સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મામલેના સુપ્રીમ કોર્ટના 2018ના ચુકાદા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજીઓ અને દેશમાં બંધારણ હેઠળ મળતી ધાર્મિક સ્વતંત્રતા સંબંધિત 7 પ્રશ્નો પર 9 જજની બેન્ચ દરરોજ સુનાવણી કરી રહી છે. બુધવારે (15 એપ્રિલ) હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં સબરીમાલા મંદિરનું સંચાલન કરતા ત્રાવણકોર દેવસ્વમ બૉર્ડ તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી. વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ દલીલો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.
મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે બંધારણ દરેકને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે, પરંતુ એ સમગ્ર સમુદાય કે ધર્મ પર હાવી થવો જોઈએ નહીં. ઉપરાંત કોર્ટ જ્યારે ધાર્મિક બાબતો પર કામ કરતી હોય ત્યારે કોર્ટે માત્ર એ જ જોવાનું રહે કે એ પરંપરા ધર્મનો ભાગ છે કે કેમ, તે સાચી છે કે ખોટી એ નક્કી કરવાનું કામ કોર્ટનું નથી.
સિંઘવીએ દલીલો રજૂ કરતાં કહ્યું કે પરંપરાઓ, પ્રથાઓ અને આસ્થા એ ધર્મનો ભાગ છે અને એ એક સમૂહની રચના કરે છે. બંધારણ દરેકને આર્ટિકલ 25 હેઠળ કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપે છે પરંતુ તેનો અર્થ એ નથી કે આ વ્યક્તિગત સ્વતંત્રતા એક જ ધાર્મિક સમૂહ પર હાવી થઈ જાય. ટૂંકમાં સમજીએ તો અહીં બોર્ડ એમ કહેવા માગે છે કે કોઈ એક વ્યક્તિ કે નાનું જૂથ ધાર્મિક સ્વતંત્રતાનો હવાલો આપીને એમ ન કહી શકે કે તેમણે અમુક ધાર્મિક પ્રથામાં બદલાવ લાવવો છે, કારણ કે જો એ બદલાવ આવે તો તેની સીધી અસર આખા સમુદાયની આસ્થા પર પડશે. એટલે વ્યક્તિગત સ્વતંત્રતાને સામુદાયિક સ્વતંત્રતા પર હાવી થવા દેવાય નહીં. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પણ અગાઉ આ જ દલીલ પર ભાર મૂક્યો હતો.
‘ધાર્મિક માન્યતા નક્કી કરવાનું કામ કોર્ટનું નથી, કોર્ટ માત્ર એ જુએ કે તેનું પાલન થાય છે કે કેમ’
પરંપરાઓ પર બોર્ડ જણાવે છે કે કોર્ટે માત્ર એટલું જોવાનું રહે છે કે જે-તે ધાર્મિક પ્રથા જેન્યુઇન છે કે કેમ અને સમાજમાં અનુસરવામાં આવી રહી છે કે કેમ. ત્યાં કોર્ટનું કામ પૂરું થઈ જાય છે. એ કોર્ટનું કામ નથી કે એ નક્કી કરવા બેસે કે આ પ્રથા ‘યોગ્ય’ છે કે નહીં. આ કામ જજોનું નથી. જો કોઈ ધાર્મિક સમુદાયને લાગતું હોય કે જે-તે પ્રથા યોગ્ય છે તો કોર્ટે તેનું સન્માન કરવું જોઈએ.
મંદિર સંચાલન કરતા બોર્ડે દલીલોમાં કહ્યું કે બંધારણ જેવું છે તેવું તેના સ્વરૂપમાં તેનું અર્થઘટન કરવાનું કામ કોર્ટનું છે, કોર્ટ નવેસરથી તેનાં જુદાં-જુદાં અર્થઘટન ન કરી શકે અને એવી બાબતો ન ઉમેરી શકે જે બંધારણમાં લખવામાં જ આવી નથી. ભૂતકાળમાં અમુક ચુકાદાથી એવું પ્રસ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા કે કોર્ટ નક્કી કરતી હતી કે અમુક ધાર્મિક પરંપરાઓ જે-તે ધર્મનો મૂળ ભાગ છે કે કેમ. પરંતુ વાસ્તવમાં બંધારણમાં પણ લખ્યું નથી કે આ કામ કોર્ટનું છે.
