કોઈ પણ મુદ્દો હોય તેની ઉપર કોંગ્રેસની આખી ઇકોસિસ્ટમે પ્રોપગેન્ડા ફેલાવવા માટે કરેલી મહેનત પર પાણી કઈ રીતે ફેરવી દેવું અને આડકતરી રીતે સત્તાપક્ષને મદદ કઈ રીતે કરવી– આ બાબતમાં હવે રાહુલ ગાંધીએ બે દાયકાના રાજકારણ પછી સારી એવી મહારત હાંસલ કરી લીધી છે. થોડા દિવસ પહેલાં સંસદનું બજેટ સત્ર શરૂ થયું ત્યારે સરકાર ઘણા મુદ્દાઓમાં થોડી બેકફૂટ પર જોવા મળી હતી પણ રાહુલ ગાંધીએ આવીને એવો ‘માસ્ટરસ્ટ્રોક’ ખેલી દીધો છે કે હવે મામલો સંપૂર્ણપણે કોંગ્રેસ અને રાહુલની વિરુદ્ધ જ થઈ ગયો છે.
પૂર્વ સેનાધ્યક્ષ જનરલ નરવણેના અપ્રકાશિત પુસ્તક ‘ફોર સ્ટાર્સ ડેસ્ટિની’ની મેન્યુસ્ક્રિપ્ટ પર આધારિત હોવાનો દાવો કરીને એક લેફ્ટિસ્ટ પત્રકારે ઘસી મારેલા લેખને લઈને લોકસભામાં પહોંચી ગયેલા રાહુલ ગાંધીને શરૂઆતમાં તો લાગ્યું કે આ મુદ્દે તેઓ અને તેમની પાર્ટી મળીને સરકારને ઘેરી લેશે, પણ હવે સ્થિતિ એ સર્જાઈ છે કે સ્વયં રાહુલ ગાંધી જ ફસાઈ ગયા છે.
1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ થયું. તે પહેલાં સત્રની શરૂઆતમાં પરંપરા મુજબ રાષ્ટ્રપતિએ સંસદનાં બંને ગૃહના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. 2 ફેબ્રુઆરીથી આ અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થવાની હતી. ચર્ચામાં બોલવા માટે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને કહેવાયું તો તેઓ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા પર લઈ ગયા અને ચીન મુદ્દે સરકારને ઘેરવા માટે ‘કારવાં’ મેગેઝિનમાં આગલા જ દિવસે લખાયેલો એક લેખ લઈ આવ્યા, જે જનરલ નરવણેના એ પુસ્તક પર આધારિત હોવાનું કહેવાય છે જે હજુ પ્રકાશિત થયું નથી.
પુસ્તક મે 2024માં આવવાનું હતું, પણ રક્ષા મંત્રાલયે પછી તેને સમીક્ષા માટે લઈ લીધું અને પ્રકાશન પર કામચલાઉ ધોરણે રોક લગાવી. આજની તારીખે પુસ્તક મંત્રાલય પાસે છે અને નિયમો પ્રમાણે ત્યાંથી ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી આગળ વધી શકે નહીં. રક્ષા અધિકારીઓનાં પુસ્તકોમાં રાષ્ટ્રીય સુરક્ષાને લગતી અમુક સંવેદનશીલ બાબતો ન જતી રહે તે સુનિશ્ચિત કરવા માટે મંત્રાલય આ પ્રકારે પુસ્તકોની સમીક્ષા કરતું રહે છે. આ એક જ ઉદાહરણ નથી.
રાહુલ ગાંધીના આ પુસ્તકને ટાંકવાના પ્રયાસો પછી સરકારે અને લોકસભા સ્પીકરે જ્યારે તેમને સમજાવ્યું કે અપ્રકાશિત પુસ્તકને આ રીતે સંસદમાં ટાંકી શકાય નહીં તો તેઓ બીજા દિવસે પુસ્તકની હાર્ડ કૉપી લઈને સંસદ પહોંચી ગયા અને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે પુસ્તક તો છપાઈ ચૂક્યું છે અને તેમની પાસે નકલ પણ છે. પણ અહીં તેઓ ફસાઈ ગયા.
9 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે પુસ્તક રક્ષા મંત્રાલયના ક્લિયરન્સની રાહ જોતું હોવા છતાં તેની સામગ્રી સોશિયલ મીડિયા પર ફરતી હોવાનું સંજ્ઞાન લઈને એક FIR દાખલ કરી દીધી અને તેની તપાસ સ્પેશિયલ સેલને સોંપવામાં આવી.
