં કેરળ હાઇકોર્ટે એક ચુકાદો આપીને પરંપરા યથાવત રાખી અને અરજી નકારી દીધી. કોર્ટે કહ્યું કે આ દાયકાઓ જૂની પરંપરા છે અને મંદિરના ચરિત્ર સાથે જોડાયેલી એક અગત્યની બાબત છે. રાજ્ય સરકારને પણ પરંપરા જળવાય રહે એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું.

2006માં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો જ્યારે ઇન્ડિયન યંગ લૉયર્સ એસોશિએશન દ્વારા એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી. આ અરજીમાં કેરળ હાઇકોર્ટના 1991ના ચુકાદાને પડકારવામાં આવ્યો અને નિયંત્રણોની બંધારણીય યોગ્યતાને પણ પડકારાઈ. દલીલ એ હતી કે આ પરંપરા બંધારણની વિરુદ્ધ છે, જે તમામ નાગરિકોને સમાન ગણે છે. એવી પણ દલીલ કરવામાં આવી કે આ ‘જેન્ડર ડિસ્ક્રિમિનેશન’ (લૈંગિક ભેદભાવ) છે.

બીજી તરફ પરંપરાના બચાવમાં કોર્ટને જણાવવામાં આવ્યું કે સબરીમાલાની આ એક પરંપરા છે અને આસ્થાની બાબતમાં અદાલતોએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ કારણ કે આ જ બંધારણ ધાર્મિક સ્વતંત્રતાનો પણ અધિકાર આપે છે.

છેક 2016માં કેસને ગતિ મળી અને ત્રણ જજોની બેન્ચ પાસે કેસને લિસ્ટ કરવામાં આવ્યો. મામલો બંધારણીય બાબતોને લગતો હતો એટલે ટૂંકી સુનાવણી બાદ પાંચ જજોની બંધારણીય બેન્ચને મોકલી આપવામાં આવ્યો. આખરે 2017માં પાંચ જજોની બેન્ચે સુનાવણી શરૂ કરી અને 28 સપ્ટેમ્બર, 2018ના રોજ મામલાનો ચુકાદો આપવામાં આવ્યો.

2018ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?

2018ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે પરંપરા પર રોક લગાવી દીધી અને ઠેરવ્યું કે તમામ વયજૂથની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ મળવો જોઈએ અને બાયોલોજિકલ ફેક્ટરોના આધારે બાકાત કરવું એ બંધારણની વિરુદ્ધ છે. કોર્ટે કહ્યું કે ધાર્મિક પ્રવૃત્તિઓ મૂળભૂત અધિકારોથી ઉપર જઈ શકે નહીં. પાંચ જજોની બેન્ચમાંથી એકમાત્ર મહિલા જજે અસહમતિ દર્શાવી અને નોંધ્યું કે કોર્ટે આસ્થાની બાબતમાં બહુ માથું મારવું ન જોઈએ પણ ચાર જજો પરંપરા અટકાવવાની તરફેણમાં હતા એટલે આખરે 4:1થી ચુકાદો પસાર કરવામાં આવ્યો.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેરળ અને દેશમાં અમુક ઠેકાણે પ્રદર્શનો પણ થયાં અને નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી. અમુક તથાકથિત મહિલા એક્ટિવિસ્ટોએ મંદિરે જઈને પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો અને તેના કારણે વિવાદ પણ સર્જાયો અને સુરક્ષાની સ્થિતિ પણ ઊભી થઈ. આજની તારીખે સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર તો મહિલાઓને પ્રવેશ પર રોક નથી પરંતુ તેમ છતાં સામાજિક રીતે આ નિર્ણયને માન્યતા મળી નથી.

ચુકાદા બાદ પણ વિવાદનો અંત ન આવ્યો અને અનેક પુનર્વિચાર અરજીઓ (રિવ્યૂ પિટિશન) દાખલ કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટને તેના ચુકાદા પર ફરી વિચાર કરવા માટે કહેવામાં આવ્યું. આખરે નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજીઓ સાંભળવા યોગ્ય છે પરંતુ તેને નવ જજોની બેન્ચ સમક્ષ મોકલવામાં આવે. બીજી તરફ કોર્ટે કહ્યું કે આ મામલો એક નહીં પણ અનેક ધાર્મિક પરંપરાઓને અસર કરતો છે, જેથી તેમાં અમુક અન્ય મામલાઓ પણ ઉમેરવામાં આવ્યા અને અરજીઓ ક્લબ કરવામાં આવી.