ધાર્મિક સ્વતંત્રતા બાબતે અમુક મર્યાદાઓ છે જ, કોર્ટ નવી ન ઉમેરે
આગળ એ દલીલ રજૂ કરવામાં આવી કે બંધારણમાં પહેલેથી જ ધાર્મિક સ્વતંત્રતા બાબતે પણ અમુક મર્યાદાઓ આપવામાં આવી છે, કોર્ટે તેમાં હસ્તક્ષેપ કરીને નવી મર્યાદાઓ ઉમેરવી ન જોઈએ. જેમકે આર્ટિકલ 25માં પબ્લિક ઓર્ડર, નૈતિકતા અને સ્વાસ્થ્ય વગેરે મુદ્દા મર્યાદાઓમાં સમાવવામાં આવ્યા છે. હવે કોર્ટે તેમાં નવી શરતો કે નવાં નિયંત્રણો લાગુ કરવાની જરૂર નથી, કારણ કે તેનાથી બંધારણ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી સિસ્ટમ જ બગડશે.
Sr Adv AM Singhvi: First, religion is a set of beliefs and practices followed by a group, sect, or denomination with a broadly similar identity. While Article 25 clearly vests in an individual the right to profess, practise and propagate religion, such individual rights cannot be…
— Bar and Bench (@barandbench) April 15, 2026
તેમનું કહેવું છે કે કોઈ એક હકને સુનિશ્ચિત કરવામાં એવું ન થવું જોઈએ કે અન્ય આખી પરંપરા કે પ્રથા જ નાબૂદ થઈ જાય. કોર્ટ સમાનતા લાગુ કરવામાં એવું ન કરે કે ધર્મની પરંપરા જ નષ્ટ થઈ જાય અને બીજી તરફ એવું પણ ન થઈ શકે કે ધાર્મિક પરંપરા એવી બનાવી દેવામાં આવે કે તેમાં સમાનતા ન રહે.
દેવતાના બ્રહ્મચર્યના કારણે પ્રથા, અન્ય મંદિરો ખુલ્લાં જ છે: બૉર્ડ
અંતે અભિષેક સિંઘવીએ બોર્ડ તરફથી દલીલો રજૂ કરતાં કહ્યું કે સબરીમાલા એ ભગવાન અયપ્પાનું મંદિર છે, જેમનાં દેશભરમાં સેંકડો મંદિર છે. આ મંદિરમાં તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી તરીકે બિરાજમાન છે. એ જ કારણ છે કે ત્યાં જવા માટે અનુષ્ઠાન કરવાં પડે છે. અહીં મૂળ દલીલ એ છે કે મહિલાઓને બાકાત રાખીને તેમના અધિકારનું હનન કરવામાં આવી રહ્યું છે. પરંતુ હકીકત એ પણ છે કે મહિલાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ નથી. 10થી નીચેની અને 50થી ઉપરની મહિલાઓને મંદિર પ્રવેશ આપવામાં આવી જ રહ્યો છે. જેથી એમ ન કહી શકાય કે અહીં લૈંગિક ભેદભાવ થઈ રહ્યો છે.
Sr Adv AM Singhvi: On this Sabarimala issue, I am not arguing the facts. The facts are not so much as law. It cannot be completely in an ivory tower in abstract. Relate it for three or four minutes to why we are saying what we are saying. I will take not more than three or four…
— Bar and Bench (@barandbench) April 15, 2026
બીજું, આ મહિલાઓ ભગવાન અયપ્પાનાં અન્ય મંદિરોમાં જઈ જ શકે છે, ત્યાં તેમની ઉપર કોઈ રોક નથી. આ મંદિરનું, તેના દેવતાનું ચરિત્ર એ પ્રકારનું છે, જેથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્ર સરકારે પણ દસ મુદ્દામાં પોતાની દલીલો રજૂ કરીને જણાવ્યું હતું કે મંદિરમાં બિરાજમાન દેવતાના બ્રહ્મચર્યનું સન્માન કરવું જરૂરી છે. સાથે સરકારે એમ પણ કહ્યું હતું કે જે વ્યક્તિ ધર્મનો હિસ્સો ન હોય તેણે જાહેરહિતની અરજી દાખલ કરીને જે-તે ધર્મમાં ફેરફારો લાવવાની માંગ ન કરવી જોઈએ. ઉપરાંત કોર્ટના ધાર્મિક બાબતોના હસ્તક્ષેપ પણ સમાન વિચારો રજૂ કર્યા હતા.
સબરીમાલા કેસ પર સુપ્રીમ કોર્ટ કેમ સુનાવણી કરી રહી છે અને કયા સાત પ્રશ્નોના જવાબ મેળવવામાં આવશે એ અહીંથી વિગતવાર વાંચી શકાશે.