કાયદેસર તો જ્યારે બે દિવસ પહેલાં રાહુલ ગાંધી સંસદ ભવન પરિસરમાં આ પુસ્તકની નકલ લહેરાવતા ફરતા હતા ત્યારે જ પ્રકાશન ગૃહ પેંગ્વિન ઇન્ડિયાએ ચોખવટ કરવાની હોય પણ FIR થયા પછી તેઓ જાગ્યા અને એક નિવેદનમાં કહ્યું કે અમે આ પુસ્તકના પ્રકાશનના હકો ધરાવીએ છીએ, પણ પુસ્તક હજુ પ્રકાશિત પણ થયું નથી અને બજારમાં પણ આવ્યું નથી. સાથે કહ્યું કે જો તેની સામગ્રી કે નકલો બહાર ફરતી હોય તો એ કૉપીરાઇટ ઉલ્લંઘન કહેવાય અને તેઓ કાયદેસરની કાર્યવાહીમાં સહકાર આપવા માટે તૈયાર છે.
Statement from the publisher. pic.twitter.com/pksacg3EeT
— Penguin India (@PenguinIndia) February 9, 2026
પેંગ્વિનની આ સ્પષ્ટતા પછી પણ રાહુલ ગાંધી નમતું મૂકવા તૈયાર ન હતા. તેમણે 10 ફેબ્રુઆરીએ જનરલ નરવણેની એક X પોસ્ટ બતાવીને કહ્યું કે 2024માં તેમણે પુસ્તક વિશે જાહેરાત કરી હતી.
‘પ્રિ-ઓર્ડર’ અને ‘પ્રકાશન’ માં અટવાઈ કોંગ્રેસ
આ જાહેરાતમાં શું છે? જનરલ નરવણે અને પેંગ્વિને જાહેરાત કરી હતી કે પુસ્તક આવી રહ્યું છે અને તેના માટે વાચકો પ્રિ-ઓર્ડર કરી શકશે. આ નવી વાત નથી. રોજ અનેક પ્રકાશનગૃહો તેમનાં અનેક પુસ્તકોના આ રીતે પ્રિ-ઓર્ડરની ઘોષણા કરતા હોય છે. પણ શું પ્રિ-ઓર્ડરનો અર્થ એ થાય કે પુસ્તક આવી ગયું છે? ના. રાહુલ ગાંધી અને તેમને સ્ક્રિપ્ટ લખી આપનારાઓ આ રીતે પુસ્તકો વાંચવાની આદત નહીં હોય એટલે ગફલતમાં રહ્યા.
વાસ્તવમાં પ્રિ-ઓર્ડર પુસ્તક છપાવા પહેલાં, બજારમાં આવ્યા પહેલાં જ શરૂ થઈ જાય છે. ઘણાં પુસ્તકો બે-બે અને ત્રણ-ત્રણ મહિના સુધી પ્રિ-ઓર્ડરમાં રહે છે. વાચકો આ સમય દરમ્યાન તેમની નકલ નોંધાવી શકે અને પ્રકાશન થાય, પુસ્તક આવી જાય પછી તેમને પહોંચાડી દેવામાં આવે. આ સામાન્ય પ્રેક્ટિસ છે. પુસ્તક વાંચતા કોઈ પણ માણસને ખબર હોવાની. એટલે અહીં એવું ન કહેવાય કે પુસ્તક આવ્યું નથી તો પ્રિ-ઓર્ડરની જાહેરાત કેમ થઈ હતી? એ તદ્દન સામાન્ય છે. બધે આમ જ હોય.
પછી આ જ વાત પેંગ્વિને સમજાવી. પ્રકાશનગૃહે કહ્યું કે પ્રિ-ઓર્ડર અને પબ્લિશ્ડ બુક એ બંને સમાન નથી. પ્રિ-ઓર્ડર સ્ટેજમાં હોય ત્યારે પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું હોય કે બજારમાં ઉપલબ્ધ હોય એમ નથી. તે ભવિષ્યમાં પ્રકાશિત થવાનું હોય. પબ્લિશ્ડ ત્યારે જ ગણાય જ્યારે તેને સત્તાવાર રીતે બજારમાં મૂકવામાં આવે.
પછીથી જનરલ એમ. એમ નરવણેએ પણ આ પોસ્ટને ક્વોટ કરીને લખ્યું કે વાસ્તવિક પરિસ્થિતિ આ છે અને કોઈ ગેરમાર્ગે ન દોરાય.
This is the status of the book. https://t.co/atLtwhJvl0
— Manoj Naravane (@ManojNaravane) February 10, 2026
આ કિસ્સામાં એવું બન્યું કે પુસ્તકના પ્રિ-ઓર્ડર લેવાના શરૂ કરી દેવામાં આવ્યા હતા પરંતુ પછીથી રક્ષા મંત્રાલયે પુસ્તક પોતાના હસ્તક લઈ લીધું જેથી પ્રિ-ઓર્ડર રદ કરીને જેમણે જેમણે ઓર્ડર આપ્યા હતા તેમના પૈસા રિફન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા.
હવે મૂળ પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધી નકલ ક્યાંથી લાવ્યા? એ દિલ્હી પોલીસ તપાસ કરશે ત્યારે જાણવા મળશે. પરંતુ એટલું નક્કી છે કે કોંગ્રેસી યુવરાજે ફરી એક વખત બાફી માર્યું છે અને મૂરખ સલાહકારોએ બતાવેલા રસ્તે ચાલીને ફરી એક વખત પાર્ટીને વિમાસણમાં મૂકી દીધી છે.
‘મને જનરલ નરવણેની વાતો પર વિશ્વાસ છે’ કહેનાર રાહુલ ગાંધી પૂર્વ સેનાધ્યક્ષની બીજી વાતો કેમ માનતા નથી?
બીજું, રાહુલ ગાંધી પોતે જ પોતાની અનેક વાતોમાં ફિટ બેસતા નથી. તેઓ કહે છે કે તેમને દેશના પૂર્વ સેનાધ્યક્ષ પર પૂરેપૂરો વિશ્વાસ છે અને તેઓ જે કહે છે એ સત્ય માનવું જોઈએ. તો પછી રાહુલ ગાંધી અને તેમની ગેંગ એ કેમ માનતી નથી કે આ જ જનરલ નરવણે જ્યારે પોતે સેનાધ્યક્ષ હતા ત્યારે અને ત્યારપછી પણ અનેક તબક્કે એવું કહી ચૂક્યા છે કે ચીન 2020 પછી એક ઇંચ પણ આ તરફ આવ્યું નથી. તેના સ્થાને રાહુલ ગાંધીએ સંસદમાં, બહાર કે દેશની બહાર પણ કાયમ ચીને ભારતની જમીન કબજે કરી લીધી હોવાના રાગડા તાણ્યા છે. અહીં રાહુલ ગાંધી કેમ જનરલ નરવણેનું માનતા નથી?
રાહુલ ગાંધી એવું સાબિત કરવા મથતા હતા કે વડા પ્રધાન મોદી ડરપોક છે અને સમય આવ્યે નિર્ણય લઈ શક્યા ન હતા. તેનો આધાર ‘જો ઉચિત સમજો વો કરો’ વિધાન હતું. ફેસ વેલ્યુ પર લઈએ તોય એ વાક્યમાં કશું જ ખોટું ન હતું. આવા સમયે વડા પ્રધાન માઇક્રો મેનેજમેન્ટ કરવા ન બેસે અને સેનાને છૂટો દોર આપે. મોદીએ એ જ કર્યું હતું.
ત્યારપછી કોંગ્રેસ સાંસદોના હોબાળાના કારણે વડા પ્રધાનનું લોકસભામાં ભાષણ શક્ય ન બન્યું તો રાહુલે ચલાવવા માંડ્યું કે મોદી ચર્ચાથી ડરી ગયા છે પણ પછી એક વિડીયો આવી ગયો, જેમાં ખરેખર મહિલા સાંસદો પોસ્ટર લઈને વડા પ્રધાનના આસન પાસે જઈને સૂત્રોચ્ચાર કરતાં દેખાયાં. બીજી તરફ રાહુલ ગાંધી સતત આ મુદ્દાને વળગેલા રહ્યા અને આખરે તેમાં ‘ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બાર આના’ જેવો ઘાટ સર્જાયો!
હવે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે. તેમાં રાહુલ ગાંધીની જ મહેનત ફરી એક વખત રંગ લાવી છે. દર સત્રમાં જેમ થાય છે એ જ રીતે રાહુલ ગાંધીને કોઈએ આ ચોપડી આપીને સ્ક્રિપ્ટ પકડાવી દીધી હતી. તેઓ તેને વળગેલા રહ્યા. તેમણે સરકારને ઘેરવા માટે જાળ પાથરી હતી અને આખરે પોતે જ એમાં ફસાઈ ગયા!