પછીથી તત્કાલીન ચીફ જસ્ટિસ એસ. એ બોબડેની અધ્યક્ષતામાં એક નવ જજોની બેન્ચ પણ રચવામાં આવી, પરંતુ કોરોના મહામારી અને અન્ય કારણોસર સુનાવણી આગળ ચાલી શકી નહીં. હવે ફરી એક વખત નવ જજોની બેન્ચની રચના કરવામાં આવી છે, જે 7 એપ્રિલથી 22 એપ્રિલ સુધી સુનાવણી કરશે. જેમાં 7થી 9 એપ્રિલ સુધીમાં રિવ્યૂ કરવાની તરફેણમાં જે પક્ષો છે તેઓ દલીલ કરશે અને 14થી 16 એપ્રિલ સુધીમાં વિરુદ્ધમાં રહેલા પક્ષો દલીલો આપશે. 21 એપ્રિલ સુધીમાં રિજોઇન્ડર દાખલ થશે અને 22મીએ સુનાવણી પૂર્ણ થશે. ત્યારબાદ કોર્ટ ચુકાદો અનામત રાખી શકે છે.

સબરીમાલા કેસ ઉપરાંત સુપ્રીમ કોર્ટે અન્ય પણ અમુક મામલા ક્લબ કર્યા છે. જેમકે મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓને પ્રવેશ હોવો જોઈએ કે કેમ, પારસી મહિલા સમુદાયમાંથી બહાર લગ્ન કરે તો તેને અગિયારીમાં પ્રવેશ આપવો જોઈએ કે કેમ વગેરે. કારણ કે કોર્ટનું કહેવું છે કે સબરીમાલા સહિત આ તમામ મામલાઓમાં એક પ્રશ્ન સામાન્ય છે કે શું કોર્ટે આસ્થાના વિષયોમાં હસ્તક્ષેપ કરવો જોઈએ અને કરવો જોઈએ તો ક્યાં સુધી કરવો જોઈએ.

સુપ્રીમ કોર્ટ આ સુનાવણી દરમ્યાન મૂળ 7 પ્રશ્નો પર વિચાર કરશે.

1) ભારતના બંધારણના આર્ટિકલ 25 હેઠળ ધર્મ સ્વતંત્રતાના અધિકારની સીમા અને વિસ્તાર ક્યાં સુધી છે

2) આર્ટિકલ 25 હેઠળ નાગરિકોને મળેલા ધાર્મિક અધિકારો અને આર્ટિકલ 26 હેઠળ ધાર્મિક સંપ્રદાયોને મળેલા અધિકારો વચ્ચે શું સંબંધ અને સંતુલન છે?

3) શું અનુચ્છેદ 26 હેઠળ ધાર્મિક સંપ્રદાયોને પ્રાપ્ત અધિકારો સાર્વજનિક વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્ય ઉપરાંત બંધારણના અન્ય મૌલિક અધિકારોને આધીન પણ છે?

4) આર્ટિકલ 25 અને 26માં ઉપયોગ કરવામાં આવેલ ‘નૈતિકતા’ શબ્દનો અર્થ શું છે? શું તેમાં ‘બંધારણીય નૈતિકતા’ પણ સામેલ છે?

5) આર્ટિકલ 25 સંદર્ભે ધાર્મિક પ્રથાઓની કોર્ટ દ્વારા સમીક્ષાની શું સીમા છે?

6) આર્ટિકલ 25(2)(b)માં ઉલ્લેખિત ‘હિંદુઓના વર્ગ’ (અંગ્રેજીમાં– સેક્શન ઑફ હિન્દુઝ) શબ્દનો શું અર્થ થાય?

7) શું કોઈ વ્યક્તિ જે કોઈ ધાર્મિક સંપ્રદાય કે સમૂહ સાથે સંકળાયેલી ન હોય, તે જાહેરહિતની અરજી દાખલ કરીને એ સંપ્રદાય કે સમૂહની ધાર્મિક પ્રથાને પડકારી શકે?

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં